Get The App

ભૂલવું અને યાદ રાખવું : ઈતિહાસમાંથી વાર્તાઓ સર્જાય છે, વાર્તાઓ ઈતિહાસ બની જાય છે...

Updated: Mar 2nd, 2025

GS TEAM


Google News
Google News
ભૂલવું અને યાદ રાખવું : ઈતિહાસમાંથી વાર્તાઓ સર્જાય છે, વાર્તાઓ ઈતિહાસ બની જાય છે... 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- નાયક - ખલનાયક - પ્રતિનાયક... છત્રપતિ સંભાજી મહારાજના માધ્યમે જો વધુ રસ હોય અધ્યયનનો તો ભૂલાઈ ગયેલા એક ગુજરાતીને પણ યાદ કરવા પડે એ સમયના જે વિશ્વના સૌથી મોટા ધનપતિ હતા! 

વ ન્સ અપોન એ ટાઈમ ઇન ઇન્ડિયા આજના ઈલોન મસ્કની માફક દુનિયાનો સૌથી શ્રીમંત વેપારી (નેચરલી !) એક ગુજરાતી હતો! એ મહાજનનું નામ વીરજી વોરા. સુરતમાં એની શાખ. ત્યાં બેઠે બેઠે એણે અંગ્રેજોને પહેલી વાર ચીનની ચાનો સ્વાદ ચખાડયો ને એમાં ચાલાક બ્રિટીશરોએ કેવી રીતે ચાની દાણચોરી કરી વાવેતર શરુ કર્યું એની કથા અગાઉ અહીં લખાઈ ગઈ છે. તાજેતરમાં ગુજરાતના પૂર્વ આઈએએસ અમરજીતસિંહે વિગતવાર લેખ વીરજી વોરા પર અંગ્રેજીમાં લખ્યો અને નેશનલ લેવલ પર આ નામ ફરી ગાજતું થયું! 

એ સંશોધનો મુજબ વીરજી વોરાને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઓન રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ધનકુબેર ગણાવ્યા હતા. એમની પાસે ત્યારના ૮૦ લાખ હતા જે આજે કમ સે કમ અલગ અલગ થિયરી મુજબ ફુગાવો એડજસ્ટ કરતા અનેક અબજ થાય! આ બાહોશ ગુજરાતીની ૧૬૩૫માં એક વાર સ્થાનિક સુબા હકીમ સાદરીએ કોઈ નાફરમાની બદલ ધરપકડ કરી પણ એ વખતે દિલ્હીના તખ્ત પર બેઠેલા શાહજહાંએ તત્કાળ સન્માન સાથે એની મુક્તિ કરાવી. કેમ? ટોપ લેવલે બેઠેલા બાદશાહને ઓલરેડી સંબંધ રાખવામાં ચતુર ગુજરાતી વીરજી શેઠે ચાર જાતવાન અરબી ઘોડા ભેટ આપીને સારાસારી કેળવી લીધેલી! આમ જ સંબંધો કેળવીને વીરજી વોરાએ કાગળના ધંધામાં આખા ભારતમાં પોતાની મોનોપોલી કરી લીધેલી. અંગ્રેજો હોય કે ડચ લોકો, પેપર માટે એક ગુજરાતી પાસે સુરત જ આવવું પડે!

જો કે વીરજીનો કારોબાર અફીણ, કપાસ, મોતી, હાથીદાંત, ધાતુઓ જેવી કંઈક ચીજોમાં ચાલતો. આજના ઈરાનથી લઇ આજના જાપાન સુધી એના એજન્ટો રહેતા. ત્યારે ગોલકોંડાથી આગ્રા સુધી એની બ્રાન્ચ રહેતી. ભરૂચ બંદર તો એની શેહમાં હતું. વીરજીની બિઝનેસ સ્ટ્રેટેજી હતી કે એ વિવિધ ટોચના સત્તાધીશો સાથે ભેટસોગાદો થકી વ્યક્તિગત સંબંધ મીઠા રાખતો. એટલે એક સમય એવો હતો કે દખ્ખણમાં યુદ્ધ લડવા જતા ઔરંગઝેબને પણ એણે ઉધાર આપેલું હોય અને ભારતમાં પગપેસારો કરવા ઈચ્છતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ એનું ઉધાર આપેલું હોય. વ્યાજ તગડું વસૂલે. એની ધીરધાર ને હૂંડી લગભગ આખા ભારતમાં ચાલતી.

એક ગુજરાતી શ્રીમંતની પેરેલલ બેન્કિંગ સીસ્ટમ હતી ૧૭મી સદીના ભારતમાં! એક તબક્કે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે ૭ ટન (હા, ટન! એક ટન એટલે એક હજાર કિલો!) સોનું એ માંગતો હતો અને છતાં ૧૬૬૯માં ૪ લાખ કંપનીએ એની પાસેથી લેવા પડેલા! એને બધા દેવું વહેલું ચૂકવી દેતા કારણ કે એનું વ્યાજ વધુ રહેતું. એ જેમાં પડે એ ધંધામાં બીજા નાના વેપારીઓ દૂર થઇ જતા કારણ કે એને હંફાવી દેવાની કોઈનામાં તાકાત નહોતી. વીરજીનું અડધી સદી સુધી વેપારમાં એકચક્રી રાજ ચાલ્યું ને ગુજરાતના લોહીમાં જ વેપારી નફો છે એ અંબાણી-અદાણીના વર્તમાનનો એ પૂર્વજ કહેવાયો.

તો કેમ એ નામ ઇતિહાસમાંથી ભૂંસાતું ગયું ને એનો કારોબાર આગળ ના ચાલ્યો? કારણ કે ૧૬૬૪ અને ૧૬૭૦ એમાં બે વખત છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો. ત્યારે વીરજીની પુષ્કળ સંપત્તિ લૂંટાઈ ૬ બેરલ (પીપડા) ભરીને સોનું ગયું. વીરજીએ પહેલી લૂંટ પછી કારોબાર પાછો કબજે તો કર્યો પણ ત્યાં બીજું આક્રમણ થયું. પછી એની ઉંમર વધતી ગયેલી. ૧૬૭૫માં પૌત્રને ધંધો સોપી દીધા બાદ એનું નિધન થયું. મહાન સામ્રાજ્યોમાં વારંવાર થાય છે એમ આગળ તેજસ્વી વંશ નહિ રહ્યો હોય ને પછી લૂંટ મચાવતા અંગેજોએ ભારતના ધંધાની કમર જ તોડી નાખી કે આ નામ ઇતિહાસમાં સાગરના તળિયે ડૂબી ગયું. 

પણ જ્ઞાન બાબતે ઉદાસીન ગુજરાતીઓ એટલું પૂછતા નથી કે કેમ આ ચેપ્ટર અમને ભણાવવામાં નથી આવતું? કારણ કે એમાં ઈતિહાસનો આટો તો છે પણ ધર્મની મસાલેદાર કિક નથી. ને છતાં ભણવામાં નથી આવ્યું તો પણ વાંચવાની ટેવ હોય એ તો એના વિષે જાણી જ શકે છે. પણ આપણને તો ત્રણ દસકાનો ઈતિહાસ કે પત્રો ત્રણ કલાકની ફિલ્મમાં સમજી લેવો હોય છે. ને પાછું એના નામે લડવું પણ હોય છે. મુદ્દાની વાત એ કે ઈતિહાસના નાયક ને ખલનાયક, હીરો અને વિલન સમય અને સંબંધ મુજબ બદલાતા રહે છે. રાષ્ટ્રના પ્રખર જ્યોતિર્ધર યોદ્ધા શિવાજી મહારાજ જેવું જ્વલંત નામ પણ વીરજીના ફેમિલીને એ સમયે એમનો ધંધો તોડવા બદલ નહિ ગમ્યું હોય!

