- પ્રફુલ્લ કાનાબાર
- 'સંતોષ, મને એક વાતનું અચરજ થયું કે ગઈકાલે રાત્રે જૂઠનો સહારો લઈને તું એ વડીલને ગંગાજળ આપવા માટે માંડ તૈયાર થયો હતો, જ્યારે આજે સવારે અગ્નિદાહ આપવા માટે સામેથી તૈયાર થઈ ગયો ?'
- જેલના પ્રાંગણમાં લગભગ સો જેટલા ખુંખાર કેદીઓ ધ્યાનપૂર્વક બાપુનું પ્રવચન સાંભળી રહ્યા હતા. પહેલવાન જેવા શરીરવાળા અને મોટી મૂછોવાળા કેટલાંક કેદીઓ તો એવા ભયંકર દેખાતા હતા કે જો નાનું બાળક તેમને જુએ તો પણ ગભરાઈ જાય
અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર નંબરના પ્લેટફોર્મ પર લગાવેલી ડીજીટલ ઘડિયાળમાં ક્ષણોના મણકા સરતા જતા હતા ! સવારે પોણા સાત વાગે માણસોની ચહલ પહલ વધી ગઈ હતી. મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસને ઉપડવાને માત્ર પંદર મિનિટની વાર હતી. ટ્રેનમાં મુસાફરો ચડી રહ્યા હતા. પ્લેટફોર્મ પર હમાલ સામાન સાથે, ફેરિયાઓ અખબાર સાથે અને ચાવાળા ચા ની કીટલી સાથે ઝડપથી ચાલી રહ્યા હતા. આગામી એક કલાકમાં આવનાર અને જનાર ટ્રેનની માહિતી માઈક્રોફોન પરથી રેલાઈ રહી હતી.
ભારે કોલાહલભર્યા વાતાવરણમાં પાંત્રીસ આસપાસનો એક યુવાન હાથમાં એટેચી સાથે પ્લેટફોર્મ પર લગભગ દોડતો એસ સેવન ડબ્બા પાસે પહોંચ્યો. બહાર ચીપકાવેલા ચાર્ટમાં 'સંતોષ શાહ' લખેલા નામની નીચે આંગળી ફેરવીને તેણે હાશકારો અનુભવ્યો. કોઈક મુસાફરે પાછળથી હળવો ધક્કો મારીને કહ્યું, 'ભાઈ, જલ્દી કરો ટ્રેન ઉપડવાની તૈયારી છે.'સંતોષ તરત ડબ્બામાં પ્રવેશ્યો. હાથમાં રાખેલી ટીકીટના નંબર પ્રમાણે સીટ પર બેઠો. સીટની નીચે એટેચી મૂકીને સંતોષે ઉંડો શ્વાસ લીધો. સદનસીબે બારી પાસે જ સિંગલ સીટ મળી હતી તેનો આનંદ સંતોષના થાકેલા ચહેરા પર છવાઈ ગયો. લગભગ છ ફૂટ હાઈટ એકવડિયું શરીર, ગોરો ચહેરો, ઉંડી ઉતરી ગયેલી પાણીદાર આંખો અને લાંબા વાળવાળો પાંત્રીસેક આસપાસનો સીધો સાદો દેખાતો સંતોષ આજે પહેલીવાર મુંબઈ જઈ રહ્યો હતો. બારીમાંથી ફેરિયાને દસની નોટ આપીને સંતોષે પેપર કપમાં ચા લઈને હજુ પહેલી ચૂસ્કી લીધી ત્યાં જ હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી. થોડી વારમાં તો ટ્રેને પ્લેટફોર્મ છોડી પણ દીધું. એક પછી એક સ્ટેશન આવતા ગયા. સંતોષને થયું જિંદગીનું પણ આ ટ્રેન જેવું જ છે ને ? એક પછી એક સ્ટેશન આવતા જાય છે. બસ તફાવત એટલો જ છે કે ટ્રેનમાં છેલ્લું સ્ટેશન ક્યારે આવશે તે નિશ્ચિત હોય છે જ્યારે જિંદગીમાં અંતિમ સ્ટેશન ક્યારે આવશે તેની મુસાફરને જાણ નથી હોતી ! જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ તેમ તેમ સંતોષને ચિંતા થવા લાગી. હૃદય અને મન. બે સમાંતર પાટાઓ વચ્ચેની ખેંચતાણ શરૂ થઈ ગઈ. મન ભાવિ જીવન વિશે આશાવાદી હતું તો હૃદય હજુ પણ શંકા સેવતું હતું.
અચાનક ટ્રેને વળાંક લીધો. સંતોષને બારીમાંથી પાછળના ડબ્બા દેખાવા લાગ્યા. એ ફરીથી વિચારી રહ્યો. સાલી જિંદગીનું પણ આવું જ છે ને ? જેમ ટ્રેન વળાંક લે ત્યારે જ પાછલા ડબ્બા દેખાય છે તેમ જીવનમાં પણ જ્યારે ટર્નીંગ પોઈન્ટ આવે ત્યારે જ જીવાઈ ગયેલી જિંદગીના જખમ તાજા થવા લાગે છે ? ટર્નીંગ પોઈન્ટ પણ કેવો ? જ્યાં સમગ્ર ભૂતકાળને દફનાવીને પુનર્જન્મની જેમ નવેસરથી જિંદગી શરૂ કરવાની હતી. ચોવીસ કલાક પહેલાં જ સંતોષ જેલમાંથી છૂટયો હતો. સંતોષના યુવાની અમુલ્ય વર્ષોનો ભોગ જન્મટીપની સજાએ લઈ લીધો હતો. સંતોષ રીઢો ગુનેગાર હરગીઝ નહોતો. આવેશમાં થઈ ગયેલા એક ખૂનની સજા ભોગવી ચૂકેલો ઇશ્વરથી ડરીને ચાલનારો સ્વમાની યુવાન હતો. કદાચ તેથી જ જેલવાસ દરમ્યાન તેણે સતત પ્રાયશ્ચિત્ત જ કર્યું હતું. જોકે સંતોષના કપાળ પર ખૂનીનું લેબલ તો લાગી જ ચૂક્યું હતું. તેર વર્ષનાજેલના અનુભવે તેને ઘણુ ંશીખવાડી દીધું હતું. ગઈકાલે આ સમયે જાડેજા સાહેબે સંતોષને બોલાવીને કહ્યું હતું, 'સંતોષ, તારી સારી ચાલ ચલગતને કારણે તને એક વર્ષ વહેલો છોડી મૂકવા માટે સરકારે હુકમ કર્યો છે.' સંતોષના નિસ્તેજ ચહેરા પર ફિક્કું સ્મિત ફરક્યું હતું. જાડેજા સાહેબ છેલ્લા દસકાથી સાબરમતી જેલના જેલર હતા. શાંત સ્વભાવના યુવાન કેદી સંતોષ પ્રત્યે તેમને પહેલેથી જ કૂણી લાગણી હતી. જાડેજા સાહેબને જેલર તરીકેનો બહોળો અનુભવ હતો. લાંબી કરિયરમાં અનેક ખૂંખાર કેદીઓ અને કેટલાક રીઢા ગુનેગારો સાથે તેમનો પનારો પડી ચૂક્યો હતો. સંતોષની આંખોમાં ડોકાઈ રહેલો અપરાધભાવ જાડેજા સાહેબના ધ્યાન બહાર નહોતો. જાડેજા સાહેબ કોઈ પણ કેદીનો અપરાધભાવ પ્રાયશ્ચિતમાં રૂપાંતર થાય તે માટે હમેશાં પ્રયત્નશીલ રહેતા. ત્રણ દિવસ પહેલાં જ સરકારના કેદી સુધારણા અભિયાનના ભાગ પેટે રામશરણ બાપુનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. બાપુએ ત્યારે મંચ પરથી કહ્યુ ંહતું, 'આજે તમે બધા અહીં કેદીના સ્વરૂપમાં બંદીવાન છો. મનુષ્યના શરીરમા તેનો આત્મા પણ બંદીવાન જ હોય છે. પૃથ્વી પર જેલ જેવી પવિત્ર જગ્યા એક પણ નથી. ખુદ કૃષ્ણ ભગવાને પણ દેવકી અને વસુદેવના કારાવાસ દરમ્યાન જેલમાં જ જન્મ લીધો હતો ને ? ભગવાન જેવા ભગવાન પણ જો માનવઅવતાર ધારણ કરવા માટે જેલને પસંદ કરતા હોય તો એ જગ્યાએ ખરાબ કઈ રીતે કહી શકાય ? જેલ એવી જગ્યા છે, જે માણસને કરેલા કર્મનું પ્રાયશ્ચિત્ત કરવાનો મોકો આપે છે.'
જેલના પ્રાંગણમાં લગભગ સો જેટલા ખુંખાર કેદીઓ ધ્યાનપૂર્વક બાપુનું પ્રવચન સાંભળી રહ્યા હતા. પહેલવાન જેવા શરીરવાળા અને મોટી મૂછોવાળા કેટલાંક કેદીઓ તો એવા ભયંકર દેખાતા હતા કે જો નાનું બાળક તેમને જુએ તો પણ ગભરાઈ જાય. આ તમામ કેદીઓમાં અલગ તરી આવતો કેદી એટલે સંતોષ શાહ. રામશરણ બાપુની અનુભવી આંખો પણ સંતોષના સૌમ્ય ચહેરા પર ઠરી હતી.
પ્રવચન પુરું થયા બાદ જાડેજા સાહેબની કેબીનમાં સંતોષને હાજર કરવામાં આવ્યો હતો. બાપુએ મંદ મંદ સ્મિત સાથે સંતોષની આંખમાં જોયું હતું. સંતોષે નજર નીચે ઢાળી દીધી હતી. જાડેજા સાહેબે બાપુને માહિતી પીરસતાં કહ્યું હતું, 'બાપુ, મેં મારી સમગ્ર કેરિયરમાં આટલો શાંત અને નિરુપદ્રવી કેદી જોયો નથી. આવતા વર્ષે તેની જન્મટીપની સજા પૂરી થવાની છે. તેની સારી ચાલ ચલગતનો લાભ આપીને તેને એક વર્ષ વહેલો છોડી મૂકવા માટે મેં સરકારને ભલામણ કરતો પત્ર લખ્યો હતો. સરકારે મારી ભલામણ માન્ય રાખી છે, તેવા સમાચાર આજે જ મળ્યા છે. લેખિત હુકમ એક બે દિવસમાં આવી જશે. આમ સંતોષનો હવે જેલમાંથી છૂટકારો થશે.' 'વત્સ, તારે નવેસરથી જીવન શરૂ કરવું હોય તો પનવેલમાં મારો આશ્રમ છે. ત્યાં તારા જેવા યુવાનની જરૂર છે. આવી જજે.'
'જી... બાપુ.' સંતોષે બંને હાથ જોડીને જવાબ આપ્યો હતો. બાપુએ જોયું કે સંતોષના સોહામણા ચહેરા પર સંતોષ છલકાયો હતો.
ગુજરાત એક્સપ્રેસની તેજ ગતિને કારણે આખો ડબ્બો હાલક ડોલક થતો હતો. સંતોષે ગઈકાલે જ ખરીદેલા સેલફોનમાં સમય જોયો. હજુ તો જેલમાંથી છૂટયાને ચોવીસ કલાક જ થયા હતા પરંતુ આ ચોવીસ કલાકમાં તો સંતોષનું મન કેટલીયે જિંદગી જીવી ચૂક્યું હતું.
બે દિવસ પહેલાં તો સંતોષને પણ ક્યાં કલ્પના હતી કે તેની જિંદગીની ગાડી આ ટ્રેનની જેમ જ તેજ ગતિએ દોડવા લાગશે. એ પણ એવા અજાણ્યા માર્ગ પર જેના વિષે તેને રજ માત્ર જાણ નહોતી.
સમય સાથે કદમ મિલાવતો ગુજરાત એક્સપ્રેસ વ્હીસલ વગાડતો તેજ ગતિએ આગળ વધી રહ્યો હતો. બધી જ લાગણીઓથી વિરક્ત... અલગારી જોગીની જેમ બસ પોતાના નિર્ધારિત માર્ગ પર પ્રયાણ કરી રહ્યો હતો. એનું તો બસ માત્ર એક જ ધ્યેય હતું. મુસાફરોને મંજિલ સુધી પહોંચાડવાનું. સંતોષનું પણ એક જ ધ્યેય હતું. કપાળ પર લાગી ગયેલા ખૂનીના લેબલને ભૂંસવાનું. નવેસરથી નવી જગ્યાએ જીવનની શરૂઆત કરવાનું. કદાચ સંતોષે તેથી જ આજે ખુદની જાતને નિયતિ જે દિશામાં લઈ જાય તે દિશામાં વહેતી મૂકી દીધી હતી. સંતોષ આટલી ઉંમરમાં બરોબર સમજી ગયો હતો કે જીવન ક્યારેય એકધારા લયમાં વહેતું નથી. મોહ એ જ જીવનની વાસ્તવિકતા છે. ચાહે એ પ્રેમનો હોય, સત્તાનો હોય, પ્રતિષ્ઠાનો હોય કે ધનનો હોય લોકો એક પગ કબરમાં હોય એ ઉંમરે પણ મોહ છોડી શકતા નથી તો સંતોષ તો યુવાન હતો. એક વાર નવેસરથી જીવન શરૂ થઈ જાય. પોતાના હાથે સત્કર્મો થાય અને બાપુના આશ્રમમાં બે ટંકના રોટલા મળી રહે એટલે ભયો ભયો. રામશરણ બાપુ જે કામ સોંપશે તે કામ મન, વચન અને કર્મથી કર્યે જવાનું સંતોષે મનોમન નક્કી કરી લીધું હતું.
મુંબઈ સેન્ટ્રલ ઉતરીને સંતોષે રાહતનો શ્વાસ લીધો. ગઈકાલે રાત્રે જ બાપુ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ બાપુના માણસે મેસેજ મારફતે મોકલેલું આશ્રમનું લોકેશન તેણે મોબાઈલના મેપમાં જોયું. સંતોષે હાર્બર લાઈનના નજીકના સ્ટેશનેથી પનવેલ માટે લોકલ ટ્રેન પકડી લીધી. કોઈને પણ પૂછ્યા વગર જીપીએસ મારફતે અજાણી જગ્યાએ સરળતાથી પહોંચી શકાય એ વાત સંતોષ માટે તો ખરેખર આઠમી અજાયબી જેવી હતી. તે વિચારી રહ્યો. આ તેર વર્ષમાં દુનિયા ખરેખર બદલાઈ ચૂકી છે. સંતોષ આશ્રમમાં પહોંચ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. આશ્રમના વિશાળ મેદાનમાં આવેલા મહાદેવના મંદિરમાં આરતીની ઝાલરનો આજ સંભળાઈ રહ્યો હતો.
સંતોષ હાથમાં એટેચી સાથે મંદિર તરફ જ વળ્યો. મંદીરમાં ત્રીસેક માણસો હાજર હતા. રામશરણ બાપુ પણ ત્યાં જ હતા. આરતી પૂરી થઈ એટલે બાપુનું ધ્યાન સંતોષ પર પડયું. બાપુએ આંખો વડે જ સંતોષને આવકાર આપ્યો. સંતોષે ડાબા હાથમાં એટેચી સાથે નીચા નમીને જમણા હાથે બાપુના બંને ચરણનો સ્પર્શ કર્યો. બાપુએ આશ્રમના જ એક માણસને સંતોષને તેનો ઉતારો બતાવવાની સૂચના આપી. રાત્રે વાળુ કર્યા બાદ બાપુએ સંતોષને બોલાવ્યો. 'સંતોષ, બાજુના બિલ્ડીંગમાં એક વૃદ્ધાશ્રમ પણ બનાવ્યો છે. વીસેક વડીલો ત્યાં રહે છે. કાલથી તારે એ વિભાગ સંભાળવાનો રહેશે.'
'જી બાપુ.' સંતોષે જવાબ આપ્યો. બાપુનો વિશ્રામનો સમય થયો હતો. સંતોષ પણ આખા દિવસની મુસાફરીનો થાક ઉતારવા માટે તેના રૂમમાં પહોંચી ગયો. સંતોષની આંખ ક્યારે મળી ગઈ તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. અચાનક બારણે ટકોરા પડયા. સંતોષને નવાઈ લાગી. આટલી મોડી રાત્રે કોણ હશે ? સંતોષે આંખો ચોળતાં ચોળતાં દરવાજો ખોલ્યો. સામે વોચમેન ઉભો હતો. 'બાપુ નીચે તમારી રાહ જુએ છે.' સંતોષ પહેરેલા કપડે જ નીચે આવ્યો. બાપુ શાલ ઓઢીને નીચે ઉભા હતા. 'સંતોષ આપણા આશ્રમમાં જ રહેતાં એક વયોવૃદ્ધ વડીલ ગંભીર છે. હોસ્પિટલે લઈ ગયા હતા. ડૉક્ટરોએ ચાર કલાકના મહેમાન છે તેમ કહી દીધું હતું. એ વડીલની ઇચ્છા હોસ્પિટલમાં મરવાની નહોતી. આશ્રમને જ તેઓ તેમનું ઘર માનતા હતા તેથી તેમને અહીં પરત લાવવામાં આવ્યા હતા. આજકાલ કરતાં એ વાતને સાત દિવસ થઈ ગયા છે. વડીલનો જીવ જતો નથી. મને લાગે છે કે તેમનો જીવ તેમના એક માત્ર દીકરામાં અટકેલો છે. દીકરો અમેરિકામાં રહે છે. દીકરાને ફોન કરીને મેં હકીકતથી વાકેફ કર્યો હતો. કળીયુગનો એ દીકરો બાપના અંતિમ સમયે પણ અહીં આવવા માંગતો નથી.' બાપુએ ઉંડો શ્વાસ લીધો. 'સંતોષ, હવે તારે એક કામ કરવાનું છે. વડીલની અંતિમ ઇચ્છા મુજબ તેમનો દીકરો બનીને ગંગાજળ પીવડાવવાનું છે.'
