Get The App

કલાપીની 'ગ્રામમાતા' .

Updated: Aug 31st, 2024

GS TEAM

Google News
Google News
કલાપીની 'ગ્રામમાતા'                          . 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- કલાપીએ પિતાપુત્રીને સ્થાને વૃદ્ધ કૃશકદંપતી મૂક્યું. લેખક ચીંધે છે, 'વૃદ્ધા દ્વારા થતા આતિથ્યમાં માતૃસહજ વાત્સલ્યની ભીની છાલકનો ભાવ વ્યંજિત થાય છે.'

૨૧ ઓગસ્ટે લાભશંકર પુરોહિતે વિદાય લીધી. પ્રાચીન,મધ્યકાલીન, અર્વાચીન અને આધુનિક સાહિત્યના વિદ્વાન, લોકસાહિત્યના મરમી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યના પરખંદા, આદર્શ અધ્યાપક, સંશોધક, મુગ્ધકર વક્તા. ધ્રોળ અને લોકગીતો એવા ગાઈ જાણે કે 'ગાતા વિવેચક' કહેવા પડે. લાપસીનો સ્વાદ વર્ણન કરવાથી ન મળે, માટે લાભુદાદાની એક વાનગી ચાખીએ :

કલાપી જયંતી (૧૯૯૨) નિમિત્તે લાભશંકર પુરોહિતે કલાપીના ખંડકાવ્ય 'ગ્રામમાતા'ને વિષય બનાવીને વ્યાખ્યાન આપ્યું, તેનો આ સંક્ષેપ છે. શરૂઆતમાં તેમણે ઉપેન્દ્ર પંડયાનું વિધાન ટાંક્યું કે 'ગ્રામમાતા'નું કથાબીજ ઉર્દૂ પુસ્તકમાં આલેખિત 'બહેરામ ગોર અને બાગબાન'ની વાર્તાથી પ્રેરિત છે. કલાપીએ ગ્રામમાતાનું સર્જન કર્યું ૧૮૯૫માં. લાભશંકર પુરોહિત ('લેખક')ની દલીલ છે કે ઉર્દૂ પુસ્તક આ તારીખ પહેલાં પ્રકાશિત થયું હોય, તો જ કલાપીએ પ્રેરણા લીધાની સંભાવના દર્શાવાય. મોગલ બાદશાહ જહાંગીરે 'જહાંગીરનામા'માં શાહ અને બાગવાનનો કિસ્સો ટાંક્યો છે, જેના હિંદી અનુવાદ પરથી લાભશંકર પુરોહિતે ગુજરાતી અનુવાદ કર્યો છે :

'બપોરની ગરમીના સમયે એક બાદશાહે કોઈ બગીચાના વૃદ્ધ બાગવાનને દાડમના રસનો પ્યાલો લાવવાનું કહ્યું. બાગવાને પોતાની સુંદર દીકરીને સંકેત કર્યો તેથી તે થોડી વારમાં રસનો પ્યાલો ભરીને આવી. બાદશાહે પીધો અને પૂછયું કે રસ પર ફૂલપાંખડીઓ રાખવાનું કારણ શું? છોકરીએ મધુર ભાષામાં કહ્યું, પરસેવે રેબઝેબ થયા પછી રસ એકસાથે ગટગટાવી જવો ઠીક નહિ, માટે પાંખડીઓ પાથરી છે. રાજી થયેલો બાદશાહ છોકરીને દિલમાં સ્થાન આપવાનું વિચારવા લાગ્યો. પછી બાદશાહે પૂછયું, બગીચાની વાર્ષિક કમાણી કેટલી? બાગવાન બોલ્યો, ત્રણસો દિનાર. 'દીવાનને કેટલું ચૂકવો છો?' જવાબ મળ્યો, 'સલ્તનત ખેતી પેદાશનો દસમો ભાગ લે છે, ફળાઉ ઝાડની પેદાશનું કશું લેતી નથી.' બાદશાહને વિચાર થયો કે પોતાના રાજ્યમાં ઘણા બગીચા હશે, તેની ઉપજનો દશાંશ લેવો જોઈએ. તેણે દાડમનો રસ ફરી વાર માગ્યો. બાગવાનની દીકરી અંદર ગઈ, અને ઘણા વખત પછી થોડો રસ લાવી. બાદશાહે પૂછયું, આમ કેમ? પહેલાં તો તું તરત છલછલતો રસ લાવી હતી. છોકરી કહે, શું કરું, આ વખતે પાંચ-છ દાડમ નિચોવ્યા ત્યારે માંડ આટલો રસ મળ્યો. 'પેદાશની અધિકતાનો આધાર બાદશાહની નેક દાનત પર હોય છે,' વૃદ્ધ બાગબાન બોલ્યો, 'આપ પોતે બાદશાહ તો નથી?' બાદશાહે ફળાઉ ઝાડ પર વેરો લેવાનો વિચાર છોડી દીધો, અને ફરીથી રસનો પ્યાલો માગ્યો. છોકરી અંદર ગઈ અને તરત રસછલોછલ પ્યાલો મીઠી મુસ્કાન સાથે લેતી આવી. બાદશાહે ખુશ થઈને તેની સાથે શાદી કરી.' (સંક્ષેપ)

