- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ
- અન્યને આપવામાં આપનારે ઓસરી જવાનું છે અને વહેંચવામાં વહેંચનારે વહેંચાઈ અને વિસ્તરી જવાનું છે. આ તો છે ભારતીય પ્રજ્ઞાા કે સનાતન જીવન દર્શન અને શૈલી
કેટલાક લોકો એમ માને છે કે કશુંક પકડી લેવાથી આપણે શક્તિશાળી બનીએ છીઅ ઃ પણ ક્યારેક છોડી દેવું વધારે મૂલ્યવાન હોય છે.
- સિલ્વીઆ રોબીન્સન
જી વનની સમસ્યા, આ પકડનાર કે છોડનાર મન છે-કર્તા છે-અહંકાર છે. જગતમાં મોજ-મજા તો ખૂબ છે પણ આનંદ ખોવાયો છે. અહંને કારણે આનંદ ખોવાયો છે. અહંને ઓળખાવું છે, આનંદને ખોવાવું છે. અહંને એકઠું કરવું છે જ્યારે આત્માને આનંદપૂર્વક વહેંચાવું છે. આપણા આનંદનો આધાર આપણી પાસે શું છે તેના પર નથી પણ આપણે શું વહેચ્યું કે આપ્યું તેના પર છે. જ્યારે પળની સમગ્રતામાંથી 'આપવું' ઉતરે છે ત્યારે દેનાર અને લેનાર બન્ને સન્માનિત થાય છે. તેમાં દેનાર તેના ઉધારપણાના બોજમાંથી અને લેનાર તેની આભારવશતામાંથી મુક્ત થાય છે. આવી આખી જ્યોર્તિયમય ઘટના સ્થળની બહાર અને કાળની પાર રહે છે. પણ જો આપવું ઓળખ માટે કે આશય માટે થતું હોય તો તે અર્પણ નથી. પણ તે હિસાબ છે, રોકાણ છે. આવો આપણે એક ચેતન્યમય પળના સાક્ષી બનીએ.
એકવાર વહેલી સવારે તથાગત બુદ્ધ ધ્યાનખંડમાં અનેક ભિખ્ખુઓ વચ્ચે બિરાજતા હતા ત્યારે એક ભિખ્ખુ પરમ આદર સાથે થોડાંક પુષ્પો લઈને આવ્યો, ભગવંતને અર્પવા માટે અને તેમની વચ્ચે આ સંવાદ થયો...
તથાગત : - છોડી દે-મૂકી દે...
ભિખ્ખુ : શું? કોને ?
તથાગત : ફૂલોને નહી પણ તે લઈને આવ્યો તેને!
આદર કે અહોભાવ થકી કશુંક આપ્યા પછી પણ જો આપનાર બચતો કે વધતો હોય તો તે વસ્તુ બની જાય છે, અહોભાવ નથી. દાન સાથે જો દાનવીરની તકતી હોય તો તે રોકાણ છે-દાન નથી. આ મહેસુલ (નામ) વસૂલવાની વૃત્તિ અને પ્રવૃત્તિ જ અડચણ છે. ફૂલો તો ઠીક તેની સુવાસ પરની દાવેદારી પણ જતી કરવાની છે. વરસતા વરસાદ પર કે વહેતી નદી પર નામ ક્યાં હોય છે? વાવાઝોડા પછી થોડીક પળો માટે સાત રંગો ઉછાળીને આખી ક્ષિતિજને કેન્વાસ બનાવીને મેઘધનુષ દોરનાર ચિત્રકાર કોણ છે? ફૂલો અ, બ, ક ના હોઈ શકે, સુવાસ તો સૌની. ખલીલ જીબ્રાન કહેતા, તમે જ્યારે વસ્તુ આપો છો ત્યારે તમે ખાસ કાંઈ નથી આપતા પણ જ્યારે સ્વયંને સોંપી દો છો ત્યારે તમે સર્વસ્વ અર્પી દો છો. સ્વનો લોપ અનિવાર્ય શરત છે-આનંદ માટે. યાદ રાખીએઃ
સેવક હોય ત્યાં સુધી સેવા નથી,
દાતા બચે ત્યાં સુધી દાન નથી,
જ્ઞાાની વધતો હોય ત્યાં સુધી જ્ઞાાન નથી,
પ્રેમી ઓગળે નહીં ત્યાં સુધી પ્રેમ નથી.
કદાચ, ઉછળતી મૈત્રી, ઉભરાતો અહોભાવ અને વરસતી કરુણા થકી જ સીમ અસીમ બની જાય છે અને પળ શાશ્વતી બની
જાય છે.
અન્યને આપવામાં આપનારે ઓસરી જવાનું છે અને વહેંચવામાં વહેંચનારે વહેંચાઈ અને વિસ્તરી જવાનું છે. આ તો છે ભારતીય પ્રજ્ઞાા કે સનાતન જીવન દર્શન અને શૈલી.


