Get The App

‘આપણામાંથી કોક તો જાગે!’ .

Updated: Mar 2nd, 2025

GS TEAM


Google News
Google News
‘આપણામાંથી કોક તો જાગે!’                                              . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા 

-‌ ગ્રામ્‍ય ‌શિક્ષણ ક્ષેત્રે આપણી ઉદાસીન વૃ‌ત્તિની પ્રસ્‍તુત કરુણકથા છે તો મુઠ્ઠીભર ગામોની, પણ સમગ્ર ભારતનાં લાખો ગામડાંને તે વધુઓછા અંશે લાગુ પડે છે.

- આજની તારીખે ગામ-ગામડાંમાં બાળકોના પ્રાથ‌મિક ‌શિક્ષણની વાત નીકળે ત્‍યારે આપણો દેશ સં‌વિધાનની Article 21-A કલમ સોએ સો ટકા કારગત રીતે અમલ થયાનો ખોંખારો કેમ ખાઈ શકતો નથી?

નિરાંતે બેસીને ‌મનોમંથન કરવા જેવો મુદ્દો ચર્ચતા પહેલાં એક પ્રેરણાદાયક આડવાત કરી લઈએ—

અમે‌રિકાના ૩૩મા પ્રમુખ હેરી ટ્રુમન વ્‍હાઇટ હાઉસના ઓવલ ઓ‌ફિસ કહેવાતા અ‌ધિકૃત કાર્યાલયમાં તેમના ટેબલ પર ‘The Buck Stops Here’ લખેલી તકતી હંમેશાં મૂકી રાખતા. કામ, જવાબદારી, કર્તવ્‍ય વગેરે પોતાના ‌શિરે ન લેવાની, ઊલટું તેનો ઉલા‌ળિયો બીજાના ‌શિરે કરી દેવાની વૃ‌ત્તિ માટે અંગ્રેજીમાં Passing the buck/ પા‌સિંગ ધ બક મહાવરો છે. ગુજરાતીમાં તેનો ભાવાર્થ સમજવા માટે બાઈ બાઈ ચાળણીની પેલી બાળરમતને યાદ કરી શકાય કે જેમાં દાવ આપનાર ‌બિચારો ખેલાડી કુંડાળું રચીને ઊભેલા અન્‍ય ખેલાડીઓ વચ્‍ચે સતત અહીંથી તહીં ચલકચલાણું કરતો રહે છે.

કર્તવ્‍ય, જવાબદારી તેમજ કાર્યનો ખો બીજાને આપી પોતે ‌સિફતથી ‘ખોવાઈ’ જવું એ માનવસહજ વૃ‌‌‌ત્તિ છે. આથી અમે‌રિકી પ્રમુખ હેરી ટ્રુમને તેમના ટેબલ પર ‘The Buck Stops Here’ તકતી મૂકીને દેશની જનતાને એવા મતલબનો સંદેશો આપ્યો કે અન્‍ય કર્મચારીઓ દ્વારા તરછોડાયેલા કર્તવ્‍ય, જવાબદારી તેમજ કાર્યનું ચલકચલાણું અહીં (ઓવલ ઓ‌ફિસે) પૂરું થાય છે. કોઈ જે ન સ્‍વીકારે તે જવાબદારી દેશના પ્રમુખ તરીકે હું સ્‍વીકારું છું.

પ્રમુખ ટ્રુમનનું આવું વલણ અનોખું ને અસાધારણ હતું, એટલે જગતભરમાં તેની નોંધ લેવાઈ. બીજા કેટલાક દેશોના પ્રજા‌ભિમુખ આગેવાનો પણ હેરી ટ્રુમનને અનુસર્યા. મતલબ કે, તેમણે પોતપોતાના વ‌ર્કિંગ ડેસ્‍ક પર ‘The Buck Stops Here’ તકતીને સ્‍થાન આપ્યું. ભડભ‌ડિયા ‌મિજાજના અને સણસણતા શબ્‍દો વડે ભડાકે દેનારા અમે‌રિકાના વર્તમાન પ્રમુખ ડોનલ્‍ડ ટ્રમ્‍પે તેમના ટેબલ પર આવી કોઈ તકતી રાખી નથી. પરંતુ તકતીનું વાક્ય તેમણે બહુ સટીક રીતે બદલીને પેશ કર્યું છે. વાક્ય આમ છે : ‘The Buck Stops With Everybody’. અર્થાત્ કર્તવ્‍ય, જવાબદારી તેમજ કાર્યનું ચલકચલાણું થવું જ ન જોઈએ. બીજા તરફ કામનો ઉલા‌‌ળિયો કરવા કરતાં તેનો ફેસલો જાતે પોતે જ લાવી દો.