લેખક જણાવે છે કે જહાંગીરનામાનો ઉર્દૂ અનુવાદ સને ૧૮૭૪માં (કલાપીના જન્મવર્ષમાં જ) નવલકિશોર પ્રેસ દ્વારા પ્રકટ કરાયો હતો. તેઓ લખે છે, 'ફારસી ને ઉર્દૂભાષાના પ્રત્યક્ષ પરિચયે વા શિક્ષક દ્વારા સાંપડેલા પરોક્ષ સંપર્ક, રાજવી કલાપી, બાદશાહ જહાંગીરના આત્મચરિતના પૂરા પરિચયમાં કે પ્રસ્તુત કથાવૃત્ત પૂરતી જાણકારી પામ્યા હોય એ બનવાજોગ છે.' કલાપીએ કથામાં અમુક ફેરફાર કર્યાં. 'યુવાન પુત્રી દ્વારા બાદશાહની તૃષાતૃપ્તિ નિમિત્તે થતી ખાતરબરદાસ્ત પાછળ, બાગવાન પિતાની ગણતરીપૂર્વકની ડોકાતી ચતુરાઈને પરિણામે જ બેટીને બેગમપદ સાંપડે છે!' પરંતુ કલાપીએ પિતાપુત્રીને સ્થાને વૃદ્ધ કૃશકદંપતી મૂક્યું. લેખક ચીંધે છે, 'વૃદ્ધા દ્વારા થતા આતિથ્યમાં માતૃસહજ વાત્સલ્યની ભીની છાલકનો ભાવ વ્યંજિત થાય છે.' (આ વક્તવ્ય વડે લેખકની તલસ્પર્શી સંશોધનવૃત્તિ અને તેમની તત્સમ સમાસયુક્ત ભાષા કળી શકાય છે.)

લેખકે યોગ્ય નોંધ્યું છે કે મૂળ કથા 'એપિસોડિક' છે, પ્રાસંગિકા છે, પણ કલાપીએ ઘટના રજૂ કરતાં પહેલાં સ્થળ અને કાળ દર્શાવીને ચોક્કસ પરિસર રચ્યો છે:

ઊગે છે સુરખીભરી રવિ મૃદુ

હેમંતનો પૂર્વમાં

ભૂરું છે નભ સ્વચ્છ,સ્વચ્છ

દિસતી એકે નથી વાદળી

'મધુર સમયે તેવે ખેતરે શેલડીના, રમત કૃશિવરોનાં બાળ નાનાં કરે છે.' આ પ્રકૃતિચિત્રો 'કલ્પકતાનો હૃદ્ય અનુભવ સંપડાવે છે.' એ કાળે નવાસવા ચલણમાં આવેલા ખંડકાવ્ય પ્રકારમાં કલાપીએ અનેક છંદો પ્રયોજ્યા છે. લેખક સમાપન કરે છે, 'એક રાજવીની આત્મકથામાં કેવળ પ્રાસંગિક રૂપે ઉદ્ધૃત થતી સાદી દ્રષ્ટાંતકથા, બીજા રાજવીની કવિતામાં વસ્તુરૂપ ધારીને રસસૌંદર્યને કેવી રીતે પામતી થાય છે એનું સબળ નિદર્શન, અહીં 'કથા' ને 'કવિતા'ની જોડાજોડ તપાસમાં મળી રહે છે. પ્રથમ કિસ્સામાં આત્મચરિત મધ્યે બોધરૂપે ટપકતો ટૂચકો, કેવળ ચમત્કૃતિપૂર્ણ કથા છે,બીજામાં એ જ બોધલક્ષી કથા, કાવ્યમાં રૂપાંતરણ પામીને, પ્રકારાંતરે આત્મચરિતનો ઉદ્ગાર પણ બની રહે છે.