પ્રગતિએ 'પારકી થાપણ' શબ્દ ભૂંસીને પોતાની જાતને 'પોતીકી થાપણ' બનાવી
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'પહેલાં હું મારી બન્ને બહેનોને જમાડીશ અને પછી જ હું જમીશ. આજથી - અત્યારથી જ આ નવો નિયમ શરૂ'
''મ મ્મી, મેં મારી મોટર બાઈકથી એક્સીડેન્ટ કર્યો છે. એક અનાથ બાળક ઘવાયો છે. પોલિસ મને પકડીને પોલિસ સ્ટેશને લઈ ગઈ હતી. અક્ષતભાઈ ન હોત તો મારો જેલવાસો નક્કી હતો. એમણે નિસ્વાર્થ ભાવે મને મદદ કરી.''
જોશ કહી રહ્યો હતો.
'' 'અક્ષત', તને મેં મારે ઘેર આવવાની ચોખ્ખી ના પાડી હતી. છતાં કેમ આવ્યો ? આ ઘર મારું નથી. મમ્મીનું છે. અમે માત્ર રહેવાસીઓ છીએ, અમને વળાવાય ત્યાં સુધી'' મોટીબેન પ્રગતિએ કહ્યું :
''અરે બહેન, ઘેર આવેલા અતિથિનું અપમાન ન થાય. આપણા શાસ્ત્રોમાં અતિથિને દેવતા માનવામાં આવ્યો છે. જોશ એમને સાથે લઈ આવ્યો, એમાં અક્ષતભાઈનો શો વાંક ?'' નાની બહેન ગતિએ કહ્યું,
''સાંભળ, આવતી કાલથી હું નોકરી પર હાજર થવાની છું. બી.એસ.સી.ની પરીક્ષામાં ડિંસ્ટીક્શન મેળવ્યા પછી મેં આગળ ભણવાનું માંડી વાળ્યું છે. એક ફાર્માસ્યૂટિકલ કંપનીએ મને આસિસ્ટંટ મેનેજર બનાવી મોટા પગારની ઓફર કરી છે. ગતિ, તું મારા કરતાં ત્રણ વર્ષ નાની છું. હું સ્વાવલંબનમાં માનું છું. મારે જલ્દી 'ઠેકાણે' નથી પડવું. મમ્મીની 'ધર્મશાળા'માં પણ લાંબુ રહેવું નથી. મારું અલગ ઘર વસાવીશ. તને પણ મારા ઘેર બોલાવીશ. અહીં બધું મમ્મીની મહેરબાની પર ચાલે છે. મહેરબાની એ આખરે મહેરબાની છે, એ પતિની હોય, પિતાની હોય હોય કે માતાની. મહેરબાની સ્વીકારી એટલે તમારી મરજીનું બલિદાન આપવાની ઘડીઓ શરૂ થઈ ગઈ.''
અનુરાધાદેવીને ત્રણ સંતાનો મોટી દીકરી પ્રગતિ, નાની દીકરી ગતિ અને નાનો દીકરો જોશ. અનુરાધાદેવીને તેમના સાસુએ વારસામાં ઉલટો પાઠ ભણાવેલો. ''અનુરાધા, દીકરી એ ગમે તેટલી વહાલી હોય પણ આખરે એ કોકનું ઘર ઉજાળવા વિદાય થવાની માટે દીકરાને જીવની જેમ સાચવજે. દીકરો એ કુળદીપક એ જ તારો અડધી રાતનો હોંકારો બનશે. એટલે ખાન-પાન, પહેરવા - ઓઢવામાં દરેકમાં જોશને પહેલું સ્થાન.''
અનુરાધાએ સાસુમાની વાતને સત્યના પ્રયોગોની જેમ વધાવી લીધી હતી. ઘરમાં નિયમ બનાવ્યો હતો કે સૌથી પહેલાં જોશને ભોજન કરાવવાનું અને પછી દીકરીઓને. જોશને લાગવું જોઈએ કે પોતે 'વી.આઈ.પી.' છે.
