- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ
- સફળતાપૂર્ણ 12 વર્ષ સુધી યજ્ઞાકાર્ય સંપન્ન થયા પશ્ચાત્ રાજા શ્વેતકિ સમક્ષ ફરી એકવાર મહાદેવ પ્રગટ થયા. રાજાની કટિબદ્ધતાથી પ્રસન્ન થઈને મહાદેવે એમને મહર્ષિ દુર્વાસા અર્પણ કર્યા
રા જા શ્વેતકિએ ૧૦૦ વર્ષ નિરંતર યજ્ઞાકાર્ય કરવાના નિર્ધાર સાથે પુરોહિતની શોધખોળ આરંભી, પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત થતાં એમણે અંતતઃ મહાદેવની સાધના કરવાનું નક્કી કર્યુ. જેના પરિણામસ્વરૂપ, વર્ષોની તપસ્યા બાદ મહાદેવ સાક્ષાત્ પ્રગટ થયા અને વરદાન આપવાની તત્પરતા દર્શાવી. રાજા શ્વેતકિએ ભગવાન શિવને પ્રાર્થના કરીકે આપ જ મારા પુરોહિત બનો, એવી મારી ઈચ્છા છે. મહાદેવ તો રહ્યાં સ્મશાનવૈરાગી! આથી, એમણે રાજા શ્વેતકિને આ વિષયનું સમાધાન આપતાં કહ્યું કે,
'આગામી ૧૨ વર્ષો સુધી આપે નિરંતર ઘી વડે યજ્ઞાકાર્ય કરવું પડશે અને એ પણ કોઈ પુરોહિતની સહાયતા લીધા વિના! માત્ર ઘીની આહુતિ આપીને આપે યજ્ઞા પ્રજ્વલિત રાખવાનો છે. યજ્ઞાનો અગ્નિ શાંત ન થવો જોઈએ.' મહાદેવે જણાવ્યું, 'જો આપ સ્વયં સતત ૧૨ વર્ષ સુધી યજ્ઞાકાર્ય કરવામાં સફળ રહ્યા, તો બાર વર્ષોનાં અંતે પ્રગટ થઈને હું આપને એક એવા પુરોહિત અર્પણ કરીશ, જે આપના ૧૦૦ વર્ષ સુધી નિરંતર ચાલનારા યજ્ઞાનો સંકલ્પ પૂર્ણ કરવામાં સહાયભૂત થશે.'
રાજા શ્વેતકિએ મસ્તક નમાવીને ભગવાન મહાદેવનો આદેશ સ્વીકાર્યો. સમય ગુમાવ્યા વિના સઘળી તૈયારીઓ પૂર્ણ કર્યા પછી તેઓ સ્વયં યજ્ઞા કરવા માટે કુંડ પર બિરાજમાન થયા અને લાગલગાટ ૧૨ વર્ષ સુધી નિરંતર યજ્ઞાકાર્ય કરતાં રહ્યાં. બાર વર્ષો સુધી યજ્ઞાકુંડમાં ઘીની આહુતિઓ અપાતી રહી.
સફળતાપૂર્ણ ૧૨ વર્ષ સુધી યજ્ઞાકાર્ય સંપન્ન થયા પશ્ચાત્ રાજા શ્વેતકિ સમક્ષ ફરી એકવાર મહાદેવ પ્રગટ થયા. રાજાની કટિબદ્ધતાથી પ્રસન્ન થઈને મહાદેવે એમને મહર્ષિ દુર્વાસા અર્પણ કર્યા. ક્રોધભટ્ટારક દુર્વાસા સ્વયં રાજા શ્વેતકિના પુરોહિત તરીકે નિરંતર ૧૦૦ વર્ષ સુધી યજ્ઞાકાર્ય કરાવવા માટે તૈયાર થઈ ગયા.
