- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
- માઈકલ ટોબાયસે આ નવલકથામાં એવું આલેખન કર્યું છે કે લિયોનાર્ડ રોસેનબાલ્મ નામનો યહૂદી વેપારી પોતાની સઘળી સંપત્તિ ગુમાવી દે છે અને જીવનપરિવર્તન પામે છે..
- મનઝરૂખો
જ્હોન લોકનો જન્મ ઇંગ્લેન્ડના બ્રિસટોલથી બાર માઈલ દૂર આવેલા ગામડામાં છાપરાવાળી ઝૂંપડીમાં થયો. ગામડાની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી એણે લંડનની પ્રખ્યાત વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં વિશેષ અભ્યાસની તક મળી અને આ તેજસ્વી વિદ્યાર્થી માત્ર વીસ વર્ષની વયે ઓક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રવેશ પામ્યા. પરંતુ એક વિદ્યાર્થી તરીકે સ્નાતક કક્ષાના અભ્યાસને જોઈને એને ભારે અકળામણ થઈ. એણે જોયું કે યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ વિચારકોની કૃતિઓ અભ્યાસ કરાવવામાં આવતી હતી જ્યારે વર્તમાન સમયના ફિલોસોફરોની કૃતિઓ ભણાવવામાં આવતી નહોતી. આથી એણે થોડા જ વખતમાં મજબૂરી અને પરિવારના દબાણને ફગાવી દઈને પોતાને ગમતા એવા મેડિસિનના વિષયનો અભ્યાસ કરવાની પોતાની ઇચ્છાને સાકાર કરવા પ્રયત્ન કર્યો. એમાં અનુસ્નાતકની પદવી મેળવી અને એ સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને વિચારકો સાથે કામ કર્યું.
લોર્ડ એન્થની એશ્લેક કૂપર લિવરના ઇન્ફેક્શનની સારવાર માટે ઓક્સફર્ડમાં આવ્યા, ત્યારે લોકના જ્ઞાનથી પ્રભાવિત થયા અને એને એમના અંગત ડોક્ટર તરીકે રહેવા માટે સંમત કર્યા. એ પછી એશ્લેક ઉપરનું લિવર ઇન્ફેક્શન વધતાં જાનનું જોખમ ઊભું થયું, ત્યારે લોકે જુદા જુદા ડોક્ટરોની સલાહ મેળવીને એમને સર્જરી કરાવવાની સલાહ આપી અને એને કારણે એશ્લે લોકને તેઓ જીવતદાન આપનાર માનતા હતા. પોતાના મેડિકલના વ્યવસાય ઉપરાંત લોક એ સમયના જાણીતા વિચારકો સાથે ચર્ચા વિચારણા કરતો હતો. આવા બુદ્ધિજીવોની મુલાકાતને કારણે એ પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતો પર લખવા લાગ્યો અને રાજ્યતંત્ર પર બે લેખો લખીને સહુનું ઘ્યાન ખેંચ્યું. જ્હોન લોક સમય જતાં પ્રમાણશાસ્ત્ર (એપિસ્ટોનોલોજી)માં નવી દિશા ઉઘાડનારો બન્યો અને રાજકીય વિચારધારામાં એણે આગવું યોગદાન કર્યું. ફ્રાંસના વોલ્ટેર અને રૂસો પર તેમજ અમેરિકનોના ક્રાંતિકારીઓ પર એનો પ્રભાવ પડયો. અમેરિકાની સ્વાતંત્રઘોષણા પર એના વિચારોની અસર થઈ અને એ ઉદારમતવાદ (લિબરાલિઝમ)ના પિતા તરીકે જાણીતો થયો.
ભૂતકાળના કથાનક પર સર્જન કરતા લેખકો વારંવાર એમાં વર્તમાન સમયની વિરુપતા તરફ કેમ દોડી જતા હશે ? વાત છે માઈકલ ટોબાયસની. લેખક, પર્યાવરણવિદ્, પર્વતારોહક અને ફિલ્મનિર્માતા એવા માઈકલ ટોબાયસે અહિંસા, પર્વતારોહણ અને અન્ય વિષયો પર પણ ફિલ્મ બનાવી હતી. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર માઈકલ ટોબાયસે વિશ્વની વસ્તી, પર્યાવરણ અને ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વિશે પુસ્તકો લખ્યાં.
