Get The App

અંતરિક્ષની આશિક અક્ષતા .

Updated: Jun 1st, 2024

GS TEAM

Google News
Google News
અંતરિક્ષની આશિક અક્ષતા                                         . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- પોતાના પર વિશ્વાસ રાખીને લક્ષ્યને પાર પાડવા લગાતાર કામ કરતા રહેવું. નિષ્ફળતાનો કોઈ વિકલ્પ નથી. 

અ ક્ષતા ક્રિશ્નમૂર્તિને નાનપણથી જ અંતરીક્ષ પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું. બેંગાલુરુના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી અક્ષતાને દરેક બાબતમાં 'કેવી રીતે ?' અને 'કેમ?' જેવા પ્રશ્નો પૂછીને તે સમજવામાં આનંદ આવતો હતો. માટે એની જિજ્ઞાસા એના જ્ઞાનનાં દ્વાર ઉઘાડી આપતી. તેને પ્લેનેટેરિયમ અને એર શો જોવામાં ખૂબ મજા આવતી હતી. ૨૦૦૩માં બૅંગાલુરુમાં એક એર-શો જોયા બાદ અંતરીક્ષ પ્રત્યેનો લગાવ વધી ગયો. યેલહંકા વાયુસેનાના એર શોમાં સુખોઈ એસયુ-૩૦ના પાયલોટોના હવાઈ કરતબ જોઈને મંત્રમુગ્ધ બની ગઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે ? આકાશમાં શું હશે ? આપણે ક્યાંથી આવ્યા છીએ ? જેવા અનેક પ્રશ્નો તેના મનમાં ઉદ્ભવવા લાગ્યા.

એક દિવસ અક્ષતાએ હબલ અંતરીક્ષ દૂરબીન વિશે વાંચ્યું. તેમાં રોકેટ વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં હબલ દૂરબીન દ્વારા અંતરીક્ષ યાત્રીઓને અંતરીક્ષમાં ચાલતા જોવા અને અંતરીક્ષમાંથી પૃથ્વીને જોવી એ અનોખો અનુભવ પ્રાપ્ત થતો હોય છે. આ વાંચીને અક્ષતાને એરોસ્પેસ અંગે અભ્યાસ કરવાનું મન થયું. તે અંતરીક્ષયાત્રી બનવા માગતી હતી, પરંતુ તે સમયે ભારત પાસે કોઈ માનવ અંતરીક્ષ કાર્યક્રમ નહોતો. તેથી રશિયા સાથે કે અમેરિકા સાથે અંતરીક્ષ યાત્રી તરીકે જોડાવું પડે, જે તેને માટે શક્ય નહોતું. તેને જાણવા મળ્યું કે અમેરિકાની એમ.આઈ.ટી.માં અભ્યાસ કરીને આશરે ૪૪ જેટલી વ્યક્તિઓ અંતરીક્ષમાં ગઈ છે. અક્ષતાએ એમ.આઈ.ટી.માં અભ્યાસ કરવાનું નક્કી કર્યુું. સ્કૂલની પરીક્ષા પાસ કરીને બેંગાલુરુની આર.વી. કૉલેજ ઑફ એન્જિનીયરીંગમાં મિકેનિકલ એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવનારી તે એક માત્ર મહિલા હતી અને ૨૦૧૦માં તેણે સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ અમેરિકામાં અર્બાના-શેંપેન સ્થિત ઈલિનોઇસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ અમેરિકાની નાગરિકતા કે ગ્રીન કાર્ડ વગર એરોસ્પેસમાં નોકરી મળવી અસંભવ હતું. એમ.આઈ.ટી.માં પીએચ.ડી. કરવા માટે થોડા કામનો અનુભવ જરૂરી હતો. હિંમત હાર્યા વિના અક્ષતાએ તેનું સંશોધનકાર્ય ચાલુ રાખ્યું, સંશોધન પત્રો પ્રકાશિત કર્યા અને એમ.આઈ.ટી.ના પ્રોફેસરોને પીએચ.ડી. માટે પત્ર લખતી રહી.

