- પોલીયેસ્ટર કપડું નિસર્ગને સૌથી વધુ પ્રદૂષિત કરતું રહે છે કેમ કે, તેમાંથી નિરંતર છૂટતા રેસા ખૂબ દીર્ઘજીવી હોય છે !
- કૌશિક કુમાર દીક્ષિત
- પોલીયેસ્ટર માટે વિશ્વ બે-ત્રણ વરસમાં જ 151 બિલિયન ડોલરનો Target રાખીને બેઠું છે...પોલીયેસ્ટરની પ્રક્રિયા આમ જુઓ તો, 100 વર્ષ જૂની ગણાય!
પો લીયેસ્ટર એક પ્રકારનું સિન્થેટીક કપડું હોય છે જે સામાન્ય રીતે પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે ! પોલીયેસ્ટર દુનિયાનાં સૌથી લોકપ્રિય કાપડો પૈકી કાપડની એક જાત છે. મોટે ભાગે, પોલીયેસ્ટરના દોરા ઇથેલીનમાંથી બનતા હોય છે. પોલીયેસ્ટરનું ઉત્પાદન તેમજ તેનો ઉપયોગ આમ તો, વિશ્વમાં પ્રદૂષણ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતું રહે છે તે વાત સહુ પ્રથમ નોંધવી જોઈએ. કોટન(સુતરાઉ કાપડ)નો સ્ત્રોત કુદરતી વનસ્પતિ હોવાથી કોટન દ્વારા પ્રદૂષણને ખાસ અવકાશ નથી રહેવા પામતો પણ, પોલીયેસ્ટર માનવસર્જિત-માનવનિર્મિત હોવાથી તેના દ્વારા પ્રદૂષણને મોટો અવકાશ રહે છે. કોટન કરતાં પોલીયેસ્ટર સસ્તું જરૂર પડે છે અને, પોલીયેસ્ટરનાં કપડાંમાં એક પ્રકારનું આકર્ષણ પણ જરૂર હોય છે તેમ છતાં સમાજમાં એક મોટો વર્ગ છે જે પોલીયેસ્ટરને હાનીકારક સમજીને તેનાં કપડાં પહેરવાનું ટાળી રહ્યો છે...
પોલીયેસ્ટરનાં મૂળ ટેરેલીનમાં રહેલાં છે, ટેરેલીનની શોધ ઈ.સ. ૧૯૨૬ દરમ્યાન થઇ હતી... આમ, પોલીયેસ્ટરનો ઈતિહાસ ૧૦૦ વર્ષને પાર આવીને ઊભો છે !
પોલીયેસ્ટર કાપડ બનાવવામાં અને તેનો ઉપયોગ કરવામાં ચીન પ્રથમ ક્રમનો દેશ છે. તદુપરાંત, ભારત-ઇન્ડોનેશિયા-જાપાન-કોરિયા-તાઈવાન પણ પોલીયેસ્ટર બનાવે છે. અમેરિકા પણ પોલીયેસ્ટરના આકર્ષણથી મુક્ત નથી. આગામી બે-ત્રણ વર્ષની અંદર-અંદર પોલીયેસ્ટરનો કુલ બિઝનેસ વિશ્વમાં ૧૫૧ બિલિયન ડોલરનો ટાર્ગેટ રાખીને બેઠો છે.
સામાન્ય રીતે લોકો પોલીયેસ્ટરમાંથી બનેલાં શર્ટ-ટી શર્ટ પહેરતાં જોવા મળે છે...આપણે ૧૦૦% પોલીયેસ્ટરમાંથી બનાવવામાં આવેલાં શર્ટ-ટી શર્ટ પહેરવાનાં લાભ-હાનિ અહિ અભ્યાસમાં લઈએ :
પોલીયેસ્ટર કપડું વધુ ટકાઉ ? : પોલીયેસ્ટર કપડું પ્રમાણમાં વધુ ટકાઉ હોય છે. તે જલ્દી ફાટી જતું નથી, આ તેનો સૌથી મોટો લાભ છે. તે જલ્દી ઘસાઈ પણ નથી જતું. પોલીયેસ્ટર સિવાયનું કપડું પ્રમાણમાં જલ્દી ઘસાઈ જાય છે તેમજ જલ્દી ફાટી જતું જોવા મળે છે.