'વોઈસ ઓફ પ્લેનેટ' નામની દસ કલાકની નાટયાત્મક ટેલિવિઝન સિરીઝ પણ કરી અને એની સાથોસાથ ત્રણ વર્ષની મહેનત બાદ 'અહિંસા- ધ નોન વાયોલન્સ' નામની ફિલ્મનું સર્જન કર્યું અને ૧૯૮૭ની ૨૫મી ડિસેમ્બરે એ અમેરિકામાં ૨જૂ ક૨વામાં આવી. વન્યજીવનની જાળવણી માટે માઈકલ ટોબાયસે પ્રયત્ન કર્યો અને એથીયે વિશેષ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીમાં વિઝિટીંગ લેક્ચરર તરીકે અઘ્યાપનકાર્ય કર્યું. આવા અભ્યાસી માઈકલ ટોબાયસ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમની સાથે મેળાપ પણ થયો હતો, પરંતુ એમણે લખેલી `A Naked Man' નામની નવલકથા પ્રકાશિત થયા બાદ આ જૈન ધર્મના અભ્યાસી વિશે પારાવાર આઘાત થયો.
માઈકલ ટોબાયસે આ નવલકથામાં એવું આલેખન કર્યું છે કે લિયોનાર્ડ રોસેનબાલ્મ નામનો યહૂદી વેપારી પોતાની સઘળી સંપત્તિ ગુમાવી દે છે અને જીવનપરિવર્તન પામે છે. એ વસ્ત્રત્યાગ કરીને અમેરિકાના લોસએન્જેલિસના વિસ્તારમાં ઘુમવા-ફરવા માગે છે અને ભગવાન મહાવીરના જીવનનો અને જૈન ધર્મનો વિચાર કરીને જુદી જુદી ભ્રાંતિ(હલૂસિનેશન) અનુભવે છે.
આ સમયે ગૌતમ ઇન્દ્રભૂતિ નામનો અમેરિકન જૈન વકીલ ધાર્મિક સ્વાતંત્ર્યને નામે એનો બચાવ કરે છે અને કહે છે કે ભારતમાં આ રીતે તપસ્વીઓ પરંપરાથી નિર્વસ્ત્ર રહીને આદર પામતા હોય છે. રોસેનબાલ્મ ભગવાન મહાવીરના પ્રસંગો વિશે એક પ્રકારની ભ્રાંતિ અનુભવે છે. અહીં મહાવીર અને ગોશાલક તથા મહાવી૨ અને કુંભારણ હલાહલાના સંબંધો વિશે સદંતર કાલ્પનિક અને વિકૃત આલેખન એણે કર્યું, જેમાં વર્ધમાનને પોતાના પૂર્વજીવનની વૈવાહિક અવસ્થાનું અને સુખશૈય્યામાં વિતાવેલી રાત્રીઓની યાદોનું સ્મરણ થાય છે, એમના ચિત્તમાં સંઘર્ષ થાય છે અને અંતે એ વિજયી બને છે.
