Get The App

''હું મમ્મી માટે દિવાળી લઈ આવી છું.'' - ધર્મજા

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
''હું મમ્મી માટે દિવાળી લઈ આવી છું.'' - ધર્મજા 1 - image

- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'મમ્મી જલ્દી બહાર આવો. હું કોડિયા લાવવાનું ભૂલી ગઈ પણ દિવેટવાળાં બે કોડિયા લાવી છું... આપણા ગોખલે સજાવવા માટે જુઓ તો ખરાં...'

આ રતીદેવી એમના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેઠાં છે. આખું શહેર દિવાળીની ધમાલમાં વ્યસ્ત હતું. આરતીદેવીનું મન પુત્ર શાશ્વતના વિચારોમાં ખોવાઈ ગયું હતું. તેમના પતિ તપનકુમારના અવસાન બાદ તેમણે એકલે હાથે પુત્ર શાશ્વત અને દીકરી ધર્મજાને ઉછેર્યા હતા. શાશ્વત એમને પ્રાણથી પણ પ્યારો હતો. શાશ્વત પણ ખૂબ જ લાગણીશીલ સ્વભાવનો હતો. એ પણ આરતી મમ્મી અને ધર્મજાદીદીને ખૂબ જ આદર આપતો હતો. શાશ્વત ગ્રેજ્યુએટ થયા પછી જલ્દીથી લગ્ન કરીને સેટલ થઈ જાય એવી આરતીદેવીની હાર્દિક ઈચ્છા હતી.

પણ શાશ્વતે કહ્યું હતું ઃ ''મમ્મી, હજી હમણાં જ મેં અભ્યાસપૂર્ણ કર્યો છે. જરા વિદેશની દુનિયામાં ધૂમી આવું, પછીથી લગ્નનું વિચારીશ. અને સૌથી પહેલાં ધર્મજાદીદીના લગ્ન કરાવીશ. મમ્મી, પપ્પાજીના ગયા પછી તમે બહુ દુઃખ વેઠીને અમને મોટાં કર્યાં છે. હવે મારો વારો. મારે તમને અને ધર્મજાદીદીને ખૂબ જ સુખી કરવા છે.''

અને શાશ્વત અમેરિકા ગયો હતો. ચાર વર્ષ દરમ્યાન એણે ઉદ્યોગ-ધંધાને લગતી વિશિષ્ટ ડિગ્રીઓ મેળવી હતી અને અમેરિકામાં મળતી સારા પગારની નોકરી ઠુકરાવીને એ ભારત પાછો ફર્યો હતો. અમેરિકામાં એની સાથે અભ્યાસ કરતી મૂળ ભારતીય પણ અમેરિકામાં જ ઉછરેલી ઈલિકા સાથે એને પરિચય થયો હતો અને તે પરિચય લગ્નમાં પરિણમ્યો હતો. શાશ્વત ઈલિકાને લઈને ભારત આવ્યો હતો. મમ્મીને ખોટું ના લાગે માટે તેણે ઈલિકાને હોટલમાં ઉતરવાની સગવડ કરી હતી અને થોડા સમયમાં મમ્મીને મનાવીને ઈલિકા સાથે હિંદુ-વિધિ પ્રમાણે લગ્ન કરી લેશે એવું કહી ઈલિકાને સમજાવી લીધી હતી.

લીલાંછમ ખેતરોને જોઈને તીડનાં ટોળાં તૂટી પડે, તેમ કન્યાઓના પિતા આરતીદેવીના બંગલેથી હટતાં ન હોતાં. શાશ્વત જેવા રૂપાળા, પ્રતિભાસંપની અને વિનયી યુવક પર સૌની નજર ઠરતી હતી. શાશ્વતના મમ્મીએ સાફ શબ્દોના સૌને જણાવી દીધું હતું કે ''શાશ્વત રૂપિયા-પૈસાને મહત્ત્વ આપતો નથી. તેથી દહેજ કે પહેરામણીમાં અમે કશું લેવાનાં નથી. જે છોકરી શાશ્વતને ગમશે તેની સાથે જ તેનાં લગ્ન કરીશું.''

આમ આરતીદેવી શાશ્વતના લગ્નજીવનના સુખદ શમણાંમાં ખોવાયેલા રહેતાં હતાં... શાશ્વતની પત્નીને પોતે એવા તો લાડ લડાવશે કે તે પુત્રવધૂ નહીં પણ પોતાની પુત્રી બનીને એમને વૃધ્ધાવસ્થામાં ઠારશે. ધર્મજાદીદી પણ ભાભી લાવવાની ઉતાવળમાં હતી પણ શાશ્વત તો ઈલિકાની વાત મમ્મીને કેવી રીતે કરવી તેની મથામણમાં હતી. અંતે એક દિવસ શાશ્વતે ધર્મજાદીદીને પોતે ઈલિકા સાથે લગ્ન કરી લીધાં છે અને ઈલિકાને એક હોટલમાં ઉતારો આપ્યો છે એવી વાત કરી. ધર્મજાએ આરતીમમ્મીને વાત કરી કે 'ભાઈએ લગ્ન કરી લીધાં છે.' આ વાત સાંભળીને આરતી દેવી ગુસ્સો કરવાને બદલે ઝૂમી ઊઠયાં હતાં એમણે શાશ્વતનો કાન પકડીને કહ્યું હતું ઃ ''શાશ્વત તે મારી દીકરીને તેં હોટલમાં ઊતારો આપ્યો છે ? જા હમણાં ને હમણાં એને આપણા ઘેર લઈ આવ હું આરતીની થાળી તૈયાર રાખું છું, હું ઈલિકાનું જોરદાર સ્વાગત કરી, ગૃહપ્રવેશ કરાવીશ.''

મમ્મીની વાત સાંભળી શાશ્વત પણ ભાવવિભોર બની ગયો. એ જલ્દીથી હોટલ પર પહોંચી ગયો ઈલિકાને ઘરે લઈ જવા માટે. ઈલિકા પણ પોતાના ભાવી મધર ઈન લો અને સિસ્ટર ઈન લો ને મળવા આતુર હતી બન્ને ઘરે આવ્યાં એટલે આરતીદેવીએ ઈલિકાનો વટભેર ગૃહપ્રવેશ કરાવ્યો. ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. થોડાં દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ અમેરિકામાં ઉછરેલી ઈલિકાને હવે મમ્મી અને દીદી બન્ને 'કન્ટ્રીટાઈપ' લાગવા માંડયા હતા. એણે એક દિવસ શાશ્વતને કહ્યું હતું ઃ ''શાશ્વત, આપણે બન્ને અલગ રહેવા જઈએ તો ? મમ્મી અને દીદીની રહેવાની સ્ટાઈલ મને જરાપણ પસંદ નથી. સવારે ઊડીને ઘરનું કામ, કન્ટ્રીટાઈપ સાદો નાસ્તો, પૂજા પાઠ, ઘરેલું કામકાજ.... બધાંએ સાથે બેસીને જમવાનું આ બધું મને સેટ નથી થતું. આપણી પ્રાઈવસીને તો કોઈ ચાન્સ જ નથી. હું તારી સાથે ટાઈમ સ્પેન્ટ કરી શકતી નથી. આખો દિવસ આપણી વચ્ચે મમ્મી અને દીદી હાજર જ હોય છે. પ્લીઝ શાશ્વત, વિચાર કરીને. આપણે જુદા રહેવા જઈએ તો ?''

ઈલિકાની વાતો સાંભળી શાશ્વત સ્તબ્ધ થઈ ગયો હતો. મમ્મી અને દીદી માટે તો એ ભારત પાછો આવ્યો હતો. ઈલિકાની વાતને આંખ આડા કાન કરી શાશ્વતે ધ્યાનમાં ના લીધી પણ ઈલિકાનું બદલાયેલું વર્તન મમ્મી અને દીદીના ધ્યાનમાં આવી ગયું હતું. આરતીદેવી સમજી ગયાં હતાં કે ઈલિકાની ભારતીય લાઈફ સ્ટાઈલ અને ખાવાનું બિલકુલ પસંદ પડતું નથી. એમણે શાશ્વતને સમજાવ્યો. બેટા, ઈલિકા જુદા વાતાવરણમાં મોટી થઈ છે. એટલે એને એડજસ્ટ થતાં વાર લાગે. તું જુદો રહેવા જા અમને વાંધો નથી. આપણે અવાર નવાર મળતાં રહીશું અને અમારે માટે તો સારું ને ક્યારેક મન થાય ત્યારે તારા ઘેર પણ રહેવા આવીશું. તમે ક્યારેક અમારે  ત્યાં આવીને રહી શકો. થોડો ચોેઈન્જ રહેશે. બેટા, તું અમારી ચિંતા ના કરીશ. જો ધર્મજા જોબ કરે છે એટલે આર્થિક ચિંતા પણ તારે કરવાની જરૂર નથી. ઈલિકા માતા બનવાની છે એટલે અને દુઃખી ના કર. એની વાત માની લે.

અને કમને શાશ્વતે શહેરમાં જ એક બંગલો ભાડે રાખી લીધો હતો. એક સારી કંપનીમાં એને જોબ પણ મળી ગઈ હતી. શરૂઆતમાં તો બધુ સારું ચાલ્યું. ઈલિકા પણ આરતીદેવી અને ધર્મજા સાથે ફોન પર વાત કરી ખબર પૂછી લેતી હતી. પણ ધીરે-ધીરે ઈલિકાના ફોન આવવાના બંધ થઈ ગયા. શાશ્વત મળવા આવતો ત્યારે આરતીદેવી કહેતાં ''બેટા, શાશ્વત તારું વજન કેમ ઊતર્યું હોય એમ લાગે છે ? તબિયત સાચવીને કામ કર બેટા.'' ત્યારે શાશ્વત પણ ઉદાસ વદને જવાબ આપતો 'ના મમ્મી, એવું નથી. દરેક મમ્મીને પોતાનું બાળક એટલું વ્હાલું હોય છે કે એને ગમે તેટલું વજન હોય તો પણ પાતળું જ લાગે છે.'

ઈલિકાએ પુત્રીને જન્મ આપ્યો પણ આરતીદેવીને જાણ ના કરી. તેણે શાશ્વતને કહ્યું હતું ઃ ''શાશ્વત જો, તારા મમ્મી અને દીદીને ક્લીનનેસતો જરાપણ ખ્યાલ નથી, મારી દીકરીને એમનાથી દૂર રાખવી પડશે. એટલે બેટર છે કે હમણાં તું એમને જણાવીશ નહીં.''

ઈલિકાની વાત સાંભળી શાશ્વત નિરાશ થઈ ગયો હતો... ઈલિકાનો હાથ પણ છૂટો હતો... શાશ્વત સારું કમાતો હતો પણ બંગલાનું ભાડું, નોકર-ચાકર, ડ્રાઈવર રસોઈઓ 

