Get The App

સૂર્ય મંડળના સભ્યોની વધતી જતી સંખ્યા..

Updated: Oct 1st, 2023

GS TEAM

Google News
Google News
સૂર્ય મંડળના સભ્યોની વધતી જતી સંખ્યા.. 1 - image


- સોલાર સિસ્ટમમાં ગ્રહોની સંખ્યા આઠ, નવ કે પચાસ?

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- આપણી વિરાટ આકાશગંગામાં આપણો જોડીદાર ગ્રહ શોધવો એ અફાટ મહાસાગરમાંથી એક ટાંચણી શોધી કાઢવા જેવું કપરું કામ છે.

મ હાભારતના  યુદ્ધ વખતે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું મુખ ખોલીને આ વિરાટ બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. આશ્ચર્યચકિત થઈ ગયેલો અર્જુન સમગ્ર સૃષ્ટિનું આવું જાજરમાન દ્રશ્ય જોઈને બે ઘડી સુધબુધ ગુમાવી બેઠો હશે કે નહીં, એ તો ખબર નથી. પરંતુ આજના ખગોળશાસ્ત્રીઓ ચકરી ખાઈ જાય તેવા સમાચાર આવ્યા છે. 

સમાચાર એ છે કે આપણી સોલાર સિસ્ટમ (સૂર્યમંડળ)માં અત્યાર  સુધી આઠ કે નવ ગ્રહ જ છે તેવી માન્યતા ખોટી સાબિત થઈ છે. અદ્યતન રેડિયો ટેલિસ્કોપની સહાયથી ખગોળશાસ્ત્રીઓએ બીજા અનેક અવકાશી પિંડો ખોળી કાઢ્યા છે.  ૭૫ દેશના આશરે ૨૫૦૦  ખગોળશાસ્ત્રીઓ ૨૪ ઑગસ્ટે પ્રાગ ખાતે મળ્યા પછી તેમણે અનેક અવકાશી પિંડો, લઘુગ્રહને પૂર્ણ કક્ષાના ગ્રહની ઓળખ આપવા નવી વ્યાખ્યા રચી છે. આ નવી વ્યાખ્યા અમલમાં આવશે તો અત્યાર સુધી જે ત્રણ અવકાશી પદાર્થોને ગ્રહની વ્યાખ્યા નથી આપવામાં આવી એ સત્તાવાર રીતે ગ્રહ તરીકે ઓળખાશે. 

ગ્રહની રચના કઈ રીતે થઈ એ વિશે નિશ્ચિતતાથી નથી કહી શકાતું, પણ અત્યારે જે થિયરી  પ્રચલિત છે એ મુજબ સૂર્યમાળામાં ભટકતા નાના-નાના પદાર્થો એકબીજા સાથે અથડાયા અને છેવટે ભેગા થઈને એક ગ્રહ બન્યા. આવા ગ્રહોમાંના જે એટલા મોટા બન્યા કે સ્વયંપ્રકાશિત થઈ શકે એને તારા કહે છે. જે પદાર્થો એકબીજા સાથે અથડાઈને એક ગ્રહનો ભાગ ન બની શક્યા એ મોટા ગ્રહની આસપાસ ફરતા રહ્યા અને એ ઉપગ્રહો તરીકે ઓળખાય છે.

ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (આઈએયુ) સત્તાવાર રીતે નવ ગ્રહો અસ્તિત્વમાં હોવાનું જણાવે છે. જો ગ્રહની નવી વ્યાખ્યા અપનાવવામાં આવશે તો ગ્રહોની સંખ્યા બારની થશે. અત્યારે જે નવ ગ્રહો છે એમાં પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. મંગળની ફરતે બે ઉપગ્રહો (ફોબોસ અને ડિમોસ) છે. ગુરુની ફરતે ૬૩ ઉપગ્રહો છે અને શનિની આસપાસ ૫૬ ઉપગ્રહો ઘૂમતા રહે છે. યુરેનસને ૨૭ ઉપગ્રહો છે, નેપ્ચ્યુનની ફરતે ૧૩ ઉપગ્રહોે છે અને પ્લુટોની ફરતે ત્રણ ઉપગ્રહો છે. : ચેરોન, નિક્સ અને હાઈડ્રા. આમાં ચેરોન હવે કદાચ પોતે ગ્રહ તરીકે ઓળખાશે. અત્રે એ વાત પણ જણાવી દઇએ કે ૨૦૦૬માં એસ્ટ્રો. યુનિયને અમુક મુદ્દા રજૂ કરી પ્લુટોને અપાયેલી ગ્રહ તરીકેની માન્યતા રદ કરી  હતી. 

આઈએયુ દ્વારા ઘડવામાં આવેલી નવી વ્યાખ્યા અમલી બનશે તોે ત્રણ નવા પદાર્થો ગ્રહો તરીકે ઓળખાશે : સેરેશ, ચેરોન અને ઝેના (૨૦૦૩-યુબી૩૧૩) અથવા લીલા.

મંગળ અને ગુરુ વચ્ચેની ભ્રમણકક્ષામાં ફરતો સેરેસ ૧૮૦૧ માં શોધાયો હતો અને ત્યારે એને ગ્રહ જ માનવામાં આવ્યો હતો, પરંતુ પછીથી એ ભ્રમણકક્ષામાં બીજા અનેક પદાર્થોે જોવા મળ્યા એટલે સેરેનસને  ગ્રહ ન ગણતાં ફક્ત એક ઘૂમતો પદાર્થ જ ગણવામાં આવ્યો.

ચેરોન  અત્યારે પ્લુટોનો સૌથી મોટો ચંદ્ર એટલે કે ઉપગ્રહ છે. પ્લુટો અને ચેરોન બન્ને એકબીજાની ફરતે ઘૂમે છે એને કારણે જ ચેરોનનો ગ્રહ બનવા માટેનો કેસ મજબૂત બન્યો છે. 

ઝેના અથવા લીલા તરીકે ઓળખાતો યુબી-૨૦૦૩ -૧૩ પદાર્થ સૂર્યની ભ્રમણકક્ષામાં ફરે છે અને આસપાસ કમસે કમ એક ઉપગ્રહ ફરે છે. હકીકતમાં આ પદાર્થને હજી સુધી સત્તાવાર રીતે કોઈ નામ આપવામાં નથી આવ્યું. ખગોળશાસ્ત્રીઓ આપસની વાતચીતમાં અનૌપચારિક રીતે ઝેના નામ વાપરે છે. લીલા તો આ પદાર્થ શોધનાર ખગોળશાસ્ત્રીની પુત્રીનું નામ છે. ગ્રહ  શોધાયો હોવાની ઘોષણા કરનાર વેબસાઈટ પર આ પદાર્થને લીલા નામ આપવામાં આવ્યું હતું.

ખરેખર તો ગ્રહનો દરજ્જો મેળવવા માટે બીજા બાર અવકાશી પદાર્થો લાઈનમાં છે. આમાં સૌથી સબળો કેસ સેડના નામના આકાશી પીંડનો છે. ૨૦૦૩માં આ પદાર્થ શોધાયો ત્યારે એને ગ્રહ જ માનવામાં આવતો હતો, કારણ કે પ્લુટો પછી શોધાયેલો એ સૌથી મોટો પદાર્થ  હતો. જો કે એનું કદ પ્લુટો કરતાં નાનું હોવાને કારણે એને ગ્રહ ગણવામાં ન આવ્યો.

થોડા વર્ષ પૂર્વે કેલિફોર્નિયાના ખગોળશાસ્ત્રી માઈક બ્રાઉને સૌરમંડળની બાહ્ય દીર્ધામાં દસમો ગ્રહ શોેધ્યો હતો. ૨૦૦૩-યુબી ૧૧૩ની સંજ્ઞાાથી ઓળખાવવામાં આવેલા આ ગ્રહને પાછળથી રોમન વીરાંગના ઝેનાનું નામ અપાયું. ૧૯૩૦માં શોધાયેલા પ્લુટો કરતાં મોટો આ ગ્રહ કુઈપર બેલ્ટના પદાર્થોમાંનો ત્રીજો સૌથી તેજસ્વી ગોળો છે. પૃથ્વીથી લગભગ ૧૫ અબજ કિ.મી.ના અંતરે આવેલો આ ગ્રહ મિથેન બરફથી ઢંકાયેલો છે.

