- સરદાર @150-હસિત મહેતા
- વલ્લભભાઈએ પોતાની હંમેશની રીત મુજબ મેડી ઉપર આંટા મારતા મારતાં એ આગેવાનોની બધી વાતો સાંભળી લીધી, પછી કહ્યું કે 'ઠીક, હવે તમે જાઓ બાપુ પાસે, હું તમારી પાછળ આવું છું.'
બો રસદ સત્યાગ્રહના સુકાની વલ્લભભાઈએ જ્યારે ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહની સફળ નેતાગીરી નિભાવી, ત્યારથી તેઓ કાયમને માટે ભારતીય સ્વતંત્ર સંગ્રામના 'સરદાર' કહેવાયા. પરંતુ જેમ ૧૯૧૮ના ખેડા સત્યાગ્રહે, જેમ ૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહે, તેમ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહે પણ વલ્લભભાઈને પોતાના પૂર્વાશ્રમના નડિયાદ અને બોરસદ વખતના નિવાસ અનુભવો, સાથીઓ અને સંબધો મોટા પાયે ખપમાં લાગ્યા છે.
વાત એમ છે કે ઈ.સ.૧૯૧૮ની ખેડા લડત અને ૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ વખતના આગેવાનો દરબાર ગોપાળદાસ, મોહનલાલ પંડયા, રવિશંકર વ્યાસ(મહારાજ), ખુશાલભાઈ પટેલ, ફૂલચંદ બાપુજી શાહ, અંબાલાલ બાજીભાઈ પટેલ વગેરેએ બારડોલીની સરદાર હાકલને પળવારમાં ઝીલી લીધી હતી, અને ત્યાંના પંથકની જુદી-જુદી સત્યાગ્રહ છાવણીઓનું સુકાન સંભાળી લીધું હતું. આ અર્થમાં કહેવું રહ્યું કે પૂર્વાશ્રમના બોરસદી વકીલ, પૂર્વાશ્રમના નડિયાદી વિદ્યાર્થી કે પૂર્વાશ્રમના ખેડા સત્યાગ્રહીએ વલ્લભભાઈને બારડોલીના 'સરદાર' બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે.
ઈ.સ.૧૯૨૭માં મધ્યગુજરાતમાં આવેલા ભયંકર રેલસંકટના નિવારણનું કામ જોરશોરથી ચાલી રહ્યું હતું. આખુ ગુજરાત પાણી-પાણી હતું. એ અતિવૃષ્ટિની તારાજીમાંથી સ્થાનિક પ્રજાને ઉગારવા ગાંધીસેના સક્રીય થઈ હતી. અગાઉ ૧૯૧૮ના ખેડા સત્યાગ્રહમાં, ૧૯૨૧ના પૂર્ણસ્વરાજની ઘોષણામાં, ૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહે અને ૧૯૨૭ના આ રેલસંકટે ગાંધીમાર્ગીઓને ખભે-ખભા મિલાવીને રાષ્ટ્રવ્યાપી લડત માટે તૈયાર કર્યા હતા. એના ભાગરૂપે સુરત જિલ્લાના આગેવાનો કલ્યાણજીભાઈ મહેતા વગેરે બોરસદ છાવણીમાં ઘણો સમય રોકાયા હતા. બારડોલી તરફેના અને ચરોતર તરફેના કાર્યકરોના આ મિલનમાં જ વલ્લભભાઈને 'સરદાર' બનાવનાર આ સત્યાગ્રહના પાયા નંખાયા. એ સત્યાગ્રહની જલદ કે આક્રમક ચાલ અને તેની આખરી સફળતાના બીજ રોપાઈ ગયા હતા.
અર્થાત્ 'બારડોલી' સત્યાગ્રહના મૂળીયામાં વલ્લભભાઈના નડિયાદ અને બોરસદકાળના અનુભવો, સાથીઓ અને સંબંધોનું મોટું સિંચન રહ્યું છે.
