Get The App

પરકાયા પ્રવેશ - એક અનોખી યોગસિદ્ધિ

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
પરકાયા પ્રવેશ - એક અનોખી યોગસિદ્ધિ 1 - image

- અગોચર વિશ્વ - દેવેશ મહેતા

- પરકાયાપ્રવેશ એટલે આત્માનો બીજા શરીરમાં પ્રવેશ કરવો. આ એક આધ્યાત્મિક સિદ્ધિ છે. જેમાં સિદ્ધયોગી પોતાના આત્માને સૂક્ષ્મ રૂપે બીજા જીવિત કે મૃત શરીરમાં પ્રવેશ કરે છે

'બં ધકારણશૈથિલ્યાત્પ્રચાર સંવેદનાચ્ચ ચિત્તસ્ય પરશરીરાવેશઃ ા કર્મબંધનાનાં શિથિલત્વે વા નિરોધે ચ મનસઃ સંસ્કારગતેઃ સમ્યગ્જ્ઞાને સતિ મનઃ પર દેહમ્ પ્રવિશતિ ા એષા પરશરીરમનં વા પરકાયા પ્રવેશઃ નામ સિદ્ધઃ ઈતિ કથ્યતે ા કર્મના બંધનોના શિથિલ થવાથી કે અટકાવાથી મન બીજાના સંસ્કારોની ગતિનું સારી રીતે જ્ઞાન થવાથી મન બીજાના શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ બીજાના શરીરમાં પ્રવેશ કરવાની સિદ્ધિ છે જેને પરશરીરગમન કે પરકાયા  પ્રવેશ કહેવાય છે. મહર્ષિ પતંજલિ, પતંજલિયોગસૂત્ર, (પ્રકરણ-૩ વિભૂતિપાદ શ્લોક -૩/૩૮)'

પરકાયાપ્રવેશ એટલે આત્માનો બીજા શરીરમાં પ્રવેશ કરવો. આ એક આધ્યાત્મિક સિદ્ધિ છે. જેમાં સિદ્ધયોગી પોતાના આત્માને સૂક્ષ્મ રૂપે બીજા જીવિત કે મૃત શરીરમાં પ્રવેશ કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં પરકાયા પ્રવેશની કથા આવે છે. ક્ષત્રિય રાજાની પુત્રી અને બ્રહ્મવાદિની,વેદજ્ઞાની સુલભા જે એક પરિવ્રાજિકા (સંન્યાસિની) બની ગઈ હતી તેણે જનક રાજાની પરીક્ષા કરવા એની યોગશક્તિનો ઉપયોગ કરી પોતાને એક અત્યંત સુંદર યુવતીના રૂપમાં પરિવર્તિત કરી દીધી હતી અને જનકના દરબારમાં જનક પાસે પહોંચી ગઈ હતી. તે વખતે તેણે તેની યોગશક્તિની પરકાયા પ્રવેશ સિદ્ધિથી જનક રાજાના શરીર અને મનમાં પ્રવેશ કરી લીધો હતો જેથી તે ભીતરથી એમના વૈરાગ્યની કસોટી કરી શકે.

સહયોગી મત્સ્યેન્દ્રનાથ (મછિન્દરનાથ) અને તેમના શિષ્ય ગોરખનાથના જીવનની પણ આને લગતી ઘટના છે. મછિન્દરનાથ એક રાણીના મોહમાં ફસાઈ ગયા હતા અને તેમણે પોતાના ગુરુ-શિષ્યના કર્તવ્યથી રહિત થઈ ભોગ-વિલાસમાં ડૂબી ગયા હતા. ગોરખનાથે તેમને જ્ઞાનોપદેશ આપ્યો પણ તેની કોઈ અસર ના થઈ તો તેમણે પરકાયા પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યોે. તેમણે એક બ્રહ્મચારીનું શરીર ધારણ કર્યું અને રાજાના ઘેર પહોંચી ગીત ગાવાનું શરૂ કર્યું. તેમાં તેમ ગાતા -'ચેત મછંદર, ગોરખ આયા.' એનાથી મછંદરનાથમાં જાગૃતિ આવી. તેનાથી મછંદરનાથે રાજાના શરીરનો ત્યાગ કરી દીધો અને પોતાના અસલ શરીરમાં પાછા આવી ગયા હતા.

આદિ શંકરાચાર્યજી શાસ્ત્રાર્થ દ્વારા દિગ્વિજય યજ્ઞા કરવા નીકળ્યા હતા તે વખતે એક  દિવસ તે માહિષ્મતી નગરીમાં રહેતા પ્રખર કર્મકાંડી વિદ્વાન મંડન મિશ્રના ઘેર આવ્યા. કહેવાય છે કે મંડન મિશ્રના ઘરમાં દિવસ-રાત વેદાન્ત ચર્ચા ચાલતી અને એના કારણે એમના ઘરમાં પાળેલા મેના અને પોપટ પણ વેદના સિદ્ધાંતો વિશે ચર્ચા કરતા હતા. આદિ શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે શાસ્ત્રાર્થ ગોઠવાયો આ માટે હાર-જીત નક્કી કરવા મંડન મિશ્રનની વિદુષી પત્ની ભારતીને રાખવામાં આવી. શાસ્ત્રાર્થ ઘણા દિવસ ચાલ્યો. છેવટે એમાં આદિ શંકરાચાર્યજીનો વિજય થયો ભારતી પણ વિદુષી હતી. તેણે કહ્યું - હું મારા પતિની અર્ધાંગિની છું. એટલે તમારે મને પણ હરાવી પડશે તો જ તમારો પૂરો વિજય થયો કહેવાશે શંકરાચાર્યે તેની વાત સ્વીકારી લીધી.

