- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીના સૂચિત સુધારા કાનૂની, નૈતિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સ્વીકાર્ય છે? એની આડઅસર કેમ જોખમી છે?
જ સ્ટ ઈમેજીન, કલ્પના કરો કે - તમારી ઉંમર પુખ્ત વયની છે, તમારે તમારી ચોઈસનો આઈસ્ક્રીમ ખાવો છે, પણ તમને કહેવામાં આવે છે કે તમે પહેલા મમ્મી-પપ્પાની લેખિત સહમતી લઈ આવો તો ? અને એ માટે તમારા માતા-પિતાને વોટ્સએપથી જાણ કરીને એ વાંધો ન ઉઠાવે તો ૩૦ દિવસે તમને આઇસ્ક્રીમ ખાવા મળશે એવું કહેવામાં આવે તો ?
ગુજરાત સરકારે હમણા આવું જ ગતકડું કાઢ્યું છે કે મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬ યાને લગ્ન નોંધણી ધારા ૨૦૦૬માં સૂચિત ફેરફાર કરી કંકોત્રી, ફોટા વગેરેની જોડે માતા-પિતાની પૂરી માહિતી આપવાનું ફરજીયાત બનાવવાની, અને ૩૦ દિવસ સુધી એ માટે રાહ જોવાની શરત ઉમેરી છે. વાત નિયમના ડ્રાફટિંગમાં થોડી વિચિત્ર અને અસ્પષ્ટ પણ છે. એમાં મંજૂરી મેળવવાની વાત નથી. કારણ કે કાયદેસર એવું લખી પણ ન શકાય. માત્ર જાણ કરવાની વાત છે.
અલબત્ત, આ 'જાણ કરવા' પાછળ શું ત્રાગડો રચાય એ જાણભેદુઓ સમજી જ શકે છે. એવા લગ્ન સત્તાવાર નોંધાય એ પહેલા ખાસ તો છોકરીના ને અમુક કિસ્સામાં છોકરાના પણ મા-બાપને અને એમના 'હિતેચ્છુ'ઓને સામદામદંડભેદથી મારામારી કરીને કે ફોસલાવીને પોતાના લાડલા કે લાડલીએ પોતાને ન ગમતા પાત્ર સાથે લગ્ન કર્યા હોય, તો એ તોડાવવાની તક મળશે. નોંધણી કરનાર અધિકારી કે પછી પોલીસને વધુ 'તોડપાણી'ની જગ્યા મળશે. કારણ કે, બાકાયદા તો પોલીસ પોતાની મરજીથી લગ્ન કરતા પ્રેમીયુગલનું રક્ષણ કરવા બંધાયેલી છે. પણ વાસ્તવમાં કાયમ એવું થતું નથી હોતું. ચોક્કસ પ્રકારના લુખ્ખાઓ ગેંગ બનાવીને પણ 'ખાનદાન કી ઈજ્જત' ખાતર આવા લગ્નો તોડાવવા માટે સક્રિય હોય છે. પાછી આબરૂનો બધો બોજ મોટે ભાગે સ્ત્રી ઉપર જ હોય છે. દીકરીને દેવી માનવાની, પણ પ્રાચીન ભારતની પરંપરાની દુહાઈઓ દેવામાં એનો 'સ્વયંવર' યાને જાતે જીવનસાથી પસંદ કરવાનો હક ભૂલી જવાનો !
તમે કહેશો, આઈસ્ક્રીમ જેવી તુચ્છ બાબત સાથે લગ્ન જેવા અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણયની સરખામણી હોય ? તો એ જ એકઝેટલી પોઈન્ટ છે. માણસને એડલ્ટ થયા પછી કોની જોડે સંસાર વસાવવો ફાવે એનાથી મોટો નિર્ણય તો કરિઅર પણ નથી. ઓફિસમાં અમુક કલાક રહેવાનું છે. પાર્ટનર જોડે આજીવન. તો એટલી અગત્યની બાબતમાં સર્વોપરી તો બે કન્સેન્ટિંગ એડલ્ટસ, પરસ્પર સંમત એવા પુખ્ત વયના યુવકયુવતીઓ ગણાય. પણ અમુક દેશોમાં ગે કપલને જેટલા અધિકાર છે, એટલા ગુજરાતમાં નોર્મલ કપલને મળતા ન હોય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. કારણ છે જ્ઞાતિવાદ, કોમવાદ, મા-બાપ અને પરિવારનો પરંપરાના નામે ઈગો અને કહેવાતા સામાજિક આગેવાનોની જોહુકમી.
