- આજકાલ - પ્રીતિ શાહ
- ટર્નઑવર આજે લાખોમાં પહોંચ્યું છે, પરંતુ તેની ઇચ્છા ટૂંક સમયમાં સવા કરોડ સુધી પહોંચાડવાની છે
મા નવીને સહજ રીતે પ્રાપ્ત થતી વસ્તુનું મૂલ્ય તત્કાળ સમજાતું નથી. તેનો વાસ્તવિક અનુભવ સમગ્ર માનવજાતે કોરોનાકાળમાં ઑક્સિજનની અછત સર્જાવાથી કર્યો. એવી જ રીતે આપણને મળેલાં શરીરમાં ક્યારેક કોઈ રોગથી કે અકસ્માતથી શારીરિક મર્યાદા અનુભવવી પડે ત્યારે એ અંગનું મહત્ત્વ સમજાય છે. આવો અનુભવ કૉલકાતાની સૌમિતા બાસુને થયો. ૨૦૧૯માં આર્થ્રાઈટિસને કારણે તેના રોજિંદા જીવનમાં તકલીફ પડવા લાગી. જે વસ્તુ વિશે તેણે ક્યારેય વિચાર નહોતો કર્યો, તેને માટે સંઘર્ષ કરવો પડતો હતો. જેમકે કપડાં પહેરવાં, સ્નાન અને ભોજનની ક્રિયામાં તકલીફ પડવા લાગી, કારણ કે આર્થ્રાઈટિસને કારણે શરીરનું એંસી ટકા હલનચલન મર્યાદિત થઈ ગયું હતું. વર્ષોથી દુઃખાવો સહન કરતાં દર્દીઓ તેમજ વૃદ્ધાવસ્થાને કારણે પડતી મુશ્કેલીઓ અનુભવતી વ્યક્તિઓને પરંપરાગત કપડાંઓ પહેરવામાં અત્યંત તકલીફ પડે છે.
સૌમિતાને જ્યારે જ્યારે તૈયાર થવું હોય ત્યારે માતાની મદદ લેવી પડતી. ક્યારેક ખૂબ નિરાશ થઈ જતી. એણે જોયું કે ઘણા લોકો આવી મુશ્કેલીનો અનુભવ કરતા હતા અને તેમાંથી તેને આવા લોકોને અનુકૂળ આવે તેવાં કપડાં બનાવવાનો વિચાર આવ્યો. તેની માતા અમિતા બાસુના સાથથી ૨૦૨૦માં ઝેનિકા શરૂ થયું. માત્ર એકવીસ હજાર રૂપિયાથી શરૂઆત કરી. તેમણે આવા લોકોને અનુકૂળ આવે તેવી કપડાંની ડિઝાઈન બનાવી. સ્થાનિક દરજીનો સંપર્ક સાધીને નમૂનાના કપડાં સીવડાવ્યાં અને તેમાં જ્યાં ભૂલ થતી હતી તેમાં સુધારો કર્યો. શરૂઆતમાં એકેય કપડાંથી સંતોષ ન થયો, પરંતુ જ્યાં સુધી સંતોષ ન થયો ત્યાં સુધી એ ડિઝાઈનમાં ફેરફાર કરતા રહ્યાં.
આવાં કપડાંમાં બે વસ્તુ મહત્ત્વની છે એક તો તે પહેરવાની પ્રક્રિયા સરળ હોવી જોઈએ અને સમકાલીન ફેશનના કપડાંની અનુભૂતિ થવી જોઈએ. કોઈ કિશોરવયની વ્યક્તિ સ્ટોરમાં કપડાં પહેરીને જુએ અને તેને શરીર પર ફીટિંગ ન આવતું હોય તો તે અરીસામાં જોઈને જ એ કપડાં નહીં ખરીદે, પછી ભલેને કોઈ ગમે તેટલું કહે કે આ વસ્ત્રોમાં તે સરસ લાગે છે. કપડાંનો અસ્વીકાર તેના આત્મવિશ્વાસને નબળો બનાવશે. તેમણે કપડાં બંધ કરવામાં બટન કે હૂકને બદલે મેગ્નેટ અને વેલ્ક્રોનો ઉપયોગ કર્યો. આગળથી આખું ખુલી શકે તેવાં ફેશનેબલ ફ્રોક, કુર્તા અને ગાઉન બનાવ્યાં. જુદી ડિઝાઈનવાળા પેન્ટ બનાવ્યાં, જેથી આંગળીઓના હલનચલનમાં મુશ્કેલી હોય, પીઠનો દુઃખાવો હોય કે ફ્રોઝન સોલ્ડરની તકલીફ હોય, તેમને આ કપડાં પહેરવામાં કોઈ તકલીફ ન પડે. તેઓ કોઈની મદદ વિના પોતાની જાતે તૈયાર થઈ શકે.
