- બિનશરતી, નિર્દોષ અને નિર્ભેળ લાગણી ઓસરી રહી હોઇ સમાજનો એક વર્ગ ડિપ્રેશન અનુભવે છે ઃ દસ નીડર નિરીક્ષણો પર નજર
- હોરાઈઝન - ભવેન કચ્છી
- પહેલું સ્મિત કોણ આપે છે, પહેલો ફોન કોણ કરે છે, પહેલું 'ગુડ મોર્નિંગ' કોણ કરે છે, પહેલું 'કેમ છો' કોણ કહે છે.
પહેલો આગ્રહ કોણ કરે છે તેની ગાણિતિક ગણતરી કરવામાં જ સંબંધો શૂન્યનું સ્વરૂપ લઇ લેતા હોય છે
ન વા વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. આપણે છેલ્લા કેટલાક વર્ષોથી ભારે ઉદાસી સાથે મિત્રો કે પરિવારજનો જે પણ મળે તેઓ સમક્ષ વેદના ઠાલવતા હોઈએ છીએ કે 'હવે દિવાળી અને નવા વર્ષ નિમિતે અગાઉ જેવો ઉમળકો અને ઉમંગ નથી રહ્યો.બધા વચ્ચે પરસ્પર જે આત્મીયતા હતી તે ઓસરી ચુકી છે. નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માટે મળવા આવનારની સંખ્યા ભયજનક સપાટી વટાવીને સામાજિક કટોકટી જાહેર કરવી પડે તેમ ઘટી રહી છે. મિલન મુલાકાત તો શું ફોનથી પણ નવા વર્ષના અભિનંદન આપવા કે વડીલોના આશીર્વાદ લેવાનો વિવેક પણ આપણે ગુમાવતા જઈએ છીએ.' બધા પોતાના ગુ્રપમાં ઉજવણી કરતા થઈ ગયા છે.
આ પીડાની વાત કરતા 'આપણે' શબ્દનું પ્રયોજન એટલા માટે કર્યું છે કે કદાચ લખનાર પણ કોરોના વિનાના આ 'સોશિયલ ડિસ્ટન્સ' નો શિકાર બની ચુક્યો હોય તેમ તેનું સામાજિક વર્તુળ માનતું હોઇ શકે.
એક બહોળો વર્ગ કેમ હતાશા સાથે આમ માને છે તે જાણવા તેના ભગ્ન હૃદયનું પોસ્ટ મોર્ટમ કરીએ તો કારણોનો રિપોર્ટ કંઈક નીચે મુજબ આવે. આ રહ્યા કેટલાક નીડર અને નિખાલસ તારણો. કોઈએ તેને અંગત લેવાની જરૂર નથી.
૧. 'હવે અગાઉ જેવી આત્મીયતા કે પરસ્પર પ્રેમ અને આદરનો અભાવ વર્તાય છે.' તેવી હૈયાવરાળ આપણે કાઢીએ છીએ પણ સૌથી પહેલા આપણે પોતે જ કબૂલવું પડે કે આપણે પણ આવી માયુસી સર્જવામાં સામેલ નથી ને. અગાઉના વર્ષોમાં આપણે જ જેમને યાદ કરી મળતા હતા કે ફોન કરીને શુભેચ્છા પાઠવતા હતા તે યાદી આપણે જ ટૂંકાવી દીધી હોય તેવું નથી લાગતું? દિવાળી અને નવા વર્ષના તહેવારનો જે હાર્દ છે તેને ધીમી ગતિએ હોલવી નાંખવામાં આપણે પણ જવાબદાર હોઇ શકીએ. તો સૌથી પહેલા આપણે આત્મ નિરીક્ષણ કરીને સુધરવું પડશે.
૨. એવુ થવાની પુરી શક્યતા છે કે નવા વર્ષની જેઓને શુભેચ્છા પાઠવી હોય તેના આંકડા તો અગાઉના વર્ષો જેટલાં જ હોય છે પણ માનવ સહજ સ્વકેન્દ્રી સ્વભાવને કારણે હવે જેને શુભેચ્છા નથી પાઠવતા તેઓની વર્ષો વીતતા આપણને હવે જરૂર નથી. એક વખત તેનું કામ પડી શકે તેમ હતું તેથી સંબંધ સાચવતા હતા. હવે તો જેમણે પાંખો આપી મુક્ત ઉડાણ આપી હતી તેની જોડે જ સંબંધની પાંખ કાપી નાંખીએ તો વાંધો નથી. હવે જેમની જરૂર પડી શકે છે તેઓ ઉમેરાયા છે અને જરૂર નથી તેનો પગ લુછણીયાની જેમ ઉપયોગ કરી યાદીમાંથી કપાયા છે. જેઓ વર્તમાન નિરુત્સાહની વેદના ઠાલવે છે તે આવી ઉપેક્ષા અનુભવે તે સ્વાભાવિક છે.