જેમ પોતાના વડવાઓનું ચિત્રણ શિવાજીના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિકશનલ ફિલ્મ 'છાવા'માં ના ગમવાથી મહારાષ્ટ્રમાં શિર્કે પરિવારના વંશજોને ના ગમ્યું. ૧૦૦ કરોડના માનહાનિના દાવાની ધમકી બાદ ઐતિહાસિક પુરાવા આપી દલીલ કરવાને બદલે સારી રીતે બની હોઈને યોગ્ય રીતે જ બ્લોકબસ્ટર નિવડેલી ફિલ્મ 'છાવા'ના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે માફી માંગી લીધી! ફિલ્મ જોઈ હોય તો સ્પોઈલર નહિ લાગે કે ફિલ્મમાં સંભાજીના અપમાનને લીધે રીસમાં રહેલા ગણોજી અને કાન્હોજી ઔરંગઝેબ સાથે હાથ મિલાવી એમને પકડાવી દે છે. જ્યાં આકરી ક્રૂરતા બાદ એમની વીરગતિ થાય છે. (મેલ ગિબ્સનની લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટની અદામાં ફિલ્માવાયેલા ક્લાઇમેક્સના એ દ્રશ્યો અમુકને વધુ પડતા ખેંચેલા લાગે છે ને ઘણા સંવેદનશીલ દર્શકો એને લીધે હેબત ખાઈને આઘાત ને આક્રોશ અનુભવે છે). ગણોજી કાન્હોજીના શિર્કે પરિવારના તેરમી પેઢીના વંશજ લક્ષ્મીકાંત રાજેના વિરોધ બાદ નિર્દશક લક્ષ્મણ ઉતેકરે સ્પષ્ટતા કરી કે અમે માત્ર નામ આ બે રાખ્યા છે, રાજદરબારની ખટપટ બતાવવા પણ ગામ કે અટક બતાવી નથી માટે એમના પર જ છે એવું ના માની લેવું!

દુર્ભાગ્ય એ છે કે આપણે ત્યાં ફિલ્મ કે નવલકથાને લોકો દસ્તાવેજી ઈતિહાસ સમજી લે છે. પર્સનલ થઈને સેન્ટીમેન્ટ હર્ટ કરી નાખે છે. પણ સાચો ઈતિહાસ સમજવા લાયબ્રેરીના પગથિયાં ચડવા જતા નથી. બેસીને કશું વાંચવાની ટેવ મોબાઈલ હાથવગો હોવા છતાં નથી રાખતા. પણ મેસેજ વાંચીને ગાંધીજીના કાજી થઇ જાય છે કે કોઈ આધાર વિના સિકંદર સામે પોરસ જીતી ગયેલો એમ પણ માનવા લાગે છે, કારણ કે એમાં એમના ઈગોને સંતોષ મળે છે. શિવાજી સાવંત મરાઠી ભાષાના કાબેલ લેખક. મહાભારતના કર્ણના દ્રષ્ટિકોણથી એમણે જે નવલકથા 'મૃત્યુંજય' લખેલી એનો તો દાયકાઓ પહેલા ગુજરાતી અનુવાદ થયેલો. સરસ રીતે કર્ણ જેવા પ્રતિનાયક યાને એન્ટી હીરો, એકદમ હીરો નહિ ટોટલ વ્હાઈટ એવો ને એકદમ વિલન નહિ ટોટલ બ્લેક એવો, શેડ્સ ઓફ ગ્રે. ખોટી વાતો અમુક જેનામાં હોય પણ સાચી વાતો એને ટપી જાય એવી પણ હોય. મિજાજ આક્રમક હોય પણ એ તેજ ધાર પાછળ કોઈ ધારદાર કારણની પીડા પણ હોય. નેચરલી, સર્જકોને આવા પાત્રો આકર્ષે કારણ કે એમાં રમી શકાય ને રંગો પૂરી શકાય. એ જ શિવાજી સાવંતની શિવાજીપુત્ર સંભાજી પરથી આપણે ત્યાં કનૈયાલાલ મુનશી અને ઝવેરચંદ મેઘાણી લખતા એવી નવલકથા છે છાવા. 

