Get The App

એક રાષ્ટ્રવ્યાપી સમસ્યા : દેશની અદાલતોમાં ચેક બાઉન્સિંગના 43 લાખ કેસ પેન્ડિંગ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
એક રાષ્ટ્રવ્યાપી સમસ્યા : દેશની અદાલતોમાં ચેક બાઉન્સિંગના 43 લાખ કેસ પેન્ડિંગ 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ચેક બાઉન્સના કેસમાં ઝડપી ઉકેલ આવે એ માટે સુપ્રીમ કોર્ટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સમન્સ માત્ર રેગ્યુલર રીતે જ નહીં ઇલેટ્રોનિક માધ્યમથી પણ મોકલવાના રહેશે

તા જેતરમાં ધીરેન શાહ ખુશ મિજાજમાં બેંકમાં જઈ રહ્યાં હતાં. બેંકમાંથી કઢાવેલી રકમમાંથી શું શું ખરીદવું અને પરિવારજનોેને કઈ કઈ ભેટ આપવી તેના શમણાં જોતાં જોતાં તેઓ બેંકમાં પહોેંચ્યા. થોેડી વારમાં તેમના સપનાં ચકનાચૂર થઈ ગયા અને તેઓ બેંકની ખુરશીમાં જ ફસડાઈ પડયાં હતાં. વાસ્તવમાં તેમણે ઊંચા વળતરની અપેક્ષાથી એક કંપનીમાં રોકાણ કર્યું  હતું. કંપનીમાંથી આવેલો ચેક વટાવવા ગયા ત્યારે ચેક બાઉન્સ થયો અને તેમના ૨૭ લાખ રૂપિયા ધોવાઈ ગયા. આવો અનુભવ કરનાર ધીરેન શાહ એકમાત્ર શખ્સ નથી. બોલીવૂડના લોકપ્રિય કલાકાર-નિર્માતાઓથી લઈને જાણીતી ફાઈનાન્સ કંપનીઓ અને નિર્લજ્જ બિલ્ડરો બિનધાસ્ત પોતાના લેણદારોેને ખોટાં ચેક પકડાવતાં ખચકાતાં નથી. છેલ્લાં ઘણાં સમયથી જોવામાં આવ્યું છે કે નાના રોકાણકારથી માંડીને મોટી લોન આપતી કંપનીઓ સુધ્ધાં અવારનવાર ચેક બાઉન્સીંગનો અનુભવ લઈ ચુકી છે. ચિંતાજનક હકીકત એ છે કે બેઈમાનીની આ પરંપરા ઉત્તરોત્તર ફૂલીફાલી રહી છે.

તાજેતરનો બહુચર્ચિત કેસ જોઈએ. દિલ્હી હાઇકોર્ટે ચેકબાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ નૌરંગ યાદવને ગઈ સત્તરમી તારીખે વચગાળાના જામીન આપ્યા હતા. તિહાર જેલમાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં રહેલાં રાજપાલ યાદવે પોતાની ભત્રીજીના શાહજહાંપુરામાં થનારા લગ્નમાં સામેલ થવા માટે તેને જામીન પર છોડવામાં આવે તેવી અરજી કરી હતી.

વાત જાણે એમ હતી કે ૨૦૧૦માં રાજપાલ યાદવે નિર્દેશક તરીકે ફિલ્મ અતાપતાલાપતા બનાવી હતી. જેના માટે યાદવે મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રા.લિ. પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ ફલોપ જતાં રાજપાલ યાદવને મોટું આર્થિક નુકશાન થયું હતું. રાજપાલ યાદવે લોનની રકમ ચૂકવવા જે ચેક આપ્યા હતા તે બધાં બાઉન્સ થતાં મુરલી પ્રોજેક્ટસે યાદવ સામે કેસ નોંધાવ્યો હતો.

હાઇકોર્ટે   મુદત વધારી આપ્યા બાદ પણ લેણી રકમ પરત ન કરવા બદલ રાજપાલને  છ માસની કેદની સજા  ફટકારી હતી.

જો કે આ કેસની કાર્યવાહી દરમ્યાન રાજપાલ યાદવને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હોવાના સમાચાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ઘણાં લોકોએ આર્થિક સહાય કરવાની તત્પરતા બતાવી છે. સલમાનખાન, અજય દેવગણ, સોનુ સૂદ, વરૂણ રંધાવાએ સહાય કરવાના વચન આપ્યા હતા તો  મિકા સિંહ, તેજસ્વી યાદવ અને અનૂપ જલોટાએ રોકડ સહાય કરી હોવાના પણ સમાચાર છે.   

આજે દેશભરની વિવિધ અદાલતોમાં ચેક બાઉન્સીંગના ૪૩ લાખ કેસનો ચુકાદો આવવાનો બાકી છે. ખાતામાં નાણાં ન હોવા છતાં ખોટા ચેક જારી કરનાર વ્યક્તિ કે કંપનીને સારી પેઠે જાણ હોય છે કે હૂંડી પરત ફરવી એ ફોજદારી ગુનો છે. આ અપરાધ બદલ તેમને બે વર્ષની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે,  આમ છતાં કોઈપણ પ્રકારના ભય વિના તેઓ લેણદારોને ખોેટાં ચેક પધરાવી દે છે, અને લેણદારોની હાલત ધીરેન શાહ જેવી થાય છે. ખોટાં ચેક જારી કરનારાઓને સારી રીતે ખબર હોય છે કે જેને તેમણે ખોટો ચેક આપ્યો છે તે હૂંડી પરત ફરશે ત્યારે બહુ બહુ તો તેમની  સાથે ફોન કરીને ઝગડો કરશે અથવા અદાલતમાં જઈને કેસ દાખલ કરશે. જો કેસ કરવામાં આવશે તોય વર્ષો સુધી મંથર ગતિએ ચાલતી અદાલતી કાર્યવાહી પછી જ ફેંસલો  આવશે.

તાજેતરમાં  સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા કેટલાક ચોંકાવનારા આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ દિલ્હીની જિલ્લા કોર્ટોમાં ચેક બાઉન્સના ૬,૫૦,૨૮૩, મુંબઇમાં ૧,૧૭,૧૯૦ અને કોલકાતામાં ૨,૬૫,૯૮૫ મામલા પેન્ડિંગ છે. એટલુ જ નહીં દિલ્હીની ટ્રાયલ કોર્ટોમાં ચાલી રહેલા કુલ મામલાઓમાં આશરે ૫૦ ટકા જેટલા મામલા ચેક બાઉન્સ સાથે 

સંકળાયેલા છે. 

દેશની આર્થિક રાજધાની મુંબઈની વિવિધ અદાલતોમાં  ચેક બાઉન્સિંગના સૌથી વધુ કેસનો ભરાવો થયેલો જોવા મળે છે. મહાનગરમાં હૂંડી પરત ફરવાના બે લાખ ