Get The App

સાજન ચલે 'રિ-મેક'!

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
સાજન ચલે 'રિ-મેક'! 1 - image

- બાયોસ્કોપવાલા - મન્નુ શેખચલ્લી

- સૌ થી મજેદાર વાત એ છે કે ગોવિંદાએ એક જ સ્ટોરી પરથી બનેલી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્રણે હિટ હતી!

સૌ થી મજેદાર વાત એ છે કે ગોવિંદાએ એક જ સ્ટોરી પરથી બનેલી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્રણે હિટ હતી ! જી હા, 'સાજન ચલે સસુરાલ', 'કુલી નંબર વન' અને 'બનારસી બાબુ' આ ત્રણે ફિલ્મોનો મુખ્ય પ્લોટ એવો છે કે ગોવિંદા ઓલરેડી એક હિરોઇન સાથે પ્રેમમાં હોય, પણ મજબૂરીથી બીજી હિરોઇન સાથે પણ લગ્ન કરવાં પડે !

એટલું જ નહીં, બન્ને લગ્નો બચાવવા માટે બિચારો ગોવિંદાની 'ડબલ ઢોલકી' રમવા જતાં એની બન્ને બાજુથી 'બજી' જાય છે ! એ તો ઠીક, આ ત્રણમાંથી બે ફિલ્મોનો તો એન્ડ પણ એવો આવે છે કે બન્ને પત્નીઓ ભેગી મળીને 'પાર્ટનરશીપ'માં ગોવિંદાને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઇ જાય છે! બોલો.

એમ તો ડેવિડ ધવન પણ કંઇ ઓછા નથી આ 'સાજન ચલે સસુરાલ' તો સાઉથની રિમેક છે જ, પણ 'કુલી નંબર વન' પણ રિ-મેક હતી. એ ઉપરાંત 'શોલા ઔર શબનમ', 'રાજા બાબુ' અને 'હસીના માન જાયેગી' પણ સાઉથની અથવા હોલીવૂડની ફિલ્મોના રિ-મેક હતા.

એમાંય, 'સાજન ચલે સસુરાલ'તો ઓલરેડી અગાઉ ત્રણ-ત્રણ ભાષામાં બની ચૂકી હતી છતાં અહીં જે 'મેજિક' છે તે ગોવિંદા અને ડેવિડ ધવનની જે ગજબની કેમિસ્ટ્રી છે એમાં રહેલું છે.

ગોવિંદાની કોમિક સેન્સ કેટલી જોરદાર છે એની સાબિતી જોઇતી હોય તો માત્ર એટલી જ કલ્પના કરો કે જો આજે 'સાજન ચલે સસુરાલ'ની રી-મેક બને તો છે કોઈ માઇનો લાલ, જે આજે ગોવિંદા જેવું પરફોર્મન્સ આપી શકે?

(માઈનો લાલ છોડો, ખુદ ડેવિડ ધવનનો લાલ વરૂણ ધવન પણ વ્હેંતિયો લાગે)

 ગોવિંદાની ટેલેન્ટ વિશે ડેવિડ ધવન કહે છે કે 'એને કોઈપણ ઘટિયા ટાઈપનો સીન આપો, ગોવિંદા એને બે જ વાર વાંચીને જ્યારે પરફોર્મ કરશે ત્યારે એ 'બઢિયા' સીન લાગશે !'

ગોવિંદાની ઇમ્પ્રોવાઇઝ કરવાની સેન્સ પણ ગજબની છે. કંઇ કેટલીયે વાર સ્ક્રીપ્ટમાં ના લખ્યું હોય અને ડિરેકટરે પણ ના સૂચવ્યું હોય તેવું કંઇક અદ્ભૂત મિશ્રણ ગોવિંદા કરી આપતો હતો. જો કે એની પરાકાષ્ટા તો ત્યારે આવી હતી કે જ્યારે 'બડે મિયાં છોટે મિયાં'નું શૂટિંગ થતું હતું ત્યારે ગોવિંદા અને અમિતાભ એટલા બધા 'ચગી' જતા હતા કે ડેવિડ ધવન સ્ક્રીપ્ટના કાગળની ફૂટપટ્ટી જેવી ગડી વાળીને એક જ લાઈન બતાડીને કહેતા હતા : 'બસ, ઇતના હી સીન હૈ ! બાકી આપ દોનોં જાનો...'

 'સાજન ચલે સસુરાલ' કદાચ એવી છેલ્લી ફિલ્મ હશે જેમાં ગામડાથી આવેલા હીરોને માથે તપેલી-કટ વાળ હોય, પાતળી મૂછો હોય, ગળામાં ગમછો હોય અને પહેરવેશ ધોતી-સદરાનો હોય! આ ફિલ્મના પહેલા સીનમાં ગોવિંદાએ એમાં એક વધુ ઉમેરો કર્યો છે, એના હાથમાં જે લાઠી છે એની ઉપર ઊંધો લોટો લટકાવ્યો છે!

 અચ્છા, આ ફિલ્મનાં અમુક સિચ્યુએશનો જ એવી છે કે આજની બોલીવૂડી પ્રજા એવું કંઇક ફરીથી બનાવવા જાય તો એ 'અશ્લીલ' 'વલ્ગર' અને 'નોન-વેજ' કોમેડી બન્યા વિના રહે જ નહીં !

દાખલા તરીકે ગોવિંદા એના 'ડબલ હનીમૂન' માટે કરીશ્મા અને તબ્બુને એક જ હોટલમાં બાજુ બાજુના રૂમમાં લઇ જાય છે ! એટલું જ નહીં, બન્ને સાથે 'વારાફરતી' રાત પણ ગુજારે છે !