અક્ષતાએ એમ.આઈ.ટી.ના પ્રોફેસરોને તેમની સાથે એક વર્ષ કામ કરવાની તક આપવા કહ્યું. ઘણા પ્રયત્નોને અંતે છેવટે ખગોળ ભૌતિકવિજ્ઞાની સારા સીગરે તેમની સાથે કામ કરવા કહ્યું. તેઓ એક્સોપ્લેનેટ પર અર્થાત્ નવ ગ્રહોની શોધ પર કામ કરી રહ્યા હતા. ત્યાર પછી તેને પીએચ.ડી.માં અભ્યાસ કરવાની તક મળી. ૨૦૨૦માં તેણે એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેની સાથે સાથે એન્જિનીયરીંગ, નવા ગ્રહોની શોધ માટે અંતરીક્ષ દૂરબીનો અને ટૅક્નૉલૉજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ પછી તેને નાસા જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં ઈન્ટર્ન તરીકે કામ કરવા મળ્યુું. જે એના જીવનનો સૌથી આનંદદાયક દિવસ બની રહ્યો. જોકે ગ્રીન કાર્ડ વિના કાયમી નોકરી મળશે કે નહીં તે પ્રશ્ન હતો, પરંતુ ઈન્ટર્નશિપના છેલ્લા દિવસે તેને નોકરીનો પ્રસ્તાવ મળ્યો.

અક્ષતા સ્પેસ સિસ્ટમ એન્જિનીયર અને વિજ્ઞાની તરીકે નાસામાં કામ કરે છે. નાસા અને ઈસરોના સંયુક્ત ઉપક્રમે ચાલતા સિંથેટિક એપર્ચર રડાર મિશન નાઈસરમાં કામ કરે છે. ટેસ અર્થાત્ ટ્રાન્સીટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ, નાના ટેલિસ્કોપ જેવાં પ્રોજેક્ટમાં કામ કરે છે. મંગળ મિશન-૨૦૨૦માં રોવર ઓપરેટરનું આયોજન અને તેના અમલની જવાબદારી તેના શિરે હતી. રોવર તેના લક્ષ્યાંક સુધી પહોંચે, ત્યાંના ખડકના નમૂના લે અને તે લઈને પૃથ્વી પર પાછું આવે ત્યાં સુધીની જવાબદારી અક્ષતા ક્રિશ્નમૂર્તિએ નિભાવી. આમ મંગળ ગ્રહ પર અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના રોવરને સંચાલિત કરનારી તે પ્રથમ ભારતીય બની. 

નાસામાં કામ કરવું છે એવા સ્વપ્ન સાથે અમેરિકાની ધરતી પર ડગ મૂકનાર અક્ષતા કહે છે કે તેની યાત્રા જરાય આસાન નહોતી. વિદેશમાં અભ્યાસ કરીને આજે નાસામાં કામ કરતી અક્ષતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. નાસામાં પ્રવેશ મેળવવા માટે એમ.આઈ.ટી.માં પીએચ.ડી. કર્યું, ત્યારે પણ ત્રીજા પ્રયત્ને પ્રવેશ મળ્યો. ઘણા લોકોએ વિદેશી વિઝાનું કારણ આગળ ધરીને કહ્યું કે નાસામાં નોકરી મળવી અશક્ય છે. તે કંઈ બીજું વિચારે, મોટી કંપનીમાં સારા પગારની નોકરી મેળવી લે અથવા કારકિર્દીની દિશા બદલી નાખે. આમ ઘણીવાર લોકોએ તેનું મનોબળ તોડયું, પણ તેણે પોતાના સ્વપ્નને તૂટવા ન દીધું. તે પોતાના અનુભવની વાત કરીને અન્યને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેણે 'યોર અલ્ટીમેટ ગાઈડ ટુ સ્પેસ કેરિયર' નામના પુસ્તકમાં રોડમેપ આપીને નવા વિદ્યાર્થીઓને દિશા બતાવી છે. તે માને છે કે પોતાના પર વિશ્વાસ રાખીને લક્ષ્યને પાર પાડવા લગાતાર કામ કરતા રહેવું. નિષ્ફળતાનો કોઈ વિકલ્પ નથી. એમાંથી શીખીને આગળ વધતા રહેવું.