પ્રાચીન કથાઓનાં પાત્રોમાં માત્ર સેક્સનું ઉમેરણ કરીને એ પાત્રોની જીવનકથાને કામાવેગ આધારિત બતાવીને વિકૃત રીતે આલેખવાની 'ફેશન' છે. એમાં દક્ષિણ ભારતના એક સર્જકે તો દ્રૌપદીના પાંચ પતિ સાથેના કેવા ભિન્ન ભિન્ન કામનાયુક્ત વ્યવહાર હતા, એનું વિસ્તૃત નિરુપણ કર્યું છે. માઈકલ ટોબાયસના ઈ. સ. ૧૯૯૪માં પ્રગટ થયેલા પુસ્તક સામે વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો. વિશ્વભરમાંથી અમને સાથ મળ્યો અને એ પુસ્તક પર પ્રતિબંધ પણ અંતે મુકાયો. પ્રાચીન પાત્રોને એની આસપાસના વાતાવરણમાંથી સાવ અળગા કરી જાતિયતાના આલેખનના સહારે નવું વાતાવરણ સર્જવામાં આવે છે. એ કાળની પરિસ્થિતિ કે રૂઢિરિવાજોની આમાં સદંતર અવગણના હોય છે. એ સમયનાં મૂલ્યો, એ સમયની ભાવનાઓ અને એ સમયનાં પ્રવર્તમાન સંઘર્ષને બાજુએ મૂકીને માત્ર સેક્સ આધારિત આલેખન કરવામાં આવે છે. એમના હૃદ્ગતને ઓળખ્યા વિના એમની વિકારદશાને દર્શાવવામાં આવે છે. આ સંદર્ભમાં પાત્રોની ગરિમા પ્રગટ કરતી ૬૩૪ પૃષ્ઠની કુંતીના પાત્રને દર્શાવતી બૃહદ્ નવલ 'અનાહતા' લખી અને તાજેતરમાં ગાંધારીના પાત્રને દર્શાવતી ૪૨૪ પૃષ્ઠની 'અગ્નિશિખા' નવલકથા લખી. એની પાછળનો આશય એ જ કે એ પ્રાચીન પાત્રોને એમની આસપાસનાં વાતાવરણમાં દર્શાવવા અને સૌથી વધુ તો માનવપ્રજ્ઞાાનાં મહાનિર્માણ સમા મહાભારતમાં આલેખાયેલા માનવજીવનનું સનાતન કાવ્ય પ્રગટ કરવું.
સામાન્ય રીતે કુંતીને દયામણી, બિચારી, બાપડી તરીકે આલેખવામાં આવી છે. જ્યારે હકીકતમાં કુંતી પાસે ક્ષત્રિયાણીનું તેજ છે અને એ તેજને કારણે જ પોતાનાં પુત્રો વનવાસમાં જાય છે, ત્યારે એ પાંડવોએ વસાવેલી ઇન્દ્રપ્રસ્થ નગરીમાં રહેવાનું સ્વીકારતી નથી. પોતાના ભાણેજ શ્રીકૃષ્ણની સાથે દ્વારિકામાં વસતી નથી, પોતાના પિતૃગૃહ ભોજપુરમાં પણ જતી નથી, પરંતુ એ દુશ્મનોથી ભરેલા હસ્તિનાપુરમાં જ રહેવાનું વિચારે છે. અહીં ચોતરફ કૌરવો પ્રપંચમાં ડૂબેલા છે. આનું કારણ એ છે કે પોતાનાં પુત્રો વનવાસ દરમિયાન દ્રૌપદી ચીરહરણની માનવતાના કલંક સમી ઘટનાને ભૂલે નહીં.
બીજી બાબત છે પારાવાર દુઃખો વચ્ચે 'અનાહતા' રહેતી કુંતીની. એના જીવનમાં આઘાત, વેદના અને દુર્ભાગ્ય આવતું રહ્યું. જિંદગીભર નસીબ એની સામે જાતજાતના પ્રપંચ ખેલતું રહ્યું. વિના કારણે દંડાવું પડયું અને છતાં આટલા બધાં દુઃખોનાં ઝંઝાવાત વચ્ચે એ અડગ રહે છે અને એ રીતે કર્ણ અને કુંતી સાથેનાં સંવાદમાં પણ કુંતી દયાની ભીખ માગતી નથી, બલ્કે પરિસ્થિતિને ગૌરવથી જીવે છે. આ રીતે આ કથાનાં ૪૩ પ્રકરણમાં પાત્રો, પ્રસંગો, ભાવનાઓ કે મૂલ્યોને લઈને કોઈ વિપર્યાસ ન થાય એની ખેવના રાખી છે.
