Get The App

શું વૈજ્ઞાનિક સમીકરણોમાં ''ઈશ્વર'' રહેલો છે!

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
શું વૈજ્ઞાનિક સમીકરણોમાં ''ઈશ્વર'' રહેલો છે! 1 - image

ડાર્વિનથી ડોકિન્સ - વિજ્ઞાનની શોધમાં શરૂ થયેલી શ્રદ્ધાની સફર?

- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

શું વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાની વિરોધી તાકાત તરીકે કાર્ય કરે છે? મોટાભાગના સામાન્ય માણસો એવું જ માનતા હોય છે કે ''ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ઉત્તર અને દક્ષિણ ધુ્રવ જેટલું અંતર છે. પરંતુ જે લોકો વિજ્ઞાનનો અને ધર્મનો બંનેનો અભ્યાસ કર્યો છે, તેઓ જાણે છે કે વિજ્ઞાન અને ધર્મ, એકબીજા સાથે જોડાયેલા છે. એક જ સિક્કાની અલગ અલગ બાજુ છે. સમાજમાં એવી સામાન્ય સમજ હોય છે કે ''કોઈપણ વ્યક્તિ વિજ્ઞાની બને ત્યારે તે, ઈશ્વર પ્રત્યેની પોતાની આસ્થા છોડી દેતો હોય છે. અથવા તો શરૂઆતથી જ નાસ્તિક હોય છે?'' કેટલાક લોકો રેશનલ હોવાનો અર્થ ''નાસ્તિકતા'' કરે છે? જે આવાં માહોલમાં તમને સવાલ થશે કે ''શું એક મહાન વિજ્ઞાની આસ્તિક હોઈ શકે?'' 

આ પ્રશ્નનો ઉત્તર આપવો હોય તો, એટલું કહી શકાય કે ''હા, મોટાભાગના વિજ્ઞાનીઓ આસ્તિક હોય છે. તેઓ કર્મકાંડ નહીં. પરંતુ ધર્મના સિદ્ધાંતોમાં  પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આસ્થા રાખતા હોય છે. આમ જોવા જઈએ તો ધર્મ પણ એક પ્રકારનું નૈતિક આચરણ કરવા માટેની ગાઈડ લાઈન છે. આ ગાઈડ લાઈનમાં, વૈજ્ઞાનિક અભિગમ પણ આવી જાય છે. ભારતીય હિન્દુ કેલેન્ડરમાં નવા વર્ષનું આગમન થઈ ચુક્યું છે. તમે ઉત્સવો દ્વારા તેની ઉજવણી પણ કરી ચૂક્યા છો. હવે નિરાંતે આપણે ધર્મ અને વિજ્ઞાન પ્રત્યેની આસ્થા વિશે પણ થોડું ચિંતન કરીએ.'' 

 ન્યૂટનનો ઈશ્વર અને ગેલિલિયોની શ્રદ્ધા 

શું ધર્મ વિજ્ઞાનની સીમારેખાઓને સીમિત રાખે છે? આ પ્રશ્નો સદીઓથી માનવ ચિંતનને આંદોલિત કરતા રહ્યા છે. પરંતુ જ્યારે આપણે ઈતિહાસના પાનાં પલટીએ છીએ, વિજ્ઞાનના મહાપુરુષોના જીવન અને વિચારોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે એક આશ્ચર્યજનક અને જટિલ ચિત્ર ઉભરી આવે છે. એક એવું ચિત્ર જે સરળ જવાબો કરતાં, ધર્મ પ્રત્યેની તેમની આસ્થા વિશે વધુ ઊંડા પ્રશ્નો ઉભા કરે છે. ૧૭મી અને ૧૮મી સદીમાં વૈજ્ઞાનિક ક્રાંતિ સર્જનારા મહાન વિજ્ઞાનીઓ - ગેલિલિયો, કેપ્લર, બેકન, પાસ્કલ અને ન્યૂટન, આ બધા જ વિજ્ઞાનીઓમાં તમને એક વાતમાં સમાન જોવા મળશે. તેઓ પોતાના ધર્મમાં અતૂટ ધાર્મિક વિશ્વાસ ધરાવતા હતા. આ વિજ્ઞાનીઓ માટે વિજ્ઞાન અને આસ્તિકતા વચ્ચે કોઈ અનિવાર્ય સંઘર્ષ નહોતો. તેઓ તેમના ધાર્મિક વિશ્વાસ અને વૈજ્ઞાનિક શોધો વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકતા હતા. 