ભણવામાં પ્રગતિ ખૂબ જ હોંશિયાર, બીજા ક્રમે ગતિ આવે અને જોશ બાબૂ છેલ્લા ક્રમે. વાર્ષિક પરીક્ષામાં પ્રગતિ પ્રથમ નંબર મેળવે, ગતિ બીજો નંબર અને જોશને આગલા ધોરણમાં ઉપર ચઢાવાથી મોકલવામાં આવે.
પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલી પ્રગતિ હોંશમાં કહેતી : 'જો મમ્મી, મારા પ્રગતિ પત્રકમાં દરેક વિષયના ૯૦ ગુણ દર્શાવવામાં આવ્યા છે. મારી પીઠ થાબડતાં અમારા પ્રિન્સિપાલ કહે છે કે તું બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે આવીશ અને ગતિ પણ એકથી પાંચમાં સ્થાન મેળવે એટલી હોંશિયાર છે.'
પણ અનુરાધા પ્રગતિ અને ગતિના પ્રગતિપત્રક તરફ નજર સુધ્ધાં ન કરતી. અને ઉપરથી આચાર્યને ઠપકો આપતાં કહેતી : 'તમે હોંશિયાર વિદ્યાર્થીને ચઢાવી મારો છો. એ ઊંચી ટકાવારી મેળવે એટલે તમે બેસ્ટ કોલેજ કે સ્કૂલની ડંફાશો મારો છો. હકીકતમાં તમારે નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મારા જોશ પર તમે ધ્યાન આપ્યું હોત તો તે એ પાસ તો થાત ા'
અને જોશને ખોળામાં બેસાડી આઈસક્રિમ ખવડાવતાં અનુરાધા દેવી તેને ખૂબ લાડ લડાવતાં. જોશ આઈસક્રિમ ખાઈ લે પછી જ પ્રગતિ અને ગતિનો વારો. આવા વેરા આંતરાથી બન્ને બહેનો કંટાળી ગઈ હતી. શા માટે ત્રણે ભાઈ-બહેનને સાથે બેસાડીને જમાડવામાં ન આવે ?
અંતે બન્ને બહેનોએ આ પ્રથાનો વિરોધ કરવા પપ્પા વ્રજનારાયણની અદાલતમાં ખટલો ચલાવવાનું આયોજન કર્યું.
રવિવારની રજાએ વ્રજનારાયણ ચા-નાસ્તો પતાવી નિરાંતે છાપું વાંચતા હતાં, ત્યાં પ્રગતિએ કહ્યું : ''પપ્પા,અમારે ન્યાય જોઈએ છે. આપશો ? ''
''આપણા ઘરમાં અન્યાય જેવી વસ્તુ જ ક્યાં છે ? અનુરાધાના શાસનમાં કોઈને અન્યાય થાય જ નહીં '' -
વ્રજનારાયણે પત્નીનો પક્ષ લેતાં કહ્યું :
'કોઈને નહીં પણ મને અને ગતિને અન્યાય થઈ રહ્યો છે. મમ્મી જાણી જોઈને દીકરા-દીકરી વચ્ચે ભેદ ઉભો કરે છે. ભાઈ જોશ અમને પણ વહાલો છે પણ મમ્મી પહેલાં એકલા જોશને જમાડે છે અને પછી અમને. અમે કાંઈક કહીએ એટલે તરત જ કહે છે કે દીકરો તો કુળદીપક કહેવાય. તમે તો પારકી થાપણ. 'દિ' વાળે તે દીકરો ! હવે પપ્પા આપ જ ન્યાય કરો.' પ્રગતિએ વાતની ભૂમિકા સુપેરે રજૂ કરી રહી હતી.
વ્રજનારાયણે કહ્યું : ''હું પણ મારા પિતાનો વહાલસોયો દીકરો હતો. ત્રણ બહેનો કરતાં મને વધુ મહત્વ મળતું હતું. કારણ કે હું 'કુળદીપક' મનાતો હતો. આપણા ઘરમાં જ નહીં, અનેક ઘરોમાં દીકરી કરતાં દીકરાનું આગવું સ્થાન હોય છે. ખબરદાર, હવે પછી આવો બેહૂદો પ્રશ્ન ઉભો કર્યો તો. આ ઘરમાં રહેવું હશે તો અમે કહીશું એ જ નિયમો પાળવા પડશે, સમજી ?''