પોલીયેસ્ટર કપડું જલ્દી સુકાઈ જાય! : પોલીયેસ્ટર કપડું જલ્દી સુકાઈ જાય છે. એટલે, કપડાં ધોવાઈ ગયાં બાદ જલ્દી સુકાઈ જવાની મંગની હોય તો પોલીયેસ્ટરનો કોઈ વિકલ્પ દુનિયામાં નથી ! જલ્દી-જલ્દી ધોઈને જલ્દી-જલ્દી સુકવી લેવું હોય તો પોલીયેસ્ટરનાં કપડાં જ પહેરવાનું રાખવું જોઈએ. યાત્રા-મુસાફરી વગેરેમાં પોલીયેસ્ટર શર્ટ-ટી શર્ટ-પેન્ટ વગેરે ખૂબ અનુકૂળ રહે છે.
પોલીયેસ્ટર કપડું ચડી નથી જતું ! : પોલીયેસ્ટર શર્ટ-ટી શર્ટ તમે ગમે એટલા સમયગાળા સુધી પહેરતાં રહો...ગમે એટલું એમને ધોઈ લ્યો પરંતુ તે જરાય ચડી જતાં નથી એટલે કે ટૂંકાં પડી જતાં નથી અથવા ઢીલાં થઇ જતાં નથી. તમે માપસરનાં પોલીયેસ્ટર શર્ટ-ટી શર્ટ-પેન્ટ લીધાં હોય અને પહેરવાનું ચાલુ કરો તે પછી ક્યારેય તે ટૂંકાં પડી ગયાની ફરિયાદ આવશે નહિ તેની ખાત્રી હોય છે !
પોલીયેસ્ટર કપડું ઝાંખું નહિ પડે! : ૧૦૦% પોલીયેસ્ટર કાપડાંમાંથી શર્ટ-ટી શર્ટ બનાવવામાં આવ્યાં હોય તો તેમનો રંગ કદાપિ ઉતારી-ઊડી જતો નથી...આવાં કપડાં લાંબા સમયગાળા સુધી ઝાંખાં પડતાં નથી અને, વરસો સુધી તે તાજાં-નવાં એવાં ને એવાં જ જણાય છે...પોલીયેસ્ટર સિવાયના કપડાં જલ્દી જૂનાં થઇ જાય છે.
પોલીયેસ્ટર કપડું એકંદરે સસ્તું પડે! : પોલીયેસ્ટર કપડું પ્રમાણમાં બીજા પ્રકારનાં કપડાં કરતાં સસ્તું હોય છે. કોટન શર્ટ-ટી શર્ટ ગમે તેવી પ્રક્રિયાઓ પછી પણ, પોલીયેસ્ટર જેટલાં આકર્ષક બનાવી શકાતાં નથી. એક વાર પોલીયેસ્ટર દોરા બની ગયા પછી તેમાંથી કાપડ બનાવવાની તેમજ વણાઈ ગયેલા કાપડમાંથી શર્ટ-ટી શર્ટ વગેરે બનાવવાની પ્રોસેસ ખૂબ સસ્તી હોવાથી પોલીયેસ્ટર શર્ટ-ટી શર્ટ વગેરે બજારોમાં ખૂબ સસ્તાં મળી રહે છે.
પોલીયેસ્ટર કપડું અને પરસેવો : પોલીયેસ્ટર શર્ટ-ટી શર્ટ પહેરવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ કપડું પરસેવો શોષી શકતું નથી એટલે, જેમણે સતત શારીરિક મહેનત કરીને પરસેવો પાડતાં રહેવાનું છે તેઓ માટે સમસ્યારૂપ બની શકે છે ! પહેરેલાં વસ્ત્રો શરીરે થયેલો પરસેવો શોષી લે તેવી અપેક્ષા રહે છે. જો, પરસેવો વસ્ત્રો દ્વારા શોષાય નહિ તો શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે. જેમને ખૂબ પરસેવો થયા કરતો હોય તેમણે માટે પોલીયેસ્ટર શર્ટ-ટી શર્ટ ખપનાં નથી.
