- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- ઘણા લોકોને ખબર નહીં હોય કે પુરુષના શરીરમાં પણ સ્ત્રીની જેમ સ્તનની ગ્રંથિ હોય છે, પરંતુ એનો વિકાસ કરે એવા હોર્મોન ન ઝરે એટલે એ અવિકસિત રહે છે
અ ઢાર વર્ષનો મુકેશ તેના કોલેજમિત્રો સાથે નિયમિત રીતે સ્વિમીંગ પુલમાં તરવા જતો હતો. એક દિવસ તેણે અચાનક સવારની આ સ્વિમીંગની કસરત બંધ કરી દીધી. મિત્રોને મળવાનું ઓછું કરી નાંખ્યું. તેની છાતીનો ઊભાર એટલો વધી ગયો હતો કે મુકેશને ઘરબહાર નીકળતા શરમ આવતી હતી. જોબનવંતી સ્ત્રીની જેમ ઉત્તુંગ સ્તનપ્રદેશ ધરાવતો મુકેશ પહોળા શર્ટ પહેરીને તેનો દેખાવ ઢાંકવાની કોશિશ તો ઘણી કરતો, પરંતુ નિરાશા તેનો પીછો છોડતી નહોતી. મુકેશની આ વિચિત્ર આપદા આજકાલ ઘણાં પુરૂષોમાં જોવા મળે છે.
જ્યારે પુરુષોનાં છાતીનો ઉભાર વધે અને સામાન્ય રીતે સપાટ રહેતી છાતી ઊપસેલી લાગે તો તે સ્થિતિ અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવાય છે. ગાયનેકોમેસ્ટિયા એટલે સ્ત્રી જેવાં સ્તન. આવું બંને બાજુનાં સ્તનમાં હોઈ શકે અથવા આ ફેરફાર એક જ સ્તનમાં થાય તેવું પણ બને. સ્તનનું કદ વધે છે અને દીંટડી તેમ જ તેની આસપાસની તપખીરી રંગની ત્વચાવાળો ભાગ સ્ત્રીઓનાં સ્તન પરની દીંટડી જેવો દેખાય છે. કોઈ વાર ફક્ત કદમાં જ થોડો વધારો થાય છે. દીંટડીનો દેખાવ બદલાતો નથી. જો વ્યક્તિ સ્થૂળ હોય તો ચરબીના ભરાવાને લીધે સ્તનનો ભાગ થોડો ઊપસેલો લાગે તે સામાન્ય છે. નિયમિત વ્યાયામ કરનાર અથવા અખાડામાં જઈ કુસ્તી કરનાર કસરતબાજોના સ્નાયુ વધારે ભરાવદાર થવાથી સ્તન (છાતીનો ભાગ) થોડાં મોટાં દેખાય તે પણ શક્ય છે. તેર-ચૌદ વર્ષના તરુણોમાં ઘણી વાર કોઈ દેખીતા કારણ સિવાય સ્તનના કદમાં થોડો વધારો થાય છે. સાધારણ રીતે એક જ સ્તન મોટું થાય છે. આવા વધારાથી ક્ષોભ અને ચિંતા બંને થાય તે સમજી શકાય. આમને આમ સ્તનનું કદ વધતું જ રહેશે અને સ્ત્રી જેવાં સ્તન થશે તે એક કારણ અને કંદાચ કેન્સર તો નહીં હોય ને તેવો વિચાર બીજું કારણ. આ તકલીફમાં દુખાવો નથી થતો. આ ઉપરાંત પુરુષોનાં સ્તનના કદમાં વધારો થવાનાં બીજાં કારણો પણ હોઈ શકે. મોટા ભાગના-પુરુષોને થતી આ તકલીફમાં બંને બાજુનાં સ્તનનું કદ વધે છે. હોર્મોનની અસ૨ને લીધે સ્તનનું કદ વધતું હોવાથી પ્રોસ્ટેટના કેન્સર જેવા રોગમાં કેન્સરને કાબૂમાં લાવવા સ્ટિબ્લિસ્ટ્રોલ નામનો સાધારણ રીતે સ્ત્રીઓના શરીરમાં ઉત્પન્ન થનારો હોર્મોન આપવામાં આવે છે. જો આ ઈલાજ લાંબા ગાળા સુધી કરવામાં આવે તો સ્તનનું કદ વધવા માંડે છે.