રામાયણમાં મંથરા અને કૈકેયી જેવાં પાત્રો મળે છે, જ્યારે મહાભારતનો મહિમા એ છે કે અહીં કુરુક્ષેત્રના રણમેદાનમાં કૌરવો અને પાંડવો એકબીજા સાથે યુદ્ધ કરે છે, ત્યારે યુદ્ધભૂમિની નજીક છાવણીમાં કુંતી અને ગાંધારી એકબીજાની સાથે રહે છે અને પરસ્પરનાં દુઃખ સાંત્વના આપીને વહેંચે છે. ઘટોત્કચ કે અભિમન્યુ હણાય, ત્યારે ગાંધારી કુંતીને આશ્વાસન આપે છે અને નવ્વાણું કૌરવો રણભૂમિમાં હણાય, ત્યારે કુંતી ગાંધારીને આશ્વાસન આપે છે. આમ પુરુષો વચ્ચે પરસ્પર સતત વેરઝેરની આગ પ્રજ્વલિત હોય અને નારીહૃદયો આવાં કાળઝાળ સમયમાં પણ પરસ્પર સ્નેહ, સંવાદ અને સહ-અનુભૂતિ ધરાવતા હોય એ વિરલ વાત મહાભારતમાં જોવા મળે છે. પ્રાચીન સમયથી સ્ત્રીઓ સાથે રહી શકતી નથી, એવી વાત અહીં સદંતર ભ્રામક ઠરે છે.
મહાભારત એ દરેક યુગમાં સાંપ્રત છે અને તેથી વર્તમાનમાં યુક્રેન, સુદાન અને અન્ય દેશોનાં સંહાર દ્રશ્યો જોઈએ તે સમયે કુરુક્ષેત્રનાં રણક્ષેત્રમાં દિવ્ય દ્રષ્ટિથી જોતી ગાંધારીનું યુદ્ધભૂમિનું હૃદયવિદારક વર્ણન સ્મરણમાં આવે. ગાંધારી વિશેની નવલકથા 'અગ્નિશિખા'માં આવું યુદ્ધ- વર્ણન એવો અનુભવ આપશે કે જગત સાહિત્યમાં યુદ્ધની વિનાશકતાઓનું આવું હૃદયદ્રાવક વર્ણન અન્યત્ર ક્યાંય નહીં મળે.
ગાંધારીની આ જીવનકથામાં યુદ્ધની ભીષણતાની સાથોસાથ એની નિરર્થકતાનો અહેસાસ પણ કુરુક્ષેત્રના ૧૯મા દિવસના પ્રભાતની કથાથી અનુભવી શકાય છે. અહીં આલેખાયેલા સ્વજનોનાં આક્રંદ અને એમની વેદનાનું આલેખન કોઈપણ યુદ્ધપ્રેમીના હૃદયને યુદ્ધવિરોધી બનાવવા માટે પૂરતું છે. વળી ગાંધારીના શાપને પરિણામે સર્જાયેલી યાદવાસ્થળીની ઘટનાની વિનાશકતાનો ખ્યાલ આપે છે. જેમ કુરુક્ષેત્રનાં યુદ્ધમાં કૌરવકુળનો નાશ થયો, એ રીતે એક જ કુળના રક્તપાત અને શિરચ્છેદથી યાદવકુળનો સર્વનાશ થયો. ઈ. સ. પૂર્વે ૩૧૦૨, બે મહિના અને વીસમા દિવસે શ્રીકૃષ્ણની વિદાય થઈ, કિંતુ મહાભારતના અઢાર દિવસના યુદ્ધમાં એ શ્રીકૃષ્ણના મનમોહક હાસ્યની પાછળ એમની કુટિલ સલાહ ચાર વખત નિર્ણાયક બની રહી.