પોલીયેસ્ટર કપડું બનાવવાની પ્રક્રિયા પ્રદૂષણકારી : પોલીયેસ્ટર દોરા તેમજ તે બાદ તેમાંથી કાપડ નિર્માણ કરવાની સમગ્ર પ્રક્રિયા પ્રમાણમાં ખૂબ જ પ્રદૂષણકારી છે. જ્યાં પણ પોલીયેસ્ટર કપડાંનું નિર્માણ થાય છે ત્યાં પ્રદૂષણ માંઝા મૂકે છે...હવા-પાણી બંનેને પોલીયેસ્ટર પ્રદૂષિત કરી મૂકે છે. પોલીયેસ્ટરનો એક દુર્ગુણ એ છે કે, તે સતત પોતે બારીક-અતિ બારીક રેસા પોતાની બહાર છોડતું રહે છે...આવા રેસા પાણીમાં -માટીમાં-ધૂળમાં મળવાથી પણ એમનો નિકાલ નથી થઇ શકતો અને તેથી જ, અમુક વાર ચેપ-પ્રદૂષણ ફેલાવવામાં પોલીયેસ્ટર કાપડની સવિશેષ ભૂમિકા રહે છે.
પોલીયેસ્ટરનું રિસાયકલીંગ ખતરનાક! : પોલીયેસ્ટર આમ તો, એક પ્રકારનું પ્લાસ્ટિક જ કહેવાય ! તેથી, તેનું રિસાયકલીંગ શક્ય છે પરંતુ તે મોંઘુ છે એટલું જ નહિ પણ ખતરનાક પણ છે ! પોલીયેસ્ટરના રિસાયકલીંગથી જે પ્રદૂષણ ફેલાઈ શકે છે તે અત્યંત ગંભીર પ્રકારનું હોય છે... અને, જો પોલીયેસ્ટરનું રિસાયકલીંગ કરી જ નહિ તો તેનો નિકાલ કરવાનું કામ લગભગ અશક્ય છે. આમ, પોલીયેસ્ટરનું રિસાયકલીંગ ગંભીર હોવા છતાં મનુષ્યજાતને તેની ફરજ પડે છે. વિશ્વની જાણીતી બ્રાન્ડ્સ (એડીડાસ -પેટાગોનીયા સહિત !) પોલીયેસ્ટરના રિસાયકલીંગ સાથે સંકળાયેલી છે અને પોતાના એ કામને તેઓ ગૌરવ સમજે છે.
પોલીયેસ્ટરનું ક્લીનિંગ : પોલીયેસ્ટરનું સંપૂર્ણ ક્લીનિંગ શક્ય નથી હોતું કારણ કે, પાણી સાથે તે એકાકાર થઇ નથી શકતું ! કોઈ પણ કપડું જે ૧૦૦% પોલીયેસ્ટર હોય તેને પાણીમાં તરબોળ કરી દેવાથી પણ તે જોઈએ તેવું ભીનું થઇ શકતું નથી. આમ, પાણીનો સંપૂર્ણ પ્રભાવ તે ઝીલવા માટે સમર્થ નથી. એટલે જ, એમ કહી શકાય કે પોલીયેસ્ટરનું ક્લીનિંગ અન્ય કાપડ કરતાં મુશ્કેલ છે-તેને ગમે એટલું ધોઈને પણ અન્ય કાપડ જેટલું સ્વચ્છ બનાવી નથી શકાતું. આમ, અમુક પ્રકારના રોગોનો ફેલાવો પોલીયેસ્ટર થાકી ઝડપી બની રહે છે.
- તમને જાણીને નવાઈ લાગશે પણ, પોલીયેસ્ટર પર્યાવરણ માટે તેમજ માનવજીવન માટે હાનિકારક હોવા છતાં, પોલીયેસ્ટરમાં જ મનુષ્યો વધુ સુંદર-વધુ સેક્સી-વધુ સ્માર્ટ દેખાતાં હોવાથી, આખું જગત હાલને તબક્કે પોતે જે પણ કાપડ વાપરે છે તેમાં ૪૯% હિસ્સો પોલીયેસ્ટર દ્વારા રોકવામાં આવેલો છે !
પીન કોડ અને ડીજી પીન વચ્ચેનો ભેદ પણ સમજી લઈએ...

- PIN Code ર્ભગીના દિવસો હવે, પૂરા? ...સરકાર લાવી રહી છે DIGI Pin!