અગણિત ચહેરા પર સ્મિત

કો ઈ વ્યક્તિ ગુરુગ્રામના ગ્વાલ પહાડી ગામમાં જાય, તો એક અસામાન્ય દ્રશ્ય જોવા મળશે. દૂરથી જોતાં જાતજાતના રંગ દેખાશે, પરંતુ નજીક જઈને જોતાં ખ્યાલ આવશે કે આ રંગોનું મૂળ કારણ કપડાં અને કપડાં જ છે. જુદા જુદા રાજ્યોમાંથી આ કપડાં અહીં એકત્રિત કરવામાં આવ્યા છે અને તે હવે જરૂરિયાતમંદ લોકો સુધી દૂર દૂરનાં ગામોમાં પહોંચાડવાનાં છે. આ પ્રયાસ છે ગુરુગ્રામમાં રહેતા સાજન વીર અબરોલનો. ૩૨ વર્ષના સાજન ક્લૉથ બોક્સ ફાઉન્ડેશન દ્વારા ભારતનાં દૂર દૂરનાં ગામોમાં રહેતા અનેક લોકોને કપડાં પહોંચાડી રહ્યા છે. ગુરુગ્રામના એક સુખી સંપન્ન પરિવારમાં સાજન અબરોલનો ઉછેર થયો છે, પરંતુ નાનપણથી તેણે જોયું કે નાની, દાદી, માતા, પિતા પોતાના જૂના કપડાં કોઈને આપતા અથવા તો તેનો અન્ય રીતે ઉપયોગ થતો.

સાજન ૨૦૦૬માં ગુરુગ્રામની હેરિટેજ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે સોશિયલ મીડિયામાં ઓર્કુટ બહુ પ્રચલિત હતું અને ત્યારબાદ ફેસબુક આવ્યું. ૨૦૧૦માં હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને ગુરુગોવિંદસિંહ ઈંદ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. કૉલેજમાં તેણે એક વ્યક્તિના વ્યવસાય માટે સોશિયલ મીડિયા મેનેજમેન્ટની નોકરી કરી. કામ તો એક મહિનો જ કર્યું, પરંતુ ફેસબુક કેટલું પ્રભાવશાળી માધ્યમ છે અને તેનો અનેક રીતે ઉપયોગ થઈ શકે તેવો ખ્યાલ આવ્યો. ૨૦૧૩માં સાજન સોફ્ટબેંકમાં કોમ્યુનિટી મેનેજર બની ગયા હતા અને છ મહિના પછી અમેરિકન એક્સપ્રેસમાં કામ કરવાની સારી તક મળી હતી.

૨૦૦૧માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો, ત્યારે તેમના પિતા દરરોજ ટેલિવિઝન પર સમાચાર જોતા હતા. આશરે વીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો લોકો બેઘર બની ગયા હતા, ત્યારે તેઓ નવ વર્ષના હતા, પરંતુ તે બધી તસવીરોની છાપ એમના મન પર અંકિત થયેલી છે. તે સમયે કચ્છ માટે રાહત સામગ્રી એકઠી કરી હતી, ત્યારે તેમના બે શિક્ષકો અંદરોઅંદર વાત કરતા હતા કે આ સામાન વાસ્તવિક પીડિતો સુધી પહોંચે તો સારું. આ વાક્ય સાજનના દિલમાં કોતરાઈ ગયું હતું, તેથી આજે ક્લોથ બૉક્સ ફાઉન્ડેશનનો વહીવટ તદ્દન પારદર્શક રાખે છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પૂરે સહુને દિગ્મૂઢ કરી દીધા. સાડા પાંચ હજારથી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામી અને ગામના ગામ તણાઈ ગયા. સરકારે ભોજન, આશ્રય, ચોખ્ખું પાણી અને સેનીટાઇઝેશનની વ્યવસ્થા તો કરી, પરંતુ કપડાંનું શું?