આ બધા ખર્ચામાં પૈસા પૂરા થઈ જતાં હતાં. ઉપરથી દીકરી સ્વીટીના જન્મ પછી તો ઈલિકા ખર્ચો કરવામાં પાછું વળીને જોતી નહોતી. શાશ્વત ઓવરટાઈમ કરીને ખર્ચાને પહોંચી વળવા પ્રયત્ન કરતો હતો. એટલે એક દિવસ ઈલિકાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને શાશ્વતને ખખડાવ્યો ઃ ''શાશ્વત, મને ખબર નહીં કે તું એક ગરીબ પરિવારનો  સન છે. તું મારી સાથે ટાઈમ ગાળતો નથી આખો દિવસ કામ કર્યા છે. અને જો મેં ક્યારેય ગણીને પૈસા વાપર્યા નથી. મારી ઉપર તું કંટ્રોલ મૂકીશ તો હું ઈન્ડિયા છોડીને મારા મમ્મી-પપ્પા પાસે યુએસ જતી રહીશ. આને તું મારી વોર્નિંગ સમજજે. તારે લાઈફ સ્ટાઈલ ચેઈન્જ કરવી હોય તો જ હું તારી સાથે રહીશ. મેરેજ પછી મોજ-મસ્તી, હરવા-ફરવાનું, બધું જ બંધ થઈ ગયું છે. લાઈફમાં એન્જોયમેન્ટ જેવું કશું રહ્યું નથી. હું ટીપીકલ ઈન્ડિયન વાઈફ નથી કે આવી બોરિંગ લાઈફ સહન કરું.''

શાશ્વત ઈલિકાની વાત સાંભળીને દુઃખી થઈ ગયો હતો. ઈલિકાના ખર્ચાઓને પહોંચી વળવા વધારે કામ કર્યા વગર છૂટકો નહોતો. ઘરમાં બધી લેઈટેસ્ટ વસ્તુઓ ઈએમઆઈ પર ખરીદી હતી. બધાં હપ્તા ભરવાના અને ઈલિકાના ખર્ચા જુદા. વધારે કાર્યભાર અને ટેન્શનને કારણે શાશ્વત બિમાર રહેવા લાગ્યો હતો. તે એટલો બધો હતાશ થઈ ગયો હતો કે પોતાના મમ્મી અને દીદીનો કોન્ટેક્ટ પણ તેણે ઓછો કરી નાખ્યો હતો. આરતીદેવીએ તપાસ કરી ત્યારે ખબર પડી કે શાશ્વતે શહેરથી દૂર નવું ઘર રાખી લીધું હતું.... ઘણાં સમયથી શાશ્વતના કોઈ સમાચાર નહોતા... એટલે આરતીદેવી વ્યથિત હતાં...

આખું શહેર દિવાળીની ધમાલમાં વ્યસ્ત હતું. આરતીદેવી શૂન્યમનસ્ક બની બાલ્કનીમાં બેસીને શાશ્વતના વિચારોમાં ખોવાયેલાં હતાં. ત્યાં એકાએક ધર્મજાએ બૂમ પાડી ઃ ''મમ્મી હું બહાર,  જાઉં છું કંઈ મંગાવવું છે તમારે ?''

ત્યારે આરતીદેવી વિચારતંદ્રામાંથી એકદમ જાગી ગયા અને કહ્યું ''બેટા, ચાર પાંચ કોડિયાં લેતી આવજે, બીજું કશું જોઈતું નથી. તારા ભાઈ વગર દિવાળી કરવાનું મન થતું નથી.''

એટલામાં પોસ્ટમેન આવીને એક પોસ્ટકાર્ડ નાખી જાય છે. ધર્મજા પોસ્ટકાર્ડ હાથમાં લઈને જુએ છે. કાર્ડમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. પણ કોણે ? મોકલનારનું નામ નહીં, મોકલનારનું એડ્રેસ નહીં... ધર્મજા વિચારમાં પડી જાય છે. પોસ્ટકાર્ડ ને એ બહુ ધારી-ધારીને જુએ છે, 'અરે આ તો શાશ્વતભાઈના અક્ષર છે. ''ધર્મજા સ્વગત બોલી ઊઠે  છે.'' ... અને બધું કામ પડતું મૂકીને નીકળી પડે છે. ભાઈ શાશ્વતને શોધી કાઢવા. શાશ્વતભાઈ પહેલાં રહેતા હતા ત્યાં જાય છે, તેમની પાસેનાં બંગલામાં જઈ તે પૂછપરછ કરે છે, ત્યારે ધર્મજાને ખબર પડે છે કે, શાશ્વતભાઈ બહુ બીમાર થઈ ગયા છે, એમની પત્ની ઈલિકા તેમને અને દીકરી સ્વીટીને છોડીને યુએસ પાછી જતી રહી છે. અને દેવાદાર બનેલા શાશ્વતભાઈ કોઈ ચાલીમાં રહેવા ગયા છે. ત્યાં જ શાશ્વતભાઈને ત્યાં કામ-ગંગામાં ધર્મજાને મળી ગયાં. તેમણે રડતાં-રડતાં શાશ્વતની આપવીતી સંભળાવી અને કહ્યું ''ચાલો દીદી, હું તમને શાશ્વતભાઈ પાસે લઈ જાઉં.''

