Get The App

એકલતામાં સાથીની હૂંફ .

Updated: Mar 1st, 2025

GS TEAM

Google News
Google News
એકલતામાં સાથીની હૂંફ                                                 . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- તેમણે વિચાર્યું કે પુનર્વિવાહ એક માત્ર ઉકેલ નથી, આજના સમયમાં લિવ-ઈન રિલેશનશિપથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે 

પૂ ણેમાં રહેતા સર્વિસ એન્જિનિયર માધવ દામલે સામાજિક સેવાનાં અનેક કાર્યો કરે છે. લાયન્સ ક્લબ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા માધવ દામલેને વૃદ્ધાશ્રમોની મુલાકાત લેવાનું વધુ બનતું. તેમણે વૃદ્ધોની એકલતાની પારાવાર વ્યથા જોઈને ખૂબ દુ:ખ થતું હતું. તેમને મહાબળેશ્વરના વાઈ ગામમાં પોતાનું એકસો વર્ષ જૂનું ઘર યાદ આવ્યું અને ત્યાં તેમણે મંદિર અને વૃદ્ધાશ્રમનું નિર્માણ કર્યું. જેમના જીવનસાથીનું અવસાન થયું હોય તેવા એકલા વરિ નાગરિકોને માટે આ ઉત્તમ જગ્યા બની ગઈ. ૨૦૧૦માં વૃદ્ધાશ્રમ શરૂ થયો, ત્યારે એક વ્યક્તિને પોતાના સંતાનો સાથે ઝગડો થવાથી તેણે  જીવન ટૂંકાવવા માટે વધુ પ્રમાણમાં દવાનો ડોઝ લઈ લીધો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના સંતાનોએ હોસ્પિટલમાં આવવાનો પણ ઇન્કાર કર્યો.

આ ઘટનાએ માધવ દામલેને વિચાર કરતા કરી મૂક્યા કે પિતાની સાઠ વર્ષની ઉંમરે સંતાનોનો આવો વ્યવહાર હોય, તો તેઓ જ્યારે વૃદ્ધ થશે, ત્યારે શું થશે? તેથી તેમણે તેમને લગ્ન માટે સમજાવ્યા. સૌપ્રથમ તો તેમણે નકારાત્મક પ્રતિક્રિયા આપી, પરંતુ પછી લગ્નની વાતમાં સમજદારી લાગી.  સંમત થયા. તેમને યોગ્ય પાત્ર મળી જતાં લગ્ન થઈ ગયા. આ પછી અન્ય વડીલના પણ એમણે લગ્ન કરાવી આપ્યા, પરંતુ ત્રીજી વખત એવું બન્યું કે જેમના લગ્નની વાત કરવામાં આવી, તેમનાં બાળકો સંમત ન થતાં લગ્નના થોડા દિવસ પહેલાં જ તેમણે ના પાડી. માધવ દામલેને આ ઘટનાથી આઘાત લાગ્યો. તેમને લાગ્યું કે જીવનની આવી કઠિન પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. તેમણે વિચાર્યું કે પુનર્વિવાહ એક માત્ર ઉકેલ નથી, પરંતુ આજના સમયમાં લિવ-ઈન રિલેશનશિપથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે તેને માન્યતા આપી છે. આમાંથી એમની 'હેપ્પી સિનિયર્સ' સંસ્થાનો જન્મ થયો. 

૨૦૧૨માં હેપ્પી સિનિયર્સ શરૂ કર્યું, જે વૃદ્ધાવસ્થામાં પ્રેમ મેળવવામાં મદદ કરે છે. તેમણે વરિ નાગરિકો માટે લિવ-ઈન રિલેશનશિપ મોડલ બનાવ્યું છે. યુવાનોમાં તો આ પ્રકારના સંબંધમાં બાળકોની જવાબદારી કોની તેવી સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અહીં તો સંતાનો પોતાની જિંદગીમાં ગોઠવાઈ ગયા હોય છે અને સંપત્તિનો વિવાદ થવાની પણ શક્યતા નથી. હેપ્પી સિનિયર્સમાં એવા થોડા વરિ નાગરિકો જોડાયા જેમને આવા સાથીની જરૂર હતી. આ સમૂહ વારંવાર મળે છે પિકનિક પર જાય છે. તેમાં પચાસ વર્ષની મહિલા અને સાઠ વર્ષના પુરુષે એક વર્ષની મિત્રતા પછી લગ્ન કર્યા. આવી ઘટનાઓ અખબારમાં આવવા લાગી ને હેપ્પી સિનિયર્સનો વ્યાપ વધવા લાગ્યો.

