Get The App

મારા સુખ અને દુ:ખનો તો હું માત્ર સાક્ષી છું!

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
મારા સુખ અને દુ:ખનો તો હું માત્ર સાક્ષી છું! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- એક લક્ષ્ય પામીને જીવન પરિવર્તનની ખોજ કરવી જોઈએ. એનાથી ધીરે ધીરે તમારા જીવનમાં પરિવર્તન આવતું રહેશે

- જો માત્ર આપણા દેહનાં કે જીવનનાં સુખોની પાછળ ભમતા રહીશું તો આખી જિંદગીમાં ક્યારેય આત્માનાં એંધાણ પામી શકીશું નહીં, અધ્યાત્મની વાત તો ઘણી દૂરની રહી

'આ ચોવીસ કલાક જિંદગીની જળોજથામાં પડયા છીએ, ત્યાં વળી તમે ક્યાં અધ્યાત્મની વાત કરો છો ?' તો વળી કોઈ છણકો કરીને કહેશે કે, આટલી બધી જવાબદારીઓ જ માંડ-માંડ વેંઢારી શકીએ છીએ, ત્યાં વળી આત્માની ઓળખ માટે ક્યાંથી સમય ફાળવવો ? વળી આ અધ્યાત્મ અંગે ક્યાંથી કંઈ કરી શકીએ ? 

સામાન્ય જનસમૂહ આ પ્રકારનો વિચાર કરે છે અને તે સ્વાભાવિક છે. જેમને આ ભવસાગ૨માં વહેવાનું નહીં, પરંતુ સતત ઘસડાતા રહેવું પડે છે, એ વળી એમાંથી બહાર નીકળીને બીજું શું વિચારી શકે ? પરિવાર, વ્યવસાય, આર્થિક ઉપાર્જન આ બધાં ઉપરાંત પિતા, માતા, પુત્ર વગેરે કુટુંબીજનોની જવાબદારી આ બધામાંથી બહાર નીકળવું શક્ય નથી. 

આવે સમયે સૌથી પહેલું તો એ વિચારવું જોઈએ કે આપણી દિનચર્યામાં ક્યાંક થોડીક ક્ષણો એકાંત અને અધ્યાત્મ માટે ફાળવી શકીએ છીએ ? વ્યક્તિ એના જીવનમાં ઘણાં સારાં કામ કરતી હોય છે, પરંતુ કેટલીક નકામી, વ્યર્થ કે બિનજરૂરી બાબતો એનો સમય ખાઈ જતી હોય છે. તો પહેલાં આખા દિવસની કામગીરીનો વિચાર કરીને કઈ બાબતોની કાપકૂપ કરી શકીએ છીએ, તે જોવું જોઈએ. 

જેમકે કોઈ વ્યક્તિ નોકરીનો સમય પૂરો થયા બાદ મિત્રો સાથે બેસીને કલાકેક ગપાટા લગાવતી હોય, તો વળી કોઈ મિત્રને ત્યાં જઈને એકાદ કલાક બેઠક કરતો હોય - આવી વ્યર્થ બાબતો એના જીવનને સાર્થક કરવા દેતી નથી. કોઈ વ્યક્તિ રોજ બે કલાક પત્તા ખેલતી હોય કે કોઈ મોબાઈલ પર ગામ આખાની પંચાત કરતી હોય, ત્યારે એને સમયની અને જીવનની બરબાદીનો ખ્યાલ હોતો નથી. આના ઉપાય રૂપે ઘણી વ્યક્તિઓ પોતાની ડાયરીમાં દિવસભરનાં કાર્યોની નોંધ કરતી હોય છે અને જાગૃત વ્યક્તિઓ દિવસભરનાં કાર્યોની નોંધ જોઈને આવતી કાલે એમાંથી કયો સમય પોતે પોતાના લક્ષ્ય માટે કે અધ્યાત્મ માટે ફાળવી શકે તેમ છે, એનો વિચાર કરે છે, આથી આપણી દિનચર્યાની યોગ્ય સમીક્ષા આપણને સારા એવા સમયની મોકળાશ આપી જાય છે. આવી મોકળાશનો સમય પામીને વ્યક્તિ એને એકાંતમાં ગાળી શકે છે અથવા તો શાંત ચિત્તે પોતાની ભીતરમાં જઈને આત્માની ખોજ કરી શકે છે. મોટાભાગના ચિંતકો એમ કહે છે કે ભીતરમાં જુઓ એટલે આત્મા દેખાશે, પરંતુ આ વાત સાથે હું એ માટે સહમત નથી કે આપણા ભીતરના આંગણામાં જો કચરો પડયો હશે તો આત્મા દેખાશે નહીં. આત્માની પ્રાપ્તિ માટે પહેલાં સફાઈ જરૂરી છે. એકાંતમાં બેસીને ભીતરનાં અવગુણોને જોવાનો સૌપ્રથમ પ્રયાસ કરવો જોઈએ. 