સૌમિતા કહે છે કે કોઈ પણ ફેશન સ્ટાર્ટઅપ શરૂ કરવું સહેલું નથી. તેમને ગ્રાસરૂટ ઈનોવેશન ઓગમેન્ટેશન નેટવર્ક દ્વારા પાંચ લાખ રૂપિયાની ગ્રાંટ મળી. ધીમે ધીમે તેમને સહાય અને માર્ગદર્શન મળવા લાગ્યા. તેઓ કહે છે કે આ બ્રાંડ ઊભી કરવામાં તેમનો પરિવાર, ગ્રાહકો, મેન્ટર્સ અને દરેક વ્યક્તિ કે જેઓ ઈન્ક્લુઝીવ કપડાં હોવા જોઈએ તેમ માને છે, તે દરેકનો તેઓ આભાર માને છે. સિંગલ મધર્સ, ડ્રેસ સીવનારી મહિલાઓ અને દિવ્યાંગો દ્વારા આ કપડાંઓ તૈયાર થાય છે. આ કોઈ ચેરિટી નથી, પરંતુ સહયોગ છે. એ કહે છે કે, 'મેં કોઈને સશક્ત નથી બનાવ્યા, પરંતુ તેઓ ગુણવત્તાવાળા ગારમેન્ટ બનાવીને મને સશક્ત કરી રહ્યા છે.' તેઓ વેલ્ક્રોવાળા કુર્તા બનાવે છે જેથી આર્થ્રાઈટિસ થયો હોય તેને પહેરવામાં તકલીફ ન પડે. એવી જ રીતે મોટી ઉંમરની વ્યક્તિને વળવામાં તકલીફ હોય તો તેમને માટે સાઈડમાં ચેઈન હોય તેવા પેન્ટ બનાવે છે.
એક સ્ત્રીએ તેમને જણાવ્યું કે ઝેનિકાનો કુર્તો પહેરવાથી જાણે પોતાની જાતને ફરી મળતી હોય તેવું લાગે છે. જ્યારે સાત વર્ષના છોકરાએ સ્કૂલના અભ્યાસને એ માટે તિલાંજલિ આપી કે તેને વોશરૂમમાં બહુ તકલીફ પડતી હતી. આજે ડિઝાઈન કરેલું પેન્ટ પહેરીને તે અને તેના પરિવારજનો ખૂબ ખુશ છે. સૌમિતાને સૌથી વધારે આનંદ તો એ થયો કે જોગર્સ, મહિલાઓ, વ્યવસાયિકો કે જેમને સમયનો અભાવ છે તેવા લોકો પણ આ કપડાં પહેરવાનું પસંદ કરે છે. બજારમાં હજી જોઈએ તેવો પ્રચાર થયો નથી, પરંતુ હવે ફેશન ઈન્ડસ્ટ્રીને ઇન્ક્લુઝીવ ડિઝાઈનના કપડાંનું મહત્ત્વ સમજાયું છે. ઘણા છૂટક વેપારીઓ તેમની પાસેથી કપડાં લઈને વેચવાનું વિચારે છે. સૌમિતા કહે છે કે જે લોકો કપડાં ખરીદે છે તે માત્ર ગ્રાહક નથી, પરંતુ કો-ક્રિયેટર છે. તેમના સૂચનો અને અનુભવોમાંથી ઘણું શીખવા મળે છે. આજે ઝેનિકામાં ચાર કર્મચારી કામ કરે છે જે માર્કેટિંગ, ડિઝાઈન અને સોશિયલ મીડિયા સંભાળે છે. તેનું ટર્નઑવર આજે લાખોમાં પહોંચ્યું છે, પરંતુ તેની ઇચ્છા ટૂંક સમયમાં સવા કરોડ સુધી પહોંચાડવાની છે. આજે જ્યારે લાખો લોકો રોજિંદા જીવનમાં કપડાં પહેરવામાં મુશ્કેલી અનુભવે છે, ત્યારે આવાં કપડાં એ કોઈ ફેશન કે લક્ઝરી નથી, પરંતુ જરૂરિયાત છે. 'એવરીબડી મેટર્સ'ની ટેગ લાઈન ધરાવતું ઝેનિકા બ્રાંડ વ્યક્તિને સ્વતંત્રતા, આત્મવિશ્વાસ અને ગૌરવ આપવા ઇચ્છે છે.

