- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- વિદેશમાં તબીબી અભ્યાસ દરમિયાન જ દોડવાનું શરૂ કર્યા બાદ ડૉ. કાર્તિક દિલ્હી મેરેથોન જીતવાની સાથે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પણ ક્વોલિફાય કરી લીધું
રો જિંદી જિંદગીમાં ઘણી વખત સાવ સામાન્ય અને ક્ષુલ્લુક લાગતી બાબતો જ આગળ જતાં સફળતાની નવી દિશાના દરવાજા ઉઘાડી દેતી હોય છે. મધ દરિયામાં તરતા જહાજનો સુકાની જો તેના નિર્ધારિત માર્ગથી સ્હેજ અમથો પણ વળાંક લઈ લે તો લાંબી મજલ બાદ તેનો સામનો તદ્દન નવી મંઝિલ અને કિનારા સુધી પહોંચાડી દે છે. આ સમયે અહેસાસ થાય છે કે, સફર દરમિયાન જાણે-અજાણે લીધેલા નિર્ણયની કેટલી મોટી અસર પડતી હોય છે. આવો જ પ્રભાવ ભારતીય એથ્લેટિક્સમાં આગવું કાઠુ કાઢનારા ઓર્થોપેડિક સર્જન ડૉ. કાર્તિક કરકેરાને થઈ રહ્યો છે.
સામાન્ય રીતે રમતના મેદાન અને વર્ગખંડ વચ્ચેની ખાઈ ઘણી મોટી જોવા મળતી હોય છે. જેનું મન રમતના મેદાનમાં હોય તેના માટે વર્ગખંડ ચાર દિવાલોના અંતરાય સમાન બની રહેતો હોય છે. જ્યારે વર્ગખંડમાં એકાગ્રતાને હાંસલ કરનારનું મન રમતના મેદાનમાં ઓછું લાગતું હોય છે. જોકે કેટલીક વિશિષ્ટ પ્રતિભાઓ એવી પણ હોય છે કે, જે ખુદની મિસાલ રજુ કરતાં રમતના મેદાન અને વર્ગખંડ માટે સેતુ સમાન ઓળખ ઉભી કરતા હોય છે. મહારાષ્ટ્રના નાસિકમાં ઓર્થોપેડિક સર્જન તરીકેની ધીકતી પ્રેક્ટિસ કરી રહેલા ડૉ. કાર્તિક કરકેરાને તેમનો દોડવાનો શોખ છેક એશિયન ગેમ્સ સુધી લઈ ગયો છે.
ઓપરેશન થિયેટર થી લઈને મેરેથોન રનિંગમાં આગવી કુશળતાથી શ્રેષ્ઠ પરિણામ આપી રહેલા ડૉ. કાર્તિકે તાજેતરમાં જ નવી દિલ્હીમાં યોજાયેલી મેરેથોનમાં દેશના ટોચના દોડવીરોને પાછળ રાખતાં એશિયન ગેમ્સમાં ક્વોલિફાય થવામાં સફળતા મેળવી હતી. ૨૮ વર્ષના ડૉ. કાર્તિકે આ રેસ બે કલાક ૧૩ મિનિટ અને ૧૦ સેકન્ડમાં પુરી કરીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તેમણે એશિયન ગેમ્સ માટેનો ક્વોલફાઈંગ માર્ક હાંસલ કર્યો હતો. નવી દિલ્હી મેરેથોનમાં રસપ્રદ બાબત એ રહી કે, પુરુષોમાં ટોચના ત્રણ એથ્લીટ્સની વચ્ચેનું અંતર માત્ર પાંચ જ સેકન્ડનું હતુ. આમ, ત્રણેય એથ્લીટે જાપાનમાં યોજાનારા એશિયાડના ક્વોલિફાઈંગ ટાઈમને હાંસલ કર્યો હતો.