૨૦૧૩માં એક દિવસ બપોરે તે પોતાનો કબાટ સાફ કરતો હતો. ધીરે ધીરે જૂના કપડાંથી બેગ ભરાઈ ગઈ, પરંતુ તે એને ફેંકવા માગતો નહોતો. આસપાસ જરૂરિયાતવાળી વ્યક્તિઓને આપવાનો વિચાર આવ્યો. એક સફાઈ કર્મચારીને શર્ટ આપ્યું અને તેને પહેરવા કહ્યું. સફાઈ કર્મચારી ખુશ થઈ ગયો. સાજને તેનો ફોટો પાડી ફેસબુક પર મૂક્યો અને પિતાને મોકલ્યો. ધીમે ધીમે તેણે પોતાના જૂનાં કપડાં આ રીતે વહેંચી દીધા. સાજન શનિ-રવિમાં મિત્રો અને સગાંવહાલાં પાસેથી આવેલા કપડાં વહેંચતો. તેને વ્યવસ્થિત રીતે કામ કરવાનો વિચાર આવ્યો અને ફેબ્રુઆરી ૨૦૧૪માં ક્લોથ બૉક્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી. અનુભવે સમજાયું હતું કે ફેસબુક માત્ર ચેટિંગનું સાધન નથી, પરંતુ તેનો ડિજિટલ માર્કેટિંગ માટે સારો ઉપયોગ થઈ શકે તેમ છે. તેણે પોતાની વાત ફેસબુક પર મૂકી. તેમાં ખાસ ધ્યાન એ રાખ્યું કે જ્યાંથી કપડાં મેળવ્યાં હોય તે કપડાં ક્યાં અપાયાં છે તેના ફોટા પાડીને ફેસબુક પર દાતાના નામ સાથે મૂકીને કામમાં પારદર્શિતા આણી. સ્કૂલના બે શિક્ષકોની વાતને સતત યાદ રાખીને તે દાતાઓને માહિતી આપે છે, જેથી તેમને પણ ખ્યાલ આવે કે તેમના આપેલા કપડાંનો ક્યાં અને કેવો ઉપયોગ થઈ રહ્યો છે.

૨૦૧૫માં 'આજ કી રાત હૈ જિંદગી' ટીવી શોમાં ક્લોથ બૉક્સ ફાઉન્ડેશનને આમંત્રણ મળ્યું. શો પૂરો થયા પછી હજારો ફોન આવ્યા, લોકોનો પ્રેમ મળ્યો, પરંતુ ત્યારે તેમની પાસે એવું કોઈ વ્યવસ્થાતંત્ર નહોતું. સંસ્થા કેવી રીતે ચલાવાય તે શીખવા મળ્યું. તેને લાગ્યું કે મુશ્કેલ સમય વ્યક્તિને ઘણું શીખવે છે. માતાનો સાથ મળ્યો. આજે ક્લોથ બૉક્સ ફાઉન્ડેશન પાસે દર મહિને પચીસ હજારથી વધુ કપડાં આવે છે. એમાંથી ચાળીસ ટકા કપડાં એવા ગંદા અને ફાટેલાં હોય છે કે તે આપી શકાય તેવા હોતાં નથી. જેટલાં કપડાં આવે છે તે ઓછાં પડે છે, કારણ કે તેઓ સવાસો ગામડાંમાં કામ કરે છે. સાડા ત્રણસો સ્વયંસેવકો તેની સાથે જોડાયેલા છે. આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન, આર્મી અને અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરે છે. નેપાળમાં આવેલા ધરતીકંપ કે કાશ્મીરમાં આવેલા પૂર વખતે તેણે કપડાં પહોંચાડવાનું કામ કર્યું હતું.

જે કપડાં પહેરી શકાય તેવા નથી હોતા તેમાંથી તેણે ધાબળા બનાવ્યા. હિમાચલ પ્રદેશમાં બાળકો પાસે સ્કૂલ બેગ નહોતી, તેઓ પ્લાસ્ટિક બેગ વાપરતા હતા. તેથી કપડાંની પાંચ લાખ સ્કૂલ બેગ બનાવી. જ્યારે શિયાળામાં કૂતરાને સૂવા માટે ડોગ બેડ બનાવી. તેમણે પાંચ હજાર ડોગ બેડ બનાવી હતી આજે તેની માગ વધતી જાય છે. અત્યાર સુધીમાં સાડા સાત લાખ કિલોગ્રામ કપડાંનો પુન:ઉપયોગ કર્યો છે અને તેનાથી ત્રેવીસ હજાર ટનથી વધુ કાર્બનની બચત થઈ છે. તે ઉપરાંત આવી વસ્તુ બનાવવામાં નાનાં ગામડાંની મહિલાઓને રોજગારી મળે છે. અમિતાભ બચ્ચને પોતાના કપડાં દાન કર્યા છે, તો માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયામાં સાજનની સ્ટોરી શર કરી છે. ફૉર્બ્સે એને ૩૦ અંડર ૩૦ એશિયાની સૂચિમાં સામેલ કર્યો છે. સાજન વીર અબરોલની ઇચ્છા તો ફંડ એકત્રિત કરી શિક્ષણ, સેનિટાઇઝેશન, શુદ્ધ પાણી અંગે પણ કામ કરવાની છે.