- ડૉ.જયેશ શેઠ
- વધતી ઉંમર તેમજ પ્રોસ્ટેટને સીધો સંબંધ છે તેથી પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન (PSA) નામનો લોહીમાં થતો ટેસ્ટ પ્રોસ્ટેટ કેન્સરના સ્ક્રીનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે
પ્રો સ્ટેટ એક એવી ગ્રંથિ છે કે જે પુરુષોમાં સક્રિય થઈને તેના શુક્રાણુઓને પોષણ આપે છે આજ ગ્રંથિના કોષોમાં આવેલ DNA માં ફેરફાર થાય ત્યારે તે કોષો અનિયમિત રીતે મોટા થઈને ગાંઠ જેવા થઈ જાય છે. જે લાંબે ગાળે નિદાન ન કરવામાં આવે તો એક જીવલેણ કેન્સરમાં પરિણમે છે. ખાલી ૨૦૨૨માં જ ભારતમાં ૪૦૦૦૦ પ્રોસ્ટેટ કેન્સર નોંધાયા હતા એનું પ્રમાણ લગભગ ૧ લાખે ૧૦૦ પુરુષોમાં થાય છે. આ થવાનાં મુખ્ય કારણોમાં મોટી ઉંમર, મેદસ્વીપણું, વારસાગત પ્રોસ્ટેટ, બ્રેસ્ટ કે ઓવેરિયન કેન્સર થતું હોય તેવા કુટુંબો, આહારમાં વધુ પડતું ચરબીનું પ્રમાણ તેમજ પ્રાણીઓની ચરબી જે લોકો વધારે લે છે તે લોકોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. લગભગ ૧૦ થી ૧૫ ટકા કેસોમાં આ રોગ વારસાગત હોય છે. જ્યારે બાકીના કેસોમાં ઉપર બતાવેલ કારણોથી થાય છે. અમુક જાતિમાં ખાસ કરીને આફ્રિકન અમેરિકન ઓરિજીન હોય તેમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રોગમાં મોટાભાગે જ્યારે વારસાગત હોય ત્યારે BRCA1, BRCA2 અને HOXB13 નામના જનીનતત્વોમાં ફેરફાર થતો જોવા મળે છે. મોટે ભાગે જ્યારે BRCA1 અને BRCA2 જનીનતત્વોમાં ફેરફાર થયેલ હોય તેવા પુરુષોમાં આ રોગની ઉગ્રતા વધારે છે. જ્યારે HOXB13 માં ફેરફાર હોય તો સામાન્યતઃ વારસાગત થતા કેસોમાં જોવા મળે છે. તદ્ઉપરાંત MSHI જનીન તત્વ જે Lynch Syndrome સાથે સંકળાયેલ છે તેમાં પણ ફેરફાર થાય તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. KLK3 જનીન કે જે પ્રોસ્ટેટમાં પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન (PSA) બનાવે છે તેમાં થતા ફેરફારથી પણ આ રોગ થાય છે. આવા બીજા જનીનતત્વો POLK અને POLH માં થતા ફેરફારથી પણ આ કેન્સર થતું જોવા મળ્યું છે. આવા લગભગ એક ડઝન જેટલા જનીનતત્વો પ્રોસ્ટેટ કેન્સર સાથે સંકળાયેલ છે એટલું સારું છે કે આ કેન્સર ખૂબ જ ધીમેથી પ્રસરતું હોય છે તેથી ઘણી વખત તે ઓટોપ્સી (મૃત વ્યક્તિની તપાસ) દરમિયાન જાણવા મળે છે. વધતી ઉંમર તેમજ પ્રોસ્ટેટને સીધો સંબંધ છે તેથી પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન (PSA) નામનો લોહીમાં થતો ટેસ્ટ પ્રોસ્ટેટ કેન્સરના સ્ક્રીનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. જોકે આ તપાસ ઘણી વખત યોગ્ય રીતે ન કરવામાં આવે તો ખોટા નિદાનમાં પણ પરિણમે છે. સામાન્યતઃ પ્રોસ્ટેટ ગ્રંથિમાં ઈન્ફેકશન હોય છે. ખાલી ગાંઠ હોય તો પણ ઁજીછ લેવલ વધતું હોય છે તેથી સાવચેતી પૂર્વક તેનું અર્થઘટન કરવું. આ ઉપરાંત સોનોગ્રાફીની તપાસથી પણ પ્રોસ્ટેટ ગ્રંથિમાં તકલીફ છે કે નહીં તે ખબર પડે. આ રોગના મુખ્ય ચિન્હોમાં રાત્રી દરમિયાન વારંવાર પેશાબ કરવા જવું પડે અથવા અટકી અટકીને પેશાબ આવે અથવા પેઢામાં દુખાવો તેમજ પેશાબમાં વારંવાર ઇન્ફેકશન પણ થઈ શકે. ટૂંકમાં વધતી ઉંમરે ૫૦ વર્ષ પછી પ્રોસ્ટેટની તપાસ જરૂરથી વર્ષમાં એક વાર કરાવવી અને કુટુંબમાં જો ઘણા બધા લોકોને આ તકલીફ હોય તો તે વારસાગત પણ હોઈ શકે જે માટે જનીનતત્વોની તપાસ જરૂરથી કરવી જેથી કરીને તેનું અગાઉથી નિદાન કરીને તેને અટકાવવાના ઉપાય કરી શકાય.