ડૉ. કાર્તિક કરતાં માત્ર બે સેકન્ડ પાછળ રહેલા ઓલિમ્પિયન થોનાકલ ગોપીને બીજા ક્રમથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે માનસિંહ પ્રથમ ક્રમાંકિત એથ્લીટ કરતાં પાંચ સેકન્ડ પાછળ રહ્યા હતા. નવી દિલ્હી મેરેથોનની જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેને નેશનલ મેરેથોન તરીકેની ઓળખ આપી છે અને વર્લ્ડ એથ્લેટિક્સે તેના માપદંડો પર ખરી ઉતરતી આ મેરેથોનને માન્યતા આપી છે. આ પ્રકારે જોઈએ તો ડૉ. કાર્તિક નેશનલ ચેમ્પિયન કહી શકાય.
એશિયન ગેમ્સની મેરેથોનની સ્પર્ધા માટે એથ્લીટ્સ વરસો વરસ મહેનત કરતાં હોય છે, ત્યારે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા રહીને ડૉ. કાર્તિકે જે સિદ્ધિ મેળવી બતાવી છે, તે તેમની કટિબદ્ધતા અને મક્કમ ઈરાદાના ઉદાહરણીય પ્રતીક સમાન બની રહી છે. જોકે તેમને આ સફળતા રાતોરાત હાંસલ થઈ નથી. તેઓ અગાઉ પણ વિશ્વની અન્ય મેરેથોનમાં ભાગ લઈને સફળતા હાંસલ કરી ચૂક્યા છે અને દરેક સફળતાએ તેમને નવી ઊંચાઈઓ સર કરવા માટેની પ્રેરણા પુરી પાડી છે.
ભારતીય એથ્લેટિક્સમાં મધ્યમ અને લાંબા અંતરના એથ્લીટ તરીકેની ઓળખ મેળવનારા ડૉ. કાર્તિક ૧૫૦૦ મીટરની દોડમાં ત્રણ મિનિટ ૪૩.૬૯ સેકન્ડનો સમય આપી ચૂક્યા છે અને તેમનો આ સમય મહારાષ્ટ્રનો રાજ્ય સ્તરનો રેકોર્ડ બની રહ્યો છે. આ ઉપરાંત પણ તેઓ ૧૦૦૦ મીટર, ૩૦૦૦ મીટર, પાંચ હજાર મીટર તેમજ દસ હજાર મીટર જેવી દોડ સ્પર્ધાઓમાં ભાગ લેતા આવ્યા છે.
મુંબઈના બોરીવલીમાં વસતા કરકેરા પરિવારમાં જન્મેલા ડૉ. કાર્તિકના પિતા જયરાજ પણ પુત્રને અભ્યાસની સાથે દોડવા પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતા રહ્યા છે. શાળા જીવન પુરુ કર્યા બાદ તબીબી અભ્યાસ માટે રશિયા ગયેલા ડૉ. કાર્તિકે ત્યાં ફાજલ સમયમાં દોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અભ્યાસના તનાવમાંથી મુક્ત થવાની સાથે સાથે દોડવાના કારણે તેમની ફિટનેસમાં પણ વધુ સુધારો થયો. આ પછી તેમણે કોલેજની નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડયો. માત્ર શોખથી દોડવાનું શરુ કરનારા ડૉ. કાર્તિક હવે તેના તરફ વધુને વધુ ગંભીર બનવા માંડયા. અભ્યાસની સાથે સાથે તેઓએ રશિયામાં યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધામાં પણ ભાગ લેવાનું શરુ કર્યું અને તેમાં મળેલી નાની-મોટી સફળતાએ તેમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપી. તબીબી અભ્યાસના દબાણ બાદ તેમના માટે લાંબા અંતરની દોડ રાહત આપનારી બની રહેતી. ઘણી વખત તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી-હારી જતા ત્યારે તેમના પિતા તેમને પ્રોત્સાહિત કરતાં. આમ તેમની એથ્લીટ તરીકેની કારકિર્ર્દી પણ તબીબી અભ્યાસને સમાંતર આગળ વધતી રહી.
ડૉ. કાર્તિકને રશિયામાં દોડની પાયાની તકનિક શીખવા મળી અને તેનો ફાયદો તેમને ધીરે ધીરે થવા મળ્યો. તબીબી સ્નાતક થયા બાદ ઓર્થોપેડિકમાં સર્જનની ઉપાધિ મેળવ્યા બાદ તેઓની સામે ત્યાંની હોસ્પિટલમાં જ નોકરી કરવાની ઓફર હતી. જોકે, એથ્લેટિક્સમાં આગળ વધવાનું સ્વપ્ન તેમને ભારત લઈ આવ્યું અને તેમણે ભારતમાં ફેડરેશન કપ અને ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું. આ દરમિયાન જ તેમણે લાંબા અને મધ્યમ અંતરની દોડના નિષ્ણાત કોચ વિજેન્દર સિંઘની પાસે તાલીમ લેવાનું શરુ કર્યું.
કોચ વિજેન્દર સિંઘ નાસિકમાં સ્થાયી થયા હોવાથી ડૉ. કાતકે પણ ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું અને તે પછી તેમની પદ્ધતિસરની એડવાન્સ તાલીમની શરુઆત થઈ.ત્યાં જ હોસ્પિટલમાં પણ તેમણે નોકરી પણ શરુ કરી. શોખ અને વ્યવાયને ન્યાય આપવા માટે તેઓ રોજ સવારે ચાર વાગ્યાથી પ્રેક્ટિસ શરુ કરે છે અને ૧૦ વાગ્યાથી તેમની સર્જન તરીકેની કામગીરી શરુ થઈ જાય છે, જે મોડી સાંજ સુધી ચાલતી હોય છે. આમ છતાં બીજા દિવસે સવારે તેઓ ફરી તાલીમ માટે પહોંચી જતા હોય છે.
મધ્યમ અંતરની દોડથી શરુ કર્યા બાદ ડૉ. કાર્તિકે તબક્કાવાર ૧૦ કિલોમીટર અને ૧૫ કિલોમીટરની દોડમાં ભાગ લેવાનું શરુ કર્યું. ધીરે-ધીરે તેમને આ દોડમાં કેવા વ્યુહ સાથે આગળ વધવું તેની સમજ પડવા માંડી એટલે તેમણે હાફ મેરેથોન અને ૨૫ કિલોમીટરની દોડની સ્પર્ધામાં ઉતરવાનું શરુ કર્યું અને તે પછી સૌથી લાંબી દોડ એટલે કે મેરેથોનમાં ઝંપલાવ્યું.
ખેલાડીની શારીરિક અને માનસિક ધીરજની આકરી કસોટી કરતી મેરેથોન રેસમાં છેક સુધી ટકી રહેવું સૌથી મોટો પડકાર હોય છે, ત્યારે સાથે દોડતા હરિફોની આગળ નીકળવા માટે ક્યારે ઝડપ વધારવી અને ક્યારે પોતાની તાકાતને આખરી પડાવ સુધી બચાવી રાખવી તેવા વ્યુહને અનુસરવું આસાન હોતું નથી. જોકે, દોડવા પ્રત્યે આગવો લગાવ તેમજ કંઈક કરી બતાવવાના નિર્ધારને પગલે ડૉ. કાર્તિકે ચાલુ વર્ષે મુંબઈ મેરેથોનમાં પણ પ્રભાવ પાડયો હતો અને તેઓ ટોપ-૧૦માં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય અને નોન-આફ્રિકન સ્પર્ધક હતા.
હવે તેમણે નવી દિલ્હી મેરેથોનની સફળતાની સાથે ભારતીય એથ્લેટિક્સમાં પોતાની આગવી છાપ છોડી છે. ચાલુ વર્ષે જાપાનમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ કે જે એશિયાડ તરીકે પણ ઓળખાય છે, તે યોજાવાની છે. હવે ડૉ. કાર્તિકે તેના તરફ મીટ માંડી છે. જોકે આ દરમિયાન તેમણે ભારતીય એથ્લેટિક્સમાં આગળ વધવા ઈચ્છતા અનેક યુવા એથ્લીટ્સને દેખાડી દીધું છે કે, સ્વપ્નને પામવું આસાન હોતું નથી, પણ તે અશક્ય પણ નથી જ.'


