Get The App

ભોજન : માનસિક સ્વાસ્થ્ય માટેનો આહાર અને ઓડકાર

Updated: Apr 2nd, 2023

GS TEAM

Google News
Google News
ભોજન : માનસિક સ્વાસ્થ્ય માટેનો આહાર અને ઓડકાર 1 - image


- હોરાઈઝન-ભવેન કચ્છી

- શ્રમિકો અને ઓફિસના કર્મચારીઓ સાથે બેસીને ટિફિન ખોલે ત્યારે  કે પરિવારના સભ્યો ડાઇનિંગ ટેબલ પર સ્થાન ગ્રહણ કરે ત્યારે વાનગી સાધન અને સમૂહ ભોજન સાધના બની જતી હોય છે

- અંગ્રેજો આપણા મનમાં ઘુસાડી ગયા કે 'ઘેર ઇઝ નો ફ્રી લંચ' પણ ભારતમાં તો નિઃસ્વાર્થ ભોજન પીરસીને જ આત્મિક સંબંધોનું જોડાણ થાય છે

આ પણા બે દેહ છે. એક સ્થૂળ અને બીજો સૂક્ષ્મ દેહ. બંને અરસપરસ જોડાયેલા છે અને આપણું દૈહિક અને માનસિક સ્વાસ્થ્ય નક્કી કરે છે. આપણે મહદ્અંશે સ્થૂળ શરીર અને ઇન્દ્રિયોની તૃપ્તિ માટેના ખોરાક એટલે કે આહાર અને ઉપભોગ પર જ ધ્યાન કેન્દ્રિત કરીને જીવન જીવતા હોઈએ છીએ. જે પણ સ્થૂળ શરીર માટે કરીએ તેની પાછળ 'માણ્યું'ની લાગણી ઉમેરવી જરૂરી થઈ ગઈ છે.

આહારથી દેહને ઊર્જા જરૂર મળે છે. વિટામિન, પ્રોટીન, પ્રવાહી અને મિનરલ્સ થકી શરીરના કોશો પોષણ મેળવે છે. તબીબી જગત પણ ઉપચાર સાથે આહારને જ વિશેષ મહત્વ આપે છે. 'અન્ન તેવો ઓડકાર' તેવી કહેવત પણ પ્રચલિત છે.

સવારમાં  ઉઠવા સાથે જ બારી બહાર ઊગેલ સૂરજનો ઉજાશ અને તમે ઉઠયા તે પહેલેથી જ શરૂ થઈ ગયેલ જનજીવનના ધબકાર જોવાની તસ્દી લીધા વગર આપણો સૌપ્રથમ સવાલ એ હોય છે કે આજે નાસ્તામાં અને ભોજનમાં શું છે. ઘણા તો બપોરનું ભરપેટ ભોજન લેતા જ વિષય છેડે છે કે આજે સાંજે ભોજનમાં શું હશે.

અહીં માત્ર સાત્વિક ભોજનની વાત નથી પણ દેશી અને કોન્ટીનેન્ટલ ફૂડના ચટાકાની પણ વાત છે. સ્વાસ્થ્યપ્રદ રહેવા માટેનો ડાયટ પ્લાન પણ અમીરોને જ પોષાય તેવો હોય છે. એકટાણું ઉપવાસ કરનારને સાચવવા અઘરા પડે તેવી પણ તેઓની આહારની દુનિયા થતી જાય છે.

 ભોજન કે નાસ્તા સાવ એકલા બેસીને આરોગો તો તેના તત્વોના દેહને સ્થૂળ ફાયદા જ મળે છે પણ પરિવાર સાથે, મિત્રો કે સહકર્મચારી જોડે તે ભોજન કે નાસ્તો લેતા તેમાં સૂક્ષ્મ ઊર્જા પણ ભળી જાય છે.

આપણે ૨૧મી સદીમાં સૂક્ષ્મને મહત્વ આપીશું તો જ પ્રસન્ન રહીશું. સ્થૂળ ક્રિયામાં પણ સૂક્ષ્મ શક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે શીખવું પડશે. જો આપણે તેમ કરીશું તો આપણા કાર્યમાં અને આપણી પ્રતિભામાં ખીલી ઉઠીશું. આપણા પરિવાર અને સમાજના સંબંધો નવી ઊંચાઈ મેળવશે.મુસ્લિમ સમાજ મોટી થાળીની ગોળ ફરતે ગોઠવાઈને ભોજન આરોગે છે આ કારણે તેઓમાં બંધુત્વની ભાવના વિશેષ જોવા મળે છે. આર્થિક ભીંસ હોય તો પણ પરિવાર આ રીતે ભોજન લેતો હોઇ હૂંફ અનુભવે છે.

બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિકો, કારીગરોથી માંડી ઓફિસની રીસેસમાં કર્મચારી સાથે ભોજન કરે ત્યારે તેઓના ટિફિન સામે પોતાના શાહી ટેબલ, ક્રોકરી, નોકર ચાકર સાથેના વિવિધ વ્યંજનોનો  ઠાઠ શ્રીમંતોને ગરીબાઈનો એહસાસ કરાવે  છે. સાથે બેસીને એકબીજાના ટિફિનની વાનગીઓની આપ લે તનાવ મુક્તિ તેમજ સંઘભાવનાની રીતે માનસિક ખોરાક પુરવાર થાય છે. ઓફિસના રાજકારણની, બોસના ઠપકાથી માંડી સંતાનોની સફળતા - નિષ્ફળતાની કે કૌટુંબિક ઘર્ષણ અને આઘાત સુધીના વિષયો પરની વાતચીત એક પ્રકારનું હિલિંગનું કાર્ય પાર પાડે છે. શ્રમિક કે કર્મચારીની  કાર્યક્ષમતા તો વધે જ છે પણ તે ઘેર પણ તનાવમુક્ત બનીને જાય છે.

ઓફિસમાં વીસ પચ્ચીસ રૂપિયા વ્યક્તિદીઠ લઈને કોઈ કોઈ વખત કર્મચારીઓ ટેબલ પર સમોસા કે ભજીયાનું મોટું પડીકું પાથરીને હંસી મજાક સાથે તે મિજબાની માણે ત્યારે વાનગી સાધન અને સહભોજન સાધના બની જતી હોય છે.

નેતાઓ  કોંફરન્સ  ટેબલ પર  કે શિખર પરિષદમાં ક્યારેય ઉકેલી ન શકાય તેવી સમસ્યા ડિનર ડિપ્લોમસી સાથે ઉકેલી શકે છે.

દર શનિ અને રવિવારે હવે સાંજનું ભોજન તો બહાર જ મિત્રો કે પરિવારજનો સાથે થતું હોય છે. ભલે બહાર થતું, પણ બધા સાથે હોવા જોઈએ. તેમાં એક સુધારો અનિવાર્ય જણાય છે. પાંચ વખત ભલે તમે મિત્ર વર્તુળ જોડે ભોજન લેતા હો પણ તેમાંથી એક કે બે વખત તમારા પરિવાર જોડે ભોજન લો. રોજ રાત્રે શક્ય હોય તો અતિ ઉત્તમ બાકી વ્યસ્ત હો કે સમયની રીતે ગોઠવાતું ન હોય તો અઠવાડિયામાં એક બે વખત તો સાથે ભોજન લેવું જ જોઈએ.

આજે દામ્પત્ય જીવન અને પારિવારિક સમસ્યા વધતી જાય છે તેનું એક કારણ સંવાદનો અભાવ છે અને આ ત્રુટિ સહભોજન દૂર કરી શકે છે. મિત્રો જોડેના સંબંધો વધ્યા છે પણ પોતાના પતિ કે પત્ની કે ભાઈ, બહેન, કાકા, મામા અને ફોઈના સંતાનો જોડે કોઈ જોડાણ નથી.આપણે આપણા મૂળ અને કુળથી જુદા થઈને આધુનિક દેખાવ જઈશું તો ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ અને જડીબુટ્ટી સમાન પરિવારની દામ્પત્ય જીવનની વ્યવસ્થાનો ધ્વંસ કરી બેસીશું. શું પશ્ચિમ જગત જેવી ભોજન વ્યવસ્થા, રસોડાની મૌજુદગી જ ન હોવી કે માતા - પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોનો સંતાન ૧૭ વર્ષનો થાય ત્યાં જ અંત આવે તેવું આપણે ઇચ્છીએ છીએ? પશ્ચિમ જગતની જેમ સહજ રીતે એક કે વધુ છૂટાછેડા માટેની આપણી તૈયારી છે? ત્યાં સ્ત્રીની ભૂમિકા હક્કની રીતે સમાન હોવી જોઈએ તે માંગ છે. આપણે પણ સમજ્યા વિચાર વગર તે માર્ગ અખત્યાર કર્યો છે.

પશ્ચિમના દેશોના ગોરા વાલી એમ ફરિયાદ નથી કરતો કે જુઓને મારું સંતાન ૧૬ વર્ષે જ તેની મિત્ર જોડે ઘર છોડીને બીજા રહેવા ચાલ્યું ગયું. કેમ કે ત્યાં આ જ સિસ્ટમ છે. જેનેટિક છે. છૂટાછેડામાં પણ વિશ્વાસઘાત કર્યો, બેવફાઈ કરી જેવો ચિત્કાર નથી સંભળાતો. આઠ દસ વર્ષ થઈ જાય પછી તો કોઈ દેખીતું કારણ જ ન હોય તો પણ પાર્ટનર બદલાય.