જેના પરથી ફિલ્મ બની. અને જોઇને જ લખ્યું કે કંટાળો ના આવે એવી , મજા પડે એવી સરસ એક્શન અને વિકી કૌશલના દમદાર અભિનયથી ઓપતી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ફાઈટને લીધે મોટા પડદા પર જોવી જોઈએ એવી મજબૂત ફિલ્મ બની છે. નેચરલી, એટલે આટલી હિટ થઇ છે. સારી રીતે ના બનેલી ફિલ્મ ગમે તેવો ટોપિક હોય, અજમેર હોય કે આદિપુરુષ એમ ચાલતી નથી. વેલ મેઈડ ગ્રાન્ડ સિનેમા દર્શકોને પૈસા ખર્ચવા મજબૂર કરે છે. પણ બધું કંઈ ત્રણ કલાકની ફિલ્મમાં બતાવવા જાવ તો એ ત્રણ કલાકની એક્ઝામ જેવી ફીલ આપે! છાવા ફિલ્મ તો સંવેદનો પર અસર કરે છે, આપણા યોધ્ધાઓ માટે માન ઉપજાવે છે. પણ ઇતિહાસના બધા જજમેન્ટ જે પ્રજા માત્ર ફિકશનલ ફિલ્મો જોઇને લે એનું ભવિષ્ય જરૂર ચિંતા ઉપજાવે! 

એમાં પણ અમુક અભણ એવા હોય કે જેમની પાસે ટિકિટના પણ પૈસા ના હોય. એમને તો ગમે ત્યાં એમનો એજેન્ડા ચલાવવો હોય. મફતનો સાથી મોટો એજેન્ડા કટ્ટરવાદ હોય છે, જેમાં પાકિસ્તાન જેવા આપણા પાડોશીઓ કેવા બરબાદ થયા છે ભાગલા પછી એનું ઉઘાડું પ્રદર્શન એની ક્રિકેટ ટીમે બતાવ્યું. છાવા ફિલ્મ સંભાજી મહારાજના વીરત્વ તણા ચરિત્રને એક યાદગાર અંજલિ છે. પણ આજના હિંદુ-મુસ્લિમ ઝેર ઓકતી બયાનબાજી એને લીધે થાય એ અજબ લાગે. ઔરંગઝેબ ક્રૂર ને ધર્માંધ મુઘલ હતો. વેદોના ફારસીમાં અનુવાદ કરતા સગા મોટાભાઈ દારા શિકોહને મરાવીને ને બાપને જેલમાં પૂરીને દિલ્હીની ગાદી પર આવેલો. દક્ષિણ એણે ફત્તેહ કર્યું પણ કિંમત એવી ચૂકવી કે પછી ઉત્તર જઈ જ ના શક્યો ને ભોગવી ના શક્યો સલ્તનત. હવે સંભાજીનગર કહેવાતા ઔરંગાબાદમાં એની કબર પર રમજાનમાં પણ ભાગ્યે જ કોઈ ફરકે છે, એ નજરે નિહાળ્યું છે. શાતિર દિમાગ ને લડાકૂ ખરો, પણ પોતાના કુકર્મોથી એને જ એટલી ઇન્સિકયોરિટી હતી કે સગા દીકરા પર એને વિશ્વાસ નહોતો. ફિલ્મમાં આ બધું બતાવાયું છે. મુઘલવંશનો જ પુત્ર મિર્ઝા અકબર બાપની વિરુદ્ધમાં સંભાજી સાથે દોસ્તી કરે છે એ તો વિસ્તારથી છે. મારી લડાઈ કોઈ ધર્મ સામે નહિ, પણ અન્યાય સામે છે, સુરાજ્ય માટે છે એવા સંવાદો વારંવાર કહેવાય છે. રુંવાડા ઉભું કરતું સંગીત એ.આર.રહેમાન ને ગીતો ઈર્શાદ કામિલના છે. તો પછી આમાં આજે એના નામે હિંદુ-મુસ્લિમ કરવાનું બેઉ કોમમાં નવરા બેઠેલા અક્કલના અધૂરાઓને જ સુઝે. 