કેથોલિક ગેલિલિયો માનતા હતા કે ''જે બાબતો વિશે બાઇબલ મૌન છે, તે બાબતોમાં વૈજ્ઞાનિક નિરીક્ષણો અને સિદ્ધાંતો, બાઇબલની શ્રદ્ધાના અર્થઘટનમાં માર્ગદર્શન આપી શકે છે. આ એક ક્રાંતિકારી વિચાર હતો. એક એવો વિચાર જેણે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે એકરૂપતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોટેસ્ટન્ટ કેપ્લર તો વિનમ્ર, લ્યુથરન પાદરી બનવા માંગતા હતા. પરંતુ કોમ્યુનિયનમાં ખ્રિસ્તના શરીર અને રક્તના અર્થ વિશેના તેમના વિચારો કેથોલિક, લ્યુથરન અને કેલ્વિનિસ્ટ વચ્ચેની વિસ્તરતી જતી તિરાડોમાં ખોવાઈ જતા હતા. તેઓ પોતાની વિચારોની સ્પષ્ટતા કરવા રોકાયા, ત્યાં જ તેમણે નવીન વૈજ્ઞાનિક શોધની પ્રક્રિયામાં જ ધાર્મિક આનંદ મેળવી લીધો. સૌ પ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે ગણિતની ભાષામાં જેણે સ્પષ્ટતા કરી તેવાં આઇઝેક ન્યૂટનની વાત કરીએ તો ન્યૂટન વિશેની પરંપરાગત છબી, એક ઠંડા, તર્કવાદી વિજ્ઞાની તરીકેની છે. પરંતુ તાજેતરના દાયકાઓમાં વિદ્વાનોને મળેલા તેમના ગુપ્ત લખાણો, એક નવા ન્યૂટનને પ્રગટ કરે છે. દશકો સુધી તેઓએ જે વિપુલ લખાણો પર કામ કર્યું અને ગુપ્ત રાખ્યું તે દર્શાવે છે કે ''ન્યૂટન ન તો નિરીશ્વરવાદી હતા, ન તર્કવાદી, અને ન્યૂટોનિયન એટલે કે સંપૂર્ણ યાંત્રિકતાવાદી હતાં.''

ડાર્વિનથી ડોકિન્સ સુધી

૨૦મી અને ૨૧મી સદીમાં લોકોમાં એવી માન્યતા છે કે ''તેમનું બૌદ્ધિક સ્તર ઊંચું ગયું છે. તેઓ ધર્મ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ વિશે અલગ દ્રષ્ટિકોણ ધરાવતા થઈ ચૂક્યા છે. આ પ્રકારની માનસિકતામાં, વિજ્ઞાનીઓની રૂઢિગત ધાર્મિક આસ્થાને ચકાસવી અઘરી થઈ પડે.  આધુનિક યુગમાં આવેલી વિવિધતાની સાથે સાથે વિજ્ઞાનીઓની શ્રદ્ધા પણ વધુ વૈવિધ્યસભર બની છે. સ્ટીફન હોકિંગ જેવા કેટલાક, જૂની ઈશ્વર-ભાષામાં નવા વૈજ્ઞાનિક વર્ણનો આપી રહ્યા છે. જેન ગૂડોલ જેવા, પ્રકૃતિ પૂજા, પર્યાવરણ રક્ષણને વિજ્ઞાનનું અવિભાજ્ય અંગ ગણે છે. આ સિદ્ધાંત પ્રાચીન ધર્મ માટે પણ પાયા રૂપ સિદ્ધાંત હતા. જેન ગૂડોલની વિચારસરણી, આપણને પર્યાવરણીય નુકસાન, નરસંહાર અને પ્રાણી દુર્વ્યવહાર સામે સક્રિય બનવાની પ્રેરણા આપે છે. સાગન, સ્ટીવન વાઈનબર્ગ અને રિચર્ડ ડોકિન્સ જેવા વિજ્ઞાનીઓ, પોતાની જાતને પરંપરાગત ધર્મોના ઘોષિત ટીકાકાર તરીકે ઓળખાવે છે. સામે પક્ષે તેઓ ડિઝાઇનની દલીલ અને બ્રહ્માંડના સર્જન વચ્ચેનો કાર્યકારણનાં શાશ્વત ધાર્મિક પ્રશ્નો પર શક્તિશાળી નવી વિચારધારા પણ આપે છે. કાર્લ સગાન એક તરફ પરંપરાગત ઈશ્વરને નકારી કાઢે છે, ત્યાં તેઓ પૃથ્વી પર પ્રાચીન કાળમાં વિકસેલી સભ્યતાના અવશેષો જોઈને, બ્રહ્માંડમાં અન્યત્ર જીવસૃષ્ટિ હશે, પરગ્રવાસી હશે? એવી કલ્પનામાં પણ વિશ્વાસ ધરાવે છે. ધર્મની પોતાની વિભાવના રજૂ કરતા તેઓ કહે છે ઃ ''એક ધર્મ, જૂનો અથવા નવો, જે આધુનિક વિજ્ઞાન દ્વારા પ્રગટ થયેલા બ્રહ્માંડના રહસ્યની ભવ્યતા પર ભાર મૂકે, તે પરંપરાગત શ્રદ્ધાઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આદર અને વિસ્મયના ભંડારને આકર્ષી શકે છે. વહેલા કે મોડા, આવો ધર્મ ઉદ્ભવશે.'' ધર્મના અર્થઘટનમાં એકબીજા અંતિમ ઉપર ઉભેલી વ્યક્તિ એટલે રિચર્ડ ડોકિન્સ. તેમને વિજ્ઞાન જગત આધુનિક ચાર્લ્સ ડાર્વિન તરીકે ઓળખે  છે. તેમના વિચારો મુજબ ''સમાજના નૈતિક મૂલ્યો અને માનવીય સંબંધો વચ્ચેની સંવેદના સાચવવા આપણું કર્તવ્ય બને છે.'' તેઓ પોતાની વિભાવનાને આધુનિક અભિગમ દ્વારા દર્શાવે છે. પરંતુ આ સિદ્ધાંતનાં મૂળ તો પાછા પરંપરાગત ધર્મના સિદ્ધાંતોમાં છવાયેલા જ છે.