પરંતુ અહીં ડેવિડ ધવનની અને ગીતકાર સમીરની કમાલ જુઓ... પેલા બાજુબાજુના બે બેડરૂમમાં ગોવિંદા કોઈ ઓટોરીક્ષાના શટલિયાંની માફક અહીંથી તહીં ફેંકાય છે ! ઉપરથી ગીતના શબ્દોમાં સ્હેજ પણ અશ્લીલતા કે ડબલ મિનિંગ નથી : 'તુમ તો ધોકેબાજ હો વાદા કર કે ભૂલ જાતે હો...'

 એમ તો આ એકમાત્ર એવી હિન્દી ફિલ્મ હશે જેમાં બહુપત્નીત્વને ધાર્મિક જસ્ટીફિકેશન આપવામાં આવ્યું છે ! (જે કદાચ સાઉથની ઓરિજિનલ ફિલ્મમાંથી જ કોપી પેસ્ટ કર્યું લાગે છે) જ્યારે કરીશ્માને પરણીને ગોવિંદા પોતાના બંગલામા લાવે છે ત્યારે ગોવિંદાનો ફ્રેન્ડ સતીશ કૌશિક દિવાલો ઉપર લગાડેલા ભગવાનોના ફોટા બતાડતો જાય છે અને તેમની પત્નીઓનાં નામો લેતો જાય છે જેમ કે 'ગણેશજીની રિધ્ધી અને સિધ્ધી, કૃષ્ણની રુકમણી અને સત્યભામા...' વગેરે ! પરંતુ કરીશ્મા કહે છે 'મારા પતિ તો રામ જેવા છે, જેની એક જ પત્ની છે, સીતા !'

 એમ તો ફિલ્મનાં એન્ડ ટાઈટલ્સસ પહેલાં ગોવિંદા ઓડિયન્સને સંબોધીને કહે છે પણ ખરો કે 'મૈં ને તો મજબૂરી મેં દો પત્નીયાં કી, મગર તુમ ગલતી સે જાનબુઝ કર ભી ઐસા મત કરના ! વરના મુજ સે ભી બૂરી હાલત હોગી !' બોલો, આટલો સારો 'બોધ' કઇ કોમેડી મુવીમાં જોવા મળે છે ?

 ફિલ્મમાં અપાયેલી ક્રેડિટ મુજબ અહીં પટકથા તો રૂમી જાફરીના નામે બોલે છે જેમાં અગાઉની ત્રણ સાઉથની ફિલ્મોનો જ મૂળ ઢાંચો રહેવા દીધો છે. પરંતુ અસલી મજા કાદર ખાનના ટુંકા અને ચોટદાર સંવાદોની છે ! જેના કારણે માત્ર બે સીન માટે હોટલના વેઇટર તરીકે દેખાતા રાકેશ બેદી અને માત્ર એક સીન માટે નકલી મા બનીને આવતી હિમાની શિવપુરી તથા 

ફક્ત એક સીન માટે દેખાતા એર-લાઈન્સના બુકીંગ એજન્ટ બનેલા દિનેશ હિંગુ આપણને હસાવી જાય છે.

કહેવાય છે કે ડેવિડ ધવન ડિરેકટર બન્યા એ પહેલાં ફિલ્મ એડિટર હતા, એટલે એમના દિમાગમાં ફિલ્મનો દરેક શોટ 'પ્રિ-એડિટેડ' હોય છે. આ વાત તો સાચી જ છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ડેવિડ ધવન ખુબ જ સારા અને ચતૂર 'સ્ક્રીપ્ટ એડિટર' પણ છે ! એમની સાથે અડધો ડઝન ફિલ્મો માટે કામ કરી ચૂકેલા લેખક રૂમી જાફરી કહે છે કે 'ડેવિડનું કાતરકામ શૂટિંગ વખતે જ શરૂ થઇ જાય છે ! હાથમાં ડાયલોગ્સના પાનાં આવે કે તરત કહેશે, અરે ઇતની બાત જબ ચાર લાઈન મેં કહી જા સક્તી હૈ તો દસ લાઈનેં ક્યું લિખી હૈં ? કાટો...ઇસે કાટો !'

અને એટલે જ, આ ફિલ્મ આજે પુરા ૨૯ વરસ પછી પણ જુઓ, તો તમને ક્યાંય બગાસું નહિં આવે ! ગેરંટી છે.

- = બીજી હિરોઈન તરીકે અગાઉ રવિના ટંડન, શિલ્પા શેટ્ટી અને નીલમનાં નામો હતાં પણ છેવટે તબ્બુ પસંદ થઇ હતી.

= 'સાજન ચલે સસુરાલ' એ અગાઉ બની ચૂકેલી ત્રણ ફિલ્મોની રિમેક છે ! 'અલ્લારી મુ મોગુડુ' (તેલુગુ) 'ગડીબીડી ગન્ડા' (કન્નડ) અને 'વીરા' (તામિલ) જેમાં 'વીરા'માં તો રજનીકાન્ત હતા.

= ફિલ્મનાં ગાયનો બનાવતાં પહેલાં નદીમ-શ્રવણે શરત મુકી હતી કે સ્હેજપણ ડબલ-મિનિંગ શબ્દો હશે તો અમે ફિલ્મ છોડી દઈશું !

= ફિલ્મ બનીને ૧૯૯૪માં તૈયાર પડી હતી પણ ટેકનિકલ કારણોસર છેક ૧૯૯૬માં રિલીઝ થઇ હતી.

= માત્ર ૪.૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે લગભગ ૨૩ કરોડનો બિઝનેસ કર્યો હતો.

= અને હા, ફિલ્મમાં ગોવિંદા સૌથી વધુ હસાવે છે છતાં બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ સતીષ કૌશિકને મળ્યો હતો !