આ પણો દેશ આઝાદ થયો તે પછી, લગભગ પચીશ વરસ રહીને કેન્દ્ર સરકારના તે વખતના સંચાર ખાતાના એડીશનલ સેક્રેટરી શ્રીરામ ભીખાજી વેલંકર દ્વારા ટપાલ ખાતા માટે પીન કોડ નંબર્સની શોધ કરવામાં આવેલી જેમનો અમલ તા. ૧૫-૦૮-૧૯૭૨થી દેશભરમાં કરવામાં આવ્યો હતો. હાલ, ભારતભરમાં ૧૯,૧૦૧ પીનકોડ નંબર્સ દેશના ટપાલ ખાતા દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે... આ પીનકોડ નંબર્સ જ આખા દેશમાં વિવિધ પ્રકારની ટપાલોની વહેંચણી સરળ અને ઝડપી બનાવતી આવી છે.
પરંતુ, આપણી કેન્દ્ર સરકાર હવે ઈસરો સાથે ભાગીદારીમાં પીનકોડના વિકલ્પ રૂપે 'ડીજી પીન' જેવી નવી વ્યવસ્થા લઇ આવવા આગળ વધી રહી છે ત્યારે 'પીન કોડ' અને 'ડીજી પીન' વચ્ચ્ચે રહેલો તફાવત દેશના દરેક સમજદાર નાગરિકે સમજી લેવો જરૂરી છે...
આંકડાઓનો ફરક : પીન કોડ અને ડીજી પીન વચ્ચે સૌથી મોટો અને ધ્યાન ખેંચે તેવો ફરક આંકડાઓ વિષયક છે...પીન કોડ ૬ આંકડાઓ ધરાવતો હતો જ્યારે, ડીજી પીન ૧૦ આંકડાઓ ધરાવે છે ! જેમ દેશભરમાં કુલ પીન કોડની સંખ્યા ૧૯,૧૦૧ હતી તેમ આ ડીજી પીન માટે કોઈ નિશ્ચિત સંખ્યા નહિ હોઈ શકે. ડીજી પીન અસંખ્ય હોઈ શકે છે.
જે-તે વિસ્તારની દ્રષ્ટિએ : જે-તે વિસ્તારને ધ્યાને લઈએ તો પણ, પીન કોડ અને ડીજી પીન વચ્ચે મોટો તફાવત માલમ પડી રહ્યો છે. પીન કોડ નંબર દેશમાં સરકાર દ્વારા ચાલી રહેલી વ્યવસ્થાઓને આધારે નક્કી થયા છે જ્યારે, ડીજી પીન પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ પર આધારિત વ્યવસ્થા છે. પીન કોડનો પાયો માણસે પોતે બનાવેલી વ્યવસ્થા હોવાનું સમજી શકાય જ્યારે, ડીજી પીન સંપૂર્ણપણે વૈજ્ઞાાનિક વ્યવસ્થા છે અને તેમાં જે-તે સ્થાન પરત્વે ભૌગોલિક માપદંડનો સહારો લેવામાં આવે છે. પીન કોડ જે-તે સ્થળ પરત્વે એક અંદાજીત વિસ્તાર દર્શાવી રહ્યો હોય છે જ્યારે ડીજી પીન અંદાજે ૧૬ સ્ક્વેર ફૂટ વિસ્તારનું ચોક્કસ સ્થાન દર્શાવવામાં સફળ રહે છે. આમ, પીન કોડ આધારે કોઈ ચોક્કસ સ્થાનબિંદુ મેળવી નહિ શકાય જ્યારે ડીજી પીન દ્વારા એક ચોક્કસ સ્થાનબિંદુ સુધી પહોંચી જઈ શકાય.
પીન કોડ અને ડીજી પીન વચ્ચે કશો જ તાલમેલ નહિ : જે-તે સ્થળના પીન કોડ અને ડીજી પીન વચ્ચે કશો જ તાલમેલ જોવા મળી નથી રહ્યો...પીન કોડ માત્ર આંકડા ધરાવે છે જ્યારે, ડીજી પીન આંકડા ઉપરાંત, અંગ્રેજી મૂળાક્ષરો પણ ધરાવે છે ! ડીજી પીન માત્ર આંકડાઓ દ્વારા નથી બની રહ્યો. આમ, પીન કોડ માત્ર ન્યુમેરિક છે જ્યારે ડીજી પીન અલ્ફા ન્યુમેરિક છે એમ કહી શકાય.
