Get The App

ચાર ચિરવિદાય : મારોતમારો સૂર જેમની સાથે મળ્યો, એમના જીવતરનો તાર તુટયો!

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ચાર ચિરવિદાય : મારોતમારો સૂર જેમની સાથે મળ્યો, એમના જીવતરનો તાર તુટયો! 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- કોઈએ ફિલ્મોમાં, કોઈએ ટીવીમાં, કોઈએ જાહેરખબરમાં... પણ એ શીખવાડયું કે સંવેદના સાથે સ્મિત ભળે તો અજાણ્યા પર પણ કાયમી છાપ પડી જાય છે

૧૯ ૯૪. જાહેરાત કંપની ઓગિલવીની હાલત ખરાબ હતી. એક એવા ક્લાયન્ટની જરૂર હતી જે આવનારી કટોકટીમાંથી કંપનીને  ઉગારી શકે. બીજી તરફ, જાણીતી બ્રિટિશ ચોકલેટ કંપની કેડબરી પણ ભારતમાં પોતાની ઈમેજ બદલવાની તૈયારી કરી રહી હતી. કેડબરીના ઉત્પાદનોને તે સમયે બાળકોના ઉત્પાદનો ગણવામાં આવતા હતા. યુવાવર્ગને આકર્ષવા કેડબરીને એક નવી જાહેરાતની જરૂર હતી. કેડબરીએ પોતાની નવી જાહેરાત બનાવવાની જવાબદારી ઓગિલવીને આપી.

ઓગિલવીને કોઈ પણ ભોગે આ તકનો ફાયદો ઉઠાવવો હતો. કેડબરી માટે કંઈક એવું બનાવવું હતું જે સનસનાટીભર્યું હોય. એકઝાટકે છવાઈ જાય. તે સમયે ઓગિલવીના ભારતના ક્રિએટિવ હેડ પિયુષ પાંડે હતા. એ ત્યારે દિવાળીની રજા પર અમેરિકા હતા. બોસનો આદેશ મળતાં જ પિયુષ પાંડે આગલી ફ્લાઇટ પકડીને ભારત પાછા ફર્યા. 

જ્યારે પિયુષ પાંડે ફ્લાઇટમાં હતા, ત્યારે જાહેરાતના જિંગલ તરીકે તેમના મગજમાં કેટલીક પંક્તિઓ આવવા લાગી. તેમણે પોતાના બોર્ડિંગ પાસ પર જ તે પંક્તિઓ લખી લીધી. તે બે પંક્તિઓ અંગ્રેજીમાં હતી : 'ધેર ઈઝ સમથિંગ સો રિયલ ઇન એવરીવન. સો રિયલ, આસ્ક એનીવન.' પિયુષ પાંડેએ તરત 'ગોડફાધર ઓફ ઇન્ડિયન જાઝ' અને અનેક જાહેરાતોનું મ્યુઝિક કમ્પોઝ કરનાર અને અમિતાભની 'હમ' જેવી ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવનાર લુઇ બેંક્સનો સંપર્ક કર્યો. 

લુઇ બેંક્સને તે જ સાંજે કલકત્તા જવાનું હતું. પણ તેમણે એક ધૂન પણ કંપોઝ કરી. પછી તરત જ ગાયક ગેરી લોયર સાથે અંગ્રેજી જિંગલ તૈયાર પણ કરી દીધું. પિયુષ પાંડે તે ટેપ લઈ આવ્યા. ઘરે આવીને જ્યારે તેમણે તે ટેપ સાંભળી, ત્યારે તેમને કંઈક ઊણપ મહેસૂસ થઈ. અંગ્રેજીમાં જ પોટ્ટી જતા હોય એવા છોરા છોરીઓથી છલકાતા એડવર્લ્ડમાં પિયુષ પાંડે હિન્દીને કાયમ આગળ કરતા હતા કારણ કે એમને ખબર હતી કે આ દેશનું હૃદય એની પોતીકી ભાષામાં છે. મિલે સૂર મેરા તુમ્હારા જેવું ગાંધીકાર્ય કરનારને ભારતની નાડની પાક્કી પરખ હતી. એમને લાગ્યું કે જો આ જિંગલ હિન્દીમાં હોય તો વધુ સારું. તેમણે ફરીથી પોતાનું મગજ દોડાવવાનું શરૂ કર્યું. અને અંતે તેમણે હિન્દી ગીતના શબ્દો રિયલને બદલે સ્પેશ્યલ વિચારીને  લખ્યા.