આડવાત તરીકે ઉપરોક્ત પૂર્વભૂ‌મિકા એટલા માટે લખી કે આગામી ફકરાથી શરૂ થતી ‌વિચારપ્રેરક ચર્ચાનો હાર્દ તેમાં સરસ રીતે પ્રગટ થાય છે. હવે મૂળ વાત પર આવીએ.

■■■

ઉત્તરાખંડના ‌શિવા‌લિક પહાડોમાં સાહસપ્રેમી પ્રવાસીઓ માટે ટ્રે‌કિંગનાં અઢળક ‌વિકલ્‍પો છે. દરેક ટ્રેકના પગપાળા રૂટ પર એકાદ-બે પહાડી ગામો આવે, જ્યાં સરેરાશ ટ્રેકર ‌વિ‌ડિઓ-તસવીરો લેવા માટે, ટપરીએ ચા-પાણી માટે કે પછી ગામનાં બાળકોને ચોકલેટ આપવા માટે થોડુંક રોકાણ કર્યા બાદ પોતાનો પ્રવાસ આગળ વધારે. ‌ગામડું, તેની નૈસ‌ર્ગિક સુંદરતા તથા શાં‌તિપૂર્ણ જીવન ‌વિશે ટ્રેકરના મનમાં એવું સરસ મજાનું ગુલાબી ‌ચિત્ર બની જાય કે, ભ‌વિષ્‍યમાં ‌નિવૃ‌ત્તિ લઈ અહીં આવીને વસી જવું છે એ પ્રકારનો ‌વિચાર તેના હૃદયના કોક ખૂણે વસી જાય.

થોડાં વર્ષ પહેલાં અમારા ટ્રે‌કિંગ પ્રવાસો પણ આવી જ રીતે બીબાઢાળ ઢબે થતા. પરંતુ અનાયાસે બનેલા એક પ્રસંગે ટ્રે‌કિંગની પ્રણાલી (તેમજ ‌વિચારોની ‌દિશા) સકારાત્‍મક રીતે બદલી નાખી. થયું એવું કે ઉત્તરાખંડના ‌શિવા‌લિક પહાડોમાં સરસ મજાનો ટ્રેક કરીને પાછા ફરતી વખતે સાંકરી ક્ષેત્રમાં અમુક ગામલોકોને મળવાનું થયું. પાણી, વીજળી, તબીબી, સડક જેવી પ્રાથ‌મિક સુ‌વિધાના અભાવ ‌વિશે તેમની જોડે લાંબી ચર્ચા થઈ. વાત વાતમાં એક મુદ્દો ‌શિક્ષણનો નીકળ્યો ત્‍યારે ગામની સરકારી શાળામાં ‌શિક્ષકની ફરજ બજાવતા ‌યુવાને ‌બળાપો કાઢતા કહ્યું,

‘અહીં સરકારી શાળા તો છે, પણ ‌શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી. પ‌રિણામે અમારા જેવા ‌શિક્ષકોએ એકથી બીજા ગામ વચ્‍ચે શટલકોકની જેમ સ્‍થાનાંતર કરતા રહેવું પડે છે. આજે તાલુકા ગામે ડ્યૂટી, તો કાલે ઢાટમીરમાં અને પરમ ‌દિવસે તુમ‌ડિયા કોટ ગામની શાળામાં! જે ગામની શાળામાં અમારી ગેરહાજરી હોય ત્‍યાંનાં બાળકો એ ‌દિવસે ‌શિક્ષણથી વં‌ચિત રહી જાય છે. બાળકોને તો ભણવું છે. પરંતુ તે માટે આવશ્‍યક સામગ્રીઓનો સખત અભાવ છે. ઘણાંખરાં પાસે તો લખવા માટે નોટબુક સુધ્‍ધાં નથી. ગરીબ માતા-‌પિતા તેમને સામગ્રી અપાવી શકતા નથી અથવા અપાવતા નથી, કેમ કે ‌શિક્ષણની જવાબદારી માત્ર સરકારના ‌શિરે હોવાનો ખ્‍યાલ તેઓ સેવીને બેઠા છે. રાજ્ય સરકાર દ્વારા આ‌ર્થિક ગ્રાન્‍ટ નીકળે છે, પણ તેની શાળાદીઠ ફાળવણીનું સરકારી તંત્ર સો ટકા કારગત નથી...’