'બાપુ, એમને તરત ખ્યાલ આવી જશે કે હું તેમનો દીકરો નથી.' 'સંતોષ, એવું નહી બને. તેમની હાલત એટલી બધી ગંભીર છે કે અત્યારે એ મને પણ ઓળખતા નથી.' સંતોષ અવઢવમાં પડી ગયો. થોડી વાર બાદ તે બોલ્યો, 'બાપુ, મરતાં માણસને હું છેતરી નહીં શકું. મારો અંતરાત્મા ના પાડે છે.'
બાપુએ સંતોષના ખભા હાથ મૂકીને કહ્યું, 'ભાઈ, તું સાચો છે. પણ આ પરિસ્થિતિમાં જો હું તેમને એમ કહું કે તમારો દીકરો અમેરિકાથી અહીં આવવાની ના પાડે છે તો એ વડીલને કેટલી પીડા થાય ? આપણે એમનું મોત સુધારવાનં છે. આ તો પુણ્યનું કામ છે.' આખરે સંતોષ તૈયાર થઈ ગયો. બાપુ સંતોષને લઈને એ વડીલના રૂમમાં પ્રવેશ્યા. રૂમની વચ્ચોવચ્ચ પંખાની નીચે વડીલનો ખાટલો રાખવામાં આવ્યો હતો. સંતોષે જોયું તો નાઈટ લેમ્પના આછા પ્રકાશણાં ખાટલા પર પડેલું કૃશ શરીર હાંફી રહ્યું હતું. એ શરીરની ઉંડી ઉતરી ગયેલી આંખો દરવાજા તરફ ખોડાયેલી હતી. જે કદાચ યમરાજ કરતાં પણ વધારે દીકરાની પ્રતીક્ષા કરી રહી હતી !
સંતોષ ધીમા પગલે ચાલીને એ પલંગની પાસે રાખેલા સ્ટૂલ પર બેસી ગયો. સંતોષે વડીલનો હાથ પોતાના હાથમાં લીધો. બંનેની નજર એક થઈ. એ કૃશ શરીરની આંખમાં ચમક આવી. બાપુએ સંતોષને ઇશારો કર્યો. સંતોષે બાજુમાં રાખેલી ઢોચકીમાંથી વડીલના અધખુલ્લા મોઢામાં ગંગાજળની ધારા કરી. ગણતરીની ક્ષણોમાં જ વડીલે દેહ છોડી દીધો. બાપુએ એ વયોવૃદ્ધ વડીલનું માથું ઢંકાય તે રીતે સફેદ ચાદર ઢાંકી દીધી. બીજે દિવસે વહેલી સવારે મૃતદેહને શબવાહિનીમાં સ્મશાને લઈ જવામાં આવ્યો. સ્મશાનમાં સંતોષ બોલ્યો, 'બાપુ, હું અગ્નિદાહ દઉં ?' બાપુએ તરત જ સંતોષને મૂક સંમતિ આપી દીધી.
સાંજે હોલમાં સત્સંગ પૂરો થયા બાદ સૌ કોઈ નીકળી ગયા હતા. હવે વિશાળ હોલમાં બાપુ અને સંતોષ માત્ર બે જ વ્યક્તિ હાજર હતાં. 'સંતોષ, મને એક વાતનું અચરજ થયું કે ગઈકાલે રાત્રે જૂઠનો સહારો લઈને તું એ વડીલને ગંગાજળ આપવા માટે માંડ તૈયાર થયો હતો, જ્યારે આજે સવારે અગ્નિદાહ આપવા માટે સામેથી તૈયાર થઈ ગયો ?'
સંતોષ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયો. 'બાપુ, હું જેલમાં હતો ત્યો મારા વિધુર પપ્પાનું અવસાન થયું હતું. એકનો એક દીકરો હોવા છતાં હું મારા પિતાને અગ્નિદાહ આપી શક્યો નહોતો તેનો વસવસો મારા મનને વર્ષોથી કોરી ખાતો હતો.' બાપુ કરુણાસભર નજરે સંતોષને તાકી રહ્યા. તેમને લાગ્યું કે સંતોષની આંખમાંથી વહી રહેલી અશ્રુધારામાં પેલો 'વસવસો' પણ વહી રહ્યો હતો.