પછી પિયુષ પાંડેએ શંકર મહાદેવનને બીજા દિવસે રેઈનબો સ્ટુડિયો આવીને તે ગીતના શબ્દો રેકોર્ડ કરવા કહ્યું. પિયુષ પાંડે પર તેમના બોસનું પણ ઝડપથી જાહેરાત તૈયાર કરવાનું પ્રેશર હતું. બીજા દિવસે જ્યારે શંકર મહાદેવને બેંક્સ દ્વારા કંપોઝ કરવામાં આવેલી તે ધૂન સાંભળી. તેમને લાગ્યું કે આ ધૂનમાં અંગ્રેજી સ્પર્શ વધુ છે. એમાં થોડો ભારતીય સ્વાદ ભળવો જોઈએ. પછી સ્લાઇડ ગિટારિસ્ટ બ્રિજ ભૂષણ કાબરાની મદદથી નવી ધૂન તૈયાર થઇ. પિયુષ પાંડેએ તે જિંગલ પર કેટલાક ફોટા લગાવીને એક રફ વીડિયો બનાવ્યો,  કેડબરીવાળાઓને પણ આ વિચાર અનોખો લાગ્યો. 

ઝડપથી મોડલ્સ માટે ઓડિશન્સ શરૂ કરવામાં આવ્યા. કેડબરી ગર્લ તરીકે શિમોના રાશીની પસંદગી કરવામાં આવી. શૂટિંગની થીમ હતી કે ક્રિકેટ મેચમાં છોકરા દ્વારા વિનિંગ શોટ પછી સ્ટેડિયમમાં બેઠેલી છોકરી અજીબ નાચતા નાચતા ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે. અને છોકરી એક અજીબ ડાન્સ કરે છે. તે કોઈ પ્રોફેશનલ ડાન્સર નથી, એક સામાન્ય છોકરી છે. ઓડિશનમાં આવનારી છોકરીઓને માત્ર મન ફાવે તેવો વિચિત્ર ડાન્સ કરીને બતાવવા માટે કહેવામાં આવ્યું હતું. શિમોના રાશિએ જેવો ડાન્સ કરીને બતાવ્યો હતો તેનાથી પ્રભાવિત થઈને જ પિયુષ પાંડેએ એની પસંદગી કરી હતી. શૂટિંગ માટે મુંબઈનું બ્રેબોર્ન સ્ટેડિયમ  બુક કરવામાં આવ્યું. અને બની આજે પણ અમર એવી ડેરી મિલ્કની 'અસલી સ્વાદ જિંદગી કા'ની એડ. 

વર્ષ ૨૦૨૦માં તે જ જાહેરાત કેડબરીવાળાઓએ રિપીટ કરી. પણ નવી શરુ થયેલી ચાંપલાઈ મુજબ હવે રમતના મેદાન પર છોકરી હતી. અને ગ્રાઉન્ડમાં છોકરો બેઠો હતો. હવે પીયુષ પાંડે માત્ર સલાહકાર હતા. એક યાદગાર બ્લોક્બસ્ટર ઓરિજીનલ ઇન્ડિયન એડનો સુપરફ્લોપ ધબડકો થઇ ગયો!

પણ પિયુષ પાંડે સુપરહિટ જ રહ્યા. કારણ કે ભલે એમણે 'કુછ ખાસ હૈ હમ સભી મેં' લખ્યું પણ કુછ ખાસ તો એમના ફળદ્પ ભેજાંમાં હતું! એમણે ભારતની પબ્લિક તો શું ક્રિએટીવ વર્લ્ડના ખેરખાંઓ પણ ભૂલી ના શકે એવી જાહેરાતો ને સ્લોગન્સ આપ્યા. 'આધે મેં રામ, આધે મેં ગામ' જેવી એમની જ્વલંત સિદ્ધિઓ હતી. એમનું મુખ્ય યોગદાન એ કે રાજસ્થાનથી આવેલી એ બંધુબેલડી પિયુષ પ્રસૂને બહેન ઈલા અરુણના કંઠની જેમ ભારતીયતા જાળવી રાખી પરદેશી કંપનીમાં કામ કરતી વખતે અને મલ્ટીનેશનલ કંપનીઓને હિન્દુસ્તાની બોલતા સમજતા કર્યા જાહેરાતોમાં ! મૂળ ફિરંગી કંપની એવી ઓગિલવી ઇન્ડિયાના તો એ સર્વેસર્વા હતા કે ૨૦૨૩માં હોદ્દો છોડયા બાદ પણ કંપનીએ એમને છોડયા નહિ અને સલાહકાર તરીકે પણ સાચવ્યા. 

અને એ કંપનીએ એક આખા પાનાની અંગ્રેજી એડ આપી એમાં પણ લખ્યું કે પીયુષ પાંડે કાયમ એમની ફર્રાટેદાર અંગ્રેજી બોલતી યુવા ટીમને કોન્સેપ્ટનું અંગ્રેજીમાં ડિસ્કશન થાય છતાં પણ કહેતા : ઇસકો અબ હિન્દીમેં કરો, ઔર બઢિયા આયેગા. બટાકાનું શાક ને પૂરી છોલે ખાવામાં કે સૂટને બદલે રંગીન શર્ટ પહેરવામાં શરમ ના અનુભવતા પિયુષ પાંડેએ ફ્રાન્સના કાન ખાતે વિશ્વનો એડવર્ટાઇઝિંગ માટે અતિપ્રતિષ્ઠિત લાયન એવોર્ડ ભાઈ સાથે જીતેલો અને અંગ્રેજી પુસ્તકો લખેલા. દુનિયા ફરેલા ને ફોરેનના ક્લાયન્ટ્સ, બોસીઝ સાથે જોક સંભળાવતા હસતા રમતા કામ કરેલું પણ પોતાની ભારતીય ઓળખ એના માટે ઓગાળી નહોતી નાખી! આ ખાસિયતને લીધે એ એકદમ અપુનવાલા લાગતા હતા. આધુનિક બનવાનો અર્થ પોતાની માટી ને મૂળિયાંની સુગંધ છોડી દેવી એવું નહિ. એનું મોડર્ન વેસ્ટર્ન કલ્ચર સાથે ફ્યુઝન કરીને પણ આગળ વધી શકાય. પોતાની પહેચાન બાબતે કોન્ફિડન્સ હોવો જોઈએ. ઘણા બધાએ એક જ વાત પિયુષ પાંડેને યાદ કરીને લખી કે એમણે એડવર્ટાઇઝિંગના જગતને દેખાડી દીધું કે લોજીક કે સ્ટાઈલ કરતા ઈમોશનની અપીલ ગહેરી હોય છે. 

એમણે ના કરી હોય એવી હિન્દી એડ પણ લોકોએ એમના નામે ચડાવીને યાદ કર્યા આ હતી પિયુષ પાંડેની બ્રાંડ. જેમકે હમારા બજાજ તો એમની હરીફ એજન્સી લિન્ટાસ માટે બળવંત ટંડને તૈયાર કરેલી પણ ખુદ બજાજમાં આવેલી નવી પેઢીએ એઆઈના જોરે હમારા પિયુષભાઈ કહીને અંજલિ આપી દીધી! એવું જ ઠંડા મતલબ કોકાકોલા સ્લોગનનું. જે અત્યારના સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીનું એ વખતે એ મેક્કેન એરિક્સન એડ એજન્સીમાં હતા ત્યારનું કેમ્પેઈન હતું ને આ આઈડિયા ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરનો હતો. પણ 'ચલ મેરી લુના'ની જાહેરાતથી એવી છાપ થોડુંક એડવર્ટાઇઝિંગ બાબતે સમજતા લોકોમાં હતી કે હિન્દીવાળું તો બધું પિયુષ પાંડે કરે ! વિઝાર્ડ એવા ગુજરાત કનેક્શન ધરાવતા અલેક પદમસી પણ કરતા પણ એ બોલવામાં ને દેખાવે અંગ્રેજ લાગતા. પણ પિયુષ પાંડેની તો મૂછો પણ એમના વતન રાજસ્થાનનું સંગીત યાદ કરાવે એવી લાગતી!

પિયુષ પાંડેની વોડાફોન હચ સમયની યુ એન્ડ આઈ ઇન ધિસ બ્યુટીફૂલ વર્લ્ડ વાળી પેલા ચીકા નામના 'પગ' (એમાં દેખાતું રમકડાં જેવું શ્વાન)ને લીધે એક વાર પણ જોઈ હશે તો ભૂલાઈ નહિ હોય! ફેવિકોલના 'તુટેગા નહિ, તોડો નહિ જોડો' એડની આખી સિરીઝ નેશનલ ઇન્સ્પિરેશન જેવી હતી! બસવાળી જાહેરાત ઉપરાંત પેલા એક સોફા (ફર્નિચરના મિસ્ત્રીકામમાં ફેવિકોલ બહુ વપરાય એટલે એ એ રીતે પણ રિલેવંટ)ના માધ્યમે દાયકાઓમાં પથરાયેલા પારિવારિક સંબંધોની વાત થોડી સેંકડોમાં જે રીતે થઇ એવી કમાલ તો અઢી ત્રણ કલાકની ફિલ્મમાં ઘણા સર્જકો નથી કરી શકતા! એશિયન પેઈન્ટ્સ માટે 'હર ઘર કુછ કહેતા હૈ'માં કેવી ડેપ્થ હતી! એસબીઆઈ લાઈફ માટે મોટી ઉંમરે બાને હીરો ભેટ કરી હરખાતા દાદાજી કહે છે કે 'હીરે કો કહાં પતા હૈ તુમ્હારી ઉમ્ર ક્યા હૈ?' આ પાંડેજીનો 

ટેરિફિક ટચ. 

ઝૂઝૂવાળા એડ કેમ્પેઈનમાં એનિમેશન મોંઘુ ને સમય લગાડે એમ હતું તો એમણે આફ્રિકન આર્ટીસ્ટસને કોસ્ચ્યુમ પહેરાવી મેચ વખતે પણ એડનો ઇન્તેઝાર રહે એવી ટચુકડી ફિલ્મો બનાવેલી અને પોન્ડ્સનું 'ગૂગલી વૂગલી વૂશ' તો બોલો ત્યાં જ એક એકદમ ગલીપચી જેવી માસૂમ મસ્તીની ફીલ આવે! મીઠાઈ અલગ ના ખાતા ભારતીય ભોજનમાં છેલ્લે કુછ મીઠા હો જાયે કરીને ચોકલેટ આપીને એમણે નવી આદત આખા દેશમાં ઉભી કરી ને 'અબ કી બાર મોદી સરકાર' જેવા અચ્છે દિન કેમ્પેઈનથી આખી સરકાર નવી કરવામાં પણ ફાળો આપ્યો. એ વખતે એમણે કહેલું કે બ્રાન્ડિંગને જે રીતે નરેન્દ્ર મોદી સમજે છે એવો કોઈ મેં કોર્પોરેટ વર્લ્ડમાં માણસ નથી જોયો! અને એ  પણ કે માત્ર સ્લોગન નથી ચાલતા. એની પાછળ પ્રોડક્ટ પણ મજબૂત હોય તો એડવર્ટાઇઝિંગ લેખે 

લાગે છે!

