- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- સ્વપ્નમાં નાણાં કે ધન દેખાય તો એનો અર્થ સ્વપ્નસેવીની ધનલાલસા છે એવું નથી, હકીકતમાં તો નાણું જીવનમાં જે કંઈ મૂલ્યવાન છે એનું પ્રતીક છે
વિ ચાર કરું છું, ત્યારે એમ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને રોજ રાત્રે યુદ્ધનાં સ્વપ્નો આવતા હશે. આ અંગે તમે સ્વપ્નશાસ્ત્રની કિતાબ ખોલો, ત્યારે આવાં યુદ્ધનાં સ્વપ્નો ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિત્વને બરાબર ઉજાગર કરે છે. સામાન્ય રીતે યુદ્ધનું સ્વપ્ન એ વ્યક્તિના શારીરિક આત્મવિશ્વાસને પ્રગટ કરતું હોય છે. યુદ્ધના સંજોગોનું સ્વપ્ન વ્યક્તિના લડાયક મિજાજને બતાવતું હોય છે.
સામાન્ય રીતે આવું સ્વપ્ન શુભ ગણાતું નથી, બલ્કે એ આબરુ ગુમાવવાની પરિસ્થિતિનું એંધાણ મનાય છે. જો યુદ્ધમાં વિજયનું સ્વપ્ન આવે તો એનો અર્થ છે કે તમે અદાલતમાં કેસ જીતી જશો અથવા તો તમને સારું એવું આર્થિક ઉપાર્જન કરતો કોન્ટ્રેક્ટ મળશે, પણ સાથે એ દર્શાવે છે કે એનાથી તમારામાં અભિમાન કે અહંકાર ન આવી જાય તેનો તમારે ખ્યાલ રાખવો. જ્યારે યુદ્ધમાં પરાજયનું સ્વપ્ન એ નબળી ઇચ્છાશક્તિનું પ્રતિબિંબ હોય છે. આ રીતે યુદ્ધનું સ્વપ્ન એ ઘણા સંકેતો આપે છે.
હકીકતમાં પ્રત્યેક માનવી એના આયુષ્યનો ત્રીજા ભાગનો સમય જેમાં વ્યતીત કરે છે, એના અર્થની એને ખબર નથી. માનવી એના જીવનનો સરેરાશ ત્રીજા ભાગનો સમય સ્વપ્નાવસ્થામાં ગાળે છે. એ સ્વયં પોતાની સ્વપ્નસૃષ્ટિ પ્રત્યે રોજેરોજ આઘાત અને આશ્ચર્ય પ્રગટ કરતો હોય છે. નિદ્રાના તબક્કાઓ સાથે સ્વપ્નનો પ્રગાઢ સંબંધ રહેલો છે. એમાં માણસ સુંઘતો, શ્રવણ કરતો, સ્પર્શતો અને દ્રષ્ટિથી નિહાળતો હોય છે, પરંતુ એથીયે વિશેષ જાણે એની નજર સામે એ દ્રશ્યો જોતો હોય તેવું અનુભવે છે. આ સ્વપ્નો જાગૃત માનવીનાં મનના પ્રતિબિંબ સમા હોય છે, તો ક્યારેક એ માણસને જગાડનારા, ચેતવનારા કે ભવિષ્યદર્શક હોય છે.
ક્યારેક એને આ સ્વપ્ન સાતત્ય વિનાના કે અર્થહીન પણ લાગે છે એનું કારણ એ છે કે ઘણીવાર વ્યક્તિ એ સ્વપ્નનાં અર્થ જાણતો નથી અને તેથી એનું અનુસંધાન એના જીવન સાથે જોડી શકતો નથી. ખ્રિસ્તીશાસ્ત્ર હોય કે બૌદ્ધ ગ્રંથ હોય. હિંદુ પૌરાણિક કથાઓ હોય કે જૈન તીર્થંકરોનાં જીવન હોય, બધે સ્વપ્નોની વાત વિસ્તૃત પ્રમાણમાં મળે છે. આ સ્વપ્નો મંગલકારી સંકેત આપતા હોય છે અને વિનાશકારી આગાહી પણ સૂચવતા હોય છે. આવાં સ્વપ્નો અને એના અર્થ વિશેનો અભ્યાસ સ્વપ્નસંશોધકોને માટે સદાય પડકારરૂપ બની રહ્યો છે.