એક જીર્ણ-શીર્ણ મકાનનું સાંકડું પ્રવેશદ્વાર વટાવીને ધર્મજા તથા ગંગામાએ ઓરડામાં પ્રવેશ કર્યો.

શાશ્વત તાવમાં કણસતો હતો. શરીર સાવ સુકાઈ ગયું હતું... ગાલમાં ખાડા અને અંદર ધસી ગયેલી આંખો ! ''ભાઈ તમારી આ દશા ? છેલ્લાં પાંચ વર્ષથી કોઈ ફોન નહીં, કોઈ સંપર્ક નહીં. પોસ્ટકાર્ડ લખ્યું તોય સરનામા વગરનું ?'' ફરિયાદના સ્વરમાં ધર્મજાએ કહ્યું. ''ભૂતકાળનું કોઈ પ્રકરણ મારે ખોલવું નથી. ઈલિકા એને રસ્તે અને હું મારે રસ્તે. દુઃખની વાત તો એ છે કે ઈલિકા મને બીમાર છોડીને જતી રહી અને નાનકડી દીકરી સ્વીટીની પણ એણે લાગણી ના થઈ સ્વીટીને પણ મારી પાસે મૂકીને જતી રહી.'' શાશ્વત અટક્યો અને પાછો બોલ્યો ઃ ''સ્વીટુ બેટા, ફોઈને પાણી તો આપ બેટા.''

શાશ્વતના એક શબ્દે જ તેની સાથેના અબોલાની દીવાલને જમીનદોસ્ત કરી નાખી. 'ફોઈ' શબ્દનું સંબોધન ધર્મજાને હચમચાવી મૂકે છે.

એટલામાં સ્વીટી પાણીનો ગ્લાસ આપતાં કહે છે ''પપ્પા, ડિવાલી ફોઈને ત્યાં કરવાની છે ?'' ધર્મજાના અંતઃકરણમાં લાગણી અને કર્તવ્યના હજારો દીવાઓ પ્રગટી ઊઠે છે.

અને ધર્મજા શાશ્વતભાઈ અને સ્વીટીને લઈને ઘરે પાછી ફરે છે. ધર્મજાને ઘરમાં પ્રવેશતી જોઈને આરતીદેવી પૂછે છેઃ ''બેટા, મેં મંગાવેલા કોડિયાં લાવી કે પછી ભૂલી ગઈ ?

ધર્મજા એક ક્ષણ થોભીને કહે છે ''મમ્મી જલ્દી બહાર આવો. હું કોડિયા લાવવાનું ભૂલી ગઈ પણ દિવેટવાળાં બે કોડિયા લાવી છું... આપણા ગોખલે સજાવવા માટે જુઓ તો ખરાં, હું તમારા વહાલા પુત્ર શાશ્વત અને પૌત્રી સ્વીટીને લઈને આવી છું. લોકો દિવાળી કાર્ડ લાવે છે... હું તો તમારા માટે દિવાળી જ લઈ આવી છું.'' અને ઘરમાં ઉલ્લાસની લહેર પ્રસરી ગઈ. દિવાળી એટલે દિલાવરી.