મોટા ભાગના પથારીવશ મૃત્યુ એક ઉંમર પછી ઇન્ફેકશનને લીધે થતા ન્યુમોનિયા/કફથી થાય છે. પિયુષ પાંડે પણ એમ જ ગયા. એમના પરિવારે અંતિમયાત્રા સમયે બેનરમાં લખ્યું 'વેલ પ્લેઈડ, કેપ્ટન.'

    

ગોવર્ધન અસરાની પણ પિયુષ પાંડેની માફક જયપુરમાં જ જન્મીને મુંબઈ આવેલા. બધાએ આજે શોલેના ૫૦ વર્ષ પછી પણ દિવાળીએ એમની વિદાય વેળાએ અંગ્રેજો કે જમાને કે જેલર તરીકે યાદ કર્યા એવી સજ્જડ સલીમ જાવેદના પાત્રાલેખનની છાપ. પણ ચાર્લી ચેપ્લિનની 'ધ ગ્રેટ ડિકટેટર'ની અદામાં કોમિક હિટલર બનવા માટેનું હોમવર્ક અસરાનીનું. હજુ પણ આયખાના આઠમે દાયકે એ જર્મનીનો ઇતિહાસ સમજાવતા. કેવી રીતે લોકો પર ભૂરકી છાંટી હોય એવો જાદૂ કરવા હિટલર વોઇસના પ્રયોગો કરીને સ્પીચ રિહર્સલ કરતો ને ફોટા એન્ગલ સેટ કરતો એ બધું વાતોના ખજાના જેવા અસરાનીને ખબર. પેલું 'આહા' ટાઈપનું ઉચ્ચારણ એમની મૌલિક દેન. જે એમણે કરેલી હિટલરની મિમિક્રીમાંથી મિમિક્રી બની ગઈ ટાઇમલેસ. 

પણ ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં હતા ત્યારે જયા ભાદુરીને શોધતા આવેલા હૃષિકેશ મુખર્જી પાસે રોલ માંગતા ક્લિક થઈ ગયેલા અસરાની કૉમેડી જ કરતા એવું ન્હોતું. એ સપોર્ટિવ રોલ પણ કરતા. 'છોટી સી બાત'માં વિદ્યા સિંહાને સ્કૂટર પર ફેરવી અમોલ પલેકારને બાળતા રકીબ યાને ઈશ્કના હરીફનો રોલ અવિસ્મરણીય છે. અભિનયના અધ્યાપક પણ થયેલા. બધાએ અંજલિમાં 'ચલા મુરારિ હીરો બનને' ફિલ્મ એમની ડાયરેક્ટર તરીકે યાદ કરી. પણ એ પછી એમણે 'હમ નહીં સુધરેંગે' બનાવેલી. અને એડી મર્ફીની 'કમિંગ ટુ અમેરિકા'ના પ્લોટનું ભારતીયકરણ કરીને જેકી શ્રોફના ડબલ રોલ વાળી 'દિલ હિ તો હૈ' સારી બનેલી ને કાદર ખાન ઉપરાંત બે કામણગારી સુંદરીઓ દિવ્યા ભારતી અને શિલ્પા શિરોડકર એકસાથે હોઈને જોવી પણ ગમેલી. 

એમના પત્ની મંજુ પણ અભિનેત્રી, જોડે કામ કરેલું ઘણું. પણ છેલ્લે બેઉ એક છત નીચે અલગ રહેતા એવું સાંભળવા મળ્યું. પણ યાદ એમની પર્સનલ લાઇફ નથી રહેવાની. યાદ તો છે કે પહેલી વાર ઘરમાં કલર ટીવી આવ્યું ને ચાલુ થયું ત્યારે એમની સિરિયલ દૂરદર્શન પર જોવા મળેલી 'નટખટ નારદ' અને એમ આધુનિક સમયમાં વિચરતા નારદની ભૂમિકા એમણે ભજવેલી. છેલ્લે પ્રિયદર્શનની બે ફિલ્મો શૂટ 