આશાવરી કુલકર્ણીના પતિનું ૧૯૯૭માં અવસાન થયું, પરંતુ તે પછી ૨૦૧૨ સુધી તેઓ કામ કરતા રહ્યા, કિંતુ નિવૃત્તિ સમયમાં એકલતા સાલવા લાગી. તેઓ હેપ્પી સિનિયર્સ દ્વારા અનિલ યાર્ડીને મળ્યા. બંનેમાં મિત્રતા થઈ અને ૨૦૧૫થી તેઓ લિવ-ઈનમાં રહે છે. ભારત એક રૂઢિચુસ્ત દેશ છે. અન્ય દેશો કરતાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે તો સામે પક્ષે પુન:લગ્ન કે લગ્ન વિના સાથે રહેવાનું ઘણા સમાજમાં પ્રતિબંધિત છે. ગ્રામીણ વિસ્તારોમાં તો તે એક અઘોષિત અપવિત્રતા ગણાય છે, ત્યારે માધવ દામલેનું હેપ્પી સિનિયર્સ ઘણા વરિ નાગરિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. આજે આવા લોકો ડેટિંગ એપનો પણ ઉપયોગ કરે છે. સરોજના કુટુંબનો વિરોધ છતાં નીતિન સાવગાવે અને સરોજ ઘટાનીએ લગ્ન કર્યા અને આજે બંને પોતપોતાની સ્વતંત્રતા જાળવીને જીવનમાં આનંદથી રહે છે.

માધવ દામલે કહે છે કે મોટી ઉંમરે પ્રેમ અને સાથ મેળવવો જરૂરી છે, પરંતુ પ્રત્યેક નવી વ્યક્તિને તેઓ કેટલાક પ્રશ્નોની સૂચિ બનાવી છે તે આપે છે. તેના પરથી પ્રક્રિયા સરળ બને છે. કેટલાક પ્રશ્નો જોઈએ - તમે લિવ-ઈનમાં રહેવા માગો છો તે તમારાં બાળકો જાણે છે? તે માટે તેઓ સંમત છે? તમારી પાસે તમારો પોતાનો ફ્લેટ કે મકાન છે? આર્થિક પરિસ્થિતિ કેવી છે? આ પ્રશ્નો પરથી વરિ નાગરિકોની સ્થિતિનો ખ્યાલ આવે છે. જે પુરુષ હેપ્પી સિનિયર્સમાં જોડાય તેની મહિને પાત્રીસ હજારની આવક હોવી જરૂરી છે. જ્યારે બંને વ્યક્તિ લિવ-ઈનમાં જોડાવા સંમત થાય, ત્યારે તેમના વ્યક્તિગત બેંક ખાતાં ખોલીને તેમાં નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે. માધવ દામલેના હેપ્પી સિનિયર્સમાં જોડાવાની ફી સાત હજાર રૂપિયા છે. તેઓ પોતાને એક સફળ મેચમેકર માને છે, કારણ કે અત્યાર સુધીમાં દોઢસો વ્યક્તિઓને પ્રેમની શોધ કરવામાં સફળતા સાંપડી છે. હેપ્પી સિનિયર્સમાં દર મહિને આશરે વીસ વ્યક્તિ જોડાય છે. અત્યારે તેઓ પૂણે, નાગપુર અને મુંબઈમાં કામ કરે છે. શહેરની દોડધામભરી જિંદગીમાં વૃદ્ધોની સારસંભાળ લેવાની જરૂરિયાત આજે જેટલી છે તેટલી પહેલાં નહોતી. ભારતમાં ૨૦૫૦માં દરેક પાંચ વ્યક્તિએ એક વૃદ્ધ હશે. માધવ દામલે માને છે કે વ્યક્તિ વૃદ્ધ થાય છે, કિંતુ પ્રેમ વૃદ્ધ થતો નથી, હેપ્પી સિનિયર્સ એકલાપણું ઓછું કરી પ્રેમ, સમ્માન અને ગરિમા પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. 

