Get The App

વોર્નર બ્રધર્સ : પિક્ચર અભી બાકી હૈ!

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
વોર્નર બ્રધર્સ : પિક્ચર અભી બાકી હૈ! 1 - image

- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત

- પોલેન્ડના નાનકડા ગામડામાંથી અમેરિકા પહોંચીને સાવ શૂન્યથી શરૂઆત કરનારા ગરીબ ઘરના ચાર દીકરાઓ સફળતાના શિખર સુધી શી રીતે પહોંચ્યા? 

હ જુ થોડા દિવસ પહેલાં જ એક એવા સમાચાર આવ્યા કે તે વાંચીને હોલિવુડની ફિલ્મોના રસિયા સહેજ ગમગીન થઈ ગયા. ન્યુઝ એવા છે કે હોલિવુડમાં કેટલાય માપદંડો પર નંબર વન ગણાતો વોર્નર બ્રધર્સ સ્ટુડિયો સંભવતઃ વેચાઈ જવાનો છે. આ સ્ટુડિયોની માલિકી ધરાવતી પેરેન્ટ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને જુદા જુદા ખરીદદારો તરફથી ઓફરો મળી છે, ને પેરેન્ટ કંપનીના સાહેબલોકો આ ઓફરો સ્વીકારવા જેવી છે કે નહીં તે વિશે ગંભીર મંથન કરી રહ્યા છે. 

એક અંદાજ મુજબ, વોર્નર બ્રોધર્સે અત્યાર સુધીમાં હોલિવુડની સૌથી વધુ, લગભગ ૭ હજાર ફિલ્મોનું નિર્માણ કર્યું છે. પછીના ક્રમે સોની પિક્ચર્સ (૩૫૦૦ ફિલ્મો) અને પેરેમાઉન્ટ પિક્ચર્સ (૨૮૦૦ ફિલ્મો) આવે છે. વિશ્વ સિનેમાના ઇતિહાસમાં બોક્સ ઓફિસ પર સૌથી વધારે કમાણી કરનાર કોઈ હોય તો તે પણ વોર્નર બ્રધર્સ સ્ટુડિયો જ. સહેજે સવાલ થાય કે, તો પછી આવા ખમતીધર સ્ટુડિયોને વેચવો કેમ પડે? આનો જવાબ એ છે કે પેરેન્ટ કંપનીને વોર્નર બ્રધર્સ સ્ટુડિયો સિવાય બીજા 'દીકરાઓ' પણ છે, જે કાચા પડયા છે. પેેરેન્ટ કંપનીને દેખીતી રીતે જ સૌથી વધારે કમાણી વોર્નર બ્રધર્સ સ્ટુડિયો કરી આપે છે. ડીસી સ્ટુડિયોઝ, એચબીઓ ચેનલ-ઓટીટી અને વોર્નર ટીવી પ્રોડક્શન જેવા અન્ય 'દીકરાઓ' પણ ઠીકઠાક પર્ફોર્મ કરે છે. તકલીફ વોર્નર જૂથની અન્ય શાખા, કે જે ગ્લોબલ લિનીઅર નેટવર્ક્સના નામે ઓળખાય છે, તેમાં છે. આ નેટવર્કમાં ડિસ્કવરી ચેનલ, સીએનએન ન્યુઝ ચેનલ ઉપરાંત ટીએનટી અને એચજીટીવી સ્થાન પામે છે. આ ટીવી ચેનલોનાં હવે વળતાં પાણી છે, અને આ ચેનલોને કારણે જ પેરેન્ટ કંપની પર તોતિંગ દેવું થઈ ગયું છે. ટીવી ચેનલોના પાપે મસ્તમજાની ફિલ્મો બનાવતા વોર્નર બ્રધર્સ સ્ટુડિયો પર 'વેચાઉ છે'નું પાટિયું લાગી ગયું છે. 

