લેખક પાઇલટ છે અને વાચક નેવીગેટર છે
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'લેખક હવાઈ જહાજનો પાઇલટ છે અને વાચક એની જ પાસે ખોળામાં પૂરા આસમાનનો નકશો ખોલીને બેઠેલો નેવીગેટર છે, જે સતત માર્ગદર્શન અને દિશાદર્શન આપતો રહે છે'
અં ગ્રેજી સાહિત્યમાં 'ક્વોટેબલ ક્વોટ્સ' લખનારામાં બર્નાર્ડ શો, ઓસ્કાર વાઇલ્ડ અને માર્ક ટ્વેઇનનાં નામે લેવાય છે. મૌખિક અને લેખિત વિધાનોથી ચકચાર ઊભી કરનારા ગુજરાતી સાહિત્યકાર એટલે ચંદ્રકાન્ત બક્ષી. તેમણે લખ્યું કે ગુજરાતી વિવેચન એ વપરાયેલ સેનિટરી ટોવેલ છે. વળી ગુજરાતી કવિતા કોટેજ ઇન્ડસ્ટ્રી છે. બાથરૂમ સાફ કરવાના ઘર બનાવેલા વોશિંગ સોડાની જેમ એના બહુ ઘરાક નથી.
વિવેચન પર બક્ષીને ચીડ હોય તે સમજી શકાય, દાયકાઓ સુધી તેમને કોઇ ગણનાપાત્ર પુરસ્કાર મળ્યો નહોતો. તેમની નીવડેલી નવલકથા 'પેરેલિસિસ'ને ગુજરાત સરકારના તૃતીય ઇનામનો અડધો હિસ્સો મળેલો, જે તેમણે નકારેલો. વિવેચનમાં વહાલાં-દવલાંનો હિસાબ થાય છે એ કોઇ સ્ટેટ સીક્રેટ નથી, છતાં બક્ષીનું આત્યંતિક વિધાન તર્કશુદ્ધ નથી. જે ભાષામાં બ.ક. ઠાકોર, રામનારાયણ પાઠક, નગીનદાસ પારેખ, સુરેશ જોષી, સુન્દરમ્ જેવા વિદ્વાનોએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેખાડયું હોય, તેવા વિવેચનને સેનિટરી ટોવેલ ન કહી શકાય. (સુન્દરમ્ નું નામ લીધું તો યાદ આવે છે : તેમણે બક્ષીના પત્રના જવાબમાં લખેલું., 'તમારો બકવાસ મળ્યો, લાક્ષણિક છે.') પોતાની આત્મકથામાં બક્ષી લખે છે, 'ગુણવત્તા પ્રમાણે ઇનામો અપાતાં હોત તો અત્યાર સુધીમાં મારાં ઇનામોનો જુમલો પચાસના આંકડાને પાર કરી ગયો હોત.' આનો પ્રતિવાદ કરતાં ભરત મહેતા લખે છે, 'એકાદ બે સારી નવલકથાઓ, થોડીક વાર્તાઓ અને માહિતીપ્રચુર પત્રકારી લેખો બક્ષીનું સરવૈયું છે.'
એ ખરું છે કે કવિતાના બહુ ઘરાક નથી, કદી ય નહોતા, સુભાષિતકારે કહ્યું છે, ''तत्वं किमपि काव्यानां जानाति विरलो भुवि । मार्मिक: को मरंदानामंतरेण मध्रुव्रतम ।'' કોઇ વિરલા જ કાવ્યાના હાર્દને જાણી શકે છે, પુષ્પના પરાગને પારખવા માટે તો મધુકર જ જોઇએ. (બક્ષીનું પોતાનું એક કાવ્ય 'કવિતા' સામયિકમાં પ્રકટ થયું હતું !) એક ડગલું આગળ વધીને બક્ષી કહે છે કે, ગાળ ન બોલી શકનાર પુરુષ મર્દ નથી, ગાળ તો પુરુષની 'મેન્સિસ' છે. (ગાળ બોલનારા ગાળ સાંભળવા માટે તૈયાર હોય છે ખરા ?)
બક્ષીની નવલકથાઓમાંનાં અમુક અવતરણો હવે જોઈએ :
'પૈસા બહુ નહતા, એક નાની જિંદગી, અને એમાં પણ શરીર પાસેથી કામ લઇ શકાય એવાં થોડાં વર્ષો માત્ર પૈસાના ઉપાર્જન પાછળ ફૂંકી દેવાં, વાસી કાજુનાં બે પડ વચ્ચે પડી પડી કોતરતી આંધળી ઇયળની જેમ જાડા થયા કરવું, પૈસાદાર થયા કરવું, એકેન્દ્રિય થઇ જવું, નાના થઇ જવું, એ એનું કામ ન હતું.' (પેરેલિસિસ, ૧૯૬૭) મકરંદ દવેએ ગાયું છે, 'ઉપરવાળી બેંક બેઠી છે, કરશે માલામાલ/ નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !' એક કવિએ લખ્યું છે, 'લોકો મને પૂછે છે : કવિતામાં પૈસા ક્યાં છે ? હું તેમને પૂછું છું : પૈસામાં કવિતા ક્યાં છે ?' ઇયળની ઉપમા યથાર્થ છે : તે દ્રષ્ટિ-શ્રવણ-સ્પર્શ-ગંધની ઇંદ્રિયોને અવગણીને કેવળ સ્વાદેંદ્રિયથી કામ લે છે. ઉપભોક્તાવાદનું પરિણામ આવું જ હોય. આજકાલ ટૂંકા વાક્યોમાં જ રમમાણ રહેતા લેખકો, ઉપરના અવતરણમાં દીર્ઘ વાક્યની પ્રૌઢિ જોઈ શકશે.
'બધુ પસાર થઇ જાય છે જીવનમાંથી. સંબંધો સળગી જાય છે ચિંતાઓ પર. ધુમાડો રહી જાય છે. પછી વાસ રહી જાય છે. પછી સ્મૃતિ રહી જાય છે, પછી સ્મૃતિઓ પણ ઓગળતી જાય છે. યાદદાસ્તની એકાદ મૌસમ આવે છે, એકાદ સ્મૃતિ ભડકીને બુઝાઈ જાય છે - એમાં તણખા, આગ, ગરમાહટ કંઇ જ હોતું નથી. વરસાદ પછી રડતા એકાદ ખૂબસૂરત શહેરની શૂન્યતા હોય છે એમાં.' (પેરેલિસિસ)
ઉપરના અવતરણનો સૂર અવસાદનો, શૂન્યના સ્વીકારનો છે, અહીં ચિંતાનું રૂપક સ્વીકારીને તેને સાદ્યંત નિભાવ્યું છે. પહેલા સળગવું, પછી ધુમાડો, પછી વાસ, પછી સ્મૃતિ, અંતે શૂન્ય. ખંડમાં ચાર-પાંચ ઉર્દૂ શબ્દો પ્રયોજાયા છે, જે બક્ષીનો શૈલીવિશેષ છે. ચિતાદાહની વાત કર્યા પછી શહેરને રડતું કલ્પવામાં ઔચિત્ય છે.
'દુનિયાએ મારેલી થપ્પડોનું ચહેરા પર એક શિલ્પ ઊભરી ગયું છે...જે કંઇ કલા છે એ મારા ઝેરના દાંતમાં છે.' (બક્ષીનામા, ૧૯૮૮)
મહાન મોગલોએ પોતાની આત્મકથાને આપેલાં શીર્ષક (બાબરનામા, જહાંગીરનામા) જેવું શીર્ષક પસંદ કરીને બક્ષી પ્રશંસાની બાબતમાં સ્વાવલંબી બન્યા છે. બક્ષીએ ઘણો સંઘર્ષ કરવો પડયો, દુકાનદાર બન્યા, પછી અધ્યાપક, પછી કોલેજના આચાર્ય, તેમાંથી અણધારી રુખસદ અપાઈ, એમાં હાર્ટ એટેક આવ્યો. આવા અનુભવોથી તેમનામાં કટુતા પ્રવેશી ગઈ. અહીં બક્ષી કબૂલાત કરી બેસે છે કે તેમની કલા ઝેરના દાંતમાં છે. મોટા મોટા સાહિત્યકારો વિશે તેમણે એવાં એવાં વિધાનો કર્યા છે કે અહીં પ્રકટ કરતાં વિવેકભંગ થાય. કલા લાગણીના ઉભરામાં નહિ પણ લાગણીના રૂપાંતરમાં રહેલી છે.
'લેખક હવાઈ જહાજનો પાઇલટ છે અને વાચક એની જ પાસે ખોળામાં પૂરા આસમાનનો નકશો ખોલીને બેઠેલો નેવીગેટર છે, જે સતત માર્ગદર્શન અને દિશાદર્શન આપતો રહે છે. વાચક લેખકની આંખો છે. વાચક વિના ગુજરાતી કવિ સંભવી શકે, ગુજરાતી લેખક સંભવી શકતો નથી.' (બક્ષીનામા)
'અહીં બક્ષી પ્રતિપાદન કરે છે કે સાહિત્યસર્જનમાં લેખક અને વાચક બન્નેનો ફાળો હોય છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રી રાજશેખરે કહ્યું છે કે કારયિત્રી અને ભાવયિત્રી પ્રતિભાના સંયોજનથી કાવ્ય બને છે. કવિ (કે લેખક) પાસે હોય તે કારયિત્રી પ્રતિભા અને ભાવક (કે વાચક) પાસે હોય તે ભાવયિત્રી પ્રતિભા. સાહિત્યકૃતિ સર્જક અને ભાવકની સહિયારી સંપદા છે. ક્યારેક સર્જકે ભાવકના મંતવ્યો સ્વીકારવાં પડે છે. આર્થર કોનન ડોયલે મોરિયારિટી સામે લડતાં શેરલોક હોમ્સનું મૃત્યુ થયું એમ લખ્યું તે ભાવકો સ્વીકારી ન શક્યા, એથી નવી વાર્તામાં હોમ્સ મર્યો જ નહોતો એમ કહી તેણે વાર્તા લંબાવવી પડી હતી. એથી વિરુદ્ધ, મંજરીના પાત્રનું મૃત્યુ ન થવું જોઇએ એવા ભાવકોના દબાણ સામે કનૈયાલાલ મુનશી ઝૂક્યા નહોતા. 'આ માણસ મદ્રાસી લાગે છે.' નાટકને અંતે મદ્રાસી સાહેબને ફાંસીએ ચડાવાય છે. પરંતુ પછીની ભજવણીમાં તેમને ગામ લોકો બચાવી લે છે. એવું પરિવર્તન કરાયું હતું. નાટયલેખક સિતાંશુ યશશ્ચદ્રે ભાવકોના પ્રતિભાવોને લીધે આવું કર્યું હશે કે કેમ, તે આપણે જાણતા નથી. આમ વાચક લેખકનો નેવીગેટર છે એ દલીલને આપણે સ્વીકારવી પડે.
૧૭૮ પુસ્તકો રચનાર બક્ષીનું ૨૦૦૬માં ૭૩ વર્ષની વયે અવસાન થયું.
'અને એક સાંજે હું ચાલ્યો જઇશ, ધુમાડો પહેરીને. ફક્ત બાલ્કનીમાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે.'