આપણે આપણું રસોડું નીકાળી દીધું અને વિદેશીઓ જેમ રહેવા માંડયા અને આધુનિક ગણાવી રોફ પણ લગાવતા થયા. 

આજે પણ આપણે આપણી માતા કે પત્ની માટે એટલે જ આદર, સન્માન અને પ્રેમ યાદ રાખીએ છીએ કે તેઓએ આપણા માટે નિઃસ્વાર્થ કંઇક કર્યું છે. આપણે તેને ઉતારી ન શકીએ તેવું ઋણ ગણીએ છીએ. તો સામે પિતા કે પતિ પણ સખ્ત મહેનત કરીને, પોતે સાયકલ પર ફરીને સંતાનો અને પત્નીને  સુખ આપવા માટે જીવન અને તેઓની આકાંક્ષા ધરબી દેતા હોય છે.આ જ કારણે પરસ્પર પ્રેમ, ઋણની ભાવના અને તમે આ કરો, હું આ જવાબદારી લઈ તમને ખુશ અને હળવા રાખીશ તેવી ભાવના પરસ્પર જાગે છે. એક ટંક ભોજન સાથે લેવું, એકબીજાનુ ભાવતું બનાવી દેવું, ઇંતેજાર કરવો, ખુશીથી વિદાય આપવી આ બધું જ પ્રેમને આગળ વધારે છે. 'તે મારા માટે આટલું કર્યું હું તારા માટે આટલું ન કરી શકું?' જેવો ભાવ જાગે તેવું આપણે કંઈ જ કરીએ નહીં તો એક છત નીચે બે કે પરિવારની ચાર વ્યક્તિ રહેતી હોય તેવું વધારે લાગે. ઘણા દંપતી કે પરિવારના સભ્યો પોતપોતાની જ સ્વાર્થ અને આરામદેહ વૃત્તિથી જીવતા હોય ત્યારે એવું લાગે કે આના કરતા તો હોસ્ટેલમાં એક રૂમમાં કે એપાર્ટમેન્ટમાં રહેતા પી.જી. વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ વધુ ખુશીનો એહસાસ અનુભવતા હશે.

પરસ્પર એકબીજાની દરકાર લેવાથી, થોડા ઘસાવાથી, આપણી જીવનશૈલી જોડે થોડું સમાધાન કરવાથી અને એબોવ ઓલ સાથે ભોજન લેવાથી એક અનેરું માનસિક સ્વાસ્થ્ય પરિવારને સાંપડતું હોય છે. આખરે તો 'તમે મારી કેટલી કાળજી લો છો' તેમાંથી જ કંઇક પરત આપવાની ભાવના કેળવતી હોય છે.

જો માતા અને પિતા તેમજ પતિ અને પત્ની તેમની સોચ આપણી સંસ્કૃતિ અને પરંપરાથી દૂર લઈ જશે તો સંતાનો પણ તેવો જ પ્રતિભાવ આગળ જતા આપશે. મોટેભાગે તો સંતાનો તેમના માતા પિતા જેવી જ સોચ કે શિખામણ સાથે જીવન આગળ વિતાવતા હોય છે. તેમાં વળી મુકિતવાદ, સમાનતા  અને પશ્ચિમી સંસ્કૃતિનો ડોઝ ઉમેરાય છે.

શારીરિક કે દેહ અને ઇન્દ્રિય માટેનો જે ખોરાક માનવી લે છે તેના પર ભાર મૂકે છે પણ વ્યક્તિ, પરિવાર અને સમાજ આખરે તો તેનો માનસિક ખોરાક શું છે તેનાથી બને છે. ભોજન તો અન્ય પ્રાણી પણ આરોગે છે. પણ માનવી સિવાયની જીવસૃષ્ટિ પાસે માનસિક ખોરાક લેવાની ક્ષમતા નથી.બૌધ્ધિક કે આધ્યાત્મિક રીતે માનવી જ વધુને વધુ વિકસી શકે છે. 

અત્યારે આટલા બધા નાસ્તા, વૈશ્વિક ફાસ્ટ ફૂડ, રેસિપી અને ખુમચાથી માંડી રેસ્ટોરાં ઉપલબ્ધ છે. વ્યક્તિ ધારે તે ઘેરબેઠાં મંગાવી શકે છે પણ તેને ખરો આનંદ કે ઉજવણીનો એહસાસ તો જ થશે જો તેની સાથે મિત્રો,પરિવારજનો કે ગ્રુપ હોય. આ જ કારણે મેળાવડા અને સહપ્રવાસ વધતા જાય છે.

પરિવારને, મિત્રોને કે પાડોશીને આત્મીયતા વધારવી હોય તો પરસ્પર ભોજન આપવું કે સાથે ભોજન માટે જવાના સંસ્કાર કેળવવા પડશે. વાટકી વ્યવહાર ભારતની જ સંસ્કૃતિ છે. કોઈ નવો પાડોશી આવે તો તેને પહેલા દિવસે સામાન ગોઠવાતો હોય ત્યારે આપણે ત્યાં તેને ભોજન પહોંચાડીને કે ઘેર આમંત્રણ આપીને સંબંધની શરૂઆત થતી હોય છે.

વિદેશમાં રહેતા આપણા સંતાનો કેટલાક મહિના સ્વદેશ રહીને પરત જાય ત્યારે પરપ્રાંતીય પાડોશીઓ હવે સગા બનીને ભોજનની વ્યવસ્થા કરતા હોય છે. આપણી યુવા પેઢીએ આવા સંસ્કાર જાળવી રાખ્યા છે.

કોઈ પાડોશી કે પરિવારજન બદલી થતાં કે અન્ય શહેર કે દેશમાં સ્થળાંતરિત થાય તો તેને ભોજન માટેનું આમંત્રણ એવી હદનું હોય છે કે તેનું છેલ્લા અઠવાડિયું તે રીતે પેક હોય.

તેવી જ રીતે કોઈ લાંબા અંતરાલે મુલાકાત લે તો પણ ભોજન માટેના આમંત્રણના સગા - સ્નેહી અને મિત્રોના ફોન શરૂ થઈ જાય છે.

આ ભોજનની વાનગી કે બજેટ મહત્વનું નથી. પણ વ્યક્તિને પારિવારિક અને સામાજિક રીતે હૂંફ અને આત્મસન્માનની લાગણી અર્પે છે. ભોજન કે કોઈ નાસ્તા કે છેલ્લે ચા પરની મુલાકાત, વાતો બે વ્યક્તિ, પરિવાર અને સમૂહને નજીક લાવી દેતું હોય છે. સ્વાદ કે ખાઈ લેવાની વૃત્તિ હોતી જ નથી પણ આત્મીયતા વધારવી હોય તો આવા મિલન મુલાકાતના પ્રસંગો પણ વધારવા જ રહ્યા.

આપણે ત્યાં અને વિશેષ કરીને તો સૌરાષ્ટ્રમાં કે ગિરનારના જંગલોમાં, ગીરમાં, અંતરિયાળ સ્થાનોમાં કોઈ ઓળખાણ નહીં, ફરી પાછું ક્યારેય મળવાનુ જ ન હોય, કોઈ અપેક્ષા નહીં છતાં આપણાં કરતા આર્થિક રીતે સાવ સામાન્ય અને ઝુંપડામાં રહેતું પરિવાર તમને રોટલો, શાક, છાશ પીરસે.

જંગલના મંદિરો અને નેસડામાં છાશ પડેલી હોય. બાવા મઢીની બહાર છોડના ઊગેલા લીંબુના પાંદડામાં ગોળ નાંખીને મજાની ગરમ ચા બનાવી આપે.

વિદેશના પ્રભાવ હેઠળ આપણે સામી વ્યક્તિ નિઃસ્વાર્થ ભોજન કરાવે તો પણ બોલતા થઈ ગયા છીએ કે 'ધેર ઇઝ નો ફ્રી લંચ.'

આજે સદાવ્રત અને ૨૪ કલાક મફતમાં ભોજન કરાવતા સ્થાનકો ભારતમાં છે. ગુરુદ્વારાના લંગરમાં પણ આ રીતે ભોજન પીરસાય છે. કોઈ એક રૂપિયાની પણ આશા નથી રાખતું. ઘણી જગ્યાએ તો સૂચના લખી હોય છે કે અનાજ, તેલ કે સામગ્રી, રૂપિયા દાનમાં આપવા નહીં.

આવું ભારતમાં કે વિદેશમાં ભારતીયો દ્વારા  જોઈ શકાય છે. હા, ભારતમાં ફ્રી અને કોઈપણ અપેક્ષા વગર અજાણ્યાને પણ ભોજન મળે છે અને તમે સૌએ પણ આ અનુભવ્યું હશે.

ભોજનને માનસિક ખોરાક પણ ગણો અને તેને નિમિત્ત બનાવીને પણ ડિપ્રેશન, તનાવ, પ્રેમના અભાવથી મુક્ત થાવ. હવે તો યુ ટયુબ પર જુદી જુદી વૈશ્વિક વાનગી બનાવીને તેને પરિવાર, મિત્રો સાથે આરોગવી 'સ્ટ્રેસ બસ્ટર' મનાય છે.

ભોજનને આત્મિક આનંદ, જોડાણ અને પરિવાર તેમજ સમાજને ટકાવી રાખવા માટેની થાળી ગણવું જોઈએ. આમ પણ આપણે ત્યાં જ કહેવત છે ને કે 'એકલા એકલા ખાય તેને ગાલ પચોળીયા થાય.'

Tags :