''પણ પપ્પા અમે ઘરના નિયમો તોડવાની વાત જ નથી કરતાં, ઘરમાં એક સ્વસ્થ પરંપરા ઉભી થાય એની વાત કરીએ છીએ. આપણું ઘર ઉત્તમ આદર્શનો નમૂનો બનવું જોઈએ. ભાઈ જોશને જમાડવાનું મમ્મી છો દે, હ ું અને બહેન ગતિ જ તેને જમાડીશું અને તેને હાજર રાખીને અમે જમીશું. મમ્મીનો વેરો આંતરો લંચ બોક્સમાં પણ જોવા મળે. અમારા લંચ બોક્સમાં પરોઠા અને શાક હોય, જોશના લંચ બોક્સમાં કટલેસ અને બ્રેડબટર હોય. અમે ત્રણ એક જ સ્કૂલનાં વિદ્યાર્થી એટલે પ્રિન્સિપાલ રાઉંડમાં નીકળે ત્યારે બન્ને લંચ બોક્સનો તફાવત જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. એક દિવસ હું લંચ લેવાની તૈયારીમાં હતી, ત્યાં પ્યુન ગણેશે કહ્યું : ''બહેન, હું લંચબોક્સ લાવવાનું ભૂલી ગયો છું. કકડીને ભૂખ લાગી છે. કેન્ટીનમાં નાસ્તો કરવાનું તો અમને ક્યાંથી પોસાય ? મને એક પરોઠું અને થોડુંક શાક આપશો ? અને મેં આખું લંચ બોક્સ ગણેશને આપી દીધું હતું. ગતિના લંચ બોક્સમાંથી અમે અડધું-અડધું ખાધું હતું. મારા 'લંચ' ત્યાગનો મહિમા સમજી બીજે દિવસે પ્રાર્થના સભામાં મારું બહુમાન કરવામાં આવ્યું હતું. પપ્પા, બહારના લોકો માન આપે અને ઘરમાં હળહળતું અપમાન ? બોલતાં -બોલતાં પ્રગતિ રડી પડી હતી. છતાં વ્રજનારાયણ દ્રવિત થયા નહોતા. એમણે ટૂંકમાં પતાવ્યું હતું.'' નાટક બંધ કર. જેમ ચાલે છે તેમ જ ચાલશે
પુત્રી પ્રગતિ સાથેનો વાર્તાલાપ દૂર ઉભેલો ભાઈ જોશ સાંભળતો હતો.
બપોરે ૧૨- વાગ્યે અનુરાધાએ ભોજન માટે જોશને બોલાવ્યો, ત્યારે તેણે કહ્યું : ''મમ્મી, તમે જ કહો છો કે દીકરી 'પારકી થાપણ' કહેવાય તો પછી એ થાપણને જીવની જેમ જાળવવી પડે કે નહીં ?''
''આવો પ્રશ્ન કરવાની જરૂરિયાત ?'' મમ્મી અનુરાધાએ છણકા સાથે કહ્યું :
''એટલા માટે કે તું અને પપ્પા મારી બન્ને બહેનોને અન્યાય કરો છો. જેટલો દીકરો વહાલો હોય તેનાથી બમણા વહાલની અધિકારી દીકરી છે કારણ કે આખરે એણે પિતાનું ઘર છોડીને જવાનું છે!''- જોશે ગદગદ્ સ્વરમાં કહ્યું :
''નાને મોંઢે મોટી વાત. તને પ્રગતિ અને ગતિએ અમારી વિરુધ્ધ ચઢાવ્યો લાગે છે. ચાલ, ટાયલાં કૂટયાં વગર જમી લે.''
અનુરાધાએ કહ્યું : ''હરગિઝ નહીં મમ્મી, પહેલાં હું મારી બન્ને બહેનોને જમાડીશ અને પછી જ હું જમીશ. આજથી - અત્યારથી જ આ નવો નિયમ શરૂ'' - જોશે કહ્યું :
''તો મારી સામે થવા બદલ તને પણ ખાવાનું નહીં મળે. પ્રગતિએ ડહાપણ કરવું હોય તો જાતે જ રસોઈ બનાવે અને તને જમાડે. મારો નિયમ હું ક્યારેય છોડવાની નથી !'' અનુરાધાએ અલ્ટીમેટમ આપી દીધું.