૩. જયારે પરિવાર કે મિત્ર વર્તુળના સભ્યો, કુટુંબો આર્થિક રીતે નિમ્ન મધ્યમ કે મધ્યમ વર્ગના સમાન સ્થિતિએ હતા ત્યારે પરસ્પર પ્રેમ, નિર્દોષ હંસી ખુશી અને દિવ્ય મોજની અનુભૂતિ થતી. પરસ્પર પ્રગતિ અને અહંકારનો કોઈ મનોભાવ જ નહોતો જાગતો પણ વર્ષો વીતતા તેમાંથી અમુક સધ્ધર બન્યા. તેમના વ્યવસાય કે નોકરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. એક રૂમના ફ્લેટમાંથી મોટા એપાર્ટમેન્ટ કે પોશ બંગલાના માલિક બન્યા. તેઓનું હવે નવું વર્તુળ બન્યું જે ખરેખર તો જુના વર્તુળમાં ઉમેરાઈ વધારે સંગીન બનવું જોઈએ પણ બને છે એવું કે જુનું નિર્મળ પ્રેમ કરતું હતું તે વર્તુળને ભૂંસી નાંખવામાં આવે છે. આ તરફ જેઓ પરિવારમાં અને જ્ઞાાતિમાં જેમની બહુમતી છે તેવા સરેરાશ આર્થિક કે વ્યવસાયિક પ્રગતિ ધરાવનાર તરીકેના સ્તરે રહે છે તેઓ કોઈ ગ્રંથિથી પીડાઇને જેઓએ વીતતા વર્ષો સાથે અસાધારણ પ્રગતિ કરી છે તેઓની જોડે એમ કહીને સંબંધ ઓછા કરે છે કે 'મોટો હોય તો તેના ઘરનો અને તેના નોકરી, ધંધા કે વ્યવસાયનો હું એમ પ્રભાવિત થાઉં તેવો નથી. હું એવું બતાવવાનો નથી કે' મને સંબંધ જાળવવાની પડી છે. તેને પહેલ કરવી હોય તે કરે.'
૪. આવી સ્થિતિની સમાંતર એવું પણ બન્યું છે કે જેઓ વીતેલા વર્ષોમાં તમને ઉપયોગી નીવડયા હતા. તેઓને શરૂના બે ત્રણ વર્ષ લાગણીના પ્રભાવ હેઠળ શુભેચ્છા પાઠવી કે યાદ કર્યા. પછીના બે ત્રણ વર્ષ વોટ્સ એપ પર એક સાથે ગુ્રપમાં સામેલ કરીને શુભેચ્છા પાઠવી અને તે પછી હવે તે વર્ચ્યુઅલ સંબધોનો પણ છેદ ઉડાવી દેવાયો.
૫. કેટલાક પોતાને સુધરેલા માનીને એવો ડોળ પણ કરે છે કે 'અમે આવા બધા અભિનંદન કે આશીર્વાદ કે નવા વર્ષની યંત્રવત સંસ્કાર શૈલીમાં નથી માનતા આમાંના ઘણા ખરા દંભી હોય છે કે કેમ કે તેઓને જ્યાંથી તેઓની કારકિર્દી, કમાણી અને લોકપ્રિયતાનું પ્લેટફોર્મ મળતું હોય છે તેઓની ખુશામત કરવા સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ થતા હોય છે. આપવા માટે મોંઘી ગિફ્ટ પણ ખરીદાય છે. જેઓએ ઉછેર, ઘડતર અને જ્ઞાાન આપવાનું આપણા જીવનમાં પ્રદાન આપ્યું છે તેની સમાજમાં કોઈ ઓળખ ન હોય તો તેના નામ પર ચોકડી લાગેલી હોય છે. પણ જો કોઈ ગોડમેન કે લોકભોગ્ય સંત હોય તો તેના આશીર્વાદ લેવા માટે ભીડ જામે છે. સોશિયલ મીડિયામાં તે પછી પોસ્ટ પણ મુકાય છે. તેમના માતા, પિતા કે શિક્ષકના આશીર્વાદ લેતા હોય તેવો ફોટો જૂજ લોકો મુકતા હશે. આમ દિવાળી કે નવા વર્ષનો તહેવાર માત્ર પબ્લિક રિલેશન બની ગયો છે. બહુમતી લોકો ચાલાક બનતા જાય છે. બીનશરતી, નિર્મળ અને નિર્ભેળ પ્રેમ હવે ઘટતો જાય છે. કદાચ કુતરા પાળવાનું એટલે જ વધતું જાય છે.