ઘણી વ્યક્તિઓ દિવસે પોતે કરેલા આર્થિક રોકાણમાંથી જંગી નફો પ્રાપ્ત કરવાનાં દિવાસ્વપ્નો જોતો હોય છે, એવી જ રીતે ઘણા લોકો રાત્રે સ્વપ્નમાં આવી કમાણી કરતા હોય છે, પરંતુ રાત્રે દેખાતું નફાનું આ સ્વપ્ન હકીકતમાં લાભદાયી નહિ, કિંતુ ચેતવણીરૂપ હોય છે. આવું સ્વપ્ન એ વ્યક્તિને ચેતવણી આપે છે કે ઘણીવાર અણધારી રીતે લાભ મળી જાય છે, પરંતુ હંમેશાં આવી પરિસ્થિતિ હોતી નથી. આથી વેપારમાં આવી કલ્પનાઓ કરી હોય તો સાવધ રહેવાની જરૂ૨ છે અને ખાસ તો તમારાં કાર્યો લોભથી દોરવાય નહિ એની તકેદારી રાખવાની જરૂર છે.
આવી જ રીતે સ્વપ્નમાં કલહ-કંકાસ દેખાય તો તે સ્વપ્ન દુ:ખદ સ્વપ્ન છે ખરું, પરંતુ તમે સ્વપ્નમાં જુઓ છો તેટલું અહિતકારી તમારા વાસ્તવ જીવનમાં બનશે નહિ. રોજના જીવનના 'ટેન્શન'માંથી મુક્તિ સૂચવતું આ સ્વપ્ન છે. આ સ્વપ્નમાં આપણી એવી ચિંતાઓ પ્રગટ થાય છે કે જેનો આપણે વાસ્તવમાં જીવનમાં હોવા છતાં અસ્વીકાર કરતા હોઈએ છીએ. આથી કલહ-કંકાસનું સ્વપ્ન થોડી દુ:ખદ વાત કહેનારું હોય છે, પરંતુ એનું પરિણામ દુ:ખદ હોતું નથી.
સ્વપ્નમાં કોઈ રાજકારણી દેખાય તો શું થાય ? સ્વપ્નશાસ્ત્રીઓ આ પ્રકારના સ્વપ્નને અનિષ્ટસૂચક ગણે છે. પરંતુ આમાં કઈ વ્યક્તિને આ સ્વપ્ન આવે છે તે મહત્ત્વનું છે. જો કોઈ વ્યક્તિ રાજકારણીને પસંદ કરતો હોય, આદર આપતો હોય, તો એને માટે આ સ્વપ્ન પ્રગતિકારક નીવડે છે. પરંતુ મોટા ભાગની વ્યક્તિઓને રાજકારણી પ્રત્યે માનસન્માન હોતા નથી, તેઓને માટે આ સ્વપ્ન એ અર્થમાં દુ:સ્વપ્ન છે કે જે મિત્રો વચ્ચેના વૈમનસ્ય અને બેવડી ચાલના સૂચક છે. એમાં પણ એ સ્વપ્નમાં રાજકીય ચર્ચા ચાલતી દેવા મળે, તો એનો અર્થ એ છે કે તમારું જીવન અસત્ય બોલનારી વ્યક્તિઓ કે ખુશામતખોરોને કારણે મુશ્કેલીમાં આવશે. રાજકારણીની જેમ ઝેરનું સ્વપ્ન આવે તો તેનો અર્થ એ થાય છે કે કોઈ તમારી વિરુદ્ધ યોજનાઓ કરે છે.
સ્વપ્નવેત્તાઓ કહે છે કે સ્વપ્નમાં તમે માળો જુઓ, તો તેનું અનુસંધાન પક્ષીના માળા સાથે નહિ, પરંતુ તમારા પોતાના માળા સાથે રહેલું છે. બે પંખી માળો બાંધતા હોય એવું સ્વપ્ન સૂચવે છે કે તમે થોડા જ સમયમાં તમારા નિવાસસ્થાનનું પરિવર્તન કરશો. જ્યારે સ્વપ્નમાં વીંખાયેલો માળો જોવા મળે તો એનો અર્થ કુટુંબમાંથી જુદા પડવાની તમારી ઇચ્છા છે અને જો માળામાં તૂટેલું ઈંડું જોવા મળે, તો એનો અર્થ થનારો મિત્રોનો વિયોગ છે. આમ માણસના મનની કેટલીય ભાવનાઓ સ્વપ્નશીલ માળો વ્યક્ત કરે છે. આજે ચોપાસ ચંદ્રયાનની વાત ચાલે છે, ત્યારે કોઈ અજાણ્યા ગ્રહની મુલાકાતનું સ્વપ્ન આવે તો નવાઈ નહિ, પરંતુ આ સ્વપ્ન એવું સૂચવતું નથી કે તમે સ્વયં આ અજાણ્યા ગ્રહની મુસાફરી કરશો. એનું સૂચન તો એ છે કે થોડા જ સમયમાં તમારી સામે નવી તક આવી રહી છે અને એ આવનારી નવી તકનો સ્વીકા૨ ક૨વા માટે તમારે સજ્જ બનવું જોઈએ. અજાણ્યા ગ્રહનું સ્વપ્ન એ સૂચવે છે કે તમારા જીવનના ધ્યેયો અને આદર્શો સિદ્ધ થઈ શકે તેમ છે. ક્યારેક આ સ્વપ્ન એ પણ સૂચવે છે કે થોડા જ વખતમાં તમારા જીવનમાં નિવાસ કે નોકરી બદલવાનો પ્રસંગ સર્જાશે.
ઘણી વ્યક્તિઓ સ્વપ્નમાં કોઈ દર્દનો અનુભવ કરતી હોય છે, ક્યારેક તો વાસ્તવિક પીડા કરતાં સ્વપ્નમાં થતી પીડાનો અનુભવ એમને વધુ પીડાકારી, આંચકાજનક અને સફાળા જગાડી મૂકનારો હોય છે. આવી શારીરિક પીડાનાં સ્વપ્નનો અર્થ એ છે કે તમારું અજાગૃત મન તમને શારીરિક અને ભાવનાત્મક બાબતો અંગે જોખમ ખેડવા સામે સાવધ કરે છે. જો કાનમાં પીડા થાય તો તે સૂચવે છે કે થોડા સમયમાં તમને કોઈ અણગમતો સંદેશ મળશે. જ્યારે આંખમાં થતી પીડા એનાથી સાવ જૂદું જ સૂચન કરે છે. આવી પીડાનું સ્વપ્ન કહે છે કે તમારો કોઈ પરિવારજન તમારી મદદ ઝંખે છે, માટે જરા તપાસ કરો. પણ આખા શરી૨માં થતું પીડાનું વેદન કહે છે કે અત્યારે તમારા જીવનનો સારો સમય પસાર થઈ રહ્યો છે, પરંતુ તમે તુચ્છ અને સામાન્ય બાબતોને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યા છો. આવી બાબતો વિશે કોઈ ફિકર કરવાને બદલે તેની અવગણના કરવાની જરૂર છે, જીવનની નકામી બાબતોને દૂર કરીને જીવનોપયોગી બાબતનો વિચાર કરો.
કોઈ નારીના સ્વપ્નમાં 'મસલ્સ' આવે તો એનો અર્થ એના જીવનમાં આવનારી કપરી પરિસ્થિતિ છે, જ્યારે પુરુષના સ્વપ્નમાં મસલ્સ આવે તો એનો અર્થ વિરોધીઓ સામેનો એનો પડકાર છે. વ્યવસાયના સ્થળે કે રમતના મેદાન પર પોતાના હરીફોની સામે એ વિજય મેળવશે અને આ રીતે આ સ્વપ્ન પુરુષોના માટે આત્મવિશ્વાસ પ્રેરનારું તથા એમના પ્રવર્તમાન જીવન પર વિધેયાત્મક અસર કરનારું છે. સ્વપ્નમાં નાણાં કે ધન દેખાય તો એનો અર્થ સ્વપ્નસેવીની ધનલાલસા છે એવું નથી, હકીકતમાં તો નાણું જીવનમાં જે કંઈ મૂલ્યવાન છે એનું પ્રતીક છે. આ સ્વપ્ન જીવનમાં સ્વાસ્થ્ય, શક્તિ, સમય કે સ્વાવલંબનના મહત્ત્વનું સૂચક છે. વ્યક્તિ પૈસાનો અભાવ હોવાનો અનુભવ પામે તો એનો અર્થ એ છે કે એના મનમાં જાણે-અજાણે પણ વૃદ્ધાવસ્થામાં રહેનારી નાદુરસ્ત તબિયત અંગે ભય છે. જ્યારે સ્વપ્નમાં આવતું ચલણી નોટનું દ્રશ્ય એ તમારી સુષુપ્ત શક્તિઓ તરફનો સંકેત આપે છે, જેના હકીકતમાં તમે અત્યારે સુધી કોઈ ઉપયોગ કર્યો નથી. જેટલું માનવીના જીવાતા જીવનમાં વૈવિધ્ય છે, એટલું જ અપાર વૈવિઘ્ય એના સ્વપ્નજગતમાં છે. આજે સ્વપ્નવેત્તાઓ, માનસશાસ્ત્રીઓ અને અધ્યાત્મજ્ઞાનીઓ એનો મર્મ ઉકેલી રહ્યા છે.