કરી રહેલા આ વિદ્વાન અભિનેતાનો એક અનોખો રેકોર્ડ મિત્ર ચેતન જેઠવાએ નોંધ્યો. હિન્દીમાં એકધારી કૉમેડી ફિલ્મો બનાવનાર ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, ડેવિડ ધવન અને પ્રિયદર્શન (ઓલ ધ બેસ્ટમાં રોહિત શેટ્ટી સાથે પણ!) એમ તમામ સાથે કામ કરનાર કદાચ એકમાત્ર અભિનેતા અસરાની હતા!

    

પંકજ ધીર એમની અટક મુજબ ધીરગંભીર જ લાગે. પર્સનાલિટી જોરદાર. છેક સુધી એવા જ દેખાતા હતા ઊંચાઈ અને એમાં શોભતા વાળ, જે કપાવવા ન પડે એ માટે ઘણા રોલ જતા કર્યા હીરોના એવી પ્રભાવી મૂછો, આંખોમાં દેખાતી આક્રમક થયા વિનાની ઠંડી મક્કમતા અને ચહેરાની ચોસલાં કાપીને પાડી હોય એવા જૂની અંગ્રેજી વેસ્ટર્ન ફિલ્મોના નાયકોની યાદ અપાવતી રેખાઓ. બી.આર. ચોપરાની મહાભારતનું કાસ્ટિંગ અભૂતપૂર્વ પરફેક્ટ હતું કે હજુ ટેક્સ્ટની વાત આવે તો ચહેરા એ અભિનેતાઓના આવે. પણ અર્જુન બનતા ફિરોઝ ખાન કરતા મૂળ કથાનકની જેમ જ પંકજ ધીરનો કર્ણ વધુ સહાનુભૂતિ લઇ જતો હતો. 

કર્ણ જેવું જ એમની પ્રતિભા સાથે થયું. એમને ન્યાય મળે એવા રોલ વધુ ના મળ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એમનો નાતો પુરાણો. નાનપણથી બધાને ઓળખે એમના પિતાના ફિલ્મી વ્યવસાયને લીધે. સલમાન નાનો હતો ને શેરીમાં રમતો ત્યારના ઓળખે ને પોતે નાના હતા ત્યારના દિલીપકુમાર જેવા દિગ્ગજો એમને ઓળખે. અમિતાભ સાથે મજબૂત ભૂમિકામાં ટક્કર ના મળી પણ બચ્ચનની અદાલત જેવી ફિલ્મોમાં પંકજ ધીર સીનમાં એક્સ્ટ્રાની જેમ બેઠેલા જોવા મળે કારણ કે ત્યારે એ ક્માં આસિસ્ટ કરતા બધાને. 

પણ સ્મોલ સ્ક્રીન એમને ફળ્યો હતો. મહાભારત બાદ ચન્દ્રકાન્તામાં મહારાજા શિવદત્ત તરીકે ડબલ રોલમાં છવાઈ ગયેલા. ત્યારે નામ જમાવવા સંઘર્ષ કરતા ઈરફાન ખાનને એમાં મંત્રી તરીકે નાનકડી ભૂમિકા મળેલી. પણ એની પ્રતિભાને લીધે મિત્ર એવા પંકજ ધીરે પોતાની સાથે ડાયલોગ ઉમેરાવી એના સીન વધાર્યા  હતા! હમણાં એક પોડકાસ્ટ (ખરેખર તો વિડીયો છે એટલે વોડકાસ્ટ કહેવું જોઈએ, પણ ટ્રેન્ડ ચાલ્યો એટલે બધા ઘેટાં બની જાય!)માં ઘણી સરસ વાતો કરેલી. સુંદર પત્ની અનિતા સાથે લગ્નજીવનમાં એક સંતાન પુત્ર નિક્તીન ધીર જે જોધા અકબર બાદ હમણાં હાઉસફૂલ ફાઈવમાં કેપ્ટન તરીકે દેખાયેલો. કદાવર ને પડછંદ ને પુત્રવધૂ કૃતિકા પણ અભિનેત્રી. કર્ણ દુર્યોધન મૈત્રીનું અનુપમ ઉદાહરણ ગણાય છે આજે પણ, અને રિયલ લાઈફમાં દુર્યોધન બનતા પુનિત ઇસ્સાર એમના ગાઢ મિત્ર બની ગયેલા. જેમણે હૃદયસ્પર્શી અંજલિ અંગ્રેજીમાં લખી છે પંકજ માટે. વધુ એકવાર, એક અનુશાસનપ્રિય વ્યક્તિને કેન્સરે અકાળે છીનવી લીધી! મોરારિબાપુને ત્યાં સન્માન સ્વીકારવા શાલીનતાથી સૌરાષ્ટ્ર આવેલા પંકજ ધીરને જોઇને રશ્મિરથી કે મૃત્યુંજય જેવી કૃતિઓને ચહેરો મળતો જાણે!

