- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
- જામથી જામ ટકરાય તો લિજ્જત આવે. નજરથી નજર ટકરાય તોય લિજ્જત આવે. જામ દેખાડયો, પણ પિવડાવ્યો નહિ. જિગરને તરસાવીને ચાલતાં થયાં.
બ રકત વીરાણી બેફામનું આ જન્મશતાબ્દી વર્ષ ચાલે છે. બેફામ નામ લેતાંવેંત કેટકેટલી ગઝલો સાંભરે ! આપણામાંથી કેટલાં જાણતાં હશે કે બેફામે ફિલ્મ માટે યાદગાર ગીતો પણ લખ્યાં છે? જેમ કે 'અખંડ સૌભાગ્યવતી' માટેનું આ ગીત, સંગીત છે કલ્યાણજી આનંદજીનું અને સ્વર મુકેશનોઃ
નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે
જિગરને આમ તરસાવીને ચાલ્યાં ક્યાં તમે
તમને બોલાવે પ્યાર તમે ઊભાં રહો
દિલના ખુલ્લાં છે દ્વાર તમે ઊભાં રહો
જરા ઊભાં રહો, જરા ઊભાં રહો
જીવનને આંગણે આવીને ચાલ્યાં ક્યાં તમે
મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયનાં ફૂલ કરમાવીને ચાલ્યાં ક્યાં તમે
થઈને પૂનમની રાત તમે આવ્યાં હતાં
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતાં
તમે આવ્યાં હતાં, તમે આવ્યાં હતાં
વિરહની આગ સળગાવીને ચાલ્યાં ક્યાં તમે
કવિ નજરને જામની ઉપમા આપે છે. જામથી જામ ટકરાય તો લિજ્જત આવે. નજરથી નજર ટકરાય તોય લિજ્જત આવે. જામ દેખાડયો, પણ પિવડાવ્યો નહિ. જિગરને તરસાવીને ચાલતાં થયાં. જવા કરતી પ્રેયસીને રોકવાનું, મનાવવાનું આ ગીત છે. કવિએ કેવી પદાવલિ પ્રયોજી છે? પ્યારનો પોકાર, દિલનાં દ્વાર, જીવનનું આગણું, પ્રણયનાં ફૂલ, જીવનનું પ્રભાત, વિરહની આગ આવાં કલ્પનો સહસ્ત્રો વાર વપરાઈ ચૂક્યાં છે. છતાં સાંભળવાં ગમે છે. પોએટ્રી અને લિરિક્સમાં તફાવત હોય. પોલ મેકાર્ટની અને જ્હોન લેનન લખે તે લિરિક્સઃ વર્ડ્સવર્થ અને શેલી લખે તે પોએટ્રી. અવિનાશ વ્યાસ લખે તે લિરિક્સઃ ઉમાશંકર જોશી લખે તે પોએટ્રી. ઊંચનીચનો ભેદભાવ કરવાની આ વાત નથી. ઉમાશંકર ફિલ્મના ગીત લખવા બેસે તો નિષ્ફળ નીવડે. બેફામની રચના ફિલ્મી ગીત તરીકે ઉત્તમ જ છે. દિલ, જિગર, પૂનમ, ફૂલ એવા શબ્દોથી પ્રણયનું વાતાવરણ રચાતું જાય છે. પ્રેક્ષકો હાથમાં પુસ્તક લઈને ન બેસે. ગીત સંભળાતાંવેંત ગમ્યું કે ન ગમ્યું એવો રોકડિયો હિસાબ હોય.
છેલ્લા અંતરાની પહેલી બે પંક્તિઓમાં વિસંગતિ છે. પ્રેયસી પૂનમની રાત થઈને આવી, કે પ્રભાત થઈને આવી?
બેફામ મૂળે તો ગઝલકાર. શેરની બીજી પંક્તિને અંતે આવે, તે રદીફ. તે પદ્ધતિથી પંક્તિને અંતે અહીં રદીફ જોવા મળે છે. ચાલ્યાં ક્યાં તમે, તમે ઊભાં રહો, મને માફ કરો, તમે આવ્યાં હતાં, કવિએ ટ, ઠ, ડ, ઢ જેવા કઠોર વ્યંજનો વર્જ્ય ગણ્યા છે.
