- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- તંત્ર શીખવે છે કે સાવ સાહજિક રીતે આપ વસ્તુ અથવા આદતનો ત્યાગ કરો, જેથી આપ એને જોઈ શકો, સમજી શકો, એના પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકો...
વે દોમાં જેનું વર્ણન પ્રાપ્ત છે, એવા અદ્વૈતવાદનો માર્ગ જણાવે છે કે ઈશ્વર નિરાકાર છે અને 'હું એ જ છું' (તત્ત્વમસિ)! આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ તફાવત નથી. આ રીતે જોવા જઈએ, તો બંને એકસમાન છે અને સૌ કોઈ ભગવાન છે. બીજી બાજુ, ભક્તિમાર્ગ જણાવે છે કે આપ માત્ર એક આત્મા નહીં, પરંતુ જીવાત્મા છો; જે દૂષિત છે. ભક્તિમાર્ગનો મત છે કે આપ સ્વાર્થપૂર્ણ ઈચ્છાઓ અને લાગણીથી તરબતર છો, આપે અનેક પાપકર્મ કર્યા છે; પરંતુ ઈશ્વર પાપરહિત છે. આમ, હંમેશાથી જ પરમશુદ્ધ એવા સર્વોપરિ ભગવાન અને અનંતકાળથી મલિન એવી જીવાત્મા વચ્ચે સાંયુજ્ય શક્ય જ નથી.
ભક્તિમાર્ગ કહે છે કે એ પરમાત્માનો નામજપ કરી, એમનું સ્તુતિગાન ગાઈને નિરંતર પોતાના પાપોની ક્ષમા માગતા રહો અને પોતાની જાતને એમના ચરણોમાં સમર્પિત કરી દો.
તંત્ર આનો સ્વીકાર કરતું નથી.
કુંડલિની ઊર્જા, એના જાગરણ અને સાધના અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરતા અંગ્રેજી પુસ્તક 'કુંડલિની : એન અનટૉલ્ડ સ્ટોરી'માં ઓમ સ્વામી જણાવે છે કે, ભગવાન વિશેની ધારણા જ તંત્ર અને વેદ વચ્ચેનું મૂળ અંતર છે. તંત્ર જણાવે છે કે, 'આપ મારા આરાધ્ય છો. આપ મારાથી મહાન છો, એટલે હું આપની ઉપાસના કરું છું; પરંતુ માત્ર સ્તુતિગાન થકી અથવા પાપોની ક્ષમા માગતા રહેવામાં હું વિશ્વાસ નથી ધરાવતો. હું મારી જાતને ત્યાં સુધી પવિત્ર કરતો રહીશ, જ્યાં સુધી હું આપની અંદર અને આપ મારી ભીતર સમાવિષ્ટ ન થઈ જાઓ. મૃત્યુ બાદ થતાં મિલનમાં મને કોઈ રસ નથી. જીવતેજીવ - પંચમહાભૂતથી નિર્મિત આ દેહમાં ઉપસ્થિત રહીને જીવિત અવસ્થામાં હું આ અનુભવ કરવા ઈચ્છુક છું.'
यैरेव पतनं दव्यैं
सिद्धिस्तैरेव चोदिता ।
श्रीकौलदर्शने चापि
भैरवेण महात्मना ।।
(કુલાર્ણવ તંત્ર, ૫, ૪૮)
ભાવાર્થ: કૌલ સંપ્રદાયના મહાભૈરવ, સાક્ષાત્ સદાશિવ સ્વયં જણાવે છે કે જે દ્રવ્ય અથવા વસ્તુ માણસના પતનનું કારણ બને છે, એનો ઉપયોગ કરવાથી જ આધ્યાત્મિક ઉન્નતિ શક્ય છે.
કુંડલિની મારી ઊર્જા છે. લાગણી અને વિચારો પણ મારા પોતાના જ છે. તંત્ર પ્રમાણે કંઈ જ સારું કે ખરાબ નથી હોતું, કારણ કે આ બધું તો તેના ઉપયોગ પર આધાર રાખે છે. કુંડલિની સાધનામાર્ગમાં પહેલેથી જ એવું સ્વીકારી લેવામાં આવે છે કે મારી અંદર ખામી અને દોષ છે, પરંતુ એને લીધે હું મારા સામર્થ્ય-ક્ષમતા-કુશળતાનો નાશ ન કરી શકું. તંત્ર એ વાત પર જોર આપે છે કે સીમારેખા પાર કરવા માટે, પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અથવા આદતોથી ઉપર ઊઠવા માટે પહેલાં તેને સમજવી પડે છે.
જ્યારે આપ કોઈ ઘટનાક્રમને સમજતા નથી, ત્યારે તેને દબાવી દેવા પર જોર આપો છો;આપ એનો અસ્વીકાર કરી દો છો અને આત્મસાક્ષાત્કારના માર્ગ પર આ અસ્વીકાર જ આપની સૌથી મોટી બાધા બની જાય છે. આને બદલે પોતાની સઘળી નકારાત્મકતા અને સીમારેખાઓને સશક્ત બળમાં પરિવર્તિત થવા દો, જેથી મુક્તિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે એ ઊર્જાનું એકત્રીકરણ થઈ શકે.
તંત્ર શીખવે છે કે સાવ સાહજિક રીતે આપ વસ્તુ અથવા આદતનો ત્યાગ કરો, જેથી આપ એને જોઈ શકો, સમજી શકો, એના પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકો અને એની પેલે પાર જઈ શકો. આપ પાપી છો, એ વિચારવામાં ખરાબ લાગી શકે. એને બદલે પોતાના પાપ અંગેના વિચારોથી ઉપર ઊઠીને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. કોઈકે તો કચરો સાફ કરવો જ પડશે. અવગણના કરવાથી કશું જ નહીં વળે. અવગણનાને લીધે તો કચરો ત્યાં ને ત્યાં જ પડયો રહેશે અને દુર્ગંધ વધવા માંડશે. સંપૂર્ણ કુશળતા અને કારીગરી સાથે આપે પોતાની અંદર રહેલી સઘળી બાબતો પર નિયંત્રણ લાવતા શીખવું પડશે.


