- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- દિવાળી-ઝાયણીના દિવસે તો બહાર રહેતા બધા ઘરે હોય. ગામડે પાંચ-છ દાયકા પૂર્વે દિવાળી ને ઝાયણી જે રીતે ઉજવાતાં એનું કેવળ સ્મરણ કરીએ
'ફો ર્માલિટિ'એ કેવળ સંબંધો જ નહિ, આપણાં આણાં, ટાણાં પ્રથા-પ્રણાલી, વ્યવહારો અને ઉત્સવોમાં પ્રવેશ કરીને એના આત્માને ઊધઈની જેમ કોરી ખાવાની પ્રવૃત્તિ આદરી દીધી છે. જે ઉષ્માથી આપણે માનવ વ્યવહાર કરતા હતા એ ઉષ્મા આજે ક્યાં ગઈ ? મિત્રો અને સ્નેહી સંબંધીઓ સાથેની એ આત્મીયતા ક્યાં ગઈ ? ભાઈ-ભાઈ વચ્ચેનો ભાઈચારો કેમ ખોવાયો છે ? નવી પેઢી જૂની પેઢી વચ્ચેના સંબંધોમાં કેમ ખાઈ વધવા માંડી ? લોહીના સંબંધોમાં પણ શુષ્કતા ક્યાંથી પ્રવેશ પામી ગઈ ? ભૌતિકતા અને યાંત્રિકતાના આકર્ષણમાં માનવી ખેંચાયો જ નથી ભીંસાયો છે, એ ભીંસમાંથી સંવેદનશૂન્યતાનો જન્મ થયો છે. એ સંવેદનશૂન્યતાના માળામાં હૂંફ ક્યાંથી હોય ? એ સંવેદનશૂન્યતાના પાયા ઉપર ચણેલી ઈમારત પણ કેવી હોય ? એક માળામાં પરોવાયેલા મણકા પરસ્પર જોડાયેલા રહેતા હોય છે. અહીં મણકા છે પાસપાસે પડયા છે પણ એકબીજાને સાંધતો દોર ગેરહાજર છે એટલે દેખાવની માળા લાગે છે - પ્રત્યેક મણકો આમ તો માળાના સભ્યનો દાવો કરે છે પણ એ વિભક્ત છે. માળા સાથે એને કોઈ અંદરનો નાતો જ નથી... એવું થયું છે આપણા સંબંધોનું અને વહેવાર-તહેવારનું પણ...
'ઝાયણી' શબ્દ તમે સાંભળ્યો છે ? ઝાયણી એટલે બેસતુ વર્ષ. નવા વર્ષનો પ્રથમ દિવસ. દિવાળી પછીનો તરતનો દિવસ. જેને આપણે કારતક સુદ એકમનો દિવસ કહીએ છીએ. આજે આપણે કારતક અને ઝાયણી બંને શબ્દો ભૂલી ગયા છીએ. માત્ર 'હેપી ન્યૂ ઈયર' અને 'સાલ મુબારક' જેવા બે ઔપચારિક શબ્દોથી એ દિવસને આપણે જીવાડીએ છીએ. એ શબ્દોમાં કોઈ સંવેદનાયુક્ત ઉષ્માનાં દર્શન થતાં નથી.
દિવાળી-ઝાયણીના દિવસે તો બહાર રહેતા બધા ઘરે હોય. ગામડે પાંચ-છ દાયકા પૂર્વે દિવાળી ને ઝાયણી જે રીતે ઉજવાતાં એનું કેવળ સ્મરણ કરીએ. ઝાયણીના દિવસે બહાર નોકરી કરતા મોટાભાઈ-ભાભી બેચાર દિવસ પ્હેલાં ઘરે આવી ગયાં હોય, ઘરનાં તમામ સભ્યોનાં નવાં કપડાં ખરીદી લાવ્યાં હોય કોઈ એકાદ વાનગી ને ઘર કરિયાણાની ચીજવસ્તુઓ પણ લાવ્યા હોય... એ નવાં લાવેલાં કપડાં ઘરનાં તમામ સભ્યો ઝાયણીના દિવસે પ્હેરે. દાદા-દાદી, બા, બાપા, મોટાભાઈ-ભાભી, નાનાભાઈ-ભાભીઓ, કુંવારી બહેનો, સાથી ભાગિયા, બાળકો અને દિવાળી કરવા આવ્યાં હોય તે ભાણેજિયાં ફોઈઓ... એક ચૂલે રાંધીને ખાય. નવાં નકોર કપડાંમાં શોભતા સદસ્યોમાં પરસ્પર હૂંફનો માહોલ રચાયો હોય. એકલ દોકલ ઘરની આ વાત નથી, ગામનાં બધાં ઘરોમાં, બધી જ્ઞાાતિમાં ઝાયણીના દિવસે ભીડ જામી હોય... એક કોમના ભાઈ આંગણે તોરણ આપવા આવે, બીજી કોમના