વિજ્ઞાાનીઓમાં જો કે એ બાબતે મતભેદ પ્રવર્તે છે. આ નવા શોધાયેલા મનાતા અવકાશીપિંડને ગ્રહ તરીકે ઓળખાવવાનો કેટલાંક ખગોળવિદે વાંધો ઊઠાવે છે. તેઓનું કહેવું છે કે આ કોઈ ગ્રહ નથી, પરંતુ અવકાશમાં ફંગોળાતો લઘુગ્રહ (ઍસ્ટોરોઈડ) છે.

પૃથ્વીથી ૯ અબજ માઈલ (૧૫ અબજ કિ.મી.) દૂર આવેલો ઝેના ગ્રહ કે લઘુગ્રહ સૂર્યથી પૃથ્વી કરતાં ૧૦૦ ગણો વધુ દૂર હોવાને કારણે ત્યાંનું તાપમાન બે-ચાર ડિગ્રી સેલ્સિયશ હશે. સૂર્યની આસપાસ તેનું પરિભ્રમણ ૪૫ ડિગ્રીના ખૂણે તથા અનિયમિત અને અતિશય ધીમું હોવાને કારણે સૂરજની એક પ્રદક્ષિણા પૂરી કરતાં તેને ૫૬૦ વર્ષ લાગતા હશે. આમ ખગોળ શાસ્ત્રીઓ ગ્રહ અને બીજા અવકાશી પીંડોે વચ્ચે સ્પષ્ટ ભેદરેખા પાડવામાં એકમત નથી.

અગાઉ વિશ્વના કેટલાંક અગ્રણી ખગોળશાસ્ત્રીઓએ એવી જાહેરાત કરી હતી કે આપણાં સૂર્યમંડળની બહાર બીજા ૩૦ નવા ગ્રહ શોેધાયા છે. આમ આપણી સોલાર સિસ્ટમની બહાર ભમતા આપણા દૂરના પિતરાઈભાઈ સમા કુલ ૫૦ ગ્રહો આજ સુધી શોધાયા છે. ખગોળશાસ્ત્રીઓ આવા 'ન્યાત' બહારના ગ્રહોને 'એક્સો પ્લેનેટ્સ' અથવા એક્સ્ટ્રા સોલાર પ્લેનેટ્સ તરીકે ઓળખાવે છે. આવા એક પછી એક ગ્રહો શોધાતા ગયા તેમ ખગોળશાસ્ત્રીઓની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા પણ વધી છે. કારણ કે દરેક આવી નવી શોધ કુદરતની અપરંપાર લીલાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. કેટલું વિશાળ હશે આ બ્રહ્માંડ કે જેમાં ગણ્યા ગણાય નહીં એટલા તારા, અબજો ધૂમકેતુઓ, કરોડો સૂર્ય અને એટલાં જ ગ્રહો સમાયેલા છે. બધા એકબીજાથી કરોડો માઈલનું અંતર રાખીને નિરંતર પોતાની ભ્રમણકક્ષામાં ઘૂમ્યા કરે છે. અબજો વર્ષથી બ્રહ્માંડનું આ સંચાલન  આપમેળે થતું રહ્યું છે ત્યારે કૃષ્ણ ભગવાને કહેલી વાત સહેજે યાદ આવી જાય છે : 'આ સૃષ્ટિનો આદી, વર્તમાન અને અંત હું છું.'

૨૨૧ વર્ષ પહેલાં ખગોળશાસ્ત્રીઓએ સૂર્યમંડળનો સાતમો ગ્રહ પ્રજાપતિ (યુરેનસ) શોધી કાઢ્યો ત્યારે તેઓ માનતા હતા કે બસ સૂર્યને કુલ સાત ગ્રહ હશે. પરંતુ ત્યાર પછી તો આઠમો ગ્રહ નેપ્ચ્યુન (વરુણ)  નવમો  પ્લુટો (યમ) પણ શોધાયા. જોવાની વાત એ છે કે છેલ્લાં પાંચ દાયકામાં ખગોળ વિદેએ આપણા સૂર્યમંડળના નવ ગ્રહ ઉપરાંત  બીજા ૫૦ ગ્રહો શોધી કાઢ્યા છે.

