Get The App

સુદીપ શર્મા: IIM થી OTT .

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
સુદીપ શર્મા:  IIM થી OTT                               . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- 'કહે છેને કે કોઈ પણ ક્રિયેટિવ ક્ષેત્રમાં મહારત હાંસલ કરવી હોય તો કમસે કમ ૧૦,૦૦૦ કલાક રિયાઝ કરવો પડે. સાચી વાત છે આ. હું પાંચ-સાત વર્ષ સતત લખ-લખ કરતો રહ્યો, પણ...'

ઓ ટીટીના રસિયાઓ આજકાલ નેટફ્લિક્સની વેબ સિરીઝ 'કોહરા-ટુ' પર ફિદા થઈ ગયા છે. એનું કારણ સ્પષ્ટ છે - શોેની ગુણવત્તા. 'કોહરા-ટુ'ની મજા એ હકીકતમાં છે કે એને તમે સાધારણ મર્ડર મિસ્ટરીના ખાનામાં ફિટ નહીં કરી શકો. 'કોહરા'ની પહેલી સિઝનની જેમ બીજી સિઝનનો ઉઘાડ પણ એક એનઆરઆઈની હત્યાથી જ થાય છે, અહીં પણ પોલીસની છાનબીન શોનો મોટો હિસ્સો રોકે છે, પરંતુ તોય છેલ્લો એપિસોડ પૂરો થાય ત્યાં સુધીમાં 'મર્ડર કોણે કર્યું?' એ પ્રશ્ન સૌથી મહત્ત્વનો રહેતો નથી. તમામ મુખ્ય પાત્રોનું અંગત જીવન, તેમના સંઘર્ષો, એકબીજા સાથેના તેમના સંબંધો આ બધું એટલું અસરકારક રીતે ગૂંથાતું જાય છે કે શો એક અપરાધ પૂરતો સીમિત ન રહેતાં રિલેશનશિપ ડ્રામામાં પરિવર્તિત થતો જાય છે. 

'દિલ્હી ક્રાઇમ' પાસે શેફાલી શાહ છે, તો 'કોહરા-ટુ' પાસે મોના સિંહ છે. મોના સિંહ સંભવત: એમની કરીઅરના સૌથી ઉત્તમ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. એક મહિલા પોલીસ ઓફિસર નિષ્ઠાપૂર્વક અત્યંત ડિમાન્ડિંગ નોકરી કરતી હોય અને સાથે સાથે આઇવીએફ ટેકનિકથી પુન: પ્રેગનન્ટ બનવાની કોશિશ પણ કરતી હોય... આ કોમ્બિનેશન, પાત્રાલેખનનો આ શેડ કમાલનો છે. વરૂણ સોબ્તી 'કોહરા'ની પહેલી અને બીજી બન્ને સિઝનમાં છે. શોમાં એક પાતળિયો નવોદિત યુવા એક્ટર છે - પ્રેરક મહેતા. એનું પર્ફોર્મન્સ જોજો. નાનકડા રોલમાં પણ એ પોતાની સજ્જડ છાપ છોડી દે છે. આ લાંબી રેસના ઘોડા પર નજર રાખજો. ભવિષ્યમાં એ ઘણી કમાલ કરવાનો છે. 

'કોહરા'ની બન્ને સિઝનને જોડતી સૌથી મજબૂત કડી હોય તો તે છે, સુદીપ શર્મા. તેઓ આ શોના કો-ક્રિયેટર છે અને કો-રાઇટર છે,  એટલું જ નહીં, 'કોહરા-ટુ'થી એમણે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. (ફૈઝલ રહેમાન શોના બીજા ડિરેક્ટર છે.) દરેક માધ્યમના પોતાના સ્ટાર્સ હોય છે. સુદીપ શર્મા ભારતીય ઓટીટીના વિશાળ આકાશમાં તેજસ્વી તારક બનીને તીવ્રતાથી ચમકી રહ્યા છે.  

સુદીપ શર્મા મૂળ તો ફિલ્મોના માણસ. એમણે શરૂઆત કરી ફિલ્મરાઇટર તરીકે. અનુષ્કા શર્માવાળી 'એનએચ-ટેન' (૨૦૧૫), શાહિદ  કપૂર-આલિયા ભટ્ટ-દિલજીત દોસાંજવાળી 'ઉડતા પંજાબ' (૨૦૧૬) અને મનોજ બાજપેયી-સુશાંતસિંહ રાજપૂત-ભૂમિ પેડણેકરવાળી 'સોનચિરીયા' (૨૦૧૯) એમણે લખી છે. આ સિવાય બીજી કેટલીક ફિલ્મો લખી છે. સુદીપ ખરેખરા ફોર્મમાં આવ્યા ઓટીટી પર. એમણે બે શો લખ્યા - 'પાતાલ લોક' (સિઝન વન-ટુ) અને 'કોહરા-ટુ' - બન્ને હિટ.  સુદીપ શર્માનો પ્લસ પોઇન્ટ એ છે કે તેમણે  'કેવળ લેખક' બનીને સંતોષ માન્યો નથી. અગાઉ 'ફિલ્લુરી' (૨૦૧૭) અને 'પરી' (૨૦૧૮) નામની ફિલ્મો માટે એમણે ક્રિયેટિવ પ્રોડયુસર તરીકે કામ કર્યું હતું, અને આ બન્ને ઓટીટી શોના તેઓ ક્રિયેટર પણ છે અને એક્ઝિક્યુટિવ પ્રોડયુસર પણ છે. હવે, અગાઉ નોંધ્યું તેમ, 'કોહરા-ટુ'થી તેઓ ડિરેક્ટર પણ બન્યા છે. 

'છોગાં ભલે અલગ અલગ હોય, પણ મારા માટે તો આ એક જ કામનાં એક્સટેન્શન જેવું છે,' સુદીપ શર્મા એક મુલાકાતમાં કહે છે. 

વાત તો સાચી, પણ સિનેમા અને ઓટીટી જેવાં માધ્યમોમાં 'કેવળ લેખક' પાસે લખવા સિવાય બીજી કોઈ સત્તા હોતી નથી. જો પાવર વધારવો હોય તો વર્તુળ મોટું કરવું પડે. ઓટીટીની દુનિયામાં 'ક્રિયેટર' એટલે એ માણસ જે ઓરિજિનલ કોન્સેપ્ટ લાવે છે, આખા શોની રૂપરેખા ઘડે છે (જેના માટે 'બાઇબલ' શબ્દ વાપરવામાં આવે છે) અને પાઇલટ એપિસોડ પણ લખે છે. સુદીપ આ બન્ને શોના ક્રિયેટર વત્તા ક્રિયેટિવ પ્રોડયુસર એટલે કે શો રનર પણ છે. શો રનર શોના બજેટ અને કલાકાર-કસબીઓની ફી જેવા આર્થિક નિર્ણયો લે છે, રોજિંદા ગતિવિધિઓ પર અંકૂશ રાખે છે. સમજોને કે શો રનર સિરીઝના સીઈઓ તરીકે કામ કરે છે. માત્ર લેખનની તુલનામાં આ ઘણી વધારે જવાબદારીઓ થઈ. 

સુદીપ શર્મા અતિપ્રતિષ્ઠિત આઈઆઈએમ-અમદાવાદથી એમબીએ થયા છે તે તમે જાણો છો? સહેજે સવાલ થાય કે આવી વર્લ્ડક્લાસ ઇન્સ્ટિટયુટમાંથી ડિગ્રી મેેળવી ચૂકેલો માણસ ફિલ્મો અને વેબ શોનો લેખક કેવી રીતે બની ગયો? સુદીપ શર્માની આ યાત્રા જાણવા જેવી છે. ગૌહાટીમાં જન્મેલા અને ઉછરેલા ૪૮ વર્ષીય સુદીપ શર્માએ બી.કોમ. દિલ્હીમાં કર્યું છે. 

'મારી ઇચ્છા તો આર્ટ્સમાં જવાની હતી,' સુદીપ કહે છે, 'પણ મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. એમણે કહ્યું કે તું એક વાર બી.કોમ. થઈ જા, પછી લાઇફમાં તારે જે કરવું હોય તે કરજે.'

સુદીપ માત્ર બી.કોમ. જ ન થયા, આઈઆઈએમ-અમદાવાદમાંથી એમબીએ પણ થયા. આઈઆઈએમમાં ભણતા હતા ત્યારે પણ એમને સમજાતું હતું કે આ આપણી 'લેન' નથી. તેઓ દોસ્તારોને કહ્યા કરતા કે મારે તો ફિલ્મમેકર બનવું છે. જોકે ફિલ્મલાઇનમાં સીધો કૂદકો મારતા પહેલાં એમણે પોતાની ડિગ્રીનો ઉપયોગ કર્યો. મુંબઈ આવીને એમણે કોકા કોલા - એશિયન પેઇન્ટ્સ જેવી કોર્પોરેટ કંપનીઓમાં ચાર વર્ષ કામ કર્યું. 