યુવાવસ્થામાં પ્રવેશેલા છોકરાના શરીરમાં કુદરતી રીતે જ અમુક હોર્મોનનો થતો સ્રાવ. આ ઉંમર એમના વિકાસની છે. એ વખતે એમના શરીરમાં અનેક શારીરિક ફેરફાર થાય છે (જેમ કે દાઢી-મૂછ ઊગે). આવા જ ફેરફારના ભાગ રૂપે ક્યારેક એવું થાય કે અમુક છોકરાની છાતી ભરાવા માંડે.
ઘણા લોકોને ખબર નહીં હોય કે પુરુષના શરીરમાં પણ સ્ત્રીની જેમ સ્તનની ગ્રંથિ હોય છે, પરંતુ એનો વિકાસ કરે એવા હોર્મોન ન ઝરે એટલે એ અવિકસિત રહે. જો કે કેટલાક છોકરાના શરીરમાં એવા હોર્મોનનો સ્રાવ થાય છે અને પરિણામે એમનાં સ્તનની ગ્રંથિ સ્ત્રીની જેમ ફૂલવા લાગે છે અને એની ફરતે ચરબી પણ જામવા માંડે છે.
અંડકોશમાં થતી અમુક જાતની ટયૂમરની ગાંઠ અથવા કેન્સર સ્ત્રીઓના શરીરમાં સ્રવતા હોર્મોનનું ઉત્પાદન કરે છે. ગાંઠનું કદ બહુ મોટું ન હોય છતાં તેમાં રહેલા કેન્સરના કોશો હોર્મોનનું સક્રિય ઉત્પાદન કરતા હોવાથી છાતી-સ્તનના કદમાં વધારો થવા માંડે છે. કોઈ વાર જન્મગત ક્ષતિને લીધે અંડકોશની રચના જ થતી નથી. આ અવયવની ગેરહાજરીમાં-જન્મગત ગેરહાજરી હોય કે કોઈ કારણસર શસ્ત્રક્રિયા કરી અંડકોશ કાઢી લેવામાં આવ્યા હોય તો ટેસ્ટોસ્ટેરોન પુરુષત્વના દેખાવ અને કામગીરી માટે જવાબદાર હોર્મોનનું ઉત્પાદન બંધ થાય છે. આ હોર્મોનના અભાવને લીધે સ્તનનું કદ વધે છે અને શ૨ી૨માં બીજા સ્ત્રી-સહજ ફેરફાર થાય છે. શ્વાસનળીમાં થતા અસામાન્ય કેન્સરમાં આ કેન્સરના કોશોમાં અમુક હોર્મોનનું ઉત્પાદન થાય છે. આ હોર્મોન સ્તન પર અસર કરે તેવું બને છે. મગજની નીચે આવેલી વટાણા જેવડી પિટયુટરી ગ્રંથિ અથવા મૂત્રપિંડ ઉપર નાનકડી ટોપીની જેમ બેઠેલી એડ્રિનલ ગ્રંથિમાં ગાંઠ હોય તો જુદા જુદા હોર્મોનના સ્તરમાં અસંતુલન નિર્માણ થવાને લીધે પુરુષનો બાહ્ય દેખાવ બદલાઈ સ્ત્રી જેવો થવા માંડે છે. જે રંગસૂત્ર-ક્રોમોસોમ વ્યક્તિની જાતિ નિશ્ચિત કરવા માટે જવાબદાર હોય તેમાં ક્ષતિ હોય તો આ પુરુષને સંતાન થતું નથી તેમ જ તેનાં સ્તનનું કદ વધે છે.
