અંતે તો એકબીજાને ગમતા રહેવું .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'મારી આગળ ખોટી હોંશીયારી નહીં કરવાની. પોતાની બહેન વાંકમાં આવી એટલે તમારી પાસે મને દબડાવવા માટે બીજું કશું વધ્યું નથી...'
'હે લ્લો મા, કેમ છે. સોરી યાર હોં... એક પ્રોજેક્ટમાં અટવાયેલી હતી એટલે લાસ્ટ વીક તારી સાથે વાત થઈ નહોતી. એન્ડ ગેસ વોટ... હું આવતા મહિને ઈન્ડિયા આવી રહી છું. હવે મારે સાત મહિના તારી સાથે જ રહેવાનું છે.' - વિહાના ખૂબ જ ઉત્સાહમાં બોલી પડી.
'વિહુ તારા પ્રોજેક્ટોથી તો હું થાકી ગઈ છું. જ્યારથી એન્જિનિયર થઈને નોકરી કરવા લાગી છે ત્યારથી પોતાના મા-બાપને તો સાવ ભુલી જ ગઈ છે. પહેલાં તો દેશમાં ફરતી હતી હવે તો વિદેશ જવા લાગી છે. હવે મને સમજાવે છે કે, સાત મહિના તારી પાસે આવવાની છું. સાત મહિના પછી ક્યાં જવાની છું એ કહેવાનું હોય. મને ખબર છે તારા નખરાં બધા.' - મૈત્રેયીબેન હળવાશથી બોલ્યા અને હસી પડયા. સામા છેડે વિહાના પણ હસી પડી.
'આ મમ્મીઓને બધી કેવી રીતે ખબર પડી જતી હશે. મને તો સમજાતું જ નથી.' - વિહાનાએ કહ્યું.
'બેટા, પહેલાં લગન કરો, બાળક લાવો એટલે આપોઆપ સમજાઈ જશે, હોં.' - મૈત્રીયી બેને કહ્યું.
'મમ્મી પ્લીઝ યાર તું ફરી શરૂ ના કરીશ. મારે કોઈ લગ્ન કરવા નથી. કદાચ કરવા હશે તો પછી વિચારીશ.' - વિહાનાએ વાત ટાળતા કહ્યું.
મા અને દીકરી વચ્ચે આવી જ કેટલીક ઔપચારિક વાતો થઈ અને ફોન મુકાઈ ગયો. બંને એકબીજાને મળવા માટે વલખાં મારતા હતા. મૈત્રેયી અને વિહાના બંને એકબીજાના પુરક હતા. દેખાવ, સ્વભાવ, બોલચાલ, સંસ્કાર, હાવભાવ બધું જ વિહાનાને જાણે કે મૈત્રેયી પાસેથી મળ્યું હતું. તેના પિતા પાસેથી મળ્યા હતા સાહસ અને જીદ. તેના આધારે જ તો વિહાના વિદેશમાં આરામથી નોકરી કરતી હતી, એકલી રહેતી હતી અને ખુમારીથી રહેતી હતી. વિહાનાને લગ્ન કરવા નહોતા. તેની પાછળ ઘણા કારણો હતા છતાં તે મુક્તમને પોતાના માતા-પિતાને લગ્ન નહીં કરવાનું નક્કર કારણ આપી શકતી નહોતી. તેને ખબર હતી કે આ વખતે પણ તે ઘરે પહોંચશે એટલે મુરતીયાઓની યાદી તૈયાર જ હશે અને મમ્મી તેની પાછળ પડી જશે.
આમ જોવા જઈએ તો થયું પણ એવું જ. મહિના પછી વિહાના ઘરે આવી અને બીજા જ અઠવાડિયે તેના ઘરે મહેમાન આવ્યા. વિહાના સમજી ગઈ કે આ અચાનક શું ગોઠવાયું છે પણ તેણે કળથી બધું પાર પાડયું અને છોકરાને પણ શાનમાં સમજાવીને રવાના કરી દીધો. થોડો સમય પસાર થયો અને મૈત્રેયીએ ફરીથી વિહાના માટે મુરતીયા શોધવાની શરૂઆત કરી દીધી.
'વિહુ બેટા... કાલે સ્વાતી કાકીના ઘરે જવાનું છે. કાકી તને કોઈને મળાવવા માગે છે.' - મૈત્રેયીએ વિહાનાને કહ્યું.