બારડોલી સત્યાગ્રહનો મૂળ પ્રશ્ન તો આર્થિક રીતે પાયમાલ થયેલાં ખેડૂતોને માટે સરકારે ઝીંકેલા આકરાં જમીન મહેસૂલના કરનો હતો. એ માટે પ્રજાની હાલત, પ્રજાનું હીત અને પ્રજાના મતને ઠોકર મારીને સરકારે અધધધ મહેસૂલ વધારવાનો ઠરાવ કરી દીધો હતો. આ વાત એકવાર, ટ્રેન મુસાફરી દરમ્યાન, બારડોલી તાલુકા સમિતિના મંત્રી ખુશાલભાઈ પટેલે વલ્લભભાઈને કહી, સમજાવી અને તેની ગંભીરતા એમના ગળે ઉતારી. બારડોલી સત્યાગ્રહના આ પ્રથમ બીજારોપાણ વખતે ખેડા જિલ્લાના મોહનલાલ પંડયા એમની સાથે જ મુસાફરી કરતાં હતા, અને એમણે જ આગળ જતાં બારડોલી કરની લડતના સુકાની તરીકે વલ્લભભાઈને ખેંચી આણવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બારડોલીમાં જે કર વધારો ઝીંકાયો, એ માત્ર બારડોલી પૂરતો જ નહોતો. એ પછી તરત જ બીજા જિલ્લાઓમાં પણ આવો જ કર વધારો ઝીંકવાનો હતો. આ વાત સમજાવવા બારડોલીના આગેવાનો કુંવરજીભાઈ, કલ્યાણજીભાઈ, કેશવભાઈ વગેરેની સાથે વલ્લભભાઈના ખેડા-બોરસદના જૂના જોગીઓ મોહનલાલ પંડયા, રવિશંકર મહારાજ અને ગોપાળદાસ દરબાર પણ જોડાયા. આ રીતે બારડોલીના ખેડૂતોની વકીલાત કરવા સારુ વગદાર મંડળ વલ્લભભાઈ પાસે પહોંચ્યું.
વલ્લભભાઈએ પોતાની હંમેશની રીત મુજબ મેડી ઉપર આંટા મારતા મારતાં એ આગેવાનોની બધી વાતો સાંભળી લીધી, પછી કહ્યું કે 'ઠીક, હવે તમે જાઓ બાપુ પાસે, હું તમારી પાછળ આવું છું.' ગાંધીજી પાસે તો આ બધી વાતોના ભણકારા પહેલેથી હતાં જ. આકરો કર વધારો ન ભરવા માટે માયકાંગલી પ્રજાને શૂરાતન ચઢાવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને એ માટે વલ્લભભાઈ જેવો બીજો કોઈ ભડવીર નથી, એમ પણ તેઓ જાણતાં હતા. સામેના રસ્તે દૂરથી વલ્લભભાઈને આવતા જોઈને ગાંધીજી પેલા બારડોલી-ખેડા-બોરસદના કાર્યકરોને અટકાવીને મોટેથી બોલ્યાં કે '... પણ વલ્લભભાઈ શું કહે છે?' અને જે ચમત્કાર ગાંધીજીએ ઈચ્છયો હતો, તે થયો. તરત જ વલ્લભભાઈ બોલ્યાં કે પોતે એ આખો કેસ તપાસી ગયા છે, અને લડત વાજબી લાગે છે. ગાંધીજીને તો જોઈતું હતું તે મળી ગયું, અને પેલા કાર્યકરો સામે વલ્લભભાઈને ઈશારો કરીને ફટકો ફટકારી દીધો કે જો આ હશે (એટલે કે વલ્લભભાઈ તમારી સાથે હશે) તો, 'ત્યારે મારે એટલું જ ઈચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હો'
એ પછી કોઈ કાંઈ બોલ્યું નહીં, બધાએ સ્વીકારી લીધું કે બારડોલીમાં કરની લડત ઉપાડવી અને તેનું સુકાન વલ્લભભાઈએ સંભાળવું. આ રીતે બોરસદ, ખેડાના આગેવાનોએ વલ્લભભાઈને 'સરદાર' બનાવતાં બારડોલી સત્યાગ્રહના પાયા મજબૂત કરી દીધાં હતા.
એ પછી તો આખા બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈની પડખે બોરસદી, ખેડા અને નડિયાદના કાર્યકરોએ ખભે- ખભા મિલાવીને, રાત-દિવસ એક કરીને, લોહીનું પાણી થઈ જાય એટલી તનતોડ મહેનત સીંચીને, વલ્લભભાઈની સરદારીને સફળ બનાવવામાં પાછી પાની કરી નથી.


