- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'ઓફિસમાં બોસનું આગમન થાય અને કર્મચારી ફફડી ન ઊઠે, તો બોસ થવાનો અર્થ શો?' ગર્વનું વિચિત્ર જીવનદર્શન
ગ ર્વને યાદ છે આઠ વર્ષ પહેલાંના પ્રસંગો જ્યારે તે પપ્પા અનૂપરાય સાથે ઓફિસ આવતો, ઓફિસનો સ્ટાફ ખુરશીમાં બેઠે બેઠે જ 'નમસ્તે શેઠજી' કહી બીજી જ ક્ષણે પોતાના કામમાં પરોવાઈ જતો. અનૂપરાયની સૂચના મુજબ કોઈ કર્મચારીને ચપરાસી બોલાવી લાવે, ત્યારે પણ તેઓ કર્મચારી સાથે ખૂબ જ વિનય, સૌજન્ય અને શિષ્ટતા સાથે વર્તે, ત્યારે તરુણ વયના ગર્વના મનમાં થતું : 'પપ્પા ઓફિસ કેમ ચલાવવી એ જાણતા જ નથી. બોસનું આગમન થાય અને કર્મચારી ફફડી ન ઊઠે, તો બોસ થવાનો અર્થ શો ? હું આ ઓફિસનો બોસ થઇશ ત્યારે પપ્પાએ પંપાળી પંપાળીને પોરો ચઢાવી રાખેલા એમના પોઠિયાઓ સીધા દોર થઇ જશે. અને 'નમસ્તે શેઠજી, નહીં' 'ગુડમોર્નિંગ બોસ' બોલતા થઇ જશે.'
અને ગર્વના આ અહંવાદી સ્વપ્નને ફળવામાં કુદરતે પણ મદદ કરી. અનૂપરાય ભયંકર માંદગીમાં પટકાયા. અને શક્તિ ગુમાવી બેઠા. ઘોર પરિશ્રમથી જર્જરિત બની ગયેલી એમની કાયા પર નાના-મોટા રોગોનાં આક્રમણ શરૂ થઇ ગયાં અને ઓફિસનાં અધિકારસૂત્રો અનાયાસે જ ગર્વના હાથમાં સરી પડયાં.
આર્થિક સત્તા હાથમાં આવી એટલે ગર્વએ બેફામ ખર્ચા કરવા માંડયા. મોંઘા આરસપહાણ, આકર્ષક ટાઈલ્સ, ખાસ ફરમાઈશથી મંગાવેલી જાજમો, આયોજનપૂર્વકની પ્રકાશ વ્યવસ્થા, અફલાતૂન બંગલામાં અફલાતૂન ફર્નિચર... શાહી ઠાઠથી રહેવા લાગ્યો ગર્વ. ઓફિસનો સ્ટાફ પણ તેનાથી ફફડતો હતો.
અનૂપરાય ખૂબ મહેનત કરીને પૈસા કમાયા હતા... અને ખૂબ કરકસર કરી તેમણે પૈસા બચાવ્યા હતા તેનો થતો દુર્વ્યય એમને દુ:ખી કરી નાખતો હતો. ગર્વ ચાર વર્ષનો હતો ત્યારે તેના મમ્મી ગુજરી ગયા હતા. ત્યારથી વિધુર પિતા અનૂપરાયે તેને આંખની કીકીની જેમ સાચવ્યો હતો. માતૃપ્રેમની ખોટ ન સાલે એ દ્રષ્ટિએ પોતાના સિદ્ધાંતપ્રિય સ્વભાવ સાથે ઉદારતાભરી બાંધછોડ કરીને એમણે ગર્વને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપી હતી. ઉડાઉ ગર્વને જિંદગી સાથે ચેડાં કરતો રોકવા અનૂપરાયના મનમાં એક વિચાર સ્ફુર્યો.. ગર્વના લગ્ન કરી દેવાનો. ગર્વને મનગમતી જીવનસંગિની શોધી લેવાનો તેમણે પોતે જ આગ્રહ કર્યો હતો.
ગર્વ મોકાની રાહ જ જોતો હતો. કથાને એણે કહી રાખ્યું કે 'ઓફિસ મારા હાથમાં આવે એટલે 'મહારાણી'ના ગૌરવ સાથે તારો આ ઘરમાં પ્રવેશ કરાવીશ. મારા કહ્યા મુજબ વર્તીશ તો તું સુખી થઇશ, નહીં તો શ્વસુરની પુત્રવધૂના ઢાંચામાં ફીટ થઇ જવું પડશે.'
કથા સ્વભાવે શાંત અને સૌમ્ય હતી. કથાએ ગર્વને કહ્યું હતું : 'ગર્વ, તારા પપ્પાજી બીમાર છે. હું મારી ફરજ બજાવીશ. તું ચિંતા ન કરતો. પપ્પાજીની જવાબદારી મારી અને તું છુટ્ટો.'
કથાનો જવાબ સાંભળી ગર્વ તાડૂક્યો હતો : 'જવાબદારી, જવાબદારી, જવાબદારી... કથા, પપ્પા બે વર્ષથી પથારીવશ છે. એમાં તો કોલેજકાળને મસ્તીપૂર્વક માણવાનાં મારાં સ્વપ્નો રોળાઈ ગયાં. એ જવાબદારીઓમાં ગળાડૂબ રહેવાને કારણે જ તારો અને મારો સંબંધ પરિચય કરતાં વિશેષ રૂપ ધારણ ન કરી શક્યો. હવે નિરાંતે જીવવાની તક મળી છે ખરી, પણ પપ્પાની જવાબદારી સદા માટે લમણે લખાઈ છે. મારા આઝાદ જીવનમાં કુદરતે આટલી કસર રાખી છે. કથા તું મને એકલપેટો કહેવો હોય તો કહે, પણ મને મારી રીતે જીવવાની ટેવ છે.'
કથાએ ગંભીર થઇને કહ્યું : 'ગર્વ, તું કેવી વાત કરે છે ? અનૂપરાય તારા પિતા છે. તારા પાલનકર્તા છે. તેમણે માતા-પિતા બન્નેની ફરજ બજાવી તને મોટો કર્યો છે. તેઓ આફત ગણાય જ નહીં. સામાજિક જવાબદારીઓને તું નફરતની નજરે શા માટે જુએ છે ?'
પરંતુ કથાની વાત સાંભળવા ગર્વ તૈયાર નહોતો. કથા એક દિવસ ઓચિંતી ગર્વના બંગલે ગઈ. બંગલામાં ફરતાં ફરતાં ગર્વ પોતાના શાહી ઠાઠની નોંધ લેવડાવવા ઉત્સુક હતો. પરંતુ કથાની આંખો તો ગર્વના પપ્પાજીને શોધતી હતી. ત્યાં જ એની નજર એક નાનકડા રૂમ પર પડી.... ત્યાં અનૂપરાય સૂતા હતા. કથા તેમને મળવા દોડી ગઈ...'પપ્પાજી, હું કથા, મને ન ઓળખી ? હું તમને મળવા આવી છું. મારી સાથે વાત નહીં કરો ?'
ગર્વના કઠોર શબ્દોની ઝડીઓ સહ્યા બાદ અનૂપરાયને આજે પહેલીવાર કોઇકે આટલા હેતથી બોલાવ્યા હતા. તેમણે કથાનો હાથ પકડીને બેઠા થવાની કોશીશ કરી. એમની આંખમાં એકદમ ચમક આવી ગઈ હતી.
એટલામાં ગર્વ ત્યાં આવી પહોંચ્યો હતો. અને કથાને કહ્યું : 'મારા પપ્પાને, બહુ માથે ના ચઢાવીશ, નહીં તો આપણા લગ્ન પછી તેઓ તારે માથે ચઢી વાગશે. શરૂઆતથી જેવી ટેવ પાડીશ, તેવું જ વાતાવરણ ઊભું થશે. ઘડપણ આવે તોય માણસ હક ભોગવવાનો ચસ્કો કેમ જતો કરતો નથી ? એજ મને સમજાતું નથી જવાનીનાં દિવસોમાં કર્તવ્યોના બોજથી પુત્ર-પુત્રવધૂને ગૂંગળાવી મારવાનું શું યોગ્ય કહેવાય ? કર્તવ્યના નામે શું એ શોષણ ન કહેવાય ? કથા કન્ટ્રી ટાઈપ મારા 'ઇન્ડિઅન ફાધર'ને એ બધું નહીં સમજાય. ચાલ ઊભી થા. પપ્પા પાછળ સમય બરબાદ કરવાની જરૂર નથી. આપણે બહાર ડિનર પર જવાનું મોડું થશે.'
કથાને ગર્વનું સ્વચ્છંદીપણું જરા પણ પસંદ ન આવ્યું. એની આંખ આગળ તરવરી રહી હતી પેલી બે ભોળી આંખો. વહાલભૂખી. લાગણી માટે તડપતા ગર્વના પપ્પાજીની જિંદગી સુધરતી હોય તો કથા અહંવાદી ગર્વની પત્ની બનવાનું જોખમ વહોરવા તૈયાર હતી.
અને કથા તથા ગર્વના લગ્ન સાદગીથી સંપન્ન થયાં હતાં. લગ્ન પછી ગર્વએ ફરવા જવાનું નક્કી કર્યું. ત્યારે કથાએ કહ્યું હતું : 'ગર્વ આપણે બે દિવસ પછી નીકળીએ. પપ્પાજીને આમ એકલા મૂકીને ના જવાય. હું મારી નાની બેન નીયાને તેડાવી લઉં છું. આપણે પાછાં ફરી એ ત્યાં સુધી પપ્પાજીની પાસે તે રહેશે.'
નીયાને પપ્પાજીની સારસંભાળની સૂચના આપીને કથા ગર્વ સાથે ફરવા ગઇ હતી. જે ગર્વને રુચ્યું નહોતું. પુત્ર બેઠો હોય પછી પુત્રવધૂએ કૂદી પડવાની શી જરૂર ? પણ ગર્વ મૌન રહ્યો હતો.
કથા અને ગર્વ પંદર દિવસ ફર્યા, પણ પંદર દિવસના એ ગાળામાં એક પણ દિવસ એવો નહોતો ઊગ્યો, જ્યારે કથાએ પપ્પાજીને યાદ ન કર્યા હોય. રાત્રે સૂતી વખતે કથા મનોમન પ્રાર્થના કરતી : 'હે પ્રભુ, એક બીમાર લાચાર પિતાને હું તારે ભરોસે છોડીને આવી છું. એમનું તું રક્ષણ કરજે.પુત્રો માતા-પિતા પ્રત્યેનો ધર્મ ચૂકે પણ
એમને વાદે પુત્રવધૂઓ પણ કર્તવ્યહીન બને, તો વડીલોની દુર્દશા જ થાય.'
કથા પાછી ફરી ત્યારે, ગર્વના પપ્પાજીને ભેટીને કેટલું બધું રડી હતી ! ત્યારે કથાની બહેન નીયાએ એક મોબાઈલ તેના હાથમાં મૂકતાં કહ્યું હતું : 'દીદી, લે આ મોબાઈલ પપ્પાજીએ તારી સાથે વાત કરવા દસ વાર તારો નંબર લગાવ્યો હશે, પણ ગર્વ જીજાજીની બીકમાં તારી સાથે વાત ના કરી.'
ત્યાં જ ગર્વ આવી ચઢ્યો હતો અને : 'ચાલો, ચાલો હવે લાગણીનાં નાટકો બંધ કરો અને સૌ પોતપોતાના કામે લાગી જાઓ.' કહીને ગર્વ ઓફિસ ચાલ્યો ગયો હતો.
ગર્વને મન પૈસો, પૈસાજન્ય સુખો અને અહં સર્વસ્વ હતાં. કથા પર પણ એ એકાધિકાર ઇચ્છતો હતો. કથા પોતાની લાગણી પપ્પાજી તરફ વહાવીને તેમના જીવનને સુખમય બનાવે એ ગર્વથી સહન થતું નહોતું. એટલે પપ્પાજીને કથાથી અલગ કરવા ગર્વએ એમને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે કથાએ એનો વિરોધ કરતાં કહ્યું હતું : 'ગર્વ, પપ્પાજીને અલગ કરવાની વાત ન કરશો. જીવનની આથમતી સંધ્યાએ આપણું પણ તેમના પ્રત્યેનું કાંઇક કર્તવ્ય છે. દરેક વ્યક્તિ પોતાના જ સુખનો વિચાર કરી પારિવારિક જવાબદારીઓ તરફ પલાયનવાદી બનશે તો આખરે સમાજ ટકશે કેવી રીતે ? મમ્મીજીના અવસાન બાદ એકલા હાથે પપ્પાજીએ તમને મોટા કર્યા. એમના ઉપકારો લેશમાત્ર તમને યાદ નથી ?'