યુવાન ‌શિક્ષક ‌આવી તો સંખ્‍યાબંધ સમસ્‍યાઓ બોલી ગયો. ધ્‍યાનપૂર્વક તેને સાંભળતી વખતે સમજાયું કે એક સમસ્‍યાનો ટાંકો બીજી જોડે, ત્રીજીનું કનેક્શન ચોથી સાથે અને ચોથીનું પાંચમી સાથે... એ રીતે પ્રોબ્‍લેમ્‍સનું પરસ્‍પર હાર્ડ વાય‌રિંગ થયેલું હતું. વળી આખો મામલો Passing the buck/ પા‌સિંગ ધ બક જેવો હતો, જેમાં દોષનો ટોપલો એકથી બીજા માથે ટ્રાન્‍સફર થયા કરતો હોવાથી સમસ્‍યાઓ જૈસે થે ‌સ્‍થિ‌તિમાં રહી જતી હતી.

■■■

પહેલી વાર આવું બધું પ્રત્‍યક્ષમાં જાણ્યું. મન ઉદાસીન થઈ ગયું. યાદ આવ્યા સદ‍‍્ગત અબ્‍દુલ કલામ કે જેઓ એમ કહેતા કે ભારતનું ભ‌વિષ્‍ય સ્કૂલના ક્લાસરૂમમાં તૈયાર થતું હોય છે. યાદ આવી ભારતીય સં‌વિધાનની Article 21-A કલમ, જે એમ જણાવે છે કે શિક્ષણ એ ભારતના દરેક બાળકનો fundamental right/ મૂળભૂત અ‌ધિકાર છે. આ અ‌ધિકારની રૂએ ૬થી ૧૪ વર્ષની વય સુધીનાં બાળકોને ફર‌જિયાત અને મફત ‌શિક્ષણ મળવું જોઈએ. 

ભારતીય સં‌વિધાન એ સૂચનનો ન‌હિ, બલકે આદેશનો ગ્રંથ છે. લોકશાહીનું મેન્‍યૂઅલ છે. આથી તેમાં લખેલા શબ્‍દેશબ્‍દનું પાલન થવું રહ્યું. અલબત્ત, ‌શિવા‌લિક પહાડોના ટ્રે‌કિંગ પ્રવાસ દરમ્‍યાન સાંકરી ક્ષેત્રના ગામલોકો જોડે થયેલા વાર્તાલાપથી એટલું તો સમજાયું કે સં‌વિધાનની Article 21-A  કલમનું અહીં સંતોષકારક પાલન થતું નહોતું. સાથોસાથ એ પણ સમજાયું કે પ્રત્‍યક્ષ જાણેલી સમસ્‍યા હતી ભલે ઉત્તરાખંડના તાલુકા, ઓસ્‍લા, ગંગાડ, તુમ‌ડિયા કોટ અને ઢાટમીર નામનાં પહાડી ગામોની, પરંતુ તે ‌ફક્ત પાંચ ગામડાં પૂરતી સી‌મિત હોવાનું માની લેવાને કારણ નહોતું. સમગ્ર ભારતનાં અસંખ્‍ય ગામોની સરકારી સ્‍કૂલોમાં પણ આવી જ સમસ્‍યા વધુઓછી માત્રામાં હોવાની સંભાવના હતી.

પરંતુ શું આવી બાબતમાં સામાન્‍ય નાગ‌રિક તરીકે આપણને કોઈ સ્‍નાનસૂતક ખરું? બેશક, પ્રથમદર્શી તો કોઈ ન‌હિ, કારણ કે એકેય સમસ્‍યા મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં વીતતા આપણા દૈ‌નિક જીવન પર અસર કરતી નથી. સરકારનું કામ સરકાર જાણે એવા અ‌ભિગમ સાથે ઉપરોક્ત વર્ણવેલા પ્રોબ્‍લેમથી હાથ ખંખેરી નાખો તો પણ કોઈ એ બાબતે પૂછવાવાળું નથી. આમ છતાં એવા આત્‍મલક્ષી અ‌ભિગમ વડે શું આપણે પોતે પેલા Passing the buck/ પા‌સિંગ ધ બક ખેલમાં સહભાગી તો બની જતા નથી?