૬. વડીલ એવું માને છે કે તેના કરતા વયમાં નાના હોય તેમણે જ ઘેર આવવાનું કે ખબર અંતર પૂછવા ફોન કરવો જોઈએ. ઓફિસનો સિનિયર વ્યક્તિ એવો મિજાજ ધારણ કરીને બેસે છે કે તેના કરતા જુનિયર હોય તે જ પહેલ કરે. વડીલ તેના કરતા નાની વયનાને ઘેર નથી જતા. તો બીજી તરફ જેઓ સામાજિક અને આર્થિક રીતે વધુ સફળ છે પણ વયમાં નાના છે તેઓ એવા કેફમાં રાચે છે કે અમારે હવે વયમાં મોટાને ફોન ન કરવાનો હોય. અમારું તેઓને કામ પડશે અને અમે હવે ચઢીયાતા કહેવાઈએ.
ખરેખર તો વડીલે પણ પહેલ કરીને તેનાથી નાની વયનાને કે બોસે તેના જુનિયરને ફોન કરીને શુભેચ્છા પાઠવી જ શકાય.
૭. બુફે કે સામાજિક મેળાવાડામાં પણ ત્રાંસી આંખે દૂરથી કોઈ વ્યક્તિની હાજરી જોઈ લેવાય છે પછી જાણે જોયું જ ન હોય તેમ ત્યાં જ ઉભા રહેનારા લોકો છે. અહીં પણ કોણ નજીક આવીને પહેલા બોલાવે છે તેની સંતાકુકડી રમાય છે.
૮. પહેલું સ્મિત કોણ આપે છે, પહેલો ફોન કોણ કરે છે, પહેલું ગુડ મોર્નિંગ કોણ કરે છે, પહેલું 'કેમ છો' કોણ કહે છે. પહેલો આગ્રહ કોણ કરે છે તેની ગાણિતિક ગણતરી કરવામાં જ સંબંધો શૂન્યનું સ્વરૂપ લઇ લેતા હોય છે.
મોટેભાગે એવું જોવા મળ્યું છે કે જેઓ સાવ ચીલાચાલુ, સંસારી જીવન જીવે છે અને જેઓએ જીવનમાં ખાસ પ્રાપ્ત નથી કર્યું તેઓ જ લઘુતા ગ્રંથિ હેઠળ આવી જીવનદ્રષ્ટિ રાખે છે. મિથ્યા માનની અપેક્ષા રાખે છે. સફળ એ જ બની શકે છે જેઓ નમ્ર છે. બીજાને આદર આપે છે. બીજાની પ્રસંશા કરે છે અને 'ડાઉન ટુ અર્થ' હોય છે. એક વર્ગ ત્યાંને ત્યાં જ છે અને બીજો આગળ કેમ છે તેના કારણો અંગે વિચારવાની જરૂર છે. એક વ્યક્તિ અને પરિવાર પ્રસન્ન છે અને બીજા આંતરિક પીડા અને તનાવ કેમ અનુભવે છે તે માટેના કારણો પણ કઈંક આવા જ હોય છે.
૯. જેઓ કોઈની સહાય બદલ આભાર માને, કોઈને અજાણતા હાનિ પહોંચી હોય તો 'સોરી' કહી શકે. કોઈની સારી બાબત જોઈ કે અનુભવી હોય તો તે વ્યક્તિને બિરદાવી શકે તે જ ગુણો કેળવવા જોઈએ.
આપણે ત્યાં ફિલ્મ ઉદ્યોગમાં અશ્લીલ દ્રશ્યો પર સેન્સર બોર્ડની કાતર ફરતી હોય છે અને તેથી વિપરીત કરુણા એ છે કે પરિવારો અને સામાજિક ગુ્રપમાં કોઈની સારી બાબત, કૃત્ય કે સદગુણોની વાત પર કાતર ફેરવી દઈએ છીએ. કોઈનું સારું નહીં કહેવાનું તે અંગે આપણે ભારે સતર્ક અને સાવધ હોઈએ છીએ. ભૂલથી કોઈની સારી વાત થઇ જાય તો પણ સામી વ્યક્તિ તેને આગળ ન જ પ્રસરે તેમ ડામી દેતી હોય છે.
૧૦. વિદેશમાં આ રીતે સારી આદત જોઈ શકાય છે. લિફ્ટમાં કે જાહેર સ્થળોએ અજાણી વ્યક્તિ જોડે આંખ મળી જાય તો તરત જ તે સ્મિત આપીને આવકારશે. તેમને તમે ખુશી કે આદર આપો કે તરત જ ખુલ્લા દિલથી આભાર વ્યક્ત કરશે. ઓફિસમાં નાતાલની રજા પછી બધા એકબીજાને અભિનંદન અને શુભેચ્છા પાઠવશે. આપણી જેમ જોયું હોય છતાં ન જોયાનો ડોળ કરી શકાય તે ફંડા તો તેઓને ખબર જ નથી.
આપણે જરૂર છે સહજ રીતે પ્રગટ થવાની.
જ્ઞાાન પોસ્ટ
ઘણી વખત એવું નથી લાગતું કે આપણે આપણી જાતને બિલોરીના કાચ પહેરીને જોઈએ છીએ.