એક રસપ્રદ દાખલો જોઈએ. ચીનમાં રહેતો ગુઓ ફેંગ નામનો ૫૩ વર્ષનો એક પુરુષ અત્યારે તેની છાતીને લીધે શરમજનક સ્થિતિનો સામનો કરી રહ્યો છે. સ્ત્રીઓ કરતાંય તેના સ્તન વધારે મોટાં હોવાથી તેની વારંવાર મજાક ઉડાવવામાં આવે છે. ગુઓને પોતાની છાતી છુપાવવા ગરમીમાં પણ કોટ પહેરવો પડે છે. તેણે કહ્યું હતું કે 'દસ વર્ષ પહેલાં મારી છાતી મોટી થવા લાગી હતી. જોકે મેં વધારે ચિંતા ન કરી. મને એમ લાગ્યું હતું કે મારા આખા શરીરનું વજન વધી રહ્યું છે, પણ છેલ્લા કેટલાક સમયથી છાતી એટલી વધી ગઈ છે કે હું એનાથી છુટકારો મેળવવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલનાં ચક્કર કાપી રહ્યો છું. સારવાર પાછળ ઘણો ખર્ચ કર્યો છે, પણ કોઈ જ ફરક નથી પડતો. અત્યારે સ્થિતિ એ છે કે મારી છાતી હજી મોટી થઈ રહી છે.'
હવે ગુઓ ફેંગને ડોક્ટરો પર વિશ્વાસ નથી રહ્યો. ડોક્ટરોને તેની સારવારમાં રસ નથી. તેઓ ગુઓને મેડિકલ રિસર્ચનો કેસ ગણી તેના શરીરનો સ્ટડી કરવા માગે છે. ગુઓને તેની છાતીને લીધે દરેક કામ કરવામાં પ્રોબ્લેમ થાય છે. હવે તે કહે છે કે જો કોઈ ડોક્ટર મને મદદ નહીં કરે તો હું જાતે જ મારી છાતી કાપી નાખીશ.
પુરુષોની છાતીનો ઉભાર વધવાના બીજા કારણો પણ છે. જે વ્યકિતનું લિવર બરાબર કામ ન કરતું હોય, દાખલા તરીકે સિરોસિસનો રોગ, જેમાં લિવરના મોટા ભાગના કોશોનું રેસામાં રૂપાંતર થઈ ગયું હોય તો પુરુષના શરીરમાં થોડાં જ પ્રમાણમાં સ્રવતો ઈસ્ટ્રોજન નામનો હોર્મોન લિવરમાં નષ્ટ ન થવાથી તેનો ભરાવો થવા માંડે છે અને આ હોર્મોન સ્ત્રીત્વનાં લક્ષણો માટે જવાબદાર હોવાથી પુરુષની છાતીનો હિસ્સો સ્ત્રીનાં સ્તનની જેમ વધવા માંડે છે. કુષ્ઠ રોગવાળી વ્યક્તિમાં આ ચેપની અંડકોશ પર અસર થતી હોવાથી અંડકોશ ક્ષીણ થઈ જાય છે અને સ્તનના કદમાં થોડો વધારો જણાય તેવું બને. ડિગોક્સિન-હાર્ટની તકલીફ માટે લેવી પડતી ઔષધિ આઈસોનિયાઝિડ-ટીબીના ઈલાજ માટે જરૂરી ગોળી અને પેશાબ છૂટથી લાવવા માટે વપરાતી સાઈરોનોલેકટોન જેવી ગોળી લાંબો સમય લેવાથી પણ સ્તનનું કદ વધવાનો સંભવ છે.
અમેરિકામાં બનેલો એક કિસ્સો અહીં ટાંકવા જેવો છે. એક સાયકિયાટ્રિક દવા પુરૂષોમાં છાતીમાં વધારો કરે છે, તેવી ચેતવણી આપવામાં નિષ્ફળ જવા બદલ અમેરિકાની દવા બનાવતી કંપની જોન્સન એન્ડ જોન્સન કંપની પર પેનસિલ્વેનિયાની કોર્ટે આઠ અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો. સિઝોફ્રેન્યા અને બાયપોલરની બીમારીની સારવાર માટે ડોકટરે લખી આપેલી દવા રિસપેર્ડલ લીધા પછી કેટલાંક પુરુષોની છાતીની સાઇઝ વધવા લાગી હતી એવી ફરિયાદના પગલે જોન્સન એન્ડ જોન્સન પર ગયા ઓકટોબરમાં જ્યુરીએ દંડ ભરવાનો ઓર્ડર કર્યો હતો.