મોર ઓન ધેટ લેટર. એક સાચો કિસ્સો વાંચો. એક યુવક છે. હાઈલી એજ્યુકેટેડ. પ્રોફેસર છે. વિવેકી ને હોશિયાર. એને ભણતા ભણતા એક બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. યુવતી પણ તેજસ્વી. ડોક્ટર કક્ષાનું ભણતર. બેઉ સારું કમાય છે. સંપર્ક અને લવલાઇફને સાત વરસ વીતી ગયા, પણ હજુ લગ્ન કરી શક્યા નથી. જોબની જગ્યા એક છે. આરામથી ઘર વસાવે એવી કમાણી છે. યુવતીના માતા-પિતા છોકરીની ઉંમર વધતા માની ગયા, પણ યુવકના ભણેલા માતા-પિતા જીદે ચડયા છે કે બીજી 'નાત'ની છોકરી અમારા ઘરમાં નહિ ! મા કહે છે, હું ઝેર પી લઈશ. બાપ કહે છે હું આજીવન મોં નહિ જોઉં. બધી અનુકૂળતા છતાં બે ઉત્તમ કારકિર્દી ધરાવતા વર્ષોથી એકમેકના પ્રેમમાં રહી, અમુક વર્ષોથી તો સાથે રહેતા યુવક-યુવતી સત્તાવાર લગ્ન એટલે નથી કરી શકતા કે એ બિચારાને એમ છે કે આપણે બેઉ પક્ષના વડીલોના આશીર્વાદ સાથે લગ્ન કરવા છે, ને ડીડીએલજે ફિલ્મની જેમ ક્યારેક તો હેપી એન્ડિંગ થશે !
આ એક નહિ અનેક કેસ છે. આપણો સમાજ કજોડાં પસંદ કરે છે, પણ પ્રેમલગ્ન નહિ. ગંદકી જાહેરમાં સહન કરશે, પણ ચુંબન નહિ ! એકવાર લખેલું એમ બધી શક્યતા છતાં આપણી પ્રગતિ એટલે નથી થતી પૂરી કે આપણે યુવા હૈયાઓની હાય બહુ લીધી છે, પ્રેમલગ્નમાં વિલન બનીને. લવ મેરેજની જેટલી એલર્જી અમુક લોકોને છે, એટલી કરપ્શનની હોત તો ગુજરાતમાં દર ચોમાસે નવા રોડ ધોવાઈ જાય કે પુલ ફસકી પડે કે બોટ ડૂબી જાય કે બાળકો સળગી જાય એવી દારૂણ દુર્ઘટનાઓ ન થતી હોત.
તો સેંકડો સમસ્યા કરતા પ્રાથમિકતા આપીને સરકારે લગ્ન નોંધણી નિયમમાં સુધારો, સોરી કુધારો દાખલ કર્યો છે. સંકુચિત માનસિકતાના વર્ગોને રાજી કરવા ઘુઘરો રમવા આપી દીધો છે. હવે દોઢેક વર્ષમાં ચૂંટણી છે ને નેકસ્ટ ઈલેકશન બાબતે આપણે ત્યાં બધા રાજકીય પક્ષો જેટલા સિરિયસ હોય છે, એટલા નેકસ્ટ જનરેશન બાબતે હોતા નથી !
ઘુઘરો એટલે કે જ્યારે સરકારે આ સૂચિત ફેરફાર જાહેર કર્યો, એ જ અરસામાં એક હેબિયસ કોર્પસ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે જ સ્પષ્ટ કહ્યું કે ''પુખ્ત વયની પુત્રીને એની મરજી મુજબ જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે !'' યુવતીના પિતાને હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ''કાયદો આમાં પોતાની મરજીથી પ્રેમલગ્ન કરનાર પુત્રીની પડખે ઉભો છે !''
તો, ઘુધરો એટલે કહ્યો કે આ નવો લગ્ન નોંધણી નિયમ સુપ્રીમ કોર્ટમાં ટકી શકે નહિ. સુપ્રીમે ઓલરેડી અનેક વખત આ જ સ્પિરિટના જજમેન્ટસ આપ્યા છે. શફીન જહાન વર્સીસ કેરલમ્, લતાસિંહ વર્સીસ ઉત્તર પ્રદેશ, હાદિયા કેસ જેવા સેંકડો કેસમાં સુપ્રીમે વલણ કલીયર રાખ્યું છે કે પોતાની મરજીથી થતા લવ મેરેજ ઈન્ટરકાસ્ટ, ઈન્ટરરિલિજીયસ કોઈ પણ પ્રકારના પ્રેમલગ્ન કરવાનો પુખ્ત વયના યુવકયુવતીઓને અબાધિત કાનૂની અધિકાર છે ! ગુજરાતી મીડિયામાં 'ભાગેડુ' કહેવાય. ખરા પલાયનવાદી તો જૂનવાણી, રૂઢિચુસ્ત, સંકુચિત, જડસુ, અહંકારી પરિવારજનો કે જ્ઞાતિજનો છે.
મૂળ તો, ભારતમાં અંગ્રેજોએ પ્રાંતીય વિધાનસભા બનવા દીધી, એમાં દિલ્હી વિધાનસભા અધ્યક્ષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલે જ પ્રેમલગ્નને કાનૂની સવલત ને સુરક્ષા આપતો કાયદો પસાર કરાવેલો. જેથી સ્ત્રીઓને ભવિષ્યમાં કોઈ સંબંધમાં ગૂંચ આવે તો હક મળે. આપણા ધોતિયાં પહેરતા આસ્થાવાન સ્વદેશી આગેવાનો એક સદી પહેલા વધુ ખુલ્લા મનના હતા. એમના સપનાનું સ્વરાજ અંગત સંકુચિતતા કે ધાર્મિક માન્યતાઓ પર દેશ ચલાવવાનું નહિ, પણ લોકશાહીમાં સંવિધાન સર્વોચ્ચ ગણીને નૂતન પ્રગતિશીલ વૈજ્ઞાનિક આધુનિક ભારતના નિર્માણનું હતું.
ગુજરાતી યુવાવર્ગમાં ઘણા સમજ્યા વિના ગાંધી નેહરૂને ગાળો આપે છે. પણ ડો. આંબેડકર સહિત બધાને રસ હતો, અંગ્રેજો સિવાય જડસુ જ્ઞાતિવાદી પરંપરાગત માનસમાંથી નવી પેઢીને આઝાદી અપાવવાનો. એટલે આપણે ત્યાં બંધારણમાં આર્ટિકલ ૨૧માં વ્યક્તિની સ્વતંત્ર જીવન જીવવાની પસંદને મૂળભૂત હક ગણ્યો છે. બંધારણની ઉપરવટ જઈ શાહબાનોથી અત્યારના લગ્ન નોંધણી જેવા કહેવાતા સુધારા બધા રાજકીય પક્ષો લાભ માટે કરે છે, ત્યારે આ મૂળભૂત અધિકારોનો જ ભંગ થતો હોય છે. ટ્રિપલ તલાક સામે કાયદો આવ્યો, કારણ કે એમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો ભંગ થતો હતો. હવે ઉલટું એવું જ યુ ટર્ન મારીને સત્તાધીશોને પણ ચાનક ચડી છે કે આર્ટિકલ ૨૧ના જીવનસાથી પસંદ કરવાના હક પર આડકતરી તરાપ મારવી. બંધારણના આર્ટિકલ ૨૧ના સમર્થનમાં આર્ટિકલ ૧૪ને ૧૯ પર સજ્જડ છે. લગ્ન બે વ્યક્તિઓનો મામલો છે, જેમાં એ બે સિવાય કોઈની મંજૂરી ને દકલની જરૂર નથી.
પણ આ નવા સુચિત સુધારાની જોગવાઈ દારૂબંધીના દંભ જેવી છે. એને ઘુઘરો એટલે કહ્યો કે કોઈ જાગૃતને જીદ્દી યુગલ એને કોર્ટમાં પડકારે તો એ ટકી ન શકે. પણ હડોહડ તાલિબાની વૃત્તિના જ્ઞાતિવાદીઓને સરકાર કહે કે અમે તો તમારી મદદ કરવા ગયા, પણ અદાલત ના પાડે છે. અને વળી ઈરાની મુલ્લાશાહી જેવું ધાર્મિક માનસ ધરાવતા લોકો મિલોર્ડ કહીને સાચું કહેતી કોર્ટ પર જોક બનાવવા બેસે. વોટબેન્ક સુરક્ષિત રહે. આ રમકડાંનો સુધારો ગુજરાતમાં લગ્ન નોંધણીનો છે. શરાબની જેમ ગુજરાત બહાર બીજે યુગલો ટેસથી પ્રેમલગ્ન કરશે. ગુજરાતમાં જ યુવાનો ગુનેગાર ગણાશે. લગ્ન નોંધાયા ન હોય ત્યાં તોડાવવા માટે બળાત્કારની પણ ફરિયાદો માટે કે ઘરેણાચોરી માટે વલ્નરેબલ ગણાશે. અરે માતાપિતા સહમત જ હોય તો બધા ધામધૂમથી લવ કમ એરેન્જડ મેરેજ જ ના કરે ?
માબાપ સંતાનોને ખાનગી મિલકત માને છે, એ માનસ પ્રદૂષણ સામે જવાબદાર સરકારોએ કામ કરવાની જરૂર છે. પ્રોફેટમાં ખલીલ જીબ્રાન પરમ સત્ય લખી ગયા એમ તમારા સંતાનો પરમાત્મા તમારા દ્વારા આ ધરતી પર લઈ આવે છે ! મા-બાપ એે જીવને જન્મ આપતા માધ્યમ છે. એ વ્યક્તિ તો કુદરતની છે. નહિ તો બધાને ધાર્યા સંતાનો ન થતા હોત ! એમનું લાલનપાલન કરે ને પછી એમના લગ્નની વખતે ત્રાગાં કરવા બેસે પોતાના ઈગો, ડર કે સંકુચિત ચિત્ત અથવા જ્ઞાતિવાદને લીધે તો એમાં સંતાનોનો ઉછેર પ્રેમને લીધે નહિ પણ સોદાબાજીની જેમ કરેલો છે, એ સિદ્ધ થાય. પ્રેમ કરતા માતા-પિતા ખરું વ્હાલ હોય ત્યાં પોતાના જ સંતાનોને જાણી જોઈને દુ:ખી ન કરે. પ્રતિબંધો મૂકી એની જિંદગી રિમોટ કન્ટ્રોલથી દોરવાને બદલે એમને સારી કેળવણી આપી, સારાસારનો વિવેક શીખવાડીને પછી યોગ્ય જીવનસાથી પસંદ કરવાની સમજણભરી તાલીમ આપી શકાય. આ સાચો ઉકેલ છે.
પણ એ આવડત કે અક્કલ બધા પેરન્ટસની નથી હોતી. એમને સંતાનો પોતાની જિંદગી જીવવા આવ્યા છે ને યુવાન થયા પછી એમને મુક્ત કરવાના હોય, એ સમજ નથી હોતી. ભૂલો કરવી એ પણ સ્વતંત્રતાનો ભાગ છે, તે એમ જ માણસ ઘડાય છે એ વાસ્તવ આવા કંટ્રોલક્રીક અને ધાર્મિકતાના નામે જાતિવાદી માતાપિતાઓને હોતો નથી. શિખર ધવને એક પરદેશી નારી સાથે પ્રેમલગ્ન નિષ્ફળ ગયા પછી પણ બીજા પ્રેમલગ્ન વિદેશી નારી સાથે જ કર્યા. લવ મેરેજ જ નિષ્ફળ જાય છે એવું નથી. ઘણા ટકેલા છે જ. એરેન્જડ મેરેજના ડિવોર્સ પણ થાય છે. માબાપ પણ વ્યક્તિ ઓળખવામાં ભૂલ કરે છે. ન ફાવે તો ભવોભવના ઈમોશનલ બ્લેકમેઈલ વિના અલગ થઈ જવાય. એક કલંક નથી, ચોઈસ છે.
પણ મા-બાપોને લવ જેહાદ જેવી કે ઓળખની છેતરપિંડીનો ડર લાગે છે. મુદ્દો એક. ગુજરાત સરકાર અગાઉના કથિત લવ જેહાદ રોકવાના કાયદામાં પણ આ શબ્દ વાપરતી નથી. સત્તાવાર એ ઘટનાઓ બાબતે કાવત્રું પુરવાર નથી થતું. ગુજરાતમાં યુવક હિન્દુને યુવતી મુસ્લિમ હોય એવા પ્રેમલગ્નો પણ થાય છે. ધર્મના નામે ડરી જતી વોટબેન્ક ખોબલેને ટોપલે મત છલકાવે, એટલી વિકાસના મામલે નહિ. મુદ્દો બે, ઓળખ છુપાવીને લગ્ન નોંધણી આમે થઈ શકે નહિ, કારણ કે એમાં ઓળખના પુરાવા તો સંબંધિત અધિકારીને સોંપવાના છે. સિવાય કે ત્યાં લાંચિયા વહીવટ થાય (એની સંભાવના તો હવે માતાપિતાને જાણ કરવાની શરતમાં વધી જ જવાની છે.) અને કોઈ પણ ધર્મનો કોઈ પણ વ્યક્તિ ખોટું બોલીને, ઓળખ છુપાવીને ફસાવે કે ધર્મ પરિવર્તન ધરાર કરાવે તો આપણી ન્યાયસંહિતામાં એ મુદ્દે કાર્યવાહીના કડક કાયદા છે જ. જેમાં આકરી સજા થાય પણ છે. એટલે આ મામલો માત્ર લોલિપોપછાપ છે. મુદ્દો ત્રણ, બધું જોઈ વિચારીને, સગાસંબંધીઓની સલાહ મુજબ ગોઠવેલા લગ્નમાં પણ સોનાની જગ્યાએ પિત્તળ નીકળે છે.
આવા સંજોગોમાં ખરા સંસ્કારી મા-બાપે દીકરા કે દીકરીને એમ કહેવાનું હોય કે અમને સાચો કે યોગ્ય નિર્ણય તમારો નથી લાગતો. છતાં ફાઈનલ ડિસીશન તમારું. કાલ ઊઠીને ખોટા પડો તો ભોંઠા ન પડતા. અમારા વ્હાલા કે વ્હાલી છો. આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે. સંતાનો અરજી કરીને નથી આવતા, માબાપની મરજીથી આવે છે ત્યારે આટલી ઉદારતા માબાપ રાખે, તો ઉલટું એમની વાત સંતાનો સાંભળે.
અને જ્ઞાતિવાદનો તો ઉકેલ જ પ્રેમલગ્ન છે. ગુજરાત સરકાર જ સવિતા આંબેડકરના નામે સવર્ણ-દલિત જેવા આંતરજ્ઞાતીય વિવાહમાં
સહાય આપે છે. એકચ્યુઅલી, લગ્ન કરવાના કાયદા જ કેન્દ્ર સરકાર હેઠળ આવે. રાજય સરકાર પાસે એની સત્તા જ નથી. ને કેન્દ્ર પણ બંધારણના મૂળભૂત અધિકાર અને કાયદો બનાવે તો સુપ્રીમ કોર્ટ કાન પકડી શકે ને બધુ ફિક્સ કરીને પ્રેમ લગ્ન પર તવાઈ લાવવામાં આવે તો લોકોની અંગત જિંદગીમાં દખલ સરકારને કરવા દો તો પછી આમ જ શરૂઆત થયેલી આકરી સરમુખત્યારશાહીની અગાઉ જર્મની કે ઈરાન જેવા દેશોનાં, સુરક્ષા અને અસ્મિતાના ઓઠાં હેઠળ પરિણામો નજર સામે છે !
ભારતીય સંસ્કૃતિમાં તો ગંધર્વ વિવાહની છૂટ છે. ગીતા સાંભળનાર અર્જુને વર્ણસંકરનો સવાલ ભલે પૂછ્યો (જે કાં ઉમેરાયેલો છે, કાં જુદા અર્થમાં છે) બાકી એણે જ આંતરજ્ઞાતીય પ્રેમવિવાહ એકથી વધુ કર્યા છે. શકુંતલા દુષ્યંતના લગ્ન આમ જ થયેલા જેના પુત્ર ભરત પરથી દેશનું નામ ભારત છે. શકુંતલાની મા મેનકા અને પિતા ઋષિ વિશ્વામિત્ર તો લગ્ન કર્યા વિના સાથે રહેલા અને ચોઈસના લવ મેરેજ પછી પણ પાલક પિતા કણ્વે અસલ ઋષિદર્શન કરાવી તરછોડાયેલ દીકરીને પ્રેમથી વાલ્મીકિની જેમ સાચવેલી. દ્વારકાધીશ રાજાધિરાજ કૃષ્ણ જેવા મૂરતિયા માટે પણ રૂકિમણીનો પરિવાર સહમત નહોતો. તો બે સાક્ષી વિના કૃષ્ણ એકલા જ જઈ એને વરી લાવેલા. બહેન સુભદ્રાને પણ એમ જ યાદવકૂળની તત્કાલીન નારાજગી છતાં પ્રેમ લગ્ન માટે મોકલેલી ને પૌત્ર અનિરૂધ્ધના અસુરપુત્રી ઉષા સાથેના પ્રેમલગ્ન માટે તો લડવા પણ ગયેલા. દક્ષ પ્રજાપતિને તો શિવ જેવા જમાઈમાં એટલો વાંધોવિરોધ હતો કે સતીએ અગ્નિસ્નાન કરવું પડયું ને શિવે તાંડવ ! પ્રેમલગ્ન માટે પાર્વતીએ પણ તપસ્યા કરેલી, જેમાં દેવતાઓ ઈચ્છતા હતા કે લવમેરેજ થાય !
પણ આમ કહો તો જે લોકો એ તો ભગવાન હતા એવા હવાલા આપે એમને જ કહેવાનું કે ભારત દેશ કાયદા ને બંધારણ મુજબ છે. ધાર્મિક અર્થઘટનો મુજબ નથી ચાલતો. અહીં દરેક ધર્મના મેરેજ એક્ટ છે. પણ સૌથી મોટો ઉપકાર આઝાદીના ચરખાવાળા લડવૈયાને શિક્ષણવાળા ઘડવૈયાનો એ કે ૧૯૫૪માં સ્પેશ્યલ મેરેજ એક્ટ છે. જેના હેઠળ કોઈ વિધિવિધાનો વિના આજે પણ પ્રેમીયુગલો કોઈ જ્ઞાતિ કે ધર્મના બાધ વિના આસાનીથી સિવિલ મેરેજ કરી જ શકે છે. ને આવા ફતવાઓના પ્રતિકારરૂપે વધુમાં વધુ કરવા પણ જોઈએ.
કારણ કે એમ તો થેલેસેમિયા કે એઈડ્સ જેવા રોગના મામલે દબાણ હતું કે સરકાર એવા બે ભાગોના લગ્ન પ્રતિબંધિત કરે, પણ લગ્ન જેવી મહત્ત્વની વ્યક્તિગત પસંદગીમાં એ મુદ્દે પણ દખલ સરકાર કરે એ ભારતના ભાવિ માટે યોગ્ય નથી, એટલે નહોતી થઈ. પુખ્ત વયે માતાપિતાની સહમતીથી જ લગ્ન કરવાના હોય, તો સરકારે એવા કાયદા કરવા જોઈએ કે ડ્રાઈવિંગ લાયસન્સ પછી કાર પણ માબાપ બેઠા હોય તો જ ચલાવવી. મતદાનની વીવીપેટ પર કોને મત આપ્યો એની જાણ માબાપને કરવી. ભલું પૂછવું, આમ ચાલ્યું તો કાલ એવો નિયમ આવશે કે પત્નીએ પિયર જવા માટે કે પુરુષે એકલા બહારગામ જવા માટે સંબંધિત સાસુ સસરાની મંજૂરી લેવી. શું રસોઈ કરવી એમાં મા-બાપની લેખિત સહમતી લેવી. બેડરૂમમાં કેવી રંગની ચાદર રાખવી એ પણ અધિકારી પાસેથી એનઓસી લેવું ! અરે, મા બાપ જ ન હોય ત્યાં કોની સહમતી લેશો ? આ જીવન મમ્મી ડેડીને અને પછી સરકારને પૂછ્યા કરવાનું જીવવા માટે ? આમ જ આપણું ટેલેન્ટેડ યુવાધન ફ્રિડમના અભાવે પરદેશ જાય છે, ને આવા મુદ્દા ચૂંથ્યા કરવામાં જ આપણું ધ્યાન જગત પલટાવતી શોધો પર જતું નથી.
આવી ગૂંળામણ પરીક્ષાના પ્રેશરની જેમ યૂથમાં ડિપ્રેશન અને આપઘાત વધારશે. લિવ ઈન પણ વધારશે. એ જ રસ્તો છે, સવિનય કાનૂન ભંગનો ! પ્રેમ હોય તો લગ્ન વિના ભેગા રહેવું પણ મા બાપ સહમત ન થાય તો લગ્ન કરવા જ નહિ ! આમે નવી પેઢી કમિટમેન્ટથી ભાગે છે ! લગ્ન કરો તો ટેન્શનને!
પાઘડીનો વળ છેડે એટલો કે, કાનૂની ભાષામાં કહો તો માતા-પિતાના મોબાઈલ નંબર અને સરનામાં માંગવાની તથા તેમને જાણ કરવાની જોગવાઈ સ્ત્રીની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. શક્તિ વાહિની વિરુદ્ધ ભારત સરકાર (૨૦૧૮)માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે બે પુખ્ત વ્યક્તિ લગ્ન કરે છે, ત્યારે કોઈ પણ પંચાયત કે પરિવાર તેમને રોકી શકતો નથી. જો તેમને ધમકી મળે, તો રાજ્યએ તેમને પોલીસ રક્ષણ આપવું ફરજિયાત છે. સફિયા સુલતાના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૨૧)માં તો અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે સિવિલ મેરીજમાં પણ લગ્ન માટેની ૩૦ દિવસની જાહેર નોટિસ હવે ફરજિયાત નથી પણ વૈકલ્પિક છે. જો યુગલ ઈચ્છે કે તેમની વિગતો જાહેર ન થાય, તો લગ્ન અધિકારી તેને ફરજિયાત પ્રસિદ્ધ કરી શકતા નથી. પ્રણવ કુમાર મિશ્રા વિરુદ્ધ દિલ્હી સરકાર (૨૦૦૯)માં હાઈકોર્ટે કહેલું કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોટિસ યુગલના ઘરે મોકલવી એ તેમની ગોપનીયતાનો ભંગ છે. જો યુગલ પુખ્ત વયનું હોય, તો રજિસ્ટ્રી ઓથોરિટીએ તેમના પરિવારને જાણ કરવાની જરૂર નથી. આમ પણ પુટ્ટસ્વામી જજમેન્ટ (૨૦૧૭) મુજબ પ્રાઈવસી એ મૂળભૂત અધિકાર છે. રાજ્ય એવી કોઈ માહિતી જાહેર ન કરી શકે જેનાથી વ્યક્તિની સુરક્ષા જોખમાય.
સરકારે કહ્યું કે ફેરફારમાં વાંધો હોય તો ૩૦ દિવસમાં જણાવજો. પણ ક્યાં ને કોને એ જાહેર ન કર્યું એટલે આ લેખ લખી નાખ્યો !
ફાસ્ટ ફોરવર્ડ
પ્રેમ વિવશત: પ્રયુજજીત નિર્વિઘ્નેન ચેતસા
ન તુ બાહેયન વીર્યેણ મન્ત્રૈવ પશુપાલવત:
ભાવાર્થ : પ્રેમની સામે વિવિશ થઈ (લડયા વિના) એને કોઈ વિઘ્ન વિના સ્વીકારવો જોઈએ. જેમ પશુપાલક પશુઓને બાંધે એમ એને મંત્ર, બળજબરી કે દેખાડાથી બાંધવો ન જોઈએ.


