- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
- જે ઉંમરે ભાઈ-બહેન નાની નાની બાબતે મીઠો ઝઘડો કરતા હોય છે એ ઉંમરે રૂથડફોર્ડ ભાઈ-બહેન વચ્ચે દુનિયાના સૌથી યુવા પાયલટ તરીકે દુનિયાનું આકાશ સર કરવાની મીઠી સ્પર્ધા થઈ હતી...
ઉંમરનો ૧૮-૧૯ વર્ષનો પડાવ કેવો હોય છે? થોડીક મૂઢતા, થોડીક પીઢતા. થોડીક દુનિયાદારી, થોડીક નાદાની. થોડીક મૂંઝવણો, થોડીક સ્પષ્ટતા.
એક તરફ સપનાની દુનિયામાં રઝળપાટ ચાલતી હોય ને બીજી તરફ વાસ્તવિકતાનો અકારો અનુભવ થતો હોય. એક તરફ તરવરાટથી તન-મન ફાટફાટ થતાં હોય ને બીજી તરફ એને કઈ દિશામાં વાળવાથી ઈચ્છિત પરિણામો મળશે - એ વિશે દિમાગમાં અનેક વમળો ઉઠતાં હોય. એક તરફ યાર-દોસ્તો સાથે ધીંગામસ્તીમાં બધું જ વિસરાઈ જતું હોય ને બીજી તરફ અચાનક ભવિષ્યની ફિકર કપાળમાં કરચલી બનીને ડોકિયું કરી જતી હોય.
એક તરફ પરિવારજનો, ગુરૂજનો, વડીલોની ભલામણો-સલાહો સલામત કારકિર્દીમાં જવા પ્રેરતા હોય ને બીજી તરફ આપબળે ખુદને સાબિત કરવાનો પડકાર મનોમન ઝીલાતો હોય. ગમતી વ્યક્તિ જ દુનિયા છે - એવી ફીલિંગ એક તરફ હોય ને બીજી તરફ નવા-નવા પડકારો સર્જતી દુનિયાને દેખાડી દેવાનો મનસૂબો ઉઠતો હોય, શમી જતો હોય.
ઉંમરના એ પડાવે દુનિયાભરની યંગ જનરેશન કોલેજકાળની મસ્તી વચ્ચે કારકિર્દીની દિશા નક્કી કરવામાં વ્યસ્ત હોય છે. એ ઉંમરે લાઈફ અને કરિઅરને લઈને ગડમથલો ચાલતી હોય છે. ઉંમરના આ મૂકામે બ્રિટનના ભાઈ-બહેને એકલા હાથે વિમાન ઉડાડીને દુનિયા ફરતું ચક્કર લગાવી લીધું. વર્લ્ડ રેકોર્ડમાં નામ કોતરાવનારાં એ ભાઈ-બહેનનું નામ છે - ઝારા રૂથડફોર્ડ, મેક રૂથડફોર્ડ.
નૂતન વર્ષનાં પ્રથમ લેખમાં અજોડ હિંમત દાખવનારા આ બહેન-ભાઈના અભૂતપૂર્વ સાહસનું પ્રકરણ ખોલીએ...
વાત માંડીએ ઝારા રૂથડફોર્ડથી.
ઝારાનો જન્મ બેલ્જિયમના બ્રસેલ્સમાં ૫મી જુલાઈ, ૨૦૦૨ના રોજ થયો હતો. પિતા સેમ રૂથડફોર્ડ પ્રોફેશનલ પાયલટ અને માતા બેટ્રિક ડી સ્મેટ પણ પાયલટ. ઘરમાંથી જ પાયલટ બનવાની મળી. સ્કૂલમાં હતી ત્યારથી જ તેણે પેરેન્ટ્સની જેમ પાયલટ બનવાનું નક્કી કરી રાખ્યું હતું. ૧૪ વર્ષની થઈ ત્યારે એને પ્રોફેશ્નલ તાલીમ મળી. ૨૦૨૦માં ૧૮ વર્ષે પાયલટનું લાઈસન્સ મળ્યું. ૨૬મી જુલાઈ, ૨૦૨૧ના રોજ ઝારાએ અરાઉન્ડ વર્લ્ડ સોલો ફ્લાઈટની જાહેરાત કરી. માઈક્રોલાઈટ સિંગલ એન્જિન એરક્રાફ્ટ લઈને બેલ્જિયમના કોર્ટિજ્કના એરપોર્ટથી ૧૮મી ઓગસ્ટ-૨૦૨૧ના રોજ તેને ઈતિહાસ રચવા માટે ઉડાન ભરી.
ઝારાએ ગ્રીનલેન્ડ, કેનેરા, બહામાસ, બ્રિટિશ વજનિયા આઈસલેન્ડ, કોલંબિયા, પનામા, કોસ્ટારિકા, મેક્સિકોથી અમેરિકા સુધીનો પ્રવાસ પૂરો કરી લીધો. અમેરિકાના પૂર્વ-પશ્વિમ બંને કાંઠા તેના રૂટમાં આવતા હતા. અમેરિકા આવ્યા પછી રશિયન એમ્બેસી પાસેથી રશિયાના વિઝા મેળવવાના હતા. હ્યુસ્ટનમાં રશિયન અધિકારીઓએ તેના વિઝામાં વિલંબ કર્યો એટલે એક સપ્તાહ સુધી તેણે રોકાઈ રહેવું પડયું. વિઝા રિન્યૂ કરવાના નામે તેનો ઘણો સમય બરબાદ થયો. તેની નિયત ટ્રિપ અને ટાઈમટેબલ પર તેની અસર થઈ. રશિયાના વિઝા મળી ગયા ત્યાં અતિશય ખરાબ વાતાવરણના કારણે ફરી અવરોધ આવ્યો. અમેરિકા-એશિયા વચ્ચે આવેલી બેરિંગની ખાડીમાં તોફાન ત્રાટક્યું. સિંગલ એન્જિન વિમાનથી ખાડી પાર કરવાનું સલાહભર્યું ન હતું. વાતાવરણ એકદમ અનુકૂળ ન થાય ત્યાં સુધી તેની ઉડાન શક્ય ન હતી એટલે વધુ ત્રણ વીક રોકાવું પડયું.
એકાદ મહિનાના અવરોધો પછી ફરી યાત્રા શરૂ થઈ. રશિયામાં પહોંચતાની સાથે જ તેની અડધી સફર પૂરી થઈ ગઈ હતી. રશિયાના વિશાળ ભૂભાગમાં તેના એકથી વધુ સ્ટોપ હતા. એવો જ એક સ્ટોપ નવેમ્બરમાં નાનકડા ટાઉન અયાનમાં હતો. બરાબર એ જ વખતે શિયાળું તોફાન ત્રાટક્યું એટલે વળી રોકાઈ જવાની ફરજ પડી. આખરે ડિસેમ્બર-૨૦૨૧માં ઝારાએ રશિયાથી ચીનનો પ્રવાસ આરંભ્યો, પણ અગાઉ પરવાનગી આપી હોવા છતાં ચીને કોરોના નિયંત્રણોનું કારણ આગળ ધરીને પ્રવેશ ન આપ્યો. રૂટમાં ફેરફાર કરીને તેણે જાપાનના દરિયાનું ચક્કર લગાવીને સાઉથ કોરિયામાં વિરામ લીધો.
એ પછી તાઈવાન, ફિલિપાઈન્સ, મલેશિયા, જકાર્તા, સિંગાપોર થઈને એણે ઈન્ડોનેશિયામાં પ્રવેશ કર્યો, પણ તે પહેલાં વિમાન દરિયાઈ તોફાનમાંથી માંડ બહાર નીકળ્યું. તે પછી શ્રીલંકા થઈને ભારતના મુંબઈમાં સ્ટોપ લીધો. નવા વર્ષની ઉજવણી મુંબઈમાં કરીને ફરીથી પ્રવાસ આરંભી દીધો. યુએઈ, સાઉદી અરેબિયા, ઈજિપ્ત, બલ્ગેજિયા, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, જર્મની થઈને ૨૦મી જાન્યુઆરી-૨૦૨૨ના દિવસે બેલ્જિયમના કોર્ટિજ્કમાં તેનું વિમાન ઉતર્યું એ સાથે જ વિમાની સાહસના ઈતિહાસમાં નવો રેકોર્ડ સર્જાઈ ચૂક્યો હતો. સિંગલ એન્જિન વિમાન લઈને એકલપંડયે દુનિયાનું આકાશ માપનારી ઝારા રૂથડફોર્ડ સૌથી યુવા મહિલા પાયલટ બની ગઈ હતી. માઈક્રોલાઈટ એરક્રાફ્ટથી સર્કમનેવિગેશન પ્રમાણે હવાઈ પ્રવાસ કરનારી પણ તે પ્રથમ પાયલટ છે. સર્કમનેવિગેશન એટલે જળમાર્ગે દુનિયાનો જે રૂટ પસંદ થયો છે તે. ઝારાએ બધા જ ટાપુઓ સહિતનો એ નિયત માર્ગ એરક્રાફ્ટથી
કાપ્યો હતો.
૨૦૧૭માં અમેરિકન પાયલટ શાએસ્ટા વાઈઝના નામે સોલો ફ્લાઈટનો રેકોર્ડ નોંધાયો હતો. શાએસ્ટાએ ૩૦ વર્ષની વયે વિક્રમ બનાવ્યો હતો. ઝારાએ ૧૯ વર્ષની ઉંમરમાં વિશ્વવિક્રમ પોતાના નામે કરી લીધો હતો. માઈક્રોલાઈટ એરક્રાફ્ટમાં દુનિયાનું ચક્કર લગાવનારી ઝારા દુનિયાની પ્રથમ પાયલટ છે. તે ઉપરાંત એ બેલ્જિયમની એવી પહેલી નાગરિક છે, જેણે સિંગલ એન્જિન વિમાન આખા વિશ્વના આકાશમાં ઉડાવ્યું છે. તેના વિશ્વપ્રવાસનો હેતુ હતો - સ્ત્રી-પુરૂષ સમાનતા અને સાયન્સ-ટેકનોલોજીનો પ્રચાર. જેટલા દેશોની મુલાકાત લીધી ત્યાં ઝારાએ સમાનતાનો મેસેજ આપ્યો હતો.
હવે વાત ઝારાના નાનાભાઈ મેક રૂથડફોર્ડની.
રૂથડફોર્ડ પરિવારમાં બે વિશ્વવિક્રમધારકો છે. ઝારા સિંગલ એન્જિન એરક્રાફ્ટમાં અરાઉન્ડ ધ વર્લ્ડ સોલો પ્રવાસ કરનારી સૌથી યુવા મહિલા પાયલટ છે. તો એનો ભાઈ મેક રૂથડફોર્ડ એકલા હાથે વિશ્વનો હવાઈ પ્રવાસ કરનારો સૌથી યુવા પાયલટ છે. ઝારાના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે, મેકના નામે ચાર-ચાર વર્લ્ડ રેકોર્ડ્સ નોંધાયા છે. ઝારાથી ત્રણ વર્ષ નાના મેકની આંખમાં ઝારાને જોઈને સોલો ફ્લાઈટ લઈને વર્લ્ડ ટૂર કરવાનું સપનું અંજાયું હતું.
પાયલટ પેરેન્ટ્સે મેક ૧૪ વર્ષનો થયો ત્યારથી જ તેની તાલીમ શરૂ કરાવી દીધી હતી. વિશેષ સજ્જતા બતાવનારા બાળકોને તાલીમ માટે પરવાનગી મળે છે. ઝારાને એ જ રીતે ૧૪ વર્ષે તાલીમની પરવાનગી મળી હતી. ઝારાની તાલીમ શરૂ થઈ ત્યારે ૧૧ વર્ષનો મેક પણ તાલીમ લેવા થનગનતો હતો. ઝારા જે ટેકનિક શીખતી એ બધી જ મેક સાથે શેર કરતી એટલે મેકનું હોમવર્ક પાકું થતું હતું. તેનો ફાયદો એ થયો કે તાલીમ લીધાના એકાદ વર્ષમાં જ મેકે અલ્ટ્રા લાઈટ એરક્રાફ્ટનું લાઈસન્સ મેળવી લીધું. ૧૫ વર્ષે આ પ્રકારનું લાઈસન્સ લેનારો મેક સૌથી નાની વયનો પાયલટ બન્યો.
ઝારાએ રેકોર્ડ બનાવ્યો તેના બે માસ પછી જ ૧૬ વર્ષનો મેક પણ સિંગલ એન્જિન વિમાન લઈને વિશ્વપ્રવાસે નીકળી પડયો હતો. જેમ ઝારાના પ્રવાસમાં રશિયાના કારણે અવરોધ આવ્યો હતો એમ જ છ માસ પછી મેકના પ્રવાસમાં પણ રશિયાના કારણે અવરોધ ખડો થયો. માર્ચ-૨૦૨૨માં તેનો પ્રવાસ નક્કી થયો. વિશ્વપ્રવાસના રૂટમાં રશિયાને લેવું જરૂરી હોવાથી તેણે કઝાખ્સ્તાનથી આખા રશિયાને આવરી લીધું, પરંતુ ફેબુ્રઆરી-૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એટલે પરવાનગી ન મળી. એકથી વધુ વખત પ્રયાસો કરવા છતાં રશિયાએ સલામતીનું કારણ આગળ ધરીને પરમિશન ન આપી. એરસ્ટ્રાઈક થતી હોવાથી મેકને રૂટ પ્લાનર્સે પણ એ માર્ગે ન જવાની ભલામણ કરી. પરિણામે મેકે ઉત્તરી પ્રશાંત મહાસાગર પરથી ૧૦ કલાકની લાંબી અને પડકારજનક જર્ની પસંદ કરી.
આ હવાઈ પ્રવાસમાં એક-બે વખત તો એવા સ્થળોએ ઉતરવું પડયું કે જ્યાં કોઈ એરપોર્ટ ન હતું. અમેરિકાનો અટ્ટુ ટાપુ સાવ નિર્જન છે. હવા પ્રતિકૂળ હોવાથી અમેરિકન કોસ્ટગાર્ડ માટે બનાવાયેલા રનવે પર તેણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું. આ બધા અવરોધોના પરિણામે જે જર્ની અઢી માસમાં પૂરી થવાની હતી એ પૂરી થઈ પાંચ મહિને.
પણ પૂરી થઈ ત્યારે ઓગસ્ટમાં તેના નામે ગિનેસ બુકમાં ચાર-ચાર રેકોર્ડ નોંધાઈ ચૂક્યા હતા. એમાંથી એક રેકોર્ડ તો તેની મોટી બહેન ઝારાનો જ તોડયો હતો. ઝારા સૌથી સોલો હવાઈ પ્રવાસ કરનારી સૌથી યુવા પાયલટ હતી. ઝારાના નામે એ રેકોર્ડ માત્ર છ મહિના રહ્યો, પણ મેકને આવું અદ્વિતીય સાહસ કરવાની પ્રેરણા ઝારા પાસેથી જ મળી હતી એટલે તેણે એ રેકોર્ડ બહેનને ડેડીકેટ કર્યો.
પછીના મહિનાઓમાં આ ભાઈ-બહેનને એવિએશનના કેટલાય પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યાં. એમાં લિવિંગ લેજન્ડ્સ ઓફ એવિએશન જેવા ખૂબ પ્રતિષ્ઠિત એવોર્ડનો પણ સમાવેશ થાય છે, જે ઉંમરે દુનિયાના સેંકડો યુવાનોની કરિઅર કઈ દિશામાં જશે એ નક્કી હોતું નથી એ ઉંમરે આ ભાઈ-બહેન સાહસની સફરમાં સવાર થઈને લેજન્ડ બની ચૂક્યાં છે.
વેલ, સામાન્ય પરિવારોમાં જે ઉંમરે ભાઈ-બહેન નાની નાની બાબતે મીઠો ઝઘડો કરતા હોય છેે એ ઉંમરે રૂથડફોર્ડ ભાઈ-બહેન વચ્ચે દુનિયાના સૌથી યુવા પાયલટ તરીકે દુનિયાનું આકાશ સર કરવાની મીઠી સ્પર્ધા થઈ હતી.
૧૭-૧૮નો પડાવ મૂઢતા, નાદાની, મૂંઝવણોથી ભર્યો હોય છે, પણ જો કાચી વયે જ યોગ્ય માર્ગદર્શન અને દિશા મળી જાય તો ૧૭-૧૮ વર્ષનો પડાવ આવોય હોય છે.