મોટાભાગની વ્યક્તિઓ 'હું ઘણો આધ્યાત્મિક છું', એમ માનીને પોતાના આત્માને નીરખવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં એમણે ભક્ત સૂરદાસની પેલી પંક્તિની માફક 'માઁ સમ કૌન કુટિલ ખલ કામી' એમ વિચારીને જાત ચકાસણી કરવી જોઈએ. મહાત્મા ગાંધીજી પણ આ પંક્તિ વારંવાર દોહરાવતા હતા. આમ ભીતરમાં પડેલી એ કુટિલતા, ખલતા અને વાસનાને પહેલા તપાસવી પડે. 

સંસારમાંથી અધ્યાત્મમાં જવાનું પરિવર્તન એ ભલે એક છલાંગ હોય, પણ અધ્યાત્મમાં આત્મઓળખ મેળવવી એ એક પ્રક્રિયા છે એટલે કે વ્યક્તિએ પહેલા પોતાના હૃદયની આરસી ચોખ્ખી કરવી જોઈએ. એમાં જામી ગયેલી રાગ અને દ્વેષની ધૂળ વ્યક્તિને સતત મનોયુદ્ધ ખેલાવતા હશે, વાસના સતત એના ચિત્તમાં વિકારો જગાવતી હશે, વળી પોતાની જાત માટેનું અભિમાન એને આ દોષો પ્રત્યે આંખમીચામણાં કરાવશે. એનું સ્થાન, માન કે હોદ્દો એની વચ્ચે અવરોધ ઊભો કરશે, એણે આ બધું દૂર કરવાનું છે અને એ દૂર કરીને જ એ પોતે પોતાના આત્માને 

જોઈ શકશે. 

માત્ર મુખેથી વારંવાર પ્રભુનું નામ લેવાથી કે નમ્રતાથી ગુરુભક્તિ કરવાથી આત્મસાક્ષાત્કાર થતો નથી. એટલે સહુ પહેલાં તો એકાંત સેવનથી વ્યક્તિએ આત્મઓળખ પામવાની છે. જ્યાં સુધી એ આત્માને ઓળખતો નથી, ત્યાં સુધી સઘળું વ્યર્થ હોય છે. આમ પહેલાં વ્યસ્ત જીવનમાં ગાળવામાં આવતા વ્યર્થ સમયને દૂર કરીને એના સાર્થક ઉપયોગ તરફ જવાનું હોય છે. આવા સાર્થક જીવન માટે એક લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે. જીવનનાં લક્ષ્ય પ્રમાણે પોતાનાં કાર્યોનું આયોજન કરવું પડશે. બાકી તો ઇચ્છાઓ અનંત હોય છે અને તે વ્યક્તિને સતત દોડાવ્યે રાખતી હોય છે. લોભ હોય કે મોહ હોય, એ વ્યક્તિને એની જીવનદોડમાંથી ક્યારેય એક મિનિટ પણ થોભી જવાની તક આપતો નથી. 

આથી સૌથી મહત્ત્વની બાબત એ લક્ષ્ય નિર્ધારિત કરવાની છે. જો સતત ધનપ્રાપ્તિનું જ લક્ષ્ય હોય, તો જિંદગી આખી ધનપ્રાપ્તિની દોડમાં ચાલી જશે. જો મન સતત વાસનાથી ઘેરાયેલું રહેતું હશે, તો એ વાસનાને ઉત્તેજનારા પદાર્થો, દ્રશ્યો, પરિસ્થિતિ અને વ્યક્તિઓને શોધતો રહેશે. જો જીવનમાં પક્ષપાતથી જીવતો હશે તો એ પક્ષપાતની ગલીઓમાંથી બહાર આવી શકશે નહીં. આથી પહેલાં એક લક્ષ્ય નિર્ધારણ કરવું પડે કે મારે એકાંત પ્રાપ્ત કરવું છે, આત્માને ઓળખવો છે અને આધ્યાત્મિક બનવું છે. 