અને જોશને પાઠ ભણાવવા માટે અનુરાધા પોતાનું અને પતિ વ્રજનારાયણનું ભોજન જ બનાવતી. પ્રગતિ પણ એ વાતને પડકાર તરીકે લઈને વહેલા ઉઠીને જોશ તથા પોતાની અને ગતિ માટે ભોજન બનાવતી. જોશ બન્ને બહેનોને પોતાને હાથે ભોજન પીરસતો અને બહેનોને જમાડયા બાદ જ પોતે જમતો.
અનુરાધાએ વ્રજનારાયણને કાન ભંભેરણી કરી કહ્યું કે ઘરમાં રહીને જોશ બગડી જશે. એટલે એને છાત્રાલયમાં રાખીએ. ત્યાં ઘણા બધાં કામો જાતે કરવાં પડશે, એટલે બેટમજીને સાન ઠેકાણે આવશે - ''વ્રજનારાયણે પણ એ પ્રસ્તાવ વધાવી લીધો હતો અને એક પ્રતિષ્ઠિત છાત્રાલયમાં જોશને તેની ઈચ્છા વિરુધ્ધ દાખલ કરી દીધો હતો.''
ભાઈ-બહેનોમાં વિજોગ ઉત્પન્ન ન કરવા પ્રગતિ અને ગતિએ મમ્મી-પપ્પાને ખૂબ જ વિનંતી કરી પણ અનુરાધાએ તેમને ચોખ્ખું ચોપડાવી દીધું. ''તમે બન્ને બહેનો સ્વાર્થી છો. જોશ સામે વાંધા લઈને તમારા હાથમાં શું આવ્યું ? અમે જોશને પદાર્થપાઠ ભણાવવા ઈચ્છીએ છીએ કે માતા-પિતાની સામે પડનારની શી દશા થાય છે. અમે છાત્રાલયના ગૃહપતિને પણ સૂચના આપી છે કે વેકેશનમાં પણ જોશને ઘેર આવવાની રજા આપવી નહીં. એટલું જ નહીં અમે એવી કડક સૂચના આપી છે કે તેની બન્ને બહેનો પ્રગતિ અને ગતિ મળવા આવે તો મળવા દેવી નહીં.'' - અનુરાધાએ પોતાની પોલિસી જાહેર કરતાં કહ્યું :
જોશને ફોન કરવાની મનાઈ હતી અને જોશનો બન્ને બહેનો પર ફોન આવે તો તેમને આપવામાં પણ આવતો નહીં. મમ્મી-પપ્પાના આવા ક્રૂર વર્તનથી જોશ હેબતાઈ ગયો હતો.
એમ માંડ છ મહિના વિત્યા હશે ત્યાં પ્રગતિએ એક મહત્વનો નિર્ણય કર્યો. એણે એક ફલેટ ભાડે રાખી લીધો અને ધીરે-ધીરે ઘર વખરીનો સામાન અને ફર્નિચર વસાવવાનું શરૂ કર્યું. આ અંગે તેણે નાની બહેન ગતિને પણ સહેજ પણ ગંધ આવવા દીધી નહીં.
અને એક દિવસ એણે ઘેર આવવાનું માંડી વાળ્યું અને સીધી ફલેટ પર પહોંચી. ગતિને પણ નવું સરનામું આપી પોતાની પાસે બોલાવી લીધી.
સાથે-સાથે તેણે પોલિસ થાણે પણ એક અરજી આપી કે અમે ક્યાંય ગુમ થયાં નથી પણ જાતે અલગ રહેવાનો નિર્ણય કર્યો છે એટલે અમારા ગુમ થયા વિશેની અમારાં મમ્મી-પપ્પાની ફરિયાદ લેશો નહીં. આ અમારું હાલનું સરનામું છે !''
પોલિસ ઈન્સ્પેક્ટરે પૂછયું :
''આવો આકરો નિર્ણય લેવાનું કારણ ?''
'' કારણ એ જ કે મા-બાપ દીકરીને 'બીચારી' માની ત્રાસ કરે તે અમારાથી સહન થતું નથી. અમારી અને અમારા ભાઈ જોશ વચ્ચે વેરો-આંતરો કરી તેને છાત્રાલયમાં દાખલ કરી દીધો છે. દીકરી ને ગાય દોરો ત્યાં જાય ના દિવસો ગયા. મહિલા સશક્તિકરણના યુગમાં દીકરીઓએ પણ પોતાની આગવી ઓળખ ઉભી કરવાની છે. અમને કોઈ 'પારકી થાપણ' ગણે એ પહેલાં જ અમે અમારી જાતને 'પોતીકી' થાપણ માની કુટુંબથી અલગ થઈ ગયાં છીએ.'' પ્રગતિની ખુમારી અને ખમીર જોઈ ઈન્સ્પેક્ટર ખુશ થઈ ગયા.એમણે જોશના છાત્રાલયનું સરનામું પણ પૂછી લીધું.
એ વાતને પંદરેક દિવસ વીત્યા હશે ત્યાં એક સવારે પોલિસ-ઈન્સ્પેક્ટરે પ્રગતિના ફલેટના દરવાજે ટકોરા માર્યા. ઈન્સ્પેક્ટર ધરપકડ કરવા આવ્યા હશે એમ માની ગતિ ગભરાઈ ગઈ. પણ ઈન્સ્પેક્ટરે કહ્યું : ''તમારે નાનો ભાઈ જોશ છે, પણ કોઈ મોટો ભાઈ નથી. હું તમારો આજથી મોટો ભાઈ !''
''તો એક કામ કરશો ? છાત્રાલયમાંથી અમારા નાના ભાઈને તેડી લાવશો ? એના પ્રેમ માટે અમે ઝૂરીએ છીએ.'' પ્રગતિએ કહ્યું.
''ઈન્સ્પેક્ટરે કહ્યું :''થોડી રાહ જુઓ. ''
થોડી જ વારમાં એક પોલિસમેન જોશ અને તેની સાથે એક બાળકને લઈને હાજર થયો. જોશને જોઈને બન્ને બહેનોની આંખમાંથી ગંગા-જમના વહેવા લાગી. પ્રગતિએ થોડી વાર બાદ સ્વસ્થ થઈને કહ્યું : ''ભાઈ જોશ, તારી સાથે આ બાળક કોણ છે ?''
જોશે કહ્યું : ''દીદી, આ એ બાળક છે જેને મેં એક્સીડેન્ટમાં ઘાયલ કર્યો હતો. સાજો થયા બાદ એને રહેવાનું કોઈ ઠેકાણું નહોતું એટલે એણે અનાથાશ્રમનું શરણું લીધું હતું. મેં પોલિસ-ઈન્સ્પેક્ટર સાહેબને તેની ભાળ મેળવી આપવા વિનંતી કરી હતી અને ઈન્સ્પેક્ટર સાહેબે અનાથાશ્રમમાંથી તેને મુક્ત કરાવી મારી સાથે ભેટો કરાવ્યો હતો. દીદી, તમારી સમ્મતિની અપેક્ષાએ હું તેને 'અનાથ'માંથી 'સનાથ' બનાવવા મારી સાથે લાવ્યો છું. મારો અપરાધ ક્ષમા કરજો.''
પ્રગતિએ કહ્યું : ''વીરા, તેં નેક કામ કર્યું છે. લોકો અકસ્માત કરી ભાગી જાય છે તેને બદલે તેં અનાથ બાળકને શોધી આશરો આપ્યો. તેં એક ઉત્તમ કામ કર્યું છે. તું અનુરાધામાતાના દીકરાને લાયક નહીં પણ પ્રગતિ અને ગતિનો વહાલસોયો ભાઈ છું. આપણી જિંદગીની આ નવી સવાર આપને મુબારક '' - કહી પેલા અનાથ બાળકને પ્રગતિએ ખોળામાં બેસાડયો હતો.