તમને એવો સવાલ થશે કે જો સૂર્યમંડળની બહાર આટલા બધા ગ્રહો શોધાયા હોય તો આ નવા ત્રણ ગ્રહને વધાવી લેવાનું કારણ શું? કારણ એ છે કે ખગોળશાસ્ત્રીઓ છેલ્લાં ત્રણ દાયકામાં શોધાયેલા અનેક નાના ગ્રહોને 'માયનોર' પ્લેનેટ' માં ખપાવી તેને સૌરમંડળના સભ્ય તરીકે ગણવા તૈયાર નથી. છેલ્લે ૧૯૩૦માં ક્લાઈડ ટૉમ બાગે પ્લુટો શોધ્યો તેને પણ કેટલાંક વિજ્ઞાાનીઓ ગ્રહ માનવા તૈયાર નથી. કારણ કે પ્લુટોનો વ્યાસ ફક્ત ૨૨૦૦ કિલોમીટર છે. તેથી તેને પૂર્ણગ્રહ ન લેખાવી શકાય એવું વિજ્ઞાાનીઓ માને છે. જો કે નવો શોધાયેલો દસમો ગ્રહ ઝેના પ્લુટો કરતાં દોેઢ ગણો મોટો છે તેથી વિજ્ઞાાનીઓ વિમાસણમાં પડી ગયા છે.

ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમી સેટેલાઈટ નામનો દૂરબીન ધરાવતો ઉપગ્રહ અમેરિકાએ અવકાશમાં તરતો મૂક્યા પછી સૂર્યમંડળની બહારના ગ્રહોની શોધખોળ સઘન બની છે. તેમાંય હબલ ટેલિસ્કોપે તો ખગોળવિદેને ખૂબ દૂર દૂર ડોકિયા કરવાની સગવડતા કરી આપી છે. આ દૂરબીનની વેધક ઈન્ફ્રારેડ આંખ અંતરિક્ષના ખૂણે ખાંચરે નજર દોડાવે છે. ઈન્ફ્રારેડ એટલે અધોરક્ત કિરણો જે ગરમીના વિકિરણોનો એક પ્રકાર છે. આ બ્રહ્માંડમાં સજીવ કે નિર્જિવ દરેક વસ્તુ ઓછેવત્તે અંશે ગરમી પ્રસારીત કરતી હોય છે. આ ગરમીને 'સૂંઘી'ને હબલ ટેલિસ્કોપ જેવા અવકાશી દૂરબીન દૂરની એ ચીજની છબી બનાવે છે.

નહેરુ પ્લેનેટોરિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર અને વિખ્યાત ખગોળ વિજ્ઞાાની ડૉ. જિતેન્દ્ર રાવલે વર્ષો પહેલાં પોતાની સૂઝબૂઝથી અને ચોક્કસ ગણતરીના આધારે કહ્યું હતું કે 

આપણા બ્રહ્માંડમાં સૂર્યની જેમ અનેક તારાઓનું પોતાનું ગ્રહમંડળ હોઈ શકે છે. સૂર્ય પણ આમ જોવા જઈએ તો એક સ્વપ્રકાશિત તારો જ છે ને! ડૉ.રાવલ આપણા સૂર્યમંડળને વેલણ આકારનું વર્ણવીને  કહે છે કે નાના ગ્રહોની વચ્ચે ગુરુ તથા શનિ જેવા મોટા ગ્રહો આવેલા છે. એ જ રીતે બ્રહ્માંડમાં અન્યત્ર પણ બીજા ગ્રહોના મંડળ હોય અને તેમાં કોઈ નાના ગ્રહ પર જીવન પાંગરેલું હોઈ શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી બ્રહ્માંડમાં પૃથ્વી જેવડા મોટા ગ્રહની શોધ પાછળ સંપૂર્ણ ધ્યાન એકત્રિત કરનારા ખગોળશાસ્ત્રીઓને પહેલાં ગુરુ અને શનિ જેવા વિરાટ કદના મોટા ગ્રહ દેખાયા. પરંતુ ત્યારબાદ કદમાં નાના પૃથ્વી જેવડા ગ્રહો જોવા મળ્યા. ખગોળશાસ્ત્રીઓનું એવું માનવું છે કે બ્રહ્માંડમાં મોટા કરતાં નાના કદના ગ્રહો વધુ છે. એક અમેરિકન વિજ્ઞાાનીએ કહ્યું તેમ, ''અત્યાર સુધી અમને માત્ર મોટા પહાડો જ દેખાયા હતા. હવે નાના ખડકો પણ નજરે પડયા છે.''

