- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- 159 દેશોના દરિયામાં ત્રણ લાખ વર્ગ કિલોમીટરમાં સમુદ્રી ઘાસ ફેલાયેલું છે, પરંતુ મહાસાગરોમાં અમર્યાદ માનવીય દખલના પરિણામે છેલ્લાં ૧૦૦ વર્ષમાં જ દરિયાઈ ઘાસનો ૧૯% હિસ્સો નાબૂદ થઈ ગયો છે
રિ યુજિન નામનો એક ડ્રેગન પ્રાચીનકાળમાં જાપાનમાં સમુદ્રનો દેવતા હતો. દરિયાના પેટાળમાં પરવાળાના બનેલા ભવ્ય મહેલમાં એ રહેતો હતો. સાગરને કાબૂમાં રાખવા તેની પાસે બે અણમોલ રત્નો હતા. એકનું નામ હતું કાંજુ, બીજાનું નામ હતું માંજુ. કાંજુ નામના રત્નમાં ભરતી લાવવાની શક્તિ હતી. માંજુ નામનું રત્ન ઓટ લાવી શકતું હતું. આ બે રત્નોના કારણે ડ્રેગન દેવતા રિયુજિન સમુદ્ર પર રાજ કરતો હતો. રત્નો કોઈ ચોરી ન જાય તે માટે રિયુજિન તેને સમુદ્રની અંદર બિછાવેલી ઘાસની ચાદર નીચે છુપાવી રાખતો હતો.
એક વખત જાપાન પર દુશ્મનોએ આક્રમણ કર્યું. તે વખતે મહારાણી જિંગુ રાજ કરતી હતી. તેણે પોતાના રાજ્યને બચાવવા સમુદ્રના દેવતા રિયુજિનને પ્રાર્થના કરી. રિયુજિને તેના રાજ્યના રક્ષણ માટે પોતાની પાસે હતા એ બે રત્નો આપી દીધા, પરંતુ રત્નો એટલા ચમકતા હતા કે તે દુશ્મનોના ધ્યાનમાં આવી શકે તેમ હતાં. રિયુજિને આ રત્નોને સમુદ્રના ઘાસમાં વીંટીને આપ્યા. જ્યારે દુશ્મનોએ દરિયાઈ માર્ગે આક્રમણ કર્યું ત્યારે રાણીએ ભરતીનું રત્ન દરિયામાં મૂક્યું. દરિયો ગાંડોતૂર બન્યો. ભરતીમાં દુશ્મનોના જહાજો ફસાઈ ગયા. તેમને ઘેરવા માટે રાણીએ ઓટનું રત્ન દરિયામાં મૂક્યું. અચાનક ઓટ આવી ગઈ એટલે દુશ્મનોના જહાજો સમુદ્રની રેતીમાં ફસાઈ ગયા. રાણીના સૈન્યને અણધાર્યો હુમલો કરીને દુશ્મનોને ઘેરી લીધા ને એમ દરિયાઈ દેવતાની મદદથી રાણીએ રાજ્યને બચાવી લીધું.
રત્નો તો પાછા સમુદ્રના દેવતા રિયુજિનને મળી ગયા, પરંતુ રત્નો જેમાં વીંટાળીને આપ્યા હતા એ ઘાસ કાંઠે રહી ગયું. એ ઘાસ જાદુઈ અસર કરતું હતું. તેનાથી ઘાયલ સૈનિકોના ઘા રૂઝાઈ જતા હતા એટલે એ ઘાસને જાદુઈ ઘાસ કહેવામાં આવ્યું. તામાટોરી નામની રાજકુમારીએ આ રત્નો ચોરવાની કોશિશ કરી હતી એવી કથા પણ છે. દરિયાઈ ઘાસનો સૌથી પ્રાચીન ઉલ્લેખ આ જાપાનની પૌરાણિક કથામાં મળે છે. આ પૌરાણિક કથામાં સમુદ્રી ઘાસને જાદુઈ કહેવાયું હતું.