કથા વાક્ય પૂરું કરે એ પહેલાં સટાક કરતો એક લાફો કથાના ગાલ પર ગર્વની ક્રૂરતાની છાપ છોડી ચૂક્યો હતો. અને ગર્વ ઉશ્કેરાઇને બોલવા લાગ્યો હતો : 'ઇડિયટ, કોલેજમાં ભણી તોય ગમાર, ગામડિયણ જ રહી. કન્ટ્રી ટાઈપની પુત્રવધુ મને એમ હતું કે લગ્ન પછી હું અને તું જલસા કરીશું, પણ તું ડફોળ ક્યાં કશું સમજે છે ? પપ્પાજીની ભાવનાનું રક્ષણ કરવા જતાં મારી જવાનીનાં રોમેન્ટીક વર્ષો સહરાનું રણ બની રહ્યાં છે, એનું શું ? તારા વેવલાવેડાં મારી જિંદગીને બરબાદ કરી રહ્યા છે.'
અને અંતે કથાની મરજી વિરુદ્ધ ગર્વ પપ્પાજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો, એટલું જ નહીં, કથાને પપ્પાજીને મળવા જવાની પણ મનાઇ ફમરાવી હતી.
વૃદ્ધાશ્રમમાં ગયા પછી અનૂપરાયની તબિયત બગડી ગઈ હતી. ઝાડા-પેશાબનું નિયંત્રણ ગુમાવી બેસવાને કારણે પથારી બગડી જતી હતી. વૃદ્ધાશ્રમનો નોકર આવે નહીં, ત્યાં સુધી થયેલી ઊલટી પર માખો બણબણ્ય કરતી.
વૃદ્ધાશ્રમના રેકટરના ગર્વ પરના ટેલિફોનના શબ્દો વારંવાર કથાને કાને પડતાં હતા : 'ગર્વભાઈ, તમારા પપ્પાજીને અહીંથી પાછા લઇ જાવ. અહીં નોકરો પણ તેમની સેવા કરીને કંટાળી ગયા છે.' અને એકવાર વૃદ્ધાશ્રમના રેકટરનો ફોન આવ્યો : 'ગંભીર બીમારીમાં પટકાયેલા અનૂપરાયને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.'
કથા દોડતી હોસ્પિટલ પહોંચે તે અગાઉ અનૂપરાયને ડબલ ન્યૂમોનિયા થઇ જતાં તેમને આઇસીયુમા શીફ્ટ કરાવમાં આવ્યા હતા. નાજુક હાલતમાં ય બેહોશીમાં તેમના મોઢેથી એક જ શબ્દ નીકળતો હતો. 'બેટા કથા...બેટા કથા... અને કથાના અંતિમ મિલનની પ્રતીક્ષા કરતા હોય, તેમ ચોધાર આંસુએ રડતાં હતાં. કથા અનૂપરાય પાસે પહોંચી, ત્યારે ધૂ્રસકે ને ધુ્રસકે રડતી કથાને જોઇને અનૂપરાય બોલ્યા : 'બેટા, કથા તું આવી ગઈ ? તારા અંતિમ દર્શનથી મને સ્વર્ગ મળશે.' અને તેમનાં નેત્રો સદા માટે બિડાઈ ગયાં હતાં.'
પપ્પાજીના અવસાન બાદ મરણોત્તર ક્રિયા સંપન્ન થયા પછી એક દિવસ કથાએ ગર્વને કહ્યું : 'ગર્વ, હું તમારી સંપત્તિ માણવા નહીં, પણ એક વત્સલ વૃદ્ધ લાચાર પિતાની સેવા કરવા હું અહીં આવી હતી હું તમારા દરેક સત્કાર્યમાં સાથ આપવા બંધાએલી છું. પણ દુષ્કૃત્યોમાં તો નહીં જ. હું જેના માટે અહીં આવી હતી એ જ હવે નથી રહ્યા, પછી તમારી સંપત્તિના ખડકલા વચ્ચે રહીને હું શું કરીશ ? તમને મોર્ડન પત્ની મળે તે માટે તમારો માર્ગ મોકળો કરી આપું છું. ગર્વ, મને રોકશો નહીં અહંકારી અને છીછરા પતિની પત્ની બનવા કરતાં છૂટાછેડા લેવા વધુ સારા. હું તમને આઝાદ કરું છું. પણ એટલું તો જરૂર કહીશ કે પપ્પાજીના મોત માટે તમે જ જવાબદાર છો, માત્ર તમે. તમારા જેવો કુપુત્ર કોઇને ના મળશો.'
અને કથા સદા માટે ગર્વને છોડીને ચાલી ગઈ હતી.