અલબત્ત, હાલના તબક્કે આખેઆખી પેરેન્ટ કંપની (વોર્નર બ્રધર્સ ડિસ્કવરી) વેચાઈ જવાની છે કે એનો અમુક હિસ્સો જ વેચાશે તે સ્પષ્ટ નથી. માનો કે વોર્નર બ્રધર્સ સ્ટુડિયો વેચાઈ ગયો તો શું તેના પર તાળાં લાગી જશે? ના રે ના. હોતું હશે કંઈ? વોર્નર બ્રધર્સ સ્ટુડિયો જેવી જબરદસ્ત બ્રાન્ડને છંછેડવાની બેવકૂફી કોઈ સપનામાંય ન કરે. બહુ બહુ તો સ્ટુડિયોના માલિકો બદલાઈ જશે. ફિલ્મો તો ધમધોકાર બનતી જ રહેવાની. હોલિવુડના જ ઔર એક સ્ટુડિયોની માલિકી ધરાવતા પેરેમાઉન્ટ સ્કાયડાન્સ કોર્પોરેશને ૬૦ બિલિયન ડોલર (લગભગ ૫.૩૦ લાખ કરોડ રૂપિયા) ચૂકવીને આખેઆખા વોર્નર જૂથને ટેકઓવર કરવાની ઓફર આપી છે, પણ વોર્નરવાળાઓને આ રકમ ઓછી લાગે છે. વોર્નર જૂથને ખરીદવા માટે એનબીસી યુનિવર્સલ, નેટફ્લિક્સ, અમેઝોન અને એપલ જેવી કંપનીઓ પણ કતારમાં ઊભી છે! 

     

હોલિવુડના આ ટોપ સ્ટુડિયોના નામમાં જ બ્રધર્સ શબ્દ વપરાયો છે. કોણ હતા આ વોર્નર ભાઈઓ? જવાબ છેઃ હેરી વોર્નર, આલ્બર્ટ વોનર, સેમ વોનર અને જેક વોર્નર. તેઓ યહૂદી હતા, ને તેમનાં મૂળ નામ અનુક્રમે હર્શ, સ્મ્યુઅલ, એરોન અને જેકોબ હતાં. જેમ આપણા જેરામ પટેલ અમેરિકા જઈને 'જેરી' પટેલ થઈ જાય છે, તેમ આ યહૂદી બંધુઓનાં નામોનું પણ અમરિકીકરણ થઈ ગયું હતું. નામ તો ઠીક, અટક પણ 'વોન્સલ'માંથી 'વોર્નર' કરી નાખવામાં આવી હતી. 

ભારે ઇન્ટરેસ્ટિંગ છે એમની કહાણી. અત્યારે અમેરિકામાં 'ઇમિગ્રન્ટ' શબ્દ ભલે ટેન્શન પેદા કરતો હોય, પણ નોંધી લો કે માત્ર હોલિવુડ જ નહીં, વિશ્વસિનેમાના ઇતિહાસમાં જબરદસ્ત ક્રાંતિ કરનારા આ વોર્નર બંધુઓ પણ ઇમિગ્રન્ટ્સ જ હતા. મૂળ તેઓ પોલેન્ડના. એમના ફાધરનું નામ બેન્જામિન વોન્સલ. તેઓ પોલેન્ડના એક નાનકડા ગામડામાં જૂતાં રિપેર કરવાનું કામ કરતા. ૧૮૮૮માં બેન્જામિન ઉજળા ભવિષ્યની આશામાં અમેરિકા આવ્યા. પછીના વર્ષે એમની પત્ની પર્લ ચાર દીકરાઓને લઈને અમેરિકા પહોંચી. મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં આ યહૂદી પરિવારે વસવાટ કર્યો. પિતાશ્રીએ અમેરિકા આવ્યા પછી પણ જૂતાં સીવવાનું કામ ચાલુ રાખ્યું. દીકરાઓ બે પૈસા કમાવા નાનું-મોટું કામ શોધી લેતા.   

અમેરિકામાં સિનેમાના યુગનો પાયો ૧૮૯૪માં નખાઈ ચૂક્યો હતો. તે વર્ષે વિશ્વની સર્વપ્રથમ કમર્શિયલ મોશન પિક્ચર ન્યુ યોર્કમાં પ્રદર્શિત થઈ હતી. ૧૯૦૩માં 'ધ ગ્રેટ ટ્રેન રોબરી' નામની ફિલ્મ આવી. મોટા ત્રણ વોર્નર ભાઈઓએ જોયું કે 'ફિલ્મ' નામના આ નવી નવાઈના જોણામાં લોકોને બહુ રસ પડે છે. ત્રીજા નંબરનો ભાઈ સેમ વોર્નર કશેકથી બી. કાઇનેસ્ટોસ્કોપ નામનું પ્રોજેક્ટર ખરીદી લાવ્યો. એમણે ઓહાયો અને પેન્સિલ્વેનિયા શહેરમાં હૉલ ભાડે લઈને 'ધ ગ્રેટ ટ્રેન રોબરી' ફિલ્મના શો ગોઠવ્યા. શો હાઉસફુલ જવા લાગ્યા. ભાઈઓએ જોયું કે આપણા પિતાશ્રી જૂતાં સાંધીને એક મહિનામાં જેટલી કમાણી કરે છે એના કરતાં વધારે ડોલર તો આપણે એક અઠવાડિયામાં કરી નાખીએ છીએ. ૧૯૦૩માં જ વોર્નર બંધુઓએ પેન્સિલ્વેનિયાના 'ધ કેસ્કેડ' નામનું પહેલું સિનેમા થિયેટર હસ્તગત કર્યું. તે વખતે સૌથી મોટો ભાઈ હેરી વોર્નર ૨૨ વર્ષનો હતો અને સૌથી નાનો જેક તો હજુ માંડ ૧૧ વર્ષનો થયેલો. બન્ને વચેટ ભાઈઓ ૧૭ અને ૧૯ વર્ષના લબરમૂછિયા.

૧૯૦૭ સુધીમાં વોર્નર બંધુઓ પંદર થિયેટરોના માલિક બની ચૂક્યા હતા, પણ ઉર્જાથી થનગન થનગન થતાં આ જુવાનિયાઓને માત્ર થિયેટર ખોલીને બેસી રહેવામાં ક્યાં રસ હતો? ધીમે ધીમે તેઓ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનમાં રસ લેવા માંડયા, અને - ઢેન્ટેણેએએએ.... ૧૯૨૩માં તેમણે રીતસર ફિલ્મ સ્ટુડિયો સ્થાપ્યો, જેનું નામ હતું, વોર્નર બ્રધર્સ પિક્ચર્સ, ઇન્કોર્પોરેટેડ! કોઈ પણ બિઝનેસના પ્રારંભિક વર્ષો કઠિન હોવાનાં... પણ વોર્નર બંધુઓને રિન ટિન ટિન નામનો એક કૂતરો બહુ ફળ્યો! પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવેલા આ જર્મન શેફર્ડ શ્વાનને 'મુખ્ય ભુમિકા'માં ચમકાવીને ફિલ્મ બનાવવામાં આવી, જેને અણધારી સફળતા મળી. પછી તો રિન ટિન ટિનને લઈને કેટલીય સફળ ફિલ્મો બની. આ શ્વાન હોલિવુડની મૂંગી ફિલ્મોનો સુપરસ્ટાર હતોે!  