    

લાશ તરીકે તમે શું અભિનય કરી શકો? પણ તાજેતરમાં ૭૪ વર્ષે મૃતદેહ થતા પહેલા સતીશ શાહનો સિતારો ચમકી ગયેલો ગુજરાતી કુંદન શાહની આઇકોનિક ફિલ્મ 'જાને ભી દો યારો'માં ડિમેલોથી દ્રૌપદી બનતી લાશ બનીને! મૂળ કચ્છી જૈન સતીશ શાહ ઝેવિયર્સમાં ભણીને ફિલ્મ ઇન્સ્ટીટયુટ પહોંચેલા ગુજરાતી. નાટકો કરતા કોલેજમાં થયેલા એમ ત્યાં પણ બધા મિત્રો થયા. ફારુખ શેખ તો વહેલા જતા રહ્યા પણ નસીરુદ્દીન શાહથી શબાના આઝમીએ તો હમણાં ખાસ અંજલિ પાઠવી છે. આપણા ગુજરાતી એવા સારાભાઈ સિરિયલની ટીમના જે.ડી.મજીઠીયા, દેવેન ભોજાણી, આતિશ કાપડિયા વગેરે માટે સતીશ શાહ એક ફેમિલી મેમ્બર. અમેરિકાના રથિન મહેતા કહે છે એમ અસરાની ૩ કલાકની ફિલ્મોથી મશહૂર થયા. પિયુષ પાંડે ૩૦ સેકન્ડની એડથી પણ પંકજ ધીર અને સતીશ શાહ ૩૦ મિનિટના ટીવી એપિસોડથી. 

કુંદન શાહની 'યે જો હૈ જિંદગી' સીરીયલે હમ લોગની સાથે પાયો નાખ્યો ભારતમાં ટેલીવિઝન સિરીયલના યુગનો. શફી ઈનામદાર, સ્વરૂપ સંપટ ને પછી ઉમેરાયેલા ટીકુ તલસાણીયા ગુજરાતી. એક રાકેશ બેદી પંજાબી. પણ દરેક એપિસોડમાં નવા કિરદારમાં દેખાતા સતીશ શાહ ત્યારથી સ્ટાર બની ગયા. ઊંચા ને આમ કોઈ લાયન્સ કલબની મિટીંગમાં આવેલા ડોક્ટર જેવા લાગે. પણ પ્રેમાળ અને મિતભાષી વ્યક્તિત્વ. રૂબરૂ મળ્યા ત્યારે ગુજરાતીમાં સહજ વાતો કોઈ ભાર વિના કરેલી. પોતે અશોક પંડિતની 'ફિલ્મી ચક્કર' ઝી માટે અને પછી એના જ સેકન્ડ વર્ઝન જેવી 'મસ્ત મસ્ત હૈ જિંદગી' ડીડી માટે કરી, પણ ખુદ જરાય ફિલ્મી ના લાગે. સ્વરૂપવાન પત્ની મધુ શ્રીવાસ્તવ સાથે પ્રેમલગ્ન કર્યા ને આજીવન નિભાવ્યા. એમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે મિત્રોને કહેલું કે પરિવારમાં બીજું કોઈ નથી તો અલ્ઝાઈમરને લીધે બધું ભૂલી જતી પત્નીનું ધ્યાન કોણ રાખશે? કદાચ એ જ ચિંતામાં એમને કાર્ડિયાક એરેસ્ટ આવી ગયો! એમની પ્રાર્થનાસભામાં શૂન્યમનસ્ક જીવનસાથીને બધું ભૂલી ગયા પછી દાયકાઓની પ્રીત યાદ કરીને ગીત ગાતા જોઇને કોમેડિયનને બદલે એક લવર તરીકે સતીશ શાહ યાદ રહી જાય. 