'મમ્મી મારે લગ્ન નથી કરવા. હું તારી જેમ, માસીની જેમ, ફીયાની જેમ કે આ જગતની લગભગ બધી એવરેજ સ્ત્રીઓની જેમ સંસારની કચકચ સહન કરી શકું એમ નથી. પ્લીઝ મને આ છોકરાઓ બતાવવાનું છોડી દે.' - વિહાનાએ એટલું કહ્યું અને ઘરની બહાર જતી રહી.
'તે નક્કી કર્યું છે કે, મને મારી નાખવો છે. તને ખબર છે કે મને હાઈપર એસિડિટી છે તો પણ તે શાકમાં મરચું વધારે નાખ્યું. પુલાવમાં પણ ગરમ મસાલો નાખ્યો છે. તારે મારી જ નાખવો હોય તો સીધું ઝેર આપી દે ને. આવી રીતે શું કામ મારે છે મને.' - વિહાના ઘરમાં ઘુસી ત્યાં જ તેના કાને આ ડાયલોગ સંભળાયા. તેણે ઘરની ઓસરીમાંથી જ જોઈ લીધું કે, પપ્પા અને મમ્મી વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
'રસોઈ મેં નથી બનાવી. વિહુને આવેલી છે એટલે તમારી બહેને જમવાનું મોકલાવ્યું છે. તેના ઘરેથી બધું આવ્યું છે. તમારે જે બરાડા પાડવા હોય તે તમારી બહેનના ઘરે જઈને પાડો. મારી સામે ઉંચા અવાજે વાત નહીં કરવાની કહી દઉં છું.' - મૈત્રેયીએ પણ મોટા અવાજે જ જવાબ આપ્યો.
'અવાજ ધીમો રાખ, મને સંભળાય છે. મારી બહેને જમવાનું મોકલાવ્યું છે એટલે તું આ તુમાખીથી જવાબ આપે છે. તારા પોતાના કોઈ ઠેકાણા નથી એ નથી જોતી.' - પપ્પા બોલ્યા.
'મારી આગળ ખોટી હોંશીયારી નહીં કરવાની. પોતાની બહેન વાંકમાં આવી એટલે તમારી પાસે મને દબડાવવા માટે બીજું કશું વધ્યું નથી તેથી મોટા અવાજની વાતો કરો છો. મોટા અવાજે તો તમે પણ બરાડા પાડતા હોવ છો. મેં તેવી જ રીતે જવાબ આપ્યો એટલે મરચાં લાગી ગયા.' - મમ્મી વધારે અકળાઈ.
'મારી બહેનનું નામ જ ન લઈશ. લગનને આજે ત્રીસ વર્ષ થયા આ છોકરી પરણાવવા જેવડી થઈ અને હજી તારા રસોઈ બનાવવાના ઠેકાણા નથી.' - પપ્પાએ ઘાંટા પાડીને કહ્યું.
'આખો દિવસ શું રસોઈ-રસોઈ કર્યા કરો છો. તમારી પાસે ઝઘડવા માટે રસોઈ અને ઘરકામ સિવાય બીજો કોઈ મુદ્દો હોય છે. કોઈપણ મુદ્દે મને ગાળો દેવાની અથવા મારા મા-બાપને દેવાની. એ સિવાય તમને કશું આવડે છે.' - મમ્મી પણ અકળાઈ.
'મને અને મારા ઘરનાને જે આવડે છે તે તારા આખા ઘરનાને હજી સુધી આવડયું નથી. તારી જ વાત કરું તો, તારી એક છોકરી છે એનેય તું હરખી રાખી શકી નથી. એના પોતાના લગ્ન કરવાના છે તોય હજી મમ્મીની સાડીનો છેડો છુટતો નથી. મારું મોઢું ના ખોલાવીશ.' - પપ્પાએ મમ્મીનું બાવડું પકડીને જોરથી કહ્યું.
વિહાના હવે પોતાનું નામ વચ્ચે આવતા અકળાઈ ગઈ. તે ઓસરીમાંથી સીધી જ પોતાના રૂમ તરફ દોડી ગઈ. રૂમમાં તેણે જોયું તો તેના હિંચકા ઉપર એક એન્વેલપ પડયું હતું. તેણે એન્વેલપ ખોલ્યું તો અંદર ત્રણ છોકરાઓના ફોટા અને બાયોડેટા હતા. તેણે બધું જ ગુસ્સામાં ફેંકી દીધું. અનાયાસે તેના મોઢામાંથી ગુસ્સામાં એક ચીસ પણ નીકળી ગઈ. બીજી તરફ તેને રસોડામાં વાસણ પછડાવાનો અવાજ પણ સંભળાયો. ત્યારબાદ કદાચ બધું જ શાંત થઈ ગયું.
થોડીવાર તે હિંચકામાં જ બેસી રહી. લગભગ અડધો કલાક થયો, ઘરમાં જરાય અવાજ આવતો નહોતો. વિહાનાને લાગ્યું કે, પપ્પા આદત પ્રમાણે રૂમમાં જઈને ઉંઘી ગયા હશે અને મમ્મી આગળ હિંચકામાં બેસીને રડતી હશે. વિહાના ઘરનું વાતાવરણ જોવા પોતાના રૂમમાંથી બહાર આવી.
'તું યાર ખોટી અકળાઈ જાય છે. તને ખબર છે કે, મને ગુસ્સો આવી જાય છે તો તું પાછી સામે જવાબો આપે છે. તને ખબર છે ને કે મને કોઈ સામે જવાબ આપે એટલે મારી ડાગળી ચસકે છે.' - પપ્પા બોલતા જતા હતા અને આંસુ સારતી મમ્મીને પોતાના હાથે ખવડાવતા જતા હતા. બંને રસોડાના ખૂણામાં ઊભા ઊભા જ સમાધાન કરતા દેખાતા હતા.
'શરૂઆત તમે કરી હતી. તમે મારા વિશે ગમેતેમ બોલતા હતા. તમારા ઘરના બધા હોંશિયાર છે તો પછી નાચતા-કુદતા મને લેવા કેમ આવ્યા હતા. ત્યારે તો આખો દિવસે મીતુ.... મીતુ... કરતા ફરતા હતા. મને કે મારા ઘરનાને ગમે તેમ નહીં કહેવાનું, આ છેલ્લી વખત જવા દઉં છું.' - મમ્મીએ આંસુ લુછતા કહ્યું.
'સારું હવે નહીં કહું બસ. આ છેલ્લી વખત સોરી. હવે આવું કશું જ નહીં કરું. આઈ લવ યુ યાર...' - પપ્પાએ મમ્મીને લાડથી કહ્યું અને મમ્મીએ પપ્પાના ખભે માથું મુકી દીધું.
'તમે કાયમ છેલ્લી વખત સોરી કહીને પછી બોલો છો. હવે આ ખરેખર છેલ્લી વખત હોવું જોઈએ.' - મમ્મીએ કહ્યું.
'મીતુ... ઘર હોય તો વાસણ ખખડે. મને તારી જોડે ઝઘડવામાં પણ આનંદ આવે છે. ઝઘડો થયા પછી તું રિસાઈ જાય છે ત્યારે તને મનાવવામાં મને એવો જ આનંદ આવે છે. તું ડોશી થઈ જઈશ તો પણ હું તારી સાથે ઝઘડીશ તો ખરો જ. તને ખબર છે ને આપણે સાથે ઘરડા થવા અને છેલ્લાં શ્વાસ સુધી પ્રેમ કરવા માટે જ લગ્ન કર્યા છે. આઈ લવ યુ મીતુ... પહેલાં જેવું જ.' - પપ્પાએ એટલું કહીને મમ્મીને કોળિયો ભરાવ્યો અને તેના કપાળ ઉપર ચુંબન કરી લીધું.
વિહાના પણ ખુશ થઈને પોતાના રૂમમાં ગઈ અને ફેંકી દીધેલા બાયોડેટા અને તસવીરો હાથમાં લઈને કોઈ છોકરો ગમી જાય છે કે કેમ તે ચકાસવા લાગી.
'લડવું, ઝઘડવું, રિસાવું, મનાવવું, હસવું, રડવું અને બીજું ઘણું બધું છે પણ અંતે તો એકબીજાને ગમતા રહેવું...' - વિહાનાને મમ્મીનું વાક્ય યાદ આવ્યું અને ફરી તેના ચહેરા ઉપર સ્મિત આવી ગયું...