એક્ચ્યુઅલી, બેઉ છત્રપતિઓ મહાન શિવાજી મહારાજ અને પુત્ર સંભાજીની કહાનીમાં હિંદુ મુસ્લિમ એન્ગલ સીધો તો ઇતિહાસની નજરમાં નથી. એમને તો ઓવૈસી જેવા મુસ્લિમ મસીહા બનવા માટે પક્ષ બનાવી બેઠેલા પણ માન આપે છે. શિવાજીના મુખ્ય તોપચી ઈબ્રાહીમ ખાન હતા ને એક સલાહકાર કાઝી હૈદર હતા એ જાણીતી વાત છે. મનસબદારી બાબતે વાટાઘાટ માટે દિલ્હી જઈને શિવાજી અંતે ઔરંગઝેબની કેદમાંથી એ ભાગ્યા ત્યારે મદારી મેહતર નામનો એક મુસ્લિમ સાથે હતો એ પણ જાણીતી વાત છે અને પડછંદ અફઝલ ખાનને વાઘનખથી શિવાજીએ બહાદૂરીપૂર્વક વેતરી નાખ્યો એ વખતે શિવાજીની વિરુદ્ધમાં અફઝલખાનનો સાગરીત કૃષ્ણજી ભાસ્કર કુલકર્ણી હતો જેને શિવાજીએ ખતમ કરેલો એ પણ ઇતિહાસમાં મળે! પણ હવે નવી સીસ્ટમ એ છે કે ના ગમે એ બધું ખોટું કહીને ભૂંસી નાખવું કાં એ તો ખોટું લખેલું છે કહીને આખી વાતમાં પલટી મારીને વિલનને હીરો કે હીરોના મદદગાર ને હીરોને વિલન બતાવી દેવાના!

એમાં તો કેટલાક નવરા બેઠા સંભાજી મહારાજના ખોટા ચિત્રણ માટે વિકિપીડિયા સામે મેદાને પડી ગયા. હવે વિકી જેવા ઓનલાઈન એન્સાયકલોપીડિયામાં તો કોઈ ઇતિહાસની વિગત હોય ત્યારે પેજના છેડે તમામ સંદર્ભપુસ્તકોની યાદી આપેલી હોય છે. પેજ નંબર સહિત! સંભાજીના પેજમાં પણ છે. પણ પુસ્તકો વાંચવાની ટેવ તો હોવી જોઈએ ને! એ ના હોય તો પણ સવાલ થવો જોઈએ કે વહીવટી દક્ષતામાં આજે પણ કુશળ એવા સંભાજી મહારાજને અસ્થિરતા ટાળવા જયેષ્ઠ હોવા છતાં ખુદ શિવાજી મહારાજે કેમ ઉત્તરાધિકારી જાહેર ના કર્યા? શિવાજી મહારાજના આઠ રાણીઓમાંથી બે જ પુત્રો હતા ને સૌથી મોટા રાણીના 

સંતાન સંભાજી હતા જેમને માતા બે વર્ષના હતા ત્યારે ગુજરી ગયેલા ત્યારે ગળથૂથીમાં વીરતા પાઈને શિવાજીના મહાન માતા અને એમના દાદી જીજાબાઈએ મોટા કરેલા! પણ અંતે તો બીજા નાનાના દીકરા રાજારામ છત્રપતિ બન્યા અને એમના રાણી તારાબાઈનો ઈતિહાસ ખરેખર ભણવો જોઈએ રસ હોય તો! 

હવે એના જવાબો વિવાદાસ્પદ છે. ઇતિહાસના પુરા અડધો ડઝન પુસ્તકો વાંચો તો પણ કશું ખાતરીથી નક્કી થાય એમ નથી. એવું કહેવાય છે કે સાવકા માતા જેનું પાત્ર ફિલ્મમાં છે એમણે એમના માટે અફવા ફેલાવી ને શિવાજીએ એમને રાજકાજથી દૂર રાખ્યા. પણ હિન્દુત્વનો ઈતિહાસ લખનાર વીર વિનાયક દામોદર સાવરકરે 'ભારતીય ઇતિહાસના છ સ્વર્ણિમ પૃષ્ઠ' એ પુસ્તકમાં મરાઠાઓના શાસનકાળને ગૌરવવંતો ઈતિહાસ લેખાવ્યા હોવા છતાં એવું લખ્યું છે કે 'શિવાજીના પુત્ર સંભાજી યોદ્ધા હતા, પણ સ્ત્રીઓ બાબતે ને દારુ બાબતે એમની છાપ સારી નહોતી એટલે રાજ કરવાને લાયક ગણાતા નહોતા.' ( વાંધો હોય તો પુસ્તક મહારાષ્ટ્રીયન ને પ્રખર હિંદુ હૃદયસમ્રાટ સાવરકરનું છે. એમનું વિધાન છે. આ લેખકનું નહી એની નોંધ લેવી ને મૂળ પુસ્તક વાંચવાની તકલીફ લેવી! ) એ જ  વાઈન વુમનવાળી વાત પછીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ એવા ગુરુજી (ગુરુ ગોલવેલકરજી)એ પણ સ્પષ્ટ લખી કે 'ખંડોજી બલ્લાલના બહેને સંભાજીના લીધે શિયળ બચાવવા આત્મહત્યા કરી છતાં ખંડોજીએ અપમાન સહન કરી સાથ આપ્યો' (બંચ ઓફ થોટ્સ, વિચાર નવનીત પુસ્તક ગુરુજીનું આસાનીથી ઇન્ટરનેટ પર પણ મળી જશે. અગેઇન આ ક્વોટ એમનું છે. આપણો તો ત્યારે જન્મ જ નહોતો કે સાચીખોટી ખબર હોય. ) 

ઇતિહાસના નાયકોની નાનકડી એબ ગોતીને એમને મલિન કરવાની રીતરસમ પુરાણી છે. કોણ ઈતિહાસ લખે છે કે લખાવે છે, એના પરથી પણ નક્કી થાય કે કયો એન્ગલ છે. પોતપોતાની પસંદ નાપસંદ એમાં ઉમેરાય છે. ઔરંગઝેબની દીકરી ઝેબુન્નિસા શિવાજી મહારાજના પ્રેમમાં પડી ગઈ હતી એ પણ કથા છે, જેના વિષે પણ અગાઉ લખ્યું છે. શિવાજી તો યુદ્ધ જીત્યા બાદ મુસ્લિમ પરિવારની વહુને પણ હાથ અડાડયા વિના માનભેર ઘરની દીકરી ગણીને વિદાય આપે એ ગરવાઇ પણ નોંધાઈ છે. બની શકે કે સંભાજીને વિસ્તરતા રોકવા આવી અફવાઓ હિતશત્રુઓ ફેલાવ્યા કરતા હોય. કારણ કે વિચારવાનું તો એ છે કે મુઘલો બાદ મરાઠા સામ્રાજ્ય મજબૂત બન્યું અને પેશ્વાઈએ બાજીરાવ જેવા અપરાજિત યોધ્ધા જોયા છતાં પણ આજે મુસ્લિમ કે અંગ્રેજ શાસનની અસર છે એવી અસર એ પેશ્વાઈની કેમ ના રહી? મહેસૂલ ઉઘરાવવા સિવાય લાંબા વિઝનને જગ્યાએ વિભાજને કેમ દેશને વધુ ગુલામીએ ધકેલી દીધો?

ઈતિહાસ સમજવા માટે વર્તમાનમાં સમયનો ભોગ આપી અભ્યાસ કરવો પડે છે, અને ખુલ્લું મન રાખી જે કોઈ સાચું કહે એને સાંભળવા પડે છે. ધર્મ સિવાય પણ રાજ ખટપટ હોય જે તે સમયે ને માણસના ગુણ કે દુર્ગુણનું વત્તુંઓછું પોટલું જ દરેક પાત્ર એ સ્વીકારવું પડે છે. આ બંને આદત આજે આપણને રહી નથી, ને ઈતિહાસ બતાવે છે કે એમાં ટોળા ફિલ્મી ભૂતકાળ માટે ધાંધલધમાલ કરી શકે છે, નવા આધુનિક નાયકો ખાસ પેદા કરી શકતા નથી! 

ફાસ્ટ ફોરવર્ડ

પાઠયપુસ્તકો ભલે છત્રપતિ સંભાજી મહારાજને યોગ્ય ન્યાય ભારતમાં ના આપી શકે. પણ સંસ્કૃતિએ આપ્યો છે. દક્ષિણ ભારતની જે દાળશાકની વાનગી સાંભાર વિશ્વવિખ્યાત બની એ જયારે શાહજીએ સંભાજીના માનમાં તાંજાવુરની મુલાકાત દરમિયાન કોકમને બદલે આમલી નાખી આમટી જેવી વાનગી પીરસી એ ખૂબ પસંદ પડતા એનું નામકરણ જ સંભાજી મહારજની હયાતીમાં એમના નામ પાછળ સાંભાર રખાયું! આ થઇ વીરતાને કલ્ચરલ સેલ્યુટ જે અમર બની ગઈ!

Tags :