આ ‌વિચાર અંતરમનને ઢંઢોળીને સફાળું જગાડવામાં ‌નિ‌‌મિત્ત બન્યો. તાલુકા, ઓસ્‍લા, ગંગાડ, તુમ‌ડિયા કોટ અને ઢાટમીર ગામનાં બાળકોની શૈક્ષ‌ણિક સમસ્‍યા પર અફસોસ ગુજારાતા બેસી રહેવાને બદલે સમસ્‍યાના ઉકેલ માટે યથાશ‌ક્તિ કશુંક કરી છૂટવાનો ભાવ જાગ્યો. આથી દેહરાદૂનથી નોટબુક્સ, ડ્રોઇંગ બુક્સ, બાલપોથી, સ્‍ટેશનરી, કંપાસ બોક્સના ૨૦૦ જેટલા સેટ્સ ખરીદ્યા અને ગાડીમાં તેમને ભરી સાંકરી ક્ષેત્રના તાલુકા ગામે પહોંચાડ્યા. અહીંના ‌શિક્ષકે ‌તુમ‌ડિયા કોટ અને ઢાટમીર ગામની સરકારી શાળાના બાળકોને અગાઉથી જ તાલુકા બોલાવી લીધાં હતાં. આથી તાલુકાની સરકારી શાળાના પ્રાંગણમાં બધા ‌વિદ્યાર્થીઓ સરસ રીતે પાટલીઓ પર ગોઠવાઈ ગયા હતા. નોટબુક, બાલપોથી, ‌ચિત્રપોથી, ક્રેયોન રંગો, કમ્‍પાસ બોક્સ વગેરેનો સેટ એક પછી એક બાળકના હાથમાં મુકાતો ગયો તેમ દરેકનું મન ઝૂમી ઊઠ્યું. ખુશીની લાગણીનો ઊભરો તેમના ચહેરા પર મીઠી મુસ્‍કાન રૂપે તરી નીકળ્યો. આ તરફ શાળાના ‌શિક્ષકોનું કાળજું ઠર્યું હોવાની દેખીતી સા‌બિતી તેમની આંખોમાં જોવા મળી.

■■■

સોએક બાળકો જોડે અત્‍યંત મજાનો સમય પસાર કરીને, તેમની સાથે ભારત માતા કી જય!ના પોકારો કરીને તથા ફરી વખત આવી જ રીતે શૈક્ષ‌ણિક સાધન-સામગ્રી જોડે આવવાની ‌શિક્ષકોને બાંહેધરી આપીને આગામી પહાડી ગામ ગંગાડ તરફ આગળ વધ્‍યા. ગંગાડ પહોંચવા માટે પાકી તો ઠીક, કાચી સડક પણ નથી. પ‌રિણામે સાથે લીધેલો સામાન કેટલાક મદદનીશો જોડે ખભે ઉઠાવી, ત્રણેક ‌કિલોમીટરનો ટ્રેક કરી ગંગાડ આવ્યા.

મન કઠણ રાખવાનો પ્રયાસ કરવા છતાં ધરાર ભીની થયેલી આંખે અહીં નોંધવું પડે કે ગંગાડની સરકારી શાળામાં જે દૃશ્‍ય જોયું તેણે હૃદયને તત્‍ક્ષણ ચીરી નાખ્યું. સ્‍કૂલના એક વર્ગમાં ‌શિક્ષક ભણાવી રહ્યા હતા, પણ બોર્ડ પર તેમણે જે લખેલું તેને ટપકાવવા માટે ઘણાં બાળકો પાસે ન પે‌ન્‍સિલ હતી કે ન નોટબુક! હાથ પર હાથ ધરીને તેઓ નવરાધૂપ બેઠા હતા. કેટલાક બાળકોએ હાથમાં ‌બુઠ્ઠીને બટુકડી પે‌ન્‍સિલ પકડી હતી, જેમના વડે તેઓ પસ્‍તીમાં નાખી દીધેલાં (અને ‌શિક્ષકે પસ્‍તીમાંથી લાવી આપેેલાં) અખબારમાં કોરી જગ્‍યાઓ શોધી શોધીને ત્‍યાં બોર્ડ પર ‌શિક્ષકે જે લખેલું તેને ઉતારવાનો વ્‍યર્થ પ્રયાસ કરતા હતા. આ દૃશ્‍ય ભણતરના મૂળભૂત અ‌ધિકાર અંગે સં‌વિધાને ઘડેલી ક્રાં‌તિકારી Article 21-A કલમને ભ્રાં‌તિકારી ઠરાવતું હતું. હૃદયમાં શૂળની જેમ તે ભોંકાયું ત્‍યારે વેદનાનો મૂક ‌ચિત્‍કાર એ હતો કે, ‘બહુ મોડું કરી દીધું! આટલી ગંભીર સમસ્‍યા તરફ અત્‍યાર સુધી ધ્‍યાન કેમ ન ગયું?’