- મલિકના મનની મહેચ્છા
- કિફાયતુલ્લાહ મલિક કહે છે કે તમારો ઈરાદો સારો હોય અને પ્રામાણિકતાથી કામ થતું હોય તો ઘણા લોકો તમને મદદ કરે છે
કા શ્મીરના અશાંત જિલ્લાઓમાંનું એક બાંદીપોરા છે, પરંતુ આ એની ઓળખ નથી. બાંદીપુરામાં ગુરેઝ વેલી અને વુલર લેક જોવા લોકો જાય છે, પરંતુ આજે બાંદીપુરા કિફાયતુલ્લાહ મલિકને કારણે પણ જાણીતું છે. બાંદીપુરાના લવાયપોરા ગામમાં ખેડૂત પિતાને ત્યાં કિફાયતનો જન્મ થયો. ખેતીની આવકમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. કિફાયત મોટો થતાં એને સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ થોડાં વર્ષોમાં તેણે જોયું કે તેના સહાધ્યાયીઓ સ્કૂલમાંથી ગાયબ થઈ જતા અને પછી ક્યારેય સ્કૂલમાં જોવા મળતા નહીં. મોટા થતાં તેને ખ્યાલ આવ્યો કે તેના સમુદાયના મોટાભાગના કુટુંબોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે સંતાનને સ્કૂલ છોડાવીને મજૂરી કરાવતા હતા. કિફાયતના પિતાની પણ એવી જ ઇચ્છા હતી કે માધ્યમિક સ્કૂલનું શિક્ષણ પૂરું થાય એટલે પુત્ર તેમને ખેતીમાં મદદ કરે, પરંતુ કિફાયત તો આગળ અભ્યાસ કરવા માગતો હતો. શ્રીનગરની અમરસિંહ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ યુનિવર્સિટી ઑફ કાશ્મીરમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેના પરિવારમાં તે પહેલી વ્યક્તિ હતી કે જે સ્કૂલ-કૉલેજમાં ગઈ હોય !
આજે કિફાયતુલ્લાહ પહાડી વિસ્તારો અને આદિવાસી બાળકોમાં શિક્ષણ પરિવર્તન લાવવા માટે કામ કરે છે. તે અગાઉ અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પાસેથી પાઠયપુસ્તકો મેળવે છે તે ઉપરાંત નોટબુક, પેન વગેરે ખરીદવા માટે સહાય કરે છે. તેણે સમાન વિચારધારા ધરાવતા યુવાનોનો એક સમૂહ તૈયાર કર્યો છે. તે પર્વતારોહી હોવાથી વિદ્યાર્થીઓને ટ્રેકિંગ માટે પણ લઈ જાય છે અને સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપે છે. કિફાયતુલ્લાહને તેના કામમાં ધીમે ધીમે સફળતા મળવા લાગી. આજે તેની સાથે દસથી બાર સ્વયંસેવકો કામ કરે છે. ગુજ્જર અને બકરવાલ જનજાતિ પર લક્ષ કેન્દ્રિત કર્યું, કારણ કે આદિવાસી સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. તેણે તેનું ધ્યાન 'હર ઘર તાલીમ' પર કેન્દ્રિત કર્યું. ઘણાં બાળકોમાં શિક્ષણ મેળવવાની ઘણી ઉત્સુકતા જોવા મળી. તેને આદિવાસી સમાજની સુમૈયા નામના છોકરી મળી અને કહ્યું કે તેને પાંચમા ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો છે, કારણ કે તેના માતા-પિતા તેના બે નાના ભાઈ અને સુમૈયાના ભણતરનો ખર્ચ કરી શકે તેમ નહોતા. સુમૈયાની આગળ અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા જોઈને તેણે તેને પુસ્તકો અને સ્ટેશનરી અપાવ્યાં, એટલું જ નહીં તેના માતા-પિતાને પણ સમજાવ્યા. છેવટે અભ્યાસ છોડી દીધાના બે વર્ષ પછી તેણે ભણવાનું શરૂ કર્યું. તેનું સ્વપ્ન શિક્ષિકા બનવાનું છે અને શિક્ષિકા બનીને જે છોકરીઓ ભણી શકતી નથી, તેને શિક્ષણ અપાવવાનું છે.