આંસુ લૂછતી આકૃતિ

આકૃતિ ખેડૂતોને ઈકોસિસ્ટમ જળવાય રહે તે માટે જાગૃત કરે છે. ઊંચી જાતનું બિયારણ અને પશુઓના ચારા વિશે સમજાવે છે

ઉ ત્તરપ્રદેશના ગોરખપુરની રહેવાસી આકૃતિ શ્રીવાસ્તવે ૨૦૧૭માં દિલ્હીની ગુરુ ગોવિંદસિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને કોમ્યુનિકેશનમાં સ્નાતકની પદવી મેળવી. તેની ઇચ્છા ફિલ્મનિર્માતા બનવાની હતી. તે જળવાયુ પરિવર્તનને કેન્દ્રમાં રાખીને ડોક્યુમેન્ટરી બનાવતી. રાજસ્થાનની સ્ત્રીઓની કળા-કારીગીરી વિશે પણ ડોક્યુમેન્ટરી બનાવી. એ પ્રદેશની આત્યંતિક આબોહવા વિશે પણ જાણવું, તે થોડા દિવસ માટે ભારત-પાકિસ્તાન સીમા પાસે બજ્જુ ગામમાં આવી. તેણે પશુપાલકો, ઊંટ ચરાવવાવાળા, બકરી રાખનારા અને ગોપાલકોના સમુદાય વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પડકારભરી ભૌગોલિક આકરા તાપમાનમાં આ સમુદાય પોતાના પશુઓના ખોરાકની શોધમાં વર્ષમાં આઠ મહિના તો આઠસો કિમી. પગપાળા યાત્રા કરે છે.

તેણે એન.જી.ઓ.નો સંપર્ક કરીને વધુ જાણકારી મેળવી. તેણે જોયું કે રાજસ્થાન બે ભાગમાં વહેંચાયેલું છે. એક ઇન્દિરા ગાંધી કેનાલ અને બીજું વરસાદી પાણી પર આધારિત. તેથી મોટાભાગના લોકો ઊંટ, બકરી, ઘેટાં, ગધેડાં, ગાય અને ભેંસ જેવાં પશુઓ પાળે છે. અહીં ઊંટોનો ઉપયોગ પાણી ખેંચવામાં, ખેતી કરવામાં અને પરિવહન માટે કરવામાં આવતો હતો, પરંતુ ખેતરમાં ટ્રેક્ટર આવ્યા અને વાહન વ્યવહારનાં સાધનો વધ્યા, તેમ છતાંય રાજસ્થાનમાં ઊંટોને મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવતી હતી, પરંતુ ૨૦૧૫માં 'ધ રાજસ્થાન કેમલ એક્ટ' અંતર્ગત ઊંટોના વધ અને અન્ય રાજ્યોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ લાગતા ઊંટોની કિંમત ઘટી ગઈ. એક સમયે એક લાખ રૂપિયામાં વેચાતા ઊંટ આજે ચાર-પાંચ હજારમાં વેચાય છે. કેટલાક લોકો તો ઊંટને રેલવે લાઇન પાસે મૂકી દે છે, જેથી તે ટ્રેનની અડફેટે આવી જાય. આ લોકો રોજગારી માટે નજીકના શહેરોમાં ખાણોમાં કે ઈંટની ભઠ્ઠીઓમાં કામ કરવા લાગ્યા. સરકારી અહેવાલ પ્રમાણે ૨૦૧૨ કરતાં ૨૦૧૯માં ઊંટોની વસ્તી ૩૭ ટકા ઘટી ગઈ.