એમને એમ તો બંદૂકોનો શોખ હતો. સિરિયસ વાંચતા ખરા અવનવું. પણ એમની ખરી ફ્લેવર પ્રગટ થઇ જમાનાથી આગળ આવી ગાઈને પછી કલ્ટ થઇ બીજી સીઝનમાં પણ આવેલી 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'ના મોભી ઇન્દ્રવદન સારાભાઇ તરીકે! રત્ના પાઠક સાથે એમની જૂની જોડી. પણ નગણ્ય સમીક્ષકોને પણ ટપ્પો ના પડે એવી રીતે લાજવાબ ટાઈમિંગ સાથે કોઈ ટિપિકલ નખરાં વિનાની નેચરલ એક્ટિંગ સાથે એ જે હ્યુમર ડાયલોગ ઉપરાંત રિએકશનથી ઉભી કરી શકતા, એ જોયા પછી જે ભૂલી જાય એ પણ અલ્ઝાઈમરના પેશન્ટ હોય!

સતીશ શાહ અને મધુના બે જણના પરિવારમાં ૩૫ વર્ષથી રમેશ નામનો એક કેર ટેકર હતો. આજે પણ સતીશ શાહની ગેરહાજરીમાં દુનિયા ભૂલી ગયેલા એમના જીવનસાથીને સંભાળવાની જવાબદારી એની માથે જ છે. કોમેડી કરતા કરતા જીવનની ટ્રેજેડી સાચી સમજાય છે. વિરાસતમાં ક્યારેક કોઈ લોહીના નહિ પણ લાગણીના સંબંધે જોડાઈ જનાર માણસ હોય છે રતન તાતાની માફક જે માત્ર અભિનય નહિ પણ તમારો અભિગમ યાદ રાખીને તમારી જોડે રહે છે!

    

એક જ મહિનામાં જે ચાર અલગ અલગ કલાકારોને ગુમાવ્યા, આ બધા જ કોઈને કોઈ રીતે સ્ટોરીટેલર હતા. એમણે એમના જીવનને ખર્ચી નાખ્યું માસ યાને લોકોને કેટલીક હસીખુશીની પળો આપવામાં. અને આપણા બધાના જીવનમાં ક્યાંકને ક્યાંક એમના હિસ્સો છે, એમણે રજુ કરેલા કિસ્સા છે. આ બધા વિના જીવનમાં થોડા રંગો ખૂટયા હોત! અલવિદા!

ફાસ્ટ ફોરવર્ડ

'રિસર્ચ શું કરવાનો? તમારી આસપાસ જીવતું ધબકતું જગત છે એ તમારો અભ્યાસક્રમ. આઈડિયા બુકમાં નથી. શેરીઓમાં છે, સામાન્ય માણસની વાત સાંભળવામાં છે. કોમ્પ્યુટર કે ફોનમાં જોશો તો ડેટા મળશે. પણ માથું ઊંચું કરી જોશો તો દુનિયા મળશે. ફાઈન્ડ ધ બેલેન્સ.' (પિયુષ પાંડે)

Tags :