...અને હવે આવે છે, કહાણીમાં મોટો ટ્વિસ્ટ. અન્ય ક્ષેત્રોની માફક સિનેમામાં પણ નવી નવી ટેકનોલોજી આવી રહી હતી. વોર્નર બંધુઓને થયુંઃ બહુ બનાવી લીધી મૂંગી ફિલ્મો. આ મનુષ્ય-એક્ટરો પડદા પર કંઈક બોલે તો મજા પડે. તે વખતે અમેરિકા સહિત આખી દુનિયામાં કશેય હજુ સુધી બોલતી ફિલ્મ બની નહોતી. હા, બોલતી શોર્ટ ફિલ્મના અખતરા થયા હતા. એમ તો 'ડોન જુઆન' નામની ફુલલેન્થ ફિચર ફિલ્મમાં પહેલી વાર સંગીત અને સાઉન્ડ ઇફેક્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો. હોલિવુડના બીજા બધા સ્ટુડિયો મૂંગી ફિલ્મો જ બનાવી રહ્યા હતા. ટૉકી એટલે કે બોલતી ફિલ્મ બનાવવામાં જોખમ હતું. ઓડિયન્સને ફિલ્મ ન ગમી તો? એક્ટરોને બોલતા દેખાડવાનો પ્રયોગ હાસ્યાસ્પદ નીવડયો તો? પણ જોખમ ઉપાડવાથી ડરે તે વોર્નર બંધુઓ નહીં. એમણે 'ધ જાઝ સિંગર' નામની વિશ્વની સર્વપ્રથમ ફુલલેન્થ બોલતી ફિલ્મ બનાવી, જેમાં પહેલી વાર પડદા પર કલાકારો હોઠ ફફડાવીને બોલતા હતા અને ગીતડાં ગાતા હતા. ૧૯૨૭માં 'ધ જાઝ સિંગર' રિલીઝ થઇ ને તરખાટ મચી ગયો. સિપ-સિન્ક્રોનાઇઝ્ડ સંવાદો અને ગીતો જોઈને ઓડિયન્સ અચંબિત થઈ ગયું. ફિલ્મ બમ્પર હિટ થઈ. સિનેમાનું સ્વરૂપ હંમેશ માટે બદલાઈ ગયું. હોલિવુડમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયોનું કદ અનેકગણું વધી ગયું.   

આપણે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોએ પ્રોડયુસ કરેલી ફિલ્મો જોઈને મોટા થયા છીએ. સુપરમેન અને બેટમેનની ફિલ્મો, હેરી પોટરની ફિલ્મો,  'ઇન્સેપ્શન' વગેરે જેવી ૭,૦૦૦ કરતાં વધારે ફિલ્મો આ સ્ટુડિયો બનાવી ચૂક્યો છે. કલ્પના કરો. પોલેન્ડના નાનકડા ગામડામાંથી અમેરિકા  પહોંચેલા ગરીબ ઘરના ચાર દીકરાઓએ સાવ શૂન્યથી શરૂઆત કરે છે અને સફળતાના શિખર સુધી પહોંચે છે...

 ચારેય ભાઈઓમાં સેમ વોર્નર સૌથી વધુ સ્વપ્નિલ અને દીર્ઘદ્રષ્ટા હતા. કરૂણતા જુઓ. ૧૯૨૭માં 'ધ જાઝ સિંગર' ફિલ્મના પ્રીમિયરના એક જ દિવસ પહેલાં ૪૦ વર્ષીય સેમ વોર્નરનું મૃત્યુ થઈ ગયું. જેને જમાવવા માટે પોતે જાત નિચોવી નાખી હતી તે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોનો દબદબો તેમણે કદી ન જોયો.

...અને હવે આપણે સાંભળીએ છીએ કે સિનેમાના ઇતિહાસમાં ક્રાંતિ લાવનાર વોર્નર બ્રધર્સ સ્ટુડિયો કદાચ વેચાઈ જશે. સાચ્ચે, માણસ હોય કે ફિલ્મ સ્ટુડિયો - એકસરખા દિવસ કોઈના જાતા નથી! 

શો-સ્ટોપર 

પડકાર નાણાં પેદા કરવામાં નહીં, નવા નવા આઇડિયાઝ પેદા કરવામાં સમાયેલો છે. 

- હેરી વોર્નર