એ બન્ને વચ્ચે ૧૭ દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો ભારતીને ખ્યાલ આવી ગયો કે શંકરાચાર્યને હરાવવા શક્ય નથી. જો તે એમની આગળ હારી જશે તો શરત પ્રમાણે મારા પતિએ ગૃહસ્થાશ્રમ છોડી સંન્યાસ લેવો પડશે. તે જાણતી હતી કે શંકરાચાર્યજીએ આઠ વર્ષની ઉંમરે જ સંન્યાસ લઈ લીધો હતો એટલે બ્રહ્મચર્ય પાળતા એમને કામશાસ્ત્રને લગતું કોઈ જ્ઞાન નહીં હોય-તેણે એ વિષયના પ્રશ્નો તેમને પૂછવા માંડયા - કામની કેટલી કલાઓ હોય છે ? એ બધી કામક્રીડાઓનું સ્વરૂપ શું છે ? તે કઈ જગ્યાએ રહે છે ? શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં એમની સ્થિતિ એક સમાન રહે છે કે પછી અલગ અલગ ? પુરુષ અને સ્ત્રીમાં કામ ક્રીડાની સ્થિતિ કઈ રીતે હોય છે ? આવા કામ શાસ્ત્રના અનેક પ્રશ્નો ભારતીએ પૂછયા જેનો જવાબ શંકરાચાર્યજી પાસે નહોતો કેમ કે એમને એ વિષયનું કોઈ જ્ઞાન કે અનુભવ જ નહોતા. તેમણે આ પ્રશ્નોના જવાબ આપવા એક મહિનાની મુદત માંગી જે ભારતીએ મંજૂર કરી.

કામશાસ્ત્ર વિશેનું બહોળું જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરવા આદિ શંકરાચાર્યએ એક યુક્તિ કરી. આકાશભ્રમણ કરતાં તેમણે જોયું કે જંગલમાં અમરુક નામના યુવાન રાજાનું હમણાં જ મરણ ગયું છે અને તેના મૃત શરીર આગળ તેની રાણીઓ અને મંત્રીઓ વિલાપ કરી રહ્યા છે. આથી તેમણે મૃત રાજાના શરીરમાં તેમના પ્રાણ અને સૂક્ષ્મ શરીર પ્રવેશ કરાવી દીધા. તેનાથી અમરુક રાજા જીવતો થઈ ગયો. તેના જીવિત થયેલા શરીરના માધ્યમથી આદિ શંકરાચાર્યજીએ કામક્રીડાના અનુભવ પ્રાપ્ત કરી લીધાં. એક મહિના સુધી રોજ સુંદર, વિલાસિની, કામક્રીડાકુશળ યુવાન રાણીઓ સાથે અમરુકના શરીર થકી કામસુખની અનુભૂતિ કરવા લાગ્યા. તે જ્ઞાન અને અનુભવ મળી ગયા બાદ તે પોતાના એક ગુફામાં સાચવી રખાતા સ્થૂળ શરીરમાં પાછા આવી ગયા. એ પછી ભારતી સાથે ફરી શાસ્ત્રર્થ શરૂ કરી તેણે કામશાસ્ત્ર વિશે પૂછેલા કઠિન પ્રશ્નોના પણ એ રીતે જવાબ આપી દીધા કે જાણે તે વિષયના નિપુણ અનુભવી ન હોય ! ભારતીએ પોતાનો પરાજય કબૂલ કર્યો. શરત મુજબ મંડનમિશ્ર ગૃહસ્થાશ્રમ અને કર્મકાંડ છોડીને આદિ શંકરાચાર્યજીના શિષ્ય બન્યા અને સંન્યાસ ગ્રહણ કરી 'સુરેશ્વરાચાર્ય' એવું નામ ધારણ કર્યું તે પછી તેમણે આદિ શંકરાચાર્યજીના કેવલાદ્વૈત સિદ્ધાંતનો પ્રસાર અને પ્રચાર કર્યો.આમ, પરકાયા પ્રવેશની યોગ સિદ્ધિથી આદિ શંકરાચાર્યજીએ મંડન મિશ્રની વિદુષી પત્ની ભારતીને હરાવી હતી.

અર્વાચીન પરામનોવિજ્ઞાન એસ્ટ્રલ પ્રોજેક્શનન કે એસ્ટ્રલ ટ્રાવેલની વાત કરે છે તે આના જેવી જ બાબત છે. વ્યક્તિ દેહાતીત અનુભૂતિ(Out of Body Experience)  કરી સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ કરે છે તે પરકાયા પ્રવેશ જેવી જ ચૈતસિક શક્તિ છે. 'જર્નિઝ આઉટ ઓફ ધ બોડી' ના લેખક રોબર્ટ મોનરોએ આવી ઘટનાઓ એમના પુસ્તકોમાં આલેખી છે. મનોવિજ્ઞાની સીલ્વન મૂલ્ડને એમના પુસ્તક 'ધ પ્રોજેક્ટ ઓફ એસ્ટ્રલ બોડી'માં પણ પરકાયા પ્રવેશ જેવી ઘટનાઓ રજૂ કરી છે. તેમાં તે લખે છે - 'એક રજત તંતુથી આત્મા પોતાના સ્થૂળ શરીર સાથે સંબંધ જોડી રાખીને બીજા શરીરમાં કે સ્થળમાં જઈ શકે છે અને અશક્ય લાગે તેવા કાર્ય કરી પાછો પોતાના મૂળ શરીરમા ંઆવી શકે છે.'