જમ્મુ-કાશ્મીરની સરકારના હેવાલ પ્રમાણે આદિવાસી સમાજમાં તેનું પ્રમાણ પંદર ટકા છે, જેમાં છોકરીઓનું ૧૯ ટકા અને છોકરાઓનું અગિયાર ટકા જેટલું પ્રમાણ છે. ઉરીની એક શિક્ષિકાએ પણ કિફાયતુલ્લાહને કહ્યું કે બાળકોને અભ્યાસ કરવો હોય છે, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે જ્યારે અભ્યાસ છોડાવી દેવામાં આવે છે, ત્યારે ખાસ કરીને છોકરીઓને વિશેષ દુઃખ થતું હોય છે. એમાંય તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે તે વખતે વિશેષ દુઃખ થાય છે. ઘણા લોકો એને એક સો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીની સહાય પણ કરે છે. સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી, પરંતુ આ વિસ્તારોમાં તે સરકારી યોજનાની માહિતી આપે છે, માર્ગદર્શન આપે છે અને તેનું મહત્ત્વ સમજાવે છે. તેઓ કેટસન, દાખી, ડાંગરનાર, ચિંચર જેવા અંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે.
તેઓ સરકારની જુદી જુદી યોજના અંતર્ગત આદિવાસી સ્ત્રીઓને વ્યવસાયિક કૌશલ્ય શીખવે છે, કારણ કે મોટાભાગના લોકો ત્યાં મળતાં સંસાધનોથી જ અજાણ હોય છે. તેથી તેમનામાં તેના વિશે જાગૃતિ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરીને તેમને નવી બાબતો શીખવા માટે અને રોજગારી માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે, કારણ કે એક વખત માતા-પિતા આ શીખશે તો તેનો લાભ તેના સંતાનોને મળશે અને શિક્ષણમાં સહાયભૂત થશે એમ તેઓ માને છે. ત્રણ મહિના સીવણના વર્ગો ભર્યા પછી ઘણી મહિલાને રોજના ત્રણસો-ચારસો રૂપિયાની આવક થાય છે. દરેક ગામમાં આજે બાર મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રૂપ કાર્યરત છે. સરકારે કિફાયતુલ્લાહ મલિકને રીસર્ચ એન્ડ એક્સટેન્શન એસોસિયેશન ફોર કન્ઝર્વેશન ઑફ હોર્ટીકલ્ચર એન્ડ એગ્રોફોરેસ્ટ્રીના કો-ઓર્ડિનેટર બનાવ્યા છે. જેના દ્વારા તેઓ અંતરિયાળ ગામોમાં ડિજિટલ સાક્ષરતા માટે કામ કરી રહ્યા છે. આજે પચીસ વર્ષના કિફાયતુલ્લાહના પ્રયત્નોથી આશરે આઠસો બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. અનેક ઍવૉર્ડ મેળવનાર કિફાયતુલ્લાહ મલિકને રાષ્ટ્રપતિના હાથે નેશનલ સોશિયલ સર્વિસનો ઍવૉર્ડ મળ્યો, આ ઍવૉર્ડ મેળવનાર યુનિવર્સિટી ઑફ કાશ્મીરનો પ્રથમ વિદ્યાર્થી છે. બાળક ક્યાંથી આવે છે તે મહત્ત્વનું નથી, પરંતુ દરેક આદિવાસી બાળકને શિક્ષણ મળે તેવી પરિસ્થિતિ સર્જવાની તેમની મહેચ્છા છે.