ભાઈએ કોડિયાં આપ્યાં હોય, તો કોઈ વ્હેલી સવારે મીઠાની બે ગાંગડી લઈને 'સબરસ' મુકી જાય... આ કોઈએ ધારો ઘડયો ન્હોતો છતાં નજરે દસેક દિવાળી સુધી આ ક્રમને જળવાતો જોયો છે. ફટાકડાથી બાળકો અને હવાઈ અને લક્ષ્મી છાપ બોમથી મોટેરાં રાજી થતાં. બહેનો કપડાં, વાતો, કામ અને રસોઈમાં ગૂંથાઈ જતી... જાતે પાડેલી ઘઉની સેવ, ચણાની સેવ, ઘરે બનાવેલ મોહનથાળ ઘરે કરેલી ફૂલવડી, સુવાળિયો, ચોળાફળી, મઠિયાંની વાતો માર્કેટમાં થતી હોય એમ ઘરેઘરે થતી સાંભળવા મળે. કોઈ ચિંતા વગર, સહજ રીતે જીવાતું હોય... કશો માથે ભાર ના હોય, નાનેરાં-મોટેરાં ને પગે પડે શુભાશિષ મેળવે. આખા ગામના ભાઈઓ બહેનો ઘરેઘરે જઈને સૌને મળે... આ રીતે આખા ગામની સંખ્યાનો, છોકરા-છોકરીનો, સાજા-માંદાનો હિસાબ આંગળીના ટેરવે રહેતો. પરિચય તો પ્રતિવર્ષ મળવાથી પાકો થતો.... એમાંથી પ્રેમ પાંગરતો - વિકસતો - ટકતો.
કોડિયાના દીવા કરતાં ઝાઝાં તેજ સૌ સભ્યોના ચહેરા ઉપર ચમકતાં હોય. ઘરસફાઈ અને મનસફાઈ બંને પ્રવૃત્તિઓ થાય. સ્નેહના સંકલ્પો લેવાય. પ્રેમના તાંતણે પરિવારને બાંધવાનું કામ જ ઝાયણીનું - દિવાળીનું રહેતું. પ્રત્યેક ઘરે જઈ મોં મીઠું કરવાની પ્રથા વ્યવહારમાંથી કડવાશ દૂર કરવા માટે જ હતી. બધું મનમાંથી કાઢી નાખી હેતનો એકડો પુનઃ ગોઠવવા માટે ઝાયણીનો દિવસ જ નક્કી થયેલો. બધાં વેરઝેર ભુલાવીને નવા સંબંધ સ્થાપવાનો દિવસ. જે દિવસે અંદરનું અંધારું દૂર થઈ જાય અને નૂતન પ્રકાશની સ્થાપના થાય એ ઝાયણી જ ગણાય. વરસને વચલે દિવસે પરિવાર પ્રેમનાં જબરાં વાવેતર થતાં.
આજે તો આંખો અંજાઈ જાય એવાં તેજ જાણે બનાવટી ઝગમગ તડકા ! કોડિયાંનું સ્થાન વીજળીએ લઈ લીધું છે. રાગ, લય, લ્હેકા, કંઠ રહ્યા જ ક્યાં છે ? લાઉડસ્પીકર અને કેસેટોએ ડાટ વાળી દીધો છે. ભાઈ-ભાઈ વચ્ચે ભયનો ઓથાર ઊભો થયો છે. એકમેકથી મોટા બનવાની હોડ જામી છે. અહમના શિખર ઉપર નિવાસ કરનારા વધ્યા છે. દિવસમાં બેચાર વાર વસ્ત્રો બદલીને, ઠાઠમાઠ કરી મોટા થનારાની સંખ્યા વધી છે. વૈભવ વધ્યો છે પણ વિશ્વાસ ઘટયો છે. ભૌતિકતા વિસ્તરી છે પણ ભાવમાં ઓટ આવી છે... વીજળીના દીવા વધ્યા - એમાંથી પ્રગટતો અજવાળાનો ધોધ પણ વધ્યો છે - સૌ પોતપોતાના થતા જાય છે. સંયુક્ત ભાવનાઓ સળગે છે સમાજના ખેતરમાં વિભક્ત પરિવારનાં વાવેતર
વધ્યાં છે.
ગઈકાલનો સામાન્ય ખેડૂત આખા પરિવારનું ધ્યાન રાખતો - સાથી-ભાગિયા, અબોલ પશુઓ, બાળકો બેન ભાણેજિયાં સૌ સોની રીતે હકનું લેતાં.... આજે એ પરિવારભાવના જ લુપ્ત થવાને આરે છે - તમે કહો, તમારા નૂતન વર્ષનું 'હેપી ન્યૂ ઈયર' શબ્દોમાંથી પ્રગટતું નૂર 'જય શ્રી કૃષ્ણ' શબ્દોની સામે ઝાંખુ નથી લાગતું ? ગઈકાલની તુલના આજની ઝાયણી બધી રીતે ઝાંખી પડતી જાય છે.