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સ્ટીવ વૉટ હવાઈમાંની વેધશાળામાં વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપ વડે આકાશનું નિરીક્ષણ કરી રહ્યાં છે. પૃથ્વીથી ૧૧૭ પ્રકાશવર્ષ દૂર આવેલા સેટી નામના તારાની આસપાસ ઘૂમી રહેલો શનિ કરતાં નાના કદનો એક ગ્રહ તેમની નજરમાં આવ્યાં છે.

ડૉ.જિતેન્દ્ર રાવલના અભિપ્રાય મુજબ નવા ગ્રહોની શોેધને લીધે આપણા સૂર્યમંડળની રચના વિશેની માન્યતાને પુષ્ટિ મળે છે. હવે પાંચેક વર્ષમાં પૃથ્વીથી નાના કદના વધુ ગ્રહો શોધાય તેવી શક્યતા વધી ગઈ છે. ખગોળ શાસ્ત્રીઓની મૂળભૂત શોધખોળ તો પરગ્રહવાસી માટેની હતી. બ્રહ્માંડમાં બીજા કોઈ ગ્રહ પર જીવ વિકાસ થયો હોય તો તેનો પત્તો લગાવવામાં ખગોળશાસ્ત્રીઓને વધુ દિલચશ્પી છે. પરંતુ તેમના આ પ્રયાસમાં તેમને પૃથ્વી જેવો જીવંત ગ્રહ તો નથી મળ્યો, ઊલ્ટાના વધુને વધુ ગ્રહ મળતા થાય છે.  જેમાં કેટલાંક ગ્રહ તો પૃથ્વી કરતાં ૭૦ થી ૮૦ ગણા મોટા છે. વીસેક ગ્રહ તો ગુરુ કરતાં પણ મોટાં  અને પૃથ્વી કરતાં ૩૨૦ ગણા મોટા છે!

નવા શોધાયેલા આ ગ્રહોની સપાટી પર દ્રષ્ટિ કરવાનું તો હજું શક્ય નથી. પરંતુ તેમનું બંધારણ જોતા આ ગ્રહો પર જીવ વિકસ્યો હોવાની શક્યતા નહિવત છે. ઘણા ખરા નવા શોધાયેલા ગ્રહ ખૂબ ગરમ તાપમાન ધરાવે છે અને વાયુના ગોળા જેવા છે તેમ જ તેમના તારાની આસપાસ પ્રચંડવેગે પ્રદક્ષિણા કરે છે. આથી ત્યાં જીવ વિકસ્યો હોવાની સંભાવના ઓછી છે. એક વાત આ બધા ગ્રહો માટે છાતી ઠોકીને કહી શકાય કે ભલે આપણે તેમની શોધ હમણાં કરી, આ ગ્રહોનું અસ્તિત્વ  તો લાખો વર્ષોથી હશે.

હવાઈ ખાતેના કેક ટેલિસ્કોપ પર એક નવું ઉપકરણ બેસાડયા પછી નવા ગ્રહોની શોધખોળ પ્રવૃત્તિને વેગ મળ્યો છે. આ ટેલિસ્કોપ વાપરનારા ખગોળશાસ્ત્રીઓની ટીમે છેલ્લાં પાંચ વર્ષમાં ૨૦૦૦ તારા ઓળખી કાઢ્યા છે અને દસેક નવા તારામંડળ પણ શોધી કાઢ્યા છે.

ગ્રહ જેવી જણાતી દરેક અવકાશી ચીજને નજીકના બીજા અવકાશી પિંડ કઈ રીતે અસર કરે છે તેના પરથી વિજ્ઞાાનીઓ તેના કદનો અંદાજ લગાવે છે. દરેક ગ્રહ ગુરુત્વાકર્ષણ બળના નાતાથી સૂર્ય કે તારા સાથે સંકળાયેલા હોય છે. આ નાતો  સંબંધિત ગ્રહના ગુરુત્વાકર્ષણના બળથી પડતા વિક્ષેપને કારણે પોતાની ભ્રમણકક્ષામાં સહેજ ચલિત થાય છે. જેમ ગ્રહનું દ્રવ્ય વધારે તેમ બીજા ગ્રહની ભ્રમણકક્ષામાં વધુ શક્તિશાળી  ખલેલ પડે છે.  વિજ્ઞાાનીઓ આ ગ્રેવિટેશનલ વોબલ માપીને જે તે ગ્રહના કદનો અડસટ્ટો માંડે છે. પૃથ્વી સૂર્ય તરફ જે વોબલ મોશન ઉત્પન્ન કરે છે તેની ઝડપ કલાકે ૦.૨૨ માઈલની છે. આ પ્રમાણભાન ધ્યાનમાં રાખીને વિજ્ઞાાનીઓ બીજા ગ્રહોનું કદ અંદાજે છે.

ખગોળશાસ્ત્રની શોધખોળ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે ઘડાયેલા નવા નિયમ મુજબ નવા શોધાયેલા ગ્રહને કોઈ વ્યક્તિનું નામ અપાતું નથી. તેની બદલે  કેટેલોગ મુજબ ક્રમ સંખ્યા અપાય છે. સૂર્યમંડળની અંદરના ગ્રહો કે બીજા અવકાશી પિંડોને તો પૌરાણિકકથાના પાત્રો પ્રમાણે નામ અપાયા છે. પરંતુ હવે જેમ જેમ આપણી સોલાર સિસ્ટમની બહાર બીજા ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુઓ શોેધાતા  જાય છે તેમ નામો આપવાની પ્રથા બંધ કરી ચોક્કસ કોડનંબર આપવાની પ્રથાને વધુ વ્યવહારું માનવામાં આવે છે.

નવો શોધાયેલો એક ગ્રહ આપણા શનિ મહારાજ જેવડો મોટો છે અને આ ગ્રહ પૃથ્વીથી ૧૦૯ પ્રકાશવર્ષ દૂર તારાની આસપાસ ફરે છે. આ ગ્રહ એચડી ૪૬૩૭૫ નામની સંજ્ઞાાથી ઓળખાતા તારાની પ્રદક્ષિણા કરે છે. બીજો એક ગ્રહ ૧૧૭ પ્રકાશવર્ષ દૂર સિટ્સ નક્ષત્રમાં આવેલા સેટી-૭૯ નામના તારાની પ્રદક્ષિણા કરે છે. એક પ્રકાશ વર્ષ એટલે આશરે ૬ ટ્રિલિયન માઈલ (૬,૦,૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦) થાય. આ બેઉ ગ્રહ તેમના તારાની ખૂબ જ નજીક રહીને પરિભ્રમણ કરે છે.  એચડી ૪૬૩૭૫ ગ્રહ તો ફક્ત ત્રણ દિવસમાં અને સેટી-૭૯, ૭૫ દિવસમાં પ્રદક્ષિણા પૂરી કરે છે. વાયુ તથા રજકણના બોલ જેવા આ બે ગ્રહો પર ૧૫૦૦ ડિગ્રી ફેરનહિટથી પણ વધુ ઉષ્ણતામાન હશે એવી અટકળ વિજ્ઞાાનીઓ કરે છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ખગોળશાસ્ત્રીઓએ એચડી ૧૨૭૮૮ સંજ્ઞાા ધરાવતા તારાની આસપાસ   પ્રદક્ષિણા કરતા ત્રણ ગ્રહો પણ શોધી કાઢ્યા છે. આ સિવાય ગુરુના ગ્રહ જેવડો એક વિરાટ ગ્રહ 'એપ્સિલોન એરિદાની' નામના તારાની પ્રદક્ષિણા કરતો હોવાની શોધ મહત્ત્વની છે.