નદી-દરિયા વગેરે ઉપરનું સરનામું : લાંબી-લાંબી નદીઓ તેમજ વિશાળ સમુદ્ર વગેરેમાં પાણી પર અધવચ્ચે કોઈ ચોક્કસ સ્થાન શોધવું હોય તો તેમાં પીન કોડ કંઈ ખાસ કામ નહિ આવે...પણ, એવા સંજોગોમાં ડીજી પીન કામ આવી શકશે. ડીજી પીન દ્વારા તમે જળ-સ્થળ બંને ઉપર સચોટ સરનામે પહોંચી જઈ શકો. આ જ કારણથી સરકારની ડીજી પીન સેવા પરત્વે એક મોટી ક્રાંતિની ઉમ્મીદ સેવી શકીએ.
લાંબા લચક સરનામા : પીન કોડ સાથે ઘણી વાર લાંબા લચક સરનામા આપવાની જરૂરત-ગરજ રહ્યા કરે છે. પણ, ડીજી પીન આપી દઈએ એટલે બીજા સંદર્ભ અથવા લાંબા લચક સરનામાની કશી જ ગરજ પછી, રહેતી નથી ! વ્યક્તિ/સંસ્થાનું નામ અને પછી, માત્ર ૧૦ અલ્ફા-ન્યુમેરિક ડીજી પીન આપી દેવાથી ચીજ-વસ્તુ-સેવા વગેરેની ડિલીવરી કરનાર માણસ ત્યાં એકદમ સરળતાથી ઝડપભેર પહોંચી જઈ શકે છે.
દુરુપયોગની દહેશત! : એક વાર કોઈ વ્યક્તિ-સંસ્થા માટે તેનો પીન કોડ મળી જાય એટલે કંઈ ત્યાં સુધી પહોંચી નહિ જઈ શકાય ! તેનાં પૂરા સરનામાની જરૂરત પડે ! પણ, ડીજી પીનનું એવું નથી. માત્ર ડીજી પીન મળી જાય એટલે જે-તે વ્યક્તિ-સંસ્થા સુધી બહુ જ આસાનીથી જતાં રહી શકાય ! ભવિષ્યમાં પીન કોડ વાળા સરનામા બાબત એટલું જોખમ નથી હોતું પણ, ડીજી પીન બાબત એક મોટું જોખમ રહે છે ! પીન કોડનો દુરુપયોગ કરવાનું સરળ નથી. ડીજી પીનનો દુરુપયોગ કરવાનું અતિ સરળ છે...જો, ડીજી પીનનું પ્રચલન વધી ગયું તો, ગુનેગારોને પોતાનાં નિર્ધારિત સ્થાનો સુધી પહોંચી જઈને ગુનાઓને અંજામ આપવાનું કામ બહુ જ આસાન થઇ જશે!
મંત્રી
(હઝલ)
મંત્રી એટલે સેવક એવો ખ્યાલ પ્રજાનો ખોટો,
મંત્રી એટલે મોંઘો સફેદ હાથી મજાનો મોટો.
સુરક્ષા કવચ વચ્ચે ભાષણ એ શૂરવીરતાનું આપે,
વાણી વર્તનના વિરોધાભાસનો જડે ન જોટો!
ચૂંટાઈને પ્રજા વચ્ચેથી એ અંતર ધ્યાન થઈ જાય,
ચૂંટણી ટાણે પ્રજા વચ્ચે આવી ફરી પાડે હાંકોટો!
જાહેરમાં વાતો એ પ્રજાના કલ્યાણની કરે પણ,
કાર્ય કરતાં પહેલા પ્રથમ માંડે નિજનો નફો-તોટો !
સદૈવ હસતું મોઢું રાખી સૌ સાથે વિવેકથી વર્તે,
મડદાંના ઢગલા વચ્ચેય હસતાં મુખે પડાવે ફોટો !
ભ્રષ્ટાચાર ને ભૂખની આગમાં પ્રજા ભડકે બળે,
એમાં શું કરે બિચારો 'વિનોદ' નાનો જળનો લોટો!
- વિનોદ વ્યાસ