સ્તનનું કદ વધવાથી દેખાવ બદલાય છે, પરંતુ બીજી ખાસ તકલીફ નથી થતી. તેમ છતાં ઘણા પુરુષો વધુ પડતા સભાન બની જવાથી ડર્યા કરે છે તે ભાગમાં દુખાવો થાય છે તેવું કહે તે સામાન્ય છે. પરંતુ જ્યારે ડૉક્ટર તપાસ કરતા હોય ત્યારે દુખાવો થતો નથી. આ ભાગ પોચો હોય છે અને નીચેના સ્નાયુ સાથે ચોંટી નથી જતો. આસપાસના સ્નાયુ નોર્મલ હોય છે. ઘણી વ્યક્તિઓના મન પર ચિંતાની અસર થવાથી તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોય છે. શારીરિક તપાસ કર્યા પછી જરૂર લાગે તો હોર્મોનનો સ્તર જાણવા અથવા બીજો કોઈ રોગ છે કે નહીં તે જાણવા લોહીની તપાસ કરવાની જરૂર પડે છે. જો સ્તનનું કદ સહેજ વધેલું હોય-ખાસ કરીને તરુણોમાં અને બીજા કોઈ દેખીતા કારણ સિવાય-તો ફક્ત સમોપદેશન-(કાઉન્સેલિંગ) જરૂરી છે. સ્તનના કદમાં થયેલો વધારો ચાલુ રહેવાની શક્યતા બહુ ઓછી છે. એટલું જ નહીં, પરંતુ કદ ઘટવા માંડશે અને ઈલાજની જરૂર નથી તેવો ખુલાસો ચિંતા ઓછી ક૨શે. જો કદમાં ઘટાડો ન થાય, કદ વધવા માંડે અને તેનું કારણ ન જાણતાં હોઈએ તો થોડો ભાગ શસ્ત્રક્રિયા કરી કાઢવામાં આવે છે. જો કદમાં થતો વધારો બીજા કોઈ કારણને લીધે હોય તો તે કારણનો ઈલાજ કરવાથી તે અટકી જશે.
સ્તનનો દેખાવ ક્ષોભ ઉત્પન્ન કરે તેવો હોય, કદમાં થતો વધારો ચાલુ રહે અથવા સ્તનના કેન્સરની શક્યતા જણાય તો શસ્ત્રક્રિયા કરી સ્તનનો થોડો ભાગ કાઢવામાં આવે છે. બાહ્ય દેખાવ નોર્મલ રહે માટે દીંટડી અને તેની આસપાસ આવેલી ગોળાકાર ત્વચા એમ ને એમ જ રાખી, જરૂરી ભાગ કાઢી નાખી ફરી પાછા ઝીણા ટાંકા લઈ લેવામાં આવે છે. આ કાઢેલો સ્તનનો ભાગ તપાસ માટે મોકલવામાં આવે છે, જેથી કદાચ તેમાં ટયૂમર-કેન્સરની અસર હોય તો યોગ્ય ઉપચાર કરી શકાય. એક તબીબે જણાવ્યા પ્રમાણે સર્જરી પછી વેસ્ટ-કોમ્પ્રેશન ગાર્મેન્ટ્સ એટલે કે ત્વચાને ચપોચપ ચોંટી જાય એવું ગંજી લગભગ છ અઠવાડિયાં સુધી પહેરી રાખવું પડે છે. એનાથી એ જગ્યાની ચરબી ટાઈટ લઈને સપાટ થાય છે.
સ્ત્રીઓ માટે જેમ બ્રેસિયર હોય છે એમ પુરુષો માટે પણ સ્કિનને ચપોચપ ચોંટી જાય અને વધારાની ચરબી ન દેખાય એમ ઢાંકી દે એવાં ગંજીઓ બજારમાં મળતાં થઈ ગયાં છે.
એક વાત યાદ રાખવી જરૂરી છે કે પુરુષોને પણ સ્તનનું કેન્સર થઈ શકે તેથી આધેડ કે વૃદ્ધ પુરુષમાં એક જ સ્તનના કદમાં થતો વધારો કેન્સરને લીધે છે કે નહીં તે જાણવા બાયોપ્સી-તપાસ કરવી આવશ્યક છે. સદ્ભાગ્યે કેન્સર સ્ત્રીઓનાં સ્તનના કેન્સર જેટલું પુરુષોમાં સામાન્ય નથી, જે કારણ આ તકલીફ માટે જવાબદાર હોય તેનો ઈલાજ કરવો પણ આવશ્યક છે.