પાંચ વર્ષ સુધી અભ્યાસ અને સંશોધન કર્યા પછી આકૃતિ શ્રીવાસ્તવે તેના મિત્રો રોમલ અને સૂરજસિંહ સાથે મળીને 'બહુલા નેચરલ્સ'ની સ્થાપના કરી. ભારતમાં ઊંટડીનું દૂધ અને તેમાંથી બનેલાં ઉત્પાદનો વેચવા મુશ્કેલ કામ છે. આકૃતિ શ્રીવાસ્તવ કહે છે કે ઊંટડીનું દૂધ વેચી શકાય એ વાત આ પશુપાલક સમુદાયને સમજાવતાં દોઢથી બે વર્ષ લાગ્યા. ઊંટડીનું દૂધ અને તેમાંથી બનતાં ઉત્પાદનો ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવા રોગો અટકાવવામાં મદદરૂપ બને છે. લેક્ટોઝ કે દૂધની એલર્જી ધરાવનાર વ્યક્તિ માટે કે ઓટીઝમ ડિસઓર્ડરવાળી વ્યક્તિને પણ લાભદાયી બને છે. આ અત્યંત પૌષ્ટિક સુપરફૂડ છે. આજે આકૃતિ શ્રીવાસ્તવ અને તેની ટીમ નેટ-ઝીરો ડેરી સ્થાપિત કરવા માટે કામ કરે છે, જેમાં બિકાનેર, જોધપુર, જેસલમેર અને નાગોર જિલ્લાઓના ચાર હજાર ઊંટ, ગાય, બકરીનાં પાલકો પાસેથી દૂધ એકત્ર કરે છે. તેની ગુણવત્તાની ચકાસણી કર્યા પછી તત્કાળ દૂધ ચિલરમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે, જે ત્રણ મિનિટમાં ચાર ડિગ્રી તાપમાન ઓછું કરી દે છે. જોધપુર અને બિકાનેર જિલ્લાના દૂરનાં આઠ સ્થાનો પર સૌર ઊર્જાથી ચાલનારા દૂધ ચિલર સ્થાપિત કર્યા છે, જેની પાંચસો લીટર દૂધ સંગ્રહ કરવાની ક્ષમતા છે.

દૂધને ડિલીવરી વાન દ્વારા બજ્જુ ગામમાં લાવવામાં આવે છે, તેમાંથી તેઓ ઊંટડીના દૂધમાંથી ઘી, બિસ્કીટ, ફેટા પનીર અને એ-૨ ગાયનું વલોણાનું ઘી બનાવે છે. તે ઉપરાંત બહુલા નેચરલ્સ ઘાણીનું તેલ, ગ્લુટન મુક્ત કાળા ઘઉંનો લોટ વગેરે ઉત્પાદનો વેચે છે. બહુલા નેચરલ્સનું પનીર ગોવા, દિલ્હી, બેંગાલુરુ જેવાં શહેરોમાં હોટલના શેફ ખરીદે છે. ગયા વર્ષે આ સમુદાયે સામૂહિક રીતે એક કરોડ રૂપિયાની આવક મેળવી છે. કોઈપણ નાનો-મોટો પરિવાર પ્રતિમાસ આશરે બાર હજાર રૂપિયાની કમાણી કરી લે છે, જે પહેલાં શૂન્ય હતી. તેણે પિસ્તાળીસથી પચાસ હજાર ઊંટોને મદદ કરી છે. 

પુષ્કરના મેળામાં આજે ઊંટની કિંમત વધીને પાંત્રીસ હજાર રૂપિયા થઈ છે. ઊંટડી એક સમયે છથી દસ લીટર દૂધ આપે છે. તેઓ સવારનું જ દૂધ લે છે. સાંજે તેના બચ્ચાં માટે રાખે છે. બાળપણથી ઊંટ પર નિર્ભર રહેનાર ગેનારામ પાસે ઘણા ઊંટ છે. તેઓ કહે છે કે પહેલાં આવી જાગૃતિ નહોતી, તેથી દૂધને ફેંકી દેવું પડતું હતું. આજે રોજનું ચાળીસ લીટર દૂધ વેચીને તેઓ પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. આકૃતિ ખેડૂતોને ઈકોસિસ્ટમ જળવાય રહે તે માટે જાગૃત કરે છે. ઊંચી જાતનું બિયારણ અને પશુઓના ચારા વિશે સમજાવે છે. તેમણે સાડા સાતસો ખેડૂતોના ઘરમાં બાયોગેસ સ્ટેશન સ્થાપ્યાં છે. તેમાંથી મળતી સ્લરીનો ઉપયોગ ર્ફ્ટીલાઈઝર તરીકે કરે છે. આજે ઊંટડીનું દૂધ, ગાયનું દૂધ અને ખેતીથી તૈયાર થયેલો પાક - આમ ત્રણેય ક્ષેત્રમાંથી બહુલા નેચરલ્સ અનેક ઉત્પાદનો બનાવે છે. આકૃતિના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે બની પત્રકાર અને આજે તો હવે રાજસ્થાનના આ ગામમાં રહેવાનો નિર્ણય કર્યો છે, તેનાથી તે ખૂબ ખુશ છે.