આ જ ફિલ્મ માટે બેફામનું બીજું ગીત ગાયું છે લતા મંગેશકરેઃ
વેરણ થઈ ગઈ રાતડી, રહેતી આંખ ઉદાસ
સપનાં પણ પહોંચ્યાં સખી, મારાં સાંવરિયાની પાસ
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો
જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાંવરિયો
જમુના તીર જઈ, ભરવા હું નીર ગઈ
પ્રીતની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ
તોયે હું રહી ગઈ તરસી
તનડું ભીંજાય તોયે રોમ રોમ લ્હાય
મારા નટખટનાં નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો.
મીઠી રે મોરલી, ને કાને તેડાવી મને
એના તે સૂરમાં સાંધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હારથી બાંધી
લંબાવી હાથ એની પાઘડીની સાથ
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો..
જોયા ના તારલા ને જોઈ ના ચાંદની
જોઈ ના કાંઈ રાતરાણી
ચડતું'તું ઘેન અને ઘટતી'તી રેન
એવી વાલમની વાણી
ભૂલી તે ભાન રહ્યું કાંઈયે ના સાન
જ્યારે ઊગી ગઈ આભમાં ભોર
એવો મારો સાંવરિયો.
ગીતને આરંભે દુહો મૂકવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. પીયુના વિરહમાં નિંદર ઊડી ગઈ. નિંદર વિના સપનાં ક્યાંથી આવે? આમ બેવડું દુઃખ પડયું. સપનાં પણ પહોંચ્યાં સખી, મારા સાંવરિયાની પાસ- જ્યાં કાવ્યનાયિકા ન પહોંચી શકી ત્યાં એનાં સપનાં પહોંચી ગયાં. અહીં નાયક-નાયિકાને કૃષ્ણ-રાધાની પરંપરામાં કલ્પ્યાં છે. કૃષ્ણ ન કહેતાં નંદનો કિશોર કહ્યો છે - મનના માનેલનું નામ લેતાં લાજ તો આવે જ ને. હૈયાની હેલ છલકી પણ નાયિકા તરસી રહી ગઈ. ગઝલોમાં ગલતફેમી, ઐશ, મુફલિસી, મયકશી જેવા શબ્દો વાપરનાર બેફામની પદાવલિ અહીં સાવ નિરાળી છેઃ વેરણ, સાંવરિયો, ચિત્તનો ચોર, નંદનો કિશોર, નઠોર - બેફામ સવ્યસાચિ પુરવાર થાય છે. હિંદુ-મુસલમાન સંસ્કારો એકમેકમાં ભળી ગયા છે. (બેફામના સસરા શયદાની કબર પર આ મતલા કોતરાયો છેઃ મને એ જોઈને હસવું હજારો વાર આવે છે / પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે! ખુદા નહિ, પણ પ્રભુ.)
ગીતમાં અંત્યાનુપ્રાસ તો આવે જ. (ચોર-કિશોર, વરસી-તરસી, સાંધી-બાંધી, વિ.) પરંતુ ગેયતા વધારવા અહીં મધ્યાનુપ્રાસ પણ મુકાયા છે. (તીર-નીર, ભીંજાય-લ્હાય, હાથ-સાથ, વિ.) લતા મંગેશકરે જ ગાયેલું બેફામનું અન્ય ફિલ્મી ગીતઃ
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી,
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
માના ખોળા સમું આંગણું તે મૂક્યું
બાપના મન સમું બારણું તે મૂક્યું
તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી
ભગવાનને આજ ભળાવી દીધી
વિશ્વાસ કરીને વળાવી દીધી
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
આ ફિલ્મ ૧૯૬૪માં પ્રદર્શિત થઈ હોવાથી ગીતમાં તે વેળાની સામાજિક માન્યતા દેખાય છે. આજની સ્ત્રીને તમે ભગવાન ભરોસે ભળાવી ન શકો, આજથી તારો સાચો સગો પતિ, પિયરિયાંને ભૂલી જજે એમ કહી ન શકો. આના ઉપરાંત બેફામે જાલમસંગ જાડેજા અને દીવાદાંડી ચલચિત્રો માટે પણ ગીતો લખ્યાં હતાં.
શતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે ઉપર બેઠા બેફામ કહી રહ્યા હશે, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.