'...અને પછી હું નાસી છૂટયો,' સુદીપ કહે છે, 'સદભાગ્યે મારી વાઇફ કમાતી હતી. હું પણ થોડું થોડું ફ્રીલાન્સિંગ કન્સલ્ટિંગ કરીને ખપ પૂરતું કમાઈ લેતો હતો. આ ઇન્ડસ્ટ્રીમાં પહેલાં દસ વર્ષ, કહો કે પહેલાં પાંચ-સાત વર્ષ ટકી રહેવું કપરું છે. જુઓ, ઇન્ડસ્ટ્રી પર દોષનો ટોપલો ઢોળી દઈને 'બોલિવુડ હજુ મારી સ્ક્રિપ્ટ્સ માટે રેડી નથી' એવું કહેવું બહુ સહેલું છે. મારી પાસે પૂરતા કોન્ટેક્ટ્સ નથી એવી ફરિયાદ કરવી પણ સહેલી છે... પણ મારી સચ્ચાઈ એ હતી કે હું ખરેખર એ સમયે સારું લખતો નહોતો. લોકો ધડ્ દઈને ખુદને 'રાઇટર' ઘોષિત કરી દે છે. માત્ર ફિલ્મો જોવાથી તમે ફિલ્મરાઇટર નહીં બની શકો. તમારે મહેનત કરવી પડશે, ખૂબ-ખૂબ-ખૂબ લખવું પડશે. કહે છેને કે કોઈ પણ ક્રિયેટિવ ક્ષેત્રમાં મહારત હાંસલ કરવી હોય તો કમસે કમ ૧૦,૦૦૦ કલાક રિયાઝ કરવો પડે. સાચી વાત છે આ. એ પાંચ-સાત વર્ષ હું સતત લખ-લખ કરતો રહ્યો, તો પણ મારા લખાણમાં જોઈએ એવી જમાવટ નહોતી.' 

આટલું કહીને સુદીપ ઉમેરે છે, 'મારા આઇઆઈએમના દોસ્તારો જીવનમાં ક્યાંય આગળ વધી ગયા હતા. તેઓ મારી મજાક કરતા. 'અચ્છા અચ્છા... સુદીપ શર્મા એટલે પેલો જ ને જે ફિલ્મમેકર બનવા માગતો હતો?' હું જોકર બની ગયો હતો એમની સામે. મને યાદ છે, એક વાર મારા એક ક્લાસમેટે અવાજ બદલીને મને ફોન કર્યો. કહ્યું કે એ એક પ્રોડયુસર છે અને ફિલ્મ બનાવવા માગે છે. એણે મને ફિલ્મ લખવાની ઓફર આપી. હું તો તાનમાં આવીને વાતો કરતો ગયો. પંદર-વીસ મિનિટ પછી એ મોટે મોટેથી હસવા લાગ્યો. એણે પોતાની સાચી ઓળખાણ આપી. મેં એને બરાબરની સંભળાવી ને પછી ફોન મૂકી દીધો... પણ ફોન મૂક્યા પછી હું રડી પડયો. મને થયું કે આ મારા દોસ્તારો છે? મારા વિશે તેઓ આવું વિચારે છે?'

સુદીપનો પીડાદાયી તબક્કો એમનો ભેટો નવદીપ સિંહ સાથે થયો ત્યારે પૂરો થયો. નવદીપ સિંહ એટલે 'એનએચ-ટેન' ફિલ્મના ડિરેક્ટર. સુદીપને પહેલી વાર લાગ્યું કે આ માણસ ખરેખર પોતાનું કામ જાણે છે, એની સાથે કામ કરીને હું કશુંક શીખી શકીશ.  'એનએચ-ટેન' સરસ બની. ફિલ્મનાં અન્ય પાસાંની સાથે તેનું લખાણ પણ વખણાયું. બસ, પછી એક પછી એક ફિલ્મો અને ત્યાર બાદ વેબ શોઝ આવતાં ગયાં. સુદીપ શર્મા આજની તારીખે ઓટીટીની દુનિયામાં એક 'મોટું માથું' ગણાય છે. એક સમયે એમના કહેવાતા દોસ્તારો ખિખિયાટા કરતા હતા, આજે વિજયહાસ્ય કરવાનો વારો સુદીપ શર્માનો છે...!

શો-સ્ટોપર 

બોલિવુડને હિરોઈનોની ક્લીવેજ (સ્તનોના ઉભાર વચ્ચેની જગ્યા)નું વળગણ છે, જ્યારે સાઉથમાં હિરોઈનોની નાભિનું.  - તાપસી પન્નુ