મહાદેવના ક્રોધમાંથી ઋષિ દુર્વાસા ઉત્પન્ન થયા હોવાને કારણે મહર્ષિ દુર્વાસાને ભગવાન શિવના ક્રોધાવતાર તરીકે ઓળખવામાં આવે છે. શ્રીવિદ્યાનાં પ્રમુખ ૧૨ સંપ્રદાયો શરૂ કરનાર અને વિભિન્ન સાધના-પદ્ધતિના પ્રાગટય પાછળ જવાબદાર ૧૨ સાધકોમાંના એક ક્રોધભટ્ટારક ઋષિ દુર્વાસા પણ છે. એમના ક્રોધને કારણે કાળચક્રોની ગતિ તેજ થઈ જતી. ઈતિહાસની ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓને તેના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવામાં મહર્ષિ દુર્વાસાના શાપ અને વરદાન કારણભૂત રહ્યા છે, એમાં સંશયને કોઈ સ્થાન નથી.
મહર્ષિ દુર્વાસાએ ૧૦૦ વર્ષ સુધી રાજા શ્વેતકિને યજ્ઞાકાર્ય કરાવ્યું. યજમાનપદે બિરાજમાન રાજાને પણ પોતાનો સંકલ્પ પૂર્ણ થવાને કારણે અત્યંત સંતોષ થયો, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની એક દેવતાની તબિયત પર ગંભીર અસર પડી. આ દેવતા એટલે ભગવાન અગ્નિ!
પહેલાં તો બાર વર્ષ સુધી રાજા શ્વેતકિએ સતત ઘીની આહુતિઓ અર્પણ કર્યે રાખી અને એ પછી સો વર્ષ સુધી અગ્નિદેવ સતત હવનસામગ્રીરૂપી ભોજન ગ્રહણ કરતાં રહ્યાં. યજ્ઞાકાર્ય અર્થાત્ દેવતાઓને અર્પણ થતું ભોજન! હવનમાં હોમાતી સામગ્રીઓ વાસ્તવમાં દેવતાઓની ક્ષુધા શાંત કરવાનું કાર્ય કરે છે. વિચાર કરો કે કોઈ માણસ સતત ૧૨ વર્ષ માત્ર ઘી અને પછીના ૧૦૦ વર્ષ માત્ર અન્ન ગ્રહણ કરતો રહે, તો તેની દશા શું થાય? એ પણ આખો આખો દિવસ અને રાત! બસ, ભોજન લીધા સિવાય બીજું કશું કાર્ય જ નહીં કરવાનું! સર્વપ્રથમ તો આવી કલ્પના પણ શક્ય નથી, કારણ કે ગણતરીની મિનિટો સુધી સતત ભોજન કર્યા પછી પણ ઉબકાની અનુભૂતિ થતી હોય, તો પછી આખો એક દિવસ તો ભોજન કરવાની વાત જ દૂર રહી!
પરિણામરૂપ, અગ્નિદેવને અપચો થઈ ગયો. તેઓ એટલી જીર્ણક્ષીર્ણ અવસ્થામાં આવી ગયા કે હવે એકપણ આહુતિ સ્વીકારવા યોગ્ય ન રહ્યાં! યજ્ઞાકાર્યોના અગ્નિ બૂઝી ગયા. અગ્નિદેવ હવે એકપણ આહુતિને ભોજન સ્વીકારી શકે એવી હાલતમાં નહોતાં. વૈદિક કાર્યો ઠપ્પ થઈ ગયાં! ઘણાં લાંબા સમય સુધી એમના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર ન આવવાને કારણે સમસ્ત મનુષ્યજાતિ, સાધુગણ અને દેવતાગણની ચિંતાનો પાર ન રહ્યો. જો આ પરિસ્થિતિમાં સુધાર ન આવ્યો, તો દેવતાઓને કશું જ પ્રાપ્ત નહીં થાય, અને મનુષ્ય પણ એમની કૃપાથી વંચિત રહી જશે એ હકીકતથી સહુ કોઈ વાકેફ હતાં.
અંતે, ત્રિદેવ દ્વારા એક ઉપાય બતાવવામાં આવ્યો, પરંતુ નિવારણ સાંભળીને તો અગ્નિદેવ વધુ ચિંતામાં મૂકાઈ ગયા. શું હતો એ ઉપાય? કઈ રીતે પ્રાગટય થયું ક્રવ્યાદ અગ્નિનું? જાણીશું આવતાં અંકે.


