Get The App

ટેલિપથી - એક મનથી બીજા મન વચ્ચે થતો અદ્રશ્ય સંવાદ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ટેલિપથી - એક મનથી બીજા મન વચ્ચે થતો અદ્રશ્ય સંવાદ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- વ્યક્તિ પર કોઈ સંકટ આવે છે ત્યારે તેના શરીરમાં એડ્રિનાનિનો સ્રાવ થાય છે અને સિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનો પ્રભાવ આવે છે ત્યારે ટેલિપથીથી સંદેશો મોકલાઈ જાય છે

T he mind is not confined to the brain, it extends beyond space and time :

મન માત્ર મસ્તિષ્ક સુધી સીમિત નથી. તે સ્થાન અને સમયથી પણ આગળ વિસ્તરિત છે.''

"Thought is energy and energy can be transmitted :   વિચાર ઊર્જા છે અને ઊર્જાનો સંચાર થઈ શકે છે.

 "Telepathy suggests that all minds are interconnected at a deeper level : ટેલિપથી એ સંકેત આપે છે કે બધા મન એક ઊંડા સ્તરે એકબીજા સાથે જોડાયેલા છે.'' 

- Andrija Puharich

અમેરિકન ચિકિત્સક, પેરાસાઈકોલોજી ક્ષેત્રના સંશોધક એન્ડ્રિજા પુહારિચ (Andrija Puharich) ટેલિપથી, ચૈતસિક શક્તિઓ અને માનવ ચેતના અંગે કરાયેલા સંશોધનો માટે વિખ્યાત છે. તેમના પ્રસિદ્ધ પુસ્તક 'બિયોન્ડ ટેલિપથી (Beyond Telepathy) માં તેમણે ટેલિપથી, મન અને ચેતનાને વૈજ્ઞાનિક પિરપ્રેક્ષ્યથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે કહે છે કે મસ્તિષ્ક માત્ર ચેતના ઉત્પન્ન જ નથી કરતું પણ એક રિસિવર અને ટ્રાન્સમીટરની જેમ પણ કાર્ય કરી શકે છે.

- ડૉ. એન્ડ્રિજા પુહારિચે તેમના બિયોન્ડ ટેલીપથી' પુસ્તકમાં ટેલિપથીને લગતી અનેક ઘટનાઓની સમજૂતી આપી છે. એમાંની એક ઘટના શ્રીમતી હાયેસ નામની મહિલાની છે. શ્રીમતી હાયેસ એક દિવસ વહેલી સવારે સાડા પાંચ વાગે મોટી ચીસ પાડીને જાગી ગયા. તેમને એક ખરાબ સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમણે એવું જોયું કે તેમનો પુત્ર જોન કાર ચલાવી રહ્યો છે ત્યારે તેની કારને દુર્ઘટના નડે છે. કારને ઘણું નુકસાન થયું છે અને જોનને ઘણી જગ્યાએ વાગ્યું હોવાથી ત્યાંથી લોહી નીકળી રહ્યું છે. સ્વપ્ન એટલું ગાઢ હતું કે તે તેને અવગણી શક્યા નહીં. તેમના મનમાં તેને લગતી ચિંતા થવા લાગી. તેમણે તરત જ તે જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં ફોન કર્યો. તે જે કૉલેજમાં અભ્યાસ કરતો હતો તેને સંલગ્ન હોસ્ટેલના અધિકારીએ તપાસ કરીને કહ્યું કે જોન અત્યારે ક્યાં છે તે વિશે તેમની પાસે કોઈ જાણકારી નથી પણ તે હોસ્ટેલમાં તો નથી.

શ્રીમતી હાયેસે તેના પુત્રના મિત્રોને ફોન કરીને પણ તેના વિશે કોઈ માહિતી મળે તો તે જાણવાનો પ્રયત્ન કર્યો. તેના એક મિત્રે જણાવ્યું કે તે તેના બીજા કેટલાક મિત્રો સાથે ફરવા જવાનો હતો. શ્રીમતી હાયેસે પોલીસને પણ આની જાણ કરી. બાર કલાક પછી શ્રીમતી હાયેસ પર ફોન આવ્યો કે તેમના પુત્રને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કારને એક્સિડન્ટ થવાને કારણે તે ઘવાયો હતો. પોલીસે જણાવ્યું કે ગઈકાલે રાત્રે તે કેટલાક મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. વહેલી સવારે જ્યારે તે એક પહાડી પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કાર બીજી એક કાર સાથે અથડાઈ હતી. કારને નુકસાન થયું હતું અને તે તેના મિત્રો સાથે ઘાયલ થઈ ગયો હતો. જો કે ચમત્કારિક રીતે બધાને બચાવ થઈ ગયો હતો. કોઈનું મૃત્યુ નિપજ્યું નથી.

શ્રીમતી હાયેસે જોન સાથે વાત કરી ત્યારે તેણે પૂછ્યું હતું - 'તે કાર એક્સિડન્ટ કેટલા વાગે થયો હતો ? જોને તેની માતાને જણાવ્યું - તે વખતે સવારના સાડા પાંચની આસપાસનો સમય હતો. શ્રીમતી હાયેસે તેને જણાવ્યું કે બરાબર તે જ સમયે તેમને એક સ્વપ્ન આવ્યું હતું અને તેમાં તેના અકસ્માતની ઘટના સ્પષ્ટ દેખાઈ હતી. તેમાં તેમણે જોયું હતું કે તેના (જોનના) શરીરમાંથી ઘણી જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું. એ જોઈને તે ચીસ પાડીને જાગી ગયા હતા અને તેની કુશળતા પૂછવા હોસ્ટેલમાં ફોન કર્યો હતો. જોને પણ તેની માતાને કહ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે તેના મુખેથી પણ ચીસ નીકળી ગઈ હતી અને 'ઓહ, માય મોમ (ઓ મારી મા રે) એવા વેણ ઉચ્ચારાઈ ગયા હતા. સંકટ સમયે તેણે તેની માતાને યાદ કરી તેને કારણે બન્નેના મન વચ્ચે ટેલિપથી થઈ ગઈ હતી - દૂર-સંવેદન, પરસ્પર ભાવ-બોધ, દૂરથી વિચાર-ભાવની આપ-લે થઈ જવાથી શ્રીમતી હાયસન સ્વપ્ન થકી એમના પુત્રના અકસ્માતની અને તેના પર આવેલા સંકટની ખબર પડી ગઈ હતી.

Strange Women of the Occuના નામના પુસ્તકમાં તેના લેખક વોરેન સ્મિથે આના જેવી જ ટેલિપથીની ઘટનાનું નિરૂપણ કર્યું છે. આ ઘટના ૨૮ જૂન ૧૯૫૪ ના રોજ બની હતી. અમેરિકાના ન્યૂયોર્કમાં વસતા ડૉ. રેમરની પત્ની આરામ કરી રહી હતી અને તેના મનગમતા ગીત સાંભળી રહી હતી. ત્યાં અચાનક જ તે બેડ પરથી ઊભો થઈ ગઈ અને ચીસ પાડી ઊઠી. બાજુના રૂમમાંથી ડૉ. રેમર દોડી આવ્યા અને શું થયું ? એમ પૂછવા લાગ્યા. શ્રીમતી રેમરે કહ્યું - 'હું તો આંખો બંધ કરીને ગીતો સાંભળી રહી હતી. ત્યાં મારા મગજમાં એક અકસ્માતનું દ્રશ્ય દેખાયું. જેસ્સી જે કાર ચલાવતી હતી તેને અકસ્માત થયો છે એવું દ્રશ્ય મનના પડદા પર પ્રગટ થયું. જેસ્સીએ મોટી ચીસ પાડી એ પણ મને સંભળાયું. ડૉ. રેમરની પુત્રી ન્યુયોર્કથી ૩૦૦૦ કિલોમીટર દૂર કેલિફોર્નિયામાં તેના દાદીના ઘેર રહેવા ગઈ હતી. છેલ્લા એક મહિનાથી તે ત્યાં જ હતી.

ડૉ. રેમરે તેમની પત્નીની વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં. તેમણે કહ્યું - તને કોઈ ભ્રમણા થઈ હશે. પણ મિસિસ રેમરની અનુભૂતિ સાચી સાબિત થઈ. ત્રણ પછી ટેલિગ્રામ આવ્યો અને તેમાં જણાવાયું હતું કે ત્રણ દિવસ પહેલાં જેસ્સીની કારને એક્સિડન્ટ થયો હતો તેમાં તે ઘવાઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. દુર્ભાગ્યે આજે એનું મરણ થઈ ગયું છે. અકસ્માતની વિગતો જાણી ત્યારે ખબર પડી કે તે એ જ દિવસ અને સમય હતો ત્યારે મિસિસ રેમરને ટેલિપથી થઈ ગઈ હતી અને તેમને તેનું દ્રશ્ય દેખાયુ ંહતું અને જેસ્સીની મોટી ચીસ પણ સંભળાઈ હતી.

ટેલિપથી પર ગહન સંશોધન કરનારા ડૉ. વોલ્ટર કેનન કહે છે - 'વ્યક્તિમાં જ્યારે એડ્લિનાલિનનો સ્રાવ થાય છે અને સિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનો પ્રભાવ હોય છે ત્યારે ટેલિપથીને લગતા સંદેશાનું સંપ્રેષણ સારી રીતે થાય છે, જ્યારે એસિટાઈલ કોલાઈનનો સ્રાવ થાય છે અને પેરાસિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનો પ્રભાવ હોય છે ત્યારે ટેલિપથીને લગતા સંદેશાને સારી રીતે ગ્રહણ (receive) કરી શકાય છે. વ્યક્તિ પર કોઈ સંકટ આવે છે ત્યારે તેના શરીરમાં એડ્રિનાનિનો સ્રાવ થાય છે અને સિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનો પ્રભાવ આવે છે ત્યારે ટેલિપથીથી સંદેશો મોકલાઈ જાય છે. બીજી તરફ વ્યક્તિ નિદ્રાધીન કે આરામની સ્થિતિમાં કે હળવા મૂડમાં, હર્ષોલ્લાસની સ્થિતિમાં હોય ત્યારે એસિટાઈલ કોલાઈનનો સ્રાવ થાય છે અને પેરાસિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનો પ્રભાવ શરૂ થતાં પેલા ટેલિપથીથી મોકલાયેલ સંદેશ અચૂક ગ્રહણ થઈ જાય છે. ડૉ. એન્ડ્રિજા પુહારિચ પણ કહે જ છે કે મસ્તિષ્ક ટ્રાન્સમીટર અને રિસિવર બન્ને પ્રકારનું કામ કરે છે.