ક્ષણનો સાક્ષાત્કાર
માણસ કોને કહેવાય ? ગ્રીસના દાર્શનિક અને રાજ્યશાસ્ત્રી પ્લેટોએ કહ્યું કે, 'માણસ એ બે પગાવાળું પ્રાણી છે અને બીજાં પ્રાણીઓ ચોપગાં છે.' અર્થાત્ એણે માણસની ચેતના કે આત્માને જોયો નહીં. જ્યારે અમેરિકાના માર્ટિન લ્યૂથર કિંગ(જુનિયર)એ કહ્યું કે, સ્ચહ ૈજ ચ ગિીચસૈહય ચહૈસચન 'અર્થાત્ માનવી એ સ્વપ્નશીલ પ્રાણી છે અને સાચે જ માનવીનાં સ્વપ્નો એને પ્રાણીજગતથી ભિન્ન સાબિત કરે છે. એને જીવનલક્ષ્ય આપે છે અને એ જ એના જીવનમાં પ્રાણ પૂરે છે.
જિંદગીમાં સ્વપ્નવિહોણો માનવી માત્ર બેપગું પ્રાણી જ કહેવાય. આ સ્વપ્નની સિદ્ધિ માટે માનવી સતત પ્રયત્ન, પરિશ્રમ અને પુરુષાર્થ કરતો હોય છે. એમાં ઘણી વાર અણધાર્યા વિઘ્નો પણ આવે.
ચૌદ વર્ષની વયે એક છોકરાના મનમાં દરિયાઈ સફર ખેડવાનાં સ્વપ્નો જાગ્યાં. અજાણ્યા દેશોને શોધવાની ઇચ્છા થઈ. મોટા થઈને એણે દરિયાઈ સફર માટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના રાજાઓ પાસે મદદ માગી. આ રાજાઓએ એને જાકારો આપ્યો, ત્યારે સ્પેનના ફર્ડિનાન્ડ અને ઇઝાબેલાની મદદથી ત્રણ જહાજમાં ૮૮ માણસોને લઈને નીકળ્યો. રસ્તામાં એક જહાજ ગુમાવ્યું, પણ આ સફરને પરિણામે ક્યૂબા અને હાઈતી જેવા દેશો શોધી લાવ્યો.
ચૌદ વર્ષે દરિયાઈ સફરના સ્વપ્ન સેવનાર ક્રિસ્ટોફર કોલંબસ એ પછી પંદરસો માણસોનો કાફલો લઈને નીકળ્યો અને વેસ્ટ ઇન્ડિઝના જમૈકા અને બીજા ટાપુઓની શોધ કરી. એ પછી ત્રીજી સફર કરી અને છેલ્લે ચોથી સફર કરી. આ લાંબી સફર દરમિયાન નાવિકોએ એની સામે બળવો કર્યો, પરંતુ અંતે ક્રિસ્ટોફરે પોતાની ખોજ પૂરી કરી અને અમેરિકાની શોધ કરી.
આમ એક વણકરનો પુત્ર વિશ્વમાં અમર નામના મેળવી ગયો. ૧૯૯૨માં જેની દરિયાઈ સફરની પાંચસોમી જયંતિ વિશ્વભરમાં ઉજવાઈ અને સ્વપ્ન સિદ્ધિ માટે અનેક આફતો અને પ્રતિકૂળતાઓ સહન કરનાર સાગર-સફરી કોલંબસના દ્રઢ મનોબળને સહુએ અંજલિ આપી.