ધર્મના મંદિરમાં વિજ્ઞાનનો ઘંટ

ન્યુટન પછી વિજ્ઞાનના આકાશમાં બીજો ચમકતો તારો એટલે ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિનની આસ્તિકતાની યાત્રા પોતે જ એક ઉત્ક્રાંતિની વાર્તા જેવી પ્રક્રિયા સૂચવે છે. યુવાન ડાર્વિનની શ્રદ્ધા શરૂઆતના સમયમાં ધર્મ તરફ ઓછો ઝુકાવ ધરાવતી હતી. ઉત્ક્રાંતિની માફક સમય જતા, તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમની ધાર્મિક શ્રદ્ધા - એક શબ્દમાં કહીએ તો - વિકસિત થઈ ગઈ. પોતાના જીવનના અંતે લખેલા નિખાલસ અને વિનમ્ર પંથ-નિવેદનમાં, વૃદ્ધ ચાર્લ્સ ડાર્વિન અજ્ઞોયવાદી બનીને આશ્ચર્ય પામે છે કે શું તેમની ''ધાર્મિક ભાવના'' તેમને હજી પણ આસ્તિક કહેવાને યોગ્ય ઠરાવે છે? પરંતુ ખ્રિસ્તી ધર્મ અને ચર્ચ માટે ચાર્લ્સ ડાર્વિન ''શ્રાપપાત્ર'' વ્યક્તિ હતા. જેમણે ઈશ્વરના સર્જનવાદ ઉપર કુહાડીના ઘા કર્યા હતા. આ બધામાં સાપેક્ષતાવાદના સામાન્ય સિદ્ધાંત જેટલું સૌથી જટિલપાત્ર એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આઈન્સ્ટાઈનનો સર્વેશ્વરવાદ, નિર્ધારિત બ્રહ્માંડમાં વ્યાપેલી અંતર્ગત ગાણિતિક બુદ્ધિમત્તામાંના વિશ્વાસ પર આધારિત હતો. આ વિશ્વાસ તેઓ ક્વોન્ટમ મિકેનિક્સના અનિશ્ચિતતાવાદ સામે પણ છોડી શક્યા નહીં. જે ક્વોન્ટમ મિકેનિક્સ સ્થાપિત કરવામાં તેઓએ પોતે મદદ કરી હતી. ક્વોન્ટમ મિકેનિક્સની  અનિશ્ચિતતા માફક આઈન્સ્ટાઈન એવા વ્યક્તિગત ઈશ્વરની કલ્પના કરી શકતા નહોતા, જે સીધી રીતે બ્રહ્માંડ સંચાલનમાં હસ્તક્ષેપ કરતો હોય અથવા વ્યક્તિઓની ક્રિયાઓને પ્રભાવિત કરતો હોય અથવા પોતાની જ રચના પર ન્યાય કરતો હોય. તેમની શ્રદ્ધા, અનંત બ્રહ્માંડની શ્રેતાની ગહન ડિઝાઇનમાં છુપાયેલી હતી.  ગણિતશાસ્ત્રી આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટહેડે પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવ્યો હતો, જે આઈન્સ્ટાઈનથી અલગ હતો. તેના કેન્દ્રમાં ''સર્જનાત્મક માર્ગ'' અને અનિશ્ચિતતાવાદ મહત્વનો હતો. પોતાની કારકિર્દીના અંતમાં ફિલસૂફી તરફ વળ્યાં હતા. તેમની ફિલસૂફી અને ધર્મ પરનો પ્રભાવ, ધર્મશાસ્ત્ર અને ફિલસૂફીની એક શાળા (સ્કૂલ)ના સ્વરૂપમાં ખાલી ઉઠયો છે. તેઓ એ લખ્યું છે કે : ''પ્રેમ ન તો શાસન કરે છે, ન તે અચળ છે, પરંતુ તે નૈતિકતા પ્રત્યે થોડો બેદરકાર પણ છે.'' સરળ શબ્દમાં તેઓ એવું કહેવા માગતા હતા કે ''એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર''

વિજ્ઞાનની નવી પ્રાર્થના

ધર્મ કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ન રાખનારા, આધુનિક વિજ્ઞાનીઓ પ્રકૃતિ અને બ્રહ્માંડ રચના વિશે આશાવાદી અભિગમ ધરાવતા હોય છે. જીવવિજ્ઞાની ઉર્સુલા ગૂડનફ પોતાને ''ધાર્મિક પ્રકૃતિવાદી'' કહે છે. જેનો અર્થ એ છે કે ''તેમની આધ્યાત્મિકતાએ પ્રતીતિ કરાવે છે કે ''પ્રકૃતિનું વિશ્વ, વિકસતું બ્રહ્માંડ, વાસ્તવિક છે.''તેઓ સમજાવે છે : ''આપણે રીડક્શન કરીએ છીએ, અને પછી આપણે સંશ્લેષણ કરીએ છીએ, અને પછી આપણને રીડક્શન કરવાનો બીજો પ્રસંગ મળે છે.'' જીવનચક્ર આમ ચાલતું રહે છે. સામા પક્ષે ''ધ સાઇલેન્ટ સ્પ્રિંગ'' ની લેખિકા રશેલ કાર્સને પોતાને કદી ધાર્મિક પ્રકૃતિવાદી કહ્યા નથી. પરંતુ તેમના પર્યાવરણને લગતા લખાણોમાં અદ્રશ્ય પ્રકૃતિ પૂજા તો આવી જ જાય છે. રશેલ કાર્સન આજના ધોરણો પ્રમાણે આપણને વ્યાવસાયિક વિજ્ઞાની લાગે નહીં. પરંતુ પર્યાવરણ પર જંતુનાશકોની અસર શોધવા માટે તેમણે કરેલ કઠોર કાર્ય, કોઈપણ પ્રયોગશાળાનાં વિજ્ઞાનીઓ જેટલું જ મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક છે. પ્રિન્સટન ભૌતિકશાસ્ત્રી ફ્રીમેન ડાયસન બ્રિટનમાં જન્મ્યા છે. જ્યાં ચર્ચનું પ્રભુત્વ જોવા મળે છે. તેઓ ચર્ચમાં હાજરી આપે છે, સાથે સાથે પોતાને રસપ્રદ રીતે ''હું અભ્યાસી ખ્રિસ્તી છું, પરંતુ વિશ્વાસુ ધાર્મિક ખ્રિસ્તી નહીં'' તરીકે ઓળખાવી શકે છે. ભૌતિકશાસ્ત્રી સ્ટીવન વાઈનબર્ગ કહે છે કે ''સારા લોકો સારા કાર્યો કરશે, અને ખરાબ લોકો ખરાબ કાર્યો કરશે. પરંતુ સારા લોકો ખરાબ કાર્યો ન કરે - તે માટે ધર્મ છે.'' જેના જવાબમાં ડાયસન કહે છે : ''વાઈનબર્ગનું નિવેદન જ્યાં સુધી જાય છે ત્યાં સુધી સાચું છે. પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી. તેને સંપૂર્ણ સત્ય બનાવવા માટે, આપણે વધારાનો ખંડ ઉમેરવો જોઈએ : ''અને ખરાબ લોકો સારા કાર્યો કરે - તે માટે પણ ધર્મ છે.'' અહીં કદાચ લોકો પરંપરાગત કર્મના સિદ્ધાંતને માનતા નથી, પરંતુ સારા કર્મો કરવા એ વાત તેમના માટે, પ્રથમ પ્રાથમિકતા બની જાય છે. આને હાથ ઊંધો કરીને કાન પકડવાની પ્રક્રિયા કહી શકાય. પરંતુ આધુનિક ભૌતિકશાસ્ત્રી, સર જોન પોલ્કિંગહોર્ન સીધા હાથે જ કાન પકડીને કહે છે : ''મારું ધાર્મિક દર્શન, આધુનિક વિજ્ઞાન જેટલું જ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રને આભારી છે.''