આ મહાભારતમાં કોઈને રૂપકોની શોધ કરવાનું મન થાય. સત્યનિષ્ઠા માટે યુધિષ્ઠિર, પ્રપંચને માટે શકુનિ, શક્તિવાનને માટે ભીમ, દુષ્ટતાને માટે દુઃશાસન જેવાં પાત્રોનું સ્મરણ થાય છે. સત્તાલાલસાની વાત આવે અને ધૃતરાષ્ટ્રનું સ્મરણ થાય, અહંકારનું સાક્ષાત્ સ્વરૂપ જોવું હોય તો દુર્યોધન યાદ આવે, જાતિને કારણે પીડા પામેલા યુવકની વાત કરીએ, ત્યારે બધે રાધા અને અધિરથ પુત્ર તરીકે ઓળખાતા બાણાવળી કર્ણ નજરે પડે. બે ભાઈઓ વચ્ચે વેર હોય તો કૌરવોના દ્વેષની વાત થાય, વ્યસનની વિનાશકતા દર્શાવવા માટે હસ્તિનાપુરની રાજસભામાં ખેલાયેલા ધૂતનો દ્રષ્ટાંત રજૂ થાય. નારીના શીલ પર આઘાતની ઘટના બને એટલે તરત જ દ્રૌપદીના વસ્ત્રાહરણની ઘટનાનો સંદર્ભ અપાય. આજે વિદ્યાનું શીલ, શિક્ષણનું શીલ, ધર્મનું શીલ, કે અન્ય કોઈ પણ પ્રકારના શીલનો ભંગ કરવાનો પ્રયત્ન થતો હોય કે તરત જ તેને માટે 'વસ્ત્રાહરણ' શબ્દ પ્રયોજાય છે અને વાચકના મનમાં
હસ્તિનાપુરની રાજસભામાં બનેલો આખોય પ્રસંગ વર્તમાનની ઘટના સાથે મેળ સાધે છે. યોગેશ્વર કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ તો છેક આજના મેનેજમેન્ટ યુગ સુધી પહોંચી ગયા અને ગીતામાંથી મેનેજમેન્ટના સિદ્ધાંતો પામવાનો પ્રયાસ કરવામાં આવે છે.
મહત્ત્વની વાત તો એ છે કે આજ સુધી ક્યારેય ગાંધારીની દ્રઢ સત્યનિષ્ઠાનું ગૌરવ ક૨વામાં આવ્યું નથી. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ અને કૃપાચાર્ય અને બાણાવળી કર્ણ તથા સ્વયં કૃષ્ણને નિર્ભીક પણ સત્યવચન કહે છે. પિતા સુબાલા, માતા સુધર્મા, મોટાભાઈ શકુનિ એની સામે પ્રપંચ કરે છે, છતાં એને સહેજે વશ થતી નથી. પતિ ધૃતરાષ્ટ્ર, પુત્ર દુર્યોધન અને દુઃશાસનને સાચી વાત કહેવામાં સહેજે અચકાતી નથી. ગાંધારીના વાણી- વર્તનમાં સતત ગાંધીજીના એ વાક્યનું સ્મરણ થાય કે, 'ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ.'
મહાપ્રજ્ઞાા ગાંધારીની નવલકથાનું આલેખન કરતી વખતે બૃહદારણ્યક ઉપનિષદનું એ સૂત્ર ' િંેપ્છ દ્ધલ્ય ાૃ્રેં।ઋઘક્ર।ઊંશ્ર ।' (બૃહદારણ્યક ઉપનિષદ ૫-૧૪- ૪) અર્થાત્ 'સત્ય બળમાં પ્રતિષ્ઠિત છે અર્થાત્ સત્યમાં જ બળ હોય છે, અસત્યમાં બળ હોતું નથી' પણ સ્મરણ થાય છે.
અને એ જ દર્શાવે છે કે મહાભારત એ માત્ર ઇતિહાસ નથી, ફક્ત પુરાણ નથી કે કેવળ કાવ્ય નથી, કિંતુ એ ત્રણેયનું એવું મનોહર ગૂંફન છે કોઈ ગ્રંથ, વ્યક્તિ કે ઘટના વિશે ચિંતન કરવાનું થાય, ત્યારે તત્કાળ મહાભારતનો સંદર્ભ પ્રગટ થયા વિના રહેતો નથી, આ જ છે આ કૃતિની શાશ્વતતા.