હૃદયને ડંખતી વેદના પર ‘દેર આયે, લે‌કિન દુરસ્‍ત આયે’ અથવા તો ‘મોડા પડ્યા, પણ મોળા ન‌હિ’ જેવા શા‌બ્‍દિક મલમ લગાવી શકાયા હોત. પરંતુ એવા ‌દિલાસાનો મતલબ નહોતો. કારણ કે મનને ફોસલાવતો એ ‌દિલાસો કંઈક કરી છૂટ્યાની લાગણી પેદા કરત, તે લાગણી સંતોષનો ભાવ પ્રગટ કરત અને આખરે સંતોષી જીવ ફરી વખત ગંગાડ સ‌હિત અન્‍ય પાંચ ગામોની શાળાના બાળકોને શૈક્ષ‌‌ણિક સાધન-સામગ્રી  પહોંચાડવાની પ્રેરણા ન દેત. ‌મિશનના ધોરણે ઉપાડેલું તે કાર્ય અસ્‍ખ‌લિત ચાલતું રહે તો અને ત્‍યારે જ Passing the buck/ પા‌સિંગ ધ બક ખેલમાં સહભાગી ન બન્‍યાનો સંતોષ મળે તેમ હતો.

■■■

આજે પણ તે ‌મિશન ચાલુ છે. પરંતુ એમાં કશી વ્‍ય‌ક્તિગત ઉપલ‌બ્‍ધિ યા કશુંક કરી બતાવ્‍યાની વાત નથી. પ્રસ્‍તુત ‌કિસ્‍સાનું ફોકસ ભલે ઉત્તરાખંડ અને તેનાં ફક્ત પાંચ ગામોનું છે. પરંતુ કાશ્‍મીરથી કન્‍યાકુમારી અને કચ્‍છથી અરુણાચલ સુધી ફેલાયેલા ‌વિશાળ ભારતનાં હજારો ગામોમાં લાખો બાળકો વધુ-ઓછા અંશે સરકારી તંત્રની Passing the buck/ પા‌સિંગ ધ બક વૃ‌ત્તિના વાંકે યોગ્‍ય ભણતરથી વં‌ચિત છે. આજની તારીખે ગામ-ગામડાંમાં પ્રાથ‌મિક ‌શિક્ષણની વાત નીકળે ત્‍યારે આપણો દેશ Article 21-A કલમ સોએ સો ટકા કારગત રીતે અમલ થયાનો ખોંખારો ખાઈ શકતો નથી. 

—અને ત્‍યારે એ ‌સ્‍થિ‌તિમાં થોડોક સકારાત્‍મક બદલાવ લાવવા માટે જાગૃત નાગ‌રિક તરીકે એકાદ કદમ માંડવા જેવું છે. ધન, જ્ઞાન, સમય, સુ‌વિધા પૈકી કોઈ પણ સ્‍વરૂપે બાળકોને મદદરૂપ થઈ શકાય, જે માટે શું કરવું અને શું ન‌હિ એ તો અપની અપની પસંદનો ‌વિષય છે. પરંતુ પગલું ભરવા માટેની પ્રેરણા લેવી હોય તો ગામ-ગામડાંની કેટલીક સરકારી શાળાઓની રૂબરૂ મુલાકાત લેવી રહી. આવી મુલાકાત માટે પણ જો પ્રેરણા જોઈતી હોય તો ફક્ત બે વાક્યો પૂરતાં છે—

(૧) પ્રમુખ ડોનલ્‍ડ ટ્રમ્‍પનું  ‘The Buck Stops With Everybody’, જેનો સૂ‌ચિતાર્થ છે કે કર્તવ્‍ય, જવાબદારી તેમજ કાર્યનું ચલકચલાણું થવું ન જોઈએ. 

(૨) વેણીભાઈ પુરો‌હિતની કાવ્ય રચના ‘આપણામાંથી કોક તો જાગે’ની પં‌ક્તિ,

‘કોઈ જાગે કે, કોઈ ના જાગે

કોઈ શું જાગે ?

તું જ જાગ્યો, તો તું જ જા આગે. આપણામાંથી તું જ જા આગે!’■

Tags :