જો માત્ર આપણા દેહનાં કે જીવનનાં સુખોની પાછળ ભમતા રહીશું તો આખી જિંદગીમાં ક્યારેય આત્માનાં એંધાણ પામી શકીશું નહીં, અધ્યાત્મની વાત તો ઘણી દૂરની રહી. એનો અર્થ એ કે આપણે ક્રમ બદલવો પડશે. પહેલાં આપણો જીવનવ્યવહાર એવો હતો કે જ્યાં આત્મચિંતનને ક્યાંય સ્થાન નહોતું, હવે આપણે એવો જીવનવ્યવહાર કરવો જોઈએ કે જેમાં જીવનનાં કાર્યો ગોઠવતાં પૂર્વે આત્મચિંતન માટે સમય ફાળવી લઈશું, કારણ એ જ કે જીવાતા જીવનની ફેરફુદરડીમાં વ્યક્તિને એમ લાગે છે કે આવો કોઈ સમય મારી પાસે બચતો નથી, તો જરા આપણે ઊંધેથી ગણતરી કરવી પડે. પહેલાં આત્મચિંતન માટેનો સમય ફાળવીએ અને પછી બાકીના સમયની દિનચર્યા ગોઠવીએ. 

આવી રીતે એક લક્ષ્ય પામીને જીવન પરિવર્તનની ખોજ કરવી જોઈએ. એનાથી ધીરે ધીરે તમારા જીવનમાં પરિવર્તન આવતું રહેશે. પહેલાં જીવનની પ્રત્યેક ઘટનાને રાગ-દ્વેષથી જોતા હતા. ક્યારેક કામ જાગતો હતો અને ક્યારેક ક્રોધ ફાટી નીકળતો હતો, હવે તમે એ જીવનની ઘટનાને ધીરે ધીરે અધ્યાત્મદ્રષ્ટિથી જોવા માંડશો અને આ અધ્યાત્મદ્રષ્ટિ એટલે શું ? સંત, યોગી કે સાધક પાસે જ અધ્યાત્મદ્રષ્ટિ હોય છે, પણ હું એમ માનું છું કે સંસારમાં જીવતી વ્યક્તિઓ પાસે પણ અધ્યાત્મદ્રષ્ટિ હોય છે અને જો એ અધ્યાત્મદ્રષ્ટિથી જગતને જોવા, સમજવા અને અનુભવવા લાગે તો એક જુદી જ તટસ્થતાનો અનુભવ થશે. 

કદાચ સ્થિતપ્રજ્ઞાતા થોડી દૂરની વાત લાગે, પણ ઘટનાઓને જોવાનું એક તાટસ્થ્ય તમને હાથમાં લાગી જશે. એટલે કે જીવનમાં વ્યક્તિ અમુક પ્રાપ્તિની આકાંક્ષા રાખે છે, પછી તે પદ હોય, પૈસા હોય, સ્થાન હોય કે સત્તા હોય. હવે બને એવું કે વ્યક્તિએ જે ઇછયું હોય તે ન થાય, ધાર્યું હોય એનાથી સાવ વિપરીત બાબત બને. જેની ઇચ્છા રાખીને બેઠા હોઈએ, એ ઝૂંટવાઈ ગયું હોય, આવે સમયે વ્યક્તિ એ ઘટનાને દૂરથી જોશે તો એના વિષાદથી ઉગરી જશે. એને એવો મનોભાવ જાગે છે કે ન મળ્યું એથી કોઈ આકાશ તૂટી પડયું નથી. ધીરે ધીરે પદપ્રાપ્તિ થાય કે ન થાય, એના આનંદ કે આઘાત એ બંનેમાંથી બહાર નીકળી જાય છે. 

એને સમજાય છે કે તૃષ્ણા, લાલસા કે લિપ્સા એ દુ:ખ લાવનારા છે. મારી એ લિપ્સા હતી કે મને આવો આદર મળે, આવી સત્તા મળે, આવું સામર્થ્ય મળે, પણ જો એ પ્રાપ્તિ પર નજર ઠેરવીને બેઠો હશે તો અપ્રાપ્તિ થતા એને પારાવાર આઘાત લાગશે, પણ એ વિચારશે કે આ ઘટનામાં હું તો એક સાક્ષી છું. એ સઘળું હું દૂરથી જોઉં છું, મળે તો પણ ઠીક હતું અને ન મળે તો પણ ઠીક. મારો કર્મયોગ હતો, પણ એ નિષ્કામ કર્મયોગ હતો. એટલે એને પુરુષાર્થ સાથે સંબંધ હતો, પ્રાપ્તિ સાથે નહીં. હું તો જીવનની ઘટનાનો એક માત્ર સાક્ષી છું કર્તા નથી અને જ્યારે આ કર્તાપણું જાય, ત્યારે જીવનની પ્રત્યેક ઘટનાનાં આઘાત-પ્રત્યાઘાતમાંથી તમે ઉગરી જશો.