આમ ખગોળશાસ્ત્રીઓ અદ્યતન ઈન્ફ્રારેડ ટેલિસ્કોપની સહાયથી ૨૫૦  પ્રકાશવર્ષ છેટે આવેલા ગ્રહો શોધી કાઢવામાં સફળ રહ્યાં છે.  જો કે આમાંના કોઈ ગ્રહ પર જીવન વિકાસ થયો હોવાનું મનાતું નથી. કારણ કે આ દરેક ગ્રહ પૃથ્વી જેવો નિશ્ચિત અને નિયમિત પ્રદક્ષિણા માર્ગ ધરાવતા નથી. મોટાભાગના ગ્રહો ગેસના ગોળા જેવા અને પુષ્કળ તાપમાન ધરાવે છે.

આમ છતાં પૃથ્વી જેવા ગ્રહની તલાશ જારી છે. જો કે આ માટેની શોધખોળ આપણી મિલ્કી-વે આકાશગંગાના ખૂબ જ મર્યાદિત ક્ષેત્ર સુધી જ શક્ય બની છે. આપણી વિરાટ  આકાશગંગામાં આપણો જોડીદાર ગ્રહ શોધવો એ અફાટ મહાસાગરમાંથી એક ટાંચણી શોધી કાઢવા જેવું કપરું કામ છે.

જો કે ખગોળશાસ્ત્રીઓ આવી આંકડાબાજીથી નિરાશ થયા નથી. તેઓ માને છે કે બ્રહ્માંડમાં કોઈ એક તારામંડળના મધ્યમ કે નાના કદના ગ્રહ પર જીવન પાંગરેલું હશે.  જો કોઈ ગ્રહને વાયુમંડળ હોય તો ઓક્સિજન પણ હોવાનો અને પ્રાણવાયુ હોય તો જીવન પણ હોવાનું. ડૉ.જે.જે.રાવલ આવું અનુમાન કરતાં સહર્ષ જણાવે છે કે 'નવી શોધખોળ થકી એ વાત પૂરવાર થઈ રહી છે કે  વાયુના વાદળામાં તારા જન્મ લે છે અને આ સાથે જ મારી થિયરી ગ્રહ અંતરના નિયમ (પ્લેનેટરી ડિસ્ટન્સ લૉ)ને પણ પુષ્ટિ મળે છે.'

અમુક ખગોળશાસ્ત્રીઓ એવું તારણ કાઢે છે કે નવા શોધાયેલા ઘણા ખરા ગ્રહોની પ્રદક્ષિણા અનિશ્ચિત અને ડચકા ખાતી છે તેથી આવા ગ્રહો પરના તાપમાનમાં પણ ખૂબ તફાવત પડે અને પાણી સંગ્રહી રાખવાની શક્તિ પણ ઓછી થઈ જાય. આ બે કારણસર જ આ નવા ગ્રહો પર જીવન પાંગર્યું હોવાની શક્યતા નહિવત છે.

અમેરિકન અવકાશ સંસ્થા (નાસા)એ પૃથ્વીથી ૩૦૦ પ્રકાશવર્ષના અંતરે આવેલા કુલ ૧૧૦૦ તારામંડળને આવરી લેતી સઘન શોેધ ખોળ કરવા માટેનો બહુવર્ષીય પ્રોગ્રામ ઘડયો છે. તેમની મહેચ્છા ઈડનના બગીચા જેવી લીલીછમ સૃષ્ટિ ધરાવતી બીજી એક પૃથ્વી (ગ્રહ) શોધી કાઢવાની છે. જોઈએ તેઓ આ કામમાં કેટલા અને ક્યારે સફળ થાય છે. બાકી આ બ્રહ્માંડ તો અનંત અને અગાધ છે.

Tags :