- આજકાલ-પ્રીતિ શાહ
- બાવીસ વર્ષમાં સાવિત્રી અમ્માએ પચાસથી વધુ ચિત્તાના, પંદર સિંહના અને સાત વાઘના બચ્ચાંને ઉછેર્યા છે
સ માજમાં ભૂકંપ, પૂર કે અકસ્માત જેવી કુદરતી આપત્તિ સમયે કે યુદ્ધ જેવી માનવસર્જિત આપત્તિમાં માતા-પિતાને ગુમાવનાર બાળકોની સંભાળ લેનાર કેટલીયે વ્યક્તિઓ મળી આવશે અથવા જીવદયા કે પ્રાણી કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા અનેક ઘાયલ કે એકલા પડી ગયેલા પ્રાણીઓની સંભાળ લેવામાં આવે છે, પરંતુ વાઘ, સિંહ કે ચિત્તા જેવા હિંસક પ્રાણીના ઘાયલ થયેલા કે પોતાના ઝૂંડથી છૂટા પડી ગયેલાં બચ્ચાંઓની સંભાળ લેનારું કોઈ હશે ખરું ? પરંતુ નવાઈની વાત એ છે કે આવા હિંસક પ્રાણીઓના બચ્ચાંઓને પોતાની ગોદમાં બેસાડીને અત્યંત પ્રેમથી ઉછેરનાર છે સાવિત્રી અમ્મા ! બઁગાલુરુ પાસે પાંસઠ હજાર એકરમાં ફેલાયેલો બન્નેરઘટ્ટા નેશનલ પાર્ક આવેલો છે. તેમાં આવેલી ઝૂ હોસ્પિટલમાં ઘાયલ પ્રાણીઓ તેમજ પોતાના ઝૂંડમાંથી છૂટા પડી ગયા હોય તેવાં પ્રાણીઓનાં બચ્ચાંઓની સારવારની સાથે સાથે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ બાયોલોજિકલ પાર્ક ૨૩૧ હેક્ટરમાં ફેલાયેલો છે અને તેમાં ૧૦૨ પ્રજાતિઓના આશરે ત્રેવીસસો પ્રાણીઓ રહે છે.
સાવિત્રી અમ્માના પતિ બાયોલોજિકલ પાર્કમાં નોકરી કરતા હતા, પરંતુ તેમના મૃત્યુ પછી સાવિત્રી અમ્માને ૨૦૦૨માં સાફ-સફાઈની જવાબદારી સોંપવામાં આવી, પરંતુ તેમનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોઈને પ્રાણીઓની હોસ્પિટલમાં તેમની નિયુક્તિ કરવામાં આવી. આ હોસ્પિટલમાં કર્ણાટકની જુદી જુદી જગ્યાએથી પ્રાણીઓને સારવાર માટે લાવવામાં આવે છે. એમાં એવા પ્રાણીઓ પણ હોય છે કે જેની માતાનું મૃત્યુ થઈ ગયું હોય અને તેનાં બચ્ચાંની જીવવાની શક્યતા ઓછી હોય. આવાં બચ્ચાંઓને તે પોતાના બાળકની જેમ સંભાળ રાખે છે. તેને પોતાના ખોળામાં બેસાડીને દૂધ પાય છે, ભોજન કરાવે છે, માલિશ કરી આપે છે અને પછી સુવડાવે પણ ખરાં ! તેની પ્રેમભરી સારવારથી દુર્બળ કે ઘાયલ પ્રાણીનું બચ્ચું છ મહિનામાં એટલું તંદુરસ્ત થઈ જાય છે કે તેને સફારીમાં મૂકવામાં આવે છે. આ પ્રાણીઓ બોલી નથી શકતા, પરંતુ કોને ભૂખ લાગી છે અને કોની તબિયત ખરાબ છે તે બધી વાત સાવિત્રી અમ્મા સમજી જાય છે. જરૂર પડે ત્યાં ડૉક્ટરની સલાહ લઈને તેનો જરૂરી ઈલાજ પણ કરે છે. સાવિત્રી અમ્મા જ્યારે અહીં બાયોલોજિકલ પાર્કમાં જોડાયા, ત્યારે તો પતિના અવસાન પછી અનુકંપાના આધારે તેમને નોકરી મળી હતી, તેથી તેમના માટે તો એ માત્ર નોકરી જ હતી અને તેમને સોંપેલું કામ કરીને સમય થાય એટલે ચાલ્યા જતા હતા, પરંતુ પ્રાણીઓના ઘાયલ થયેલાં વેદનાથી પીડાતાં બચ્ચાંઓને જોયાં અને તેમણે અનુભવ્યું કે આ કુમળા બચ્ચાંઓને તો અત્યંત સાવચેતીપૂર્વક અને પ્રેમથી કોઈ સારવાર કરે તેની જરૂર છે.
સિંહ, વાઘ અને ચિત્તા જેવાં હિંસક પ્રાણીઓનાં બચ્ચાંની સંભાળ લેવા અને સારવાર કરવા માટે સાત કેરટેકર છે, પરંતુ સાવિત્રી અમ્માની આસપાસ આ બચ્ચાંઓ ખુશ થઈને ફર્યા કરે છે અને તેમની સાથે ગેલ કરે છે. પ્રેમ અને હૂંફથી હિંસક પ્રાણી પણ કેવાં વશ થઈ જાય છે તે સાવિત્રી અમ્માના જીવનમાં જોવા મળે છે. ઘણી વખત પ્રાણીઓની સંભાળમાં તકલીફ પડે છે જેમકે તેના તીક્ષ્ણ નહોર વાગે છે, પરંતુ સાવિત્રી અમ્માનો પ્રેમ તેને ગણકારતો નથી. કોઈ વખત કોઈ પ્રાણી અચાનક જ ખૂબ બીમાર થઈ જાય તો રાત-દિવસ જોયા વિના સાવિત્રી અમ્મા તેની સારવાર કરે છે. તેમનો તેમની સાથે કરુણાનો, અનુકંપાનો સંબંધ છે, લોહીનો નહીં, પરંતુ તેઓ તેમને પોતાના બાળકો જ માને છે અને આ જ એમનો પરિવાર છે તેમ કહે છે. સાવિત્રી અમ્માએ માતૃત્વની એક નવી પરિભાષા આપી છે. ઘાયલ કે માતાથી વિખૂટા પડી ગયેલાં બચ્ચાંઓને શિકારીના ભય વિના અને પોતાના પ્રેમથી મોટા કર્યા.
સાવિત્રી અમ્મા જાણે છે કે જેમ સંતાન મોટું થઈને માતા-પિતાને છોડીને અન્ય જગ્યાએ જાય છે, તેમ આ બચ્ચાંઓ પણ મોટાં થઈને સફારીમાં કે જંગલમાં જતા રહેશે. એ જ્યારે વિદાય લે છે, ત્યારે તેમને એટલું બધું દુ:ખ થાય છે કે તેઓ કહે છે કે જો શક્ય હોત તો તે બધાને સાથે જ રાખત.બચ્ચાંની વિદાય વખતે ઘણી વાર રડી પડે છે તો ક્યારેક તો વિદાયને દિવસે તેઓ એટલાં બધા ભાવુક બની જાય છે કે તેને મળવા જતા નથી, પરંતુ બાળક તો પોતાની માતાને કેવી રીતે ભૂલે ? જે બચ્ચાંને ત્યાંની જ સફારીમાં રાખ્યું હોય તો પંદર વર્ષ પછી પણ સાવિત્રી અમ્મા તેના પાંજરા આગળ જઈને બોલાવે તો તરત જ હરખભેર તેને મળવા દોડતા આવે છે. દરેક કુટુંબને પોતાના ફોટો આલ્બમ હોય છે, તેવી રીતે તેમણે પણ આ બધાના ફોટા પાડીને આલ્બમ બનાવ્યું છે. તેને જોઈને પોતાની યાદો સાથે ફરી જીવે છે. બાવીસ વર્ષમાં સાવિત્રી અમ્માએ પચાસથી વધુ ચિત્તાના, પંદર સિંહના અને સાત વાઘના બચ્ચાંને ઉછેર્યા છે. આજ સુધી આ અબોલ પ્રાણી પાસેથી માનવીએ કાં તો તેનું ઘર છીનવ્યું છે કાં જિંદગી. પરંતુ સાવિત્રી અમ્મા બાવીસ વર્ષથી તેમની નિ:સ્વાર્થ સેવા કરીને વહાલ વરસાવી રહ્યાં છે અને તેથી લોકો તેમને 'ગાડયન એંજલ' કહે છે.
ચાર એસકે એટલે એસકે-૪
આજે 48 વર્ષના સચિન કારેકર કહે છે કે, 'ખેતીને છોડો નહીં. ખેતીમાંથી જ ભોજન મળે છે. તમારા ખેતરને જીવિત રાખો.'
જી વન હોય કે અભ્યાસ-વ્યક્તિને સતત પડકારો અને કસોટીઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ સમાજમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો 'હાઉ' કંઈક વિશેષ જોવા મળે છે. પરંતુ આપણી સમક્ષ સમાજમાં એવી કેટલીય સફળ વ્યક્તિઓ છે જેણે સ્કૂલનો અભ્યાસ છોડી દીધો હોય કે પરીક્ષામાં નિષ્ફળ ગયા હોય, પરંતુ ત્યાં જ જીવનનો અંત માનીને અટકતા નથી અને પ્રબળ પુરુષાર્થ કરીને સફળતા હાંસલ કરે છે. આવી જ એક વ્યક્તિ છે સચિન કમલાકર કારેકર. સચિનનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ગુહાગરના અબલોલી ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. અબલોલી ચિપલૂન શહેરથી પંચાવન કિમી.ના અંતરે આવેલું છે.
સચિનનો પરિવાર સોપારી અને નાળિયેરીની ખેતી કરે છે. પોતાની જાતને 'બારમા ધોરણમાં નાપાસ' તરીકે ઓળખ આપીને પોતે ગુણવત્તાવાળી હળદરની ખેતી કેવી રીતે કરી તેની વાત કરે છે. મહારાષ્ટ્રમાં હળદરનું જે ઉત્પાદન થાય છે તેમાં સાંગલીની રાજાપુરી સેલમ હળદરનો સિત્તેર ટકા ફાળો છે. વીસ રાજ્યોમાં આ હળદરનો પાક લેવામાં આવે છે, પરંતુ તેમાંય મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક કે તમિલનાડુ મુખ્ય છે. ભારતમાં ૨૦૨૨-૨૩માં ૧૧.૬૧ લાખ ટન હળદરનું ઉત્પાદન થયું હતું, જે વિશ્વમાં સૌથી વધુ હતું. ઈ. સ. ૧૯૯૮માં સચિન કારેકરે સ્થાનિક કડજા નામની હળદરની વાવણી કરી. તેણે જોયું કે આને કોઈ રોગ લાગુ નથી પડયો અને તેની ગાંઠ પણ મોટી હતી. તેનો રંગ એકદમ સરસ હતો અને એકર દીઠ ઉત્પાદન પણ વધુ થયું હતું. તેને હળદરની ખેતીમાં રસ પડયો અને તેમાં નવાં નવાં સંશોધનો કરતો રહ્યો. બાવીસ વર્ષની ઉંમરે સોપારી અને નાળિયેરીના છોડની વચ્ચે તેણે હળદરની વાવણી કરી.
સચિન કારેકરે ૧૯૯૮થી હળદરની ખેતી શરૂ કરી હતી તે પછી દસ વર્ષ સુધી તેમણે સતત તેના પર ધ્યાન આપીને ફેરફાર કરતા ગયા અને તેમણે પોતાની હળદરને એસકે-૪ નામ આપ્યું છે. છેલ્લાં બે વર્ષના નિરીક્ષણમાં તેમણે જોયું કે તે રાજેન્દ્ર સોનિયા જાતની હળદરની જેમ જ આ હળદર પણ વધુ ઉપજ આપે છે. કોંકણના વધુ વરસાદવાળા વિસ્તારમાં સારો વિકલ્પ પૂરો પાડે છે. તેને ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ ઊગાડવામાં આવી. એસકે-૪ હળદર અન્ય હળદર કરતાં ઓછા સમયમાં એટલે કે ૧૬૦-૧૭૦ દિવસમાં તૈયાર થાય છે. હળદરમાં સૌથી મહત્ત્વનું કર્ક્યુમિન તત્ત્વ હોય છે જે એસકે-૪માં ચાર ટકા જેટલું છે. જે તેને ઔષધ તરીકે અને વ્યવસાયની રીતે વધુ કિંમત અપાવે છે. દેશી જાતને પસંદ કરીને સચિન કારેકરે બ્રીડિંગ કરીને એસકે-૪ જાત વિકસાવી છે. તેનો રંગ લાલાશ પડતો પીળો છે. આ હળદરની ગાંઠ બે કિલોની થઈ હતી, પરંતુ ધીમે ધીમે તે વધવા લાગી. સિંધુદુર્ગ અને રાયગઢ જિલ્લામાં અનેક ખેડૂતો એસકે-૪ હળદરની ખેતી કરે છે. ગુહાગર જિલ્લાના વેલંબ ગામમાં એક ખેડૂતને આઠ કિલોથી મોટી હળદરની ગાંઠ પ્રાપ્ત થઈ હતી.
હળદરની ગાંઠમાં માતૃકંદ, ફિંગર અને અંગૂઠો કે કન્યાકંદ હોય છે. આ ત્રણમાંથી કોઈ પણ ભાગ વાવી શકાય છે. હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ, એન્ટીવાયરલ જેવા સ્વાસ્થ્યવર્ધક ગુણો છે. લોહી શુદ્ધ કરવામાં, કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં કે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવા અસંખ્ય ગુણો ધરાવતી હળદરને વધુ ગુણવત્તાવાળી કેવી રીતે બનાવવી તેની પાછળ સચિન કારેકરે પોતાના જીવનના છવ્વીસ વર્ષ ગાળ્યા છે અને છેલ્લાં દસ વર્ષમાં તેમણે એસકે-૪ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ જણાવે છે કે એસકે-૪ના કંદ કે ફિંગરને એપ્રિલ મહિનામાં નર્સરી બેગમાં વાવો અને ત્યારબાદ જૂન મહિનામાં તેને ઓર્ગેનિક ફર્ટીલાઇઝરવાળા તૈયાર કરેલા ખેતરમાં વાવી શકો છો. તેને સીધી ખેતરમાં ન વાવવી હોય તો આ પદ્ધતિમાં નેવું ટકા સફળતા મળે છે.
આ હળદરનું નામ એસકે-૪ કેમ આપ્યું તેમ પૂછશો તો સચિન કારેકર કહે છે કે એક તો આ સાંગલી કડપા જાત છે, બીજું આના બીજ એમના ગુરુ શેંગડે કાકાએ આપેલા, ત્રીજું પોતાનું નામ સચિન કારેકર છે અને ચોથું સ્પેશ્યલ કોકણની વિશેષતા છે આમ ચાર એસકે ભેગા થયા. તેથી નામ આપ્યું એસકે-૪ ! શરૂઆતમાં કોઈ ટૅક્નૉલૉજી કે વ્હોટ્સ એપ જેવાં સાધનો ન હતાં. તેથી કોઈ મદદ મળી નહોતી, પરંતુ હવે આમાં વધુ સંશોધન થશે. ૨૦૨૦ની ખરીફ સીઝનમાં ડૉ. બાબાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠે એસકે-૪ને માન્યતા આપી. તે ઉપરાંત પ્રોટેક્શન ઑફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર રાઇટ્સ ઓથોરિટીએ પણ તેને 'પ્લાન્ટ બ્રીડર' તરીકે બિરદાવ્યા, કારણ કે છેલ્લા છ વર્ષથી તેનું ઉત્પાદન અને વેચાણ થતું હતું. તેર રાજ્યોમાં તેમની આ હળદરનું વાવેતર થાય છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. આજે ૪૮ વર્ષના સચિન કારેકરને આનંદ એ વાતનો છે કે તેઓ કોંકણવાસી ખેડૂતોને કંઈક સારું આપી રહ્યા છે. તેઓ કહે છે કે, 'ખેતીને છોડો નહીં. ખેતીમાંથી જ ભોજન મળે છે. તમારા ખેતરને જીવિત રાખો.'