ને આજેય સજીવસૃષ્ટિ માટે, ઈકોસિસ્ટમ માટે દરિયાઈ ઘાસ જાદુઈ જ છે.
***
દુનિયામાં ઘાસના ૧૪ મુખ્ય પ્રકારો છે અને ૯૦૦૦થી વધુ પ્રકારો છે. તણખલાં પર નભતા જીવોમાં ૬૦ ટકા જીવોનો ખોરાક આ ઘાસમાંથી મળે છે. પડતર ભૂમિમાં ઉગી નીકળતું ઘાસ પહેલી નજરે કોઈ કામનું જણાતું નથી, પરંતુ એ ઘાસ ગ્લોબલ ટેમ્પરેટર સ્થિર રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સજીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અને વાતાવરણના સંતુલન માટે પૃથ્વીના પટ પર ઉગી નીકળતા આ ઘાસ જેટલું જ મહત્ત્વ છે દરિયાઈ ઘાસનું.
એક થિયરી એવી છે કે સાતેક કરોડ વર્ષ પહેલાં જમીનમાં મળતા ઘાસની અમુક જાતો દરિયામાં અસ્તિત્વ ટકાવવામાં સફળ થઈ. કરોડો વર્ષોમાં તેણે દરિયામાં સતત વિકસીને આખીય દરિયાઈ જીવસૃષ્ટિ પર સકારાત્મક અસર કરી. સમુદ્રના પેટાળમાં ઉગતા ઘાસની ખાસિયત એ છે કે તે ખારા પાણીમાં, ખૂબ નીચે ઉગે છે, એમાં જ ટકી રહે છે. સંપૂર્ણ રીતે આ ઘાસ પાણીમાં જીવે છે. એમાં ફૂલ પણ થાય છે. એના મૂળ હોય છે, એના પાંદડાં હોય છે. ફૂલ ખીલે છે અને એમાંથી બીજ બને છે. એ બીજ વેરાય છે એટલે એમાંથી નવું ઘાસ બનતું રહે છે. દરિયાનું ઘાસ સમુદ્રના પેટાળમાં એવી જગ્યાએ થાય છે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો હોય. સૂર્યપ્રકાશ તેના અસ્તિત્વ માટે અનિવાર્ય છે.
ધરતીના ઘાસથી વિપરીત સમુદ્રી ઘાસમાં અપાર વૈવિધ્ય નથી. મુખ્ય ચાર જ પ્રકાર છે અને એમાંથી દુનિયાભરના સમુદ્રોમાંથી માંડ ૬૦-૭૦ જાતો મળે છે. દરિયાના પેટાળમાં આ સમુદ્રી ઘાસનો હિસ્સો ખૂબ ઓછો યાને માત્ર ૦.૧ ટકા છે, છતાં એ સમુદ્રમાંથી ૧૮ ટકા કાર્બન શોષી લેવાનું બેહદ જરૂરી કામ કરે છે. સમુદ્રના ખતરનાક બેક્ટેરિયાનો ખતરો આ ઘાસથી ૫૦ ટકા જેટલો ઘટી જાય છે. જો આ ઘાસ ન હોત તો બેક્ટેરિયા સમુદ્રના જીવો પર વધારે ખતરનાક અસર કરતાં હોત. તે પરવાળાના રક્ષક તરીકે કામ કરે છે. સમુદ્રના એસિડ અને આવી નાજુક જીવસૃષ્ટિ વચ્ચે દરિયાઈ ઘાસ બફરઝોનનું કામ કરે છે.
આ ઘાસ સમુદ્રમાં સતત સ્વચ્છ સાગર મિશન ચલાવે છે! એ પ્રકાશ સંશ્લેષણના માધ્યમથી સમુદ્રમાં ઓક્સિજન છોડે છે. કાચબા, અમુક પ્રકારની માછલીઓ, કેટલીક જાતના તૃણભક્ષી કીડાઓ માટે તે ખોરાકનો મુખ્ય સ્ત્રોત તો છે જ, પરંતુ સમુદ્રી ગાય, સેંકડો કીડા, માછલીઓનું રહેઠાણ પણ છે. સમુદ્ર વૈજ્ઞાનિકો દરિયાઈ ઘાસને યોગ્ય રીતે જ દરિયાના ફેફસા કહે છે. તે સમુદ્રમાં, દરિયાઈ જીવસૃષ્ટિ માટે અને ઈવન પૃથ્વી માટેય જાદુથી કમ નથી. તેની અસર ખરા અર્થમાં જાદુઈ સાબિત થાય છે. તે એટલે સુધી કે સંશોધકો તેને ક્લાઈમેટ ચેન્જનો સૌથી પાવરફુલ અને કુદરતી ઉપાય માને છે. આ ઘાસ એમેઝોનના જંગલથી પણ વધારે સ્પીડથી કાર્બન ડાયોક્સાઈડ શોષી શકવા સક્ષમ છે.
પરંતુ પૃથ્વીના પટ પર માનવીય દખલથી જેવો હાહાકાર મચ્યો છે એવો જ તરખાટ સમુદ્રની ભીતર પણ મચ્યો છે. કારણ કે સીગ્રાસ-સમુદ્રી ઘાસના અસ્તિત્વ સામે અગાઉ ક્યારેય નહોતું એટલું મોટું જોખમ છેલ્લાં થોડા દશકામાં સર્જાયું છે.
***
૧૫૯ દેશોના દરિયામાં ત્રણ લાખ વર્ગ કિલોમીટરમાં સમુદ્રી ઘાસ ફેલાયેલું છે, પરંતુ મહાસાગરોમાં અમર્યાદ માનવીય દખલના પરિણામે કરોડો વર્ષથી સમુદ્રમાં અસ્તિત્વ ટકાવીને અડીખમ રહેલું આ ઘાસ છેલ્લાં ૧૦૦ વર્ષમાં જ ખતરામાં આવી પડયું છે. ૧૯૩૦થી અત્યાર સુધીમાં, લગભગ ૯૫ વર્ષમાં દરિયાઈ ઘાસનો ૧૯ ટકા હિસ્સો નાબુદ થઈ ગયો છે. દુનિયાભરના દરિયામાં ખનીજો માટે થતી એક્ટિવિટી, ઈન્ટરનેટના કેબલો બિછાવવાની અવિરત કામગીરી, બ્લૂ ઈકોનોમી બૂસ્ટ કરવાના નામે જગતમાં થતી ગતિવિધિ, પ્લાસ્ટિકનું પ્રદૂષણ, કેમિકલ પ્રદૂષણ વગેરેના કારણે અત્યારે ૨૧ ટકા દરિયાઈ ઘાસ પર વિનાશ મંડરાઈ રહ્યો છે. દર વર્ષે સાત ટકા દરિયાઈ ઘાસ નાશ પામી રહ્યું છે. દર મિનિટમાં એક ફૂટબોલના મેદાન જેટલું ઘાસ નષ્ટ થાય છે.
સમુદ્રી ઘાસની ૭૦ જાતોમાંથી ૪૦-૪૫ જાતો ૨૦૫૦ સુધીમાં નાશ થઈ જાય તો નવાઈ નહીં. લેટેસ્ટ સંશોધનનું માનીએ તો ૨૨ જાતોના ઘાસનો વિસ્તાર ઝડપભેર મર્યાદિત થઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જની તીવ્ર અસર તો આ દરિયાઈ ઘાસને થઈ જ રહી છે, પરંતુ સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન વધ્યું તેની સામે ટકી રહેવાનો પડકાર પણ સર્જાયો છે.
દરિયાઈ જીવસૃષ્ટિ માટે જાદુઈ બની ગયેલા આ ઘાસનો વિસ્તાર ઘટી જશે તો ૩૨ ટકા સમુદ્રી સજીવો નામશેષ થઈ જશે. સમુદ્ર વિજ્ઞાનીઓ ચેતવણી આપતા કહે છે- દરિયાઈ ઘાસને બચાવવા માટે છેલ્લો દશકો બચ્યો છે. જો તુરંત પગલાં નહીં ભરો તો ખૂબ મોડું થઈ જશે.
વેલ, માનવજાતની પર્યાવરણ સિવાયની પ્રાયોરિટી જોતાં લાગતું નથી કે તેમને આવી કોઈ ચેતવણીની ચિંતા હોય!
વર્લ્ડ સીગ્રાસ ડે!
સંયુક્ત રાષ્ટ્રસંઘે સમુદ્રી ઘાસના અસ્તિત્વ સામે વધી રહેલો ખતરો જોઈને ૨૦૨૨થી દર વર્ષે ૧લી માર્ચે વર્લ્ડ સીગ્રાસ ડે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘાસના સંરક્ષણ માટે જાગૃતિ આવે તે મુખ્ય હેતુ હતો, પરંતુ હજુ સુધી એ બાબતે જોઈએ એવી અવેરનેસ આવી નથી. સમુદ્રમાં વેરાયેલા પ્લાસ્ટિકના કચરાથી લઈને સમુદ્રકાંઠે ખડકાતા કચરાના ઢગ કે સમુદ્રમાં છોડાતા કેમિકલની જેટલી ચર્ચા થાય છે એટલી ચર્ચા સમુદ્રી ઘાસને બચાવવા માટે થતી નથી. ઘણાં દેશોએ કહેવા ખાતર ગાઈડલાઈન બનાવીને રાખી છે, પરંતુ ખરેખર એના જતન માટે જે કામ થવું જોઈએ એ થતું નથી.
બ્યૂટી પ્રોડક્ટ બનાવવા માટે દરિયાઈ ઘાસનું નિકંદન
દરિયાઈ ઘાસનો એક ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. એન્ટી એજિંગ ક્રિમ-સાબુમાં સમુદ્રની વનસ્પતિનો ઉપયોગ છેલ્લાં એક-દોઢ દશકાથી વધ્યો છે. બ્યૂટી પ્રોડક્ટ માટે શેવાળનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે, પરંતુ સાથે સાથે સમુદ્રની વનસ્પતિનું પણ મોટા પ્રમાણમાં નિકંદન નીકળે છે. શેવાળ અને દરિયાઈ ઘાસ બંને જુદી જુદી વનસ્પતિ છે અને બંનેનો ઉપયોગ ચામડીને ચમકતી રાખવા માટે બનતી ચીજવસ્તુઓમાં થાય છે. ઘણી હેરકેર પ્રોડક્ટ્સમાં દરિયાઈ ઘાસનો ઉપયોગ થાય છે. એન્ટી એજિંગ ક્રિમ અને બ્યૂટી પ્રોડક્ટનું માર્કેટ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ દરિયાઈ ઘાસની ડિમાન્ડ પણ વધી છે. કેટલાય દેશોમાં ઘણી કંપનીઓ સરકારની પરવાનગી સાથે દરિયાઈ ઘાસનું પ્લાન્ટિંગ કરે છે તો ઘણાં દેશમાં એવા ખાસ નિયમો નથી એટલે કંપનીઓ તેમની રીતે દરિયાઈ ઘાસ મેળવી લે છે. અમુક દેશોમાં સમુદ્રમાં માનવીય દખલ ઘટાડવાના નિયમો બનવા લાગ્યા છે એટલે અવેરનેસ આવશે ખરી, પરંતુ ત્યાં સુધીમાં દરિયાઈ ઘાસ પર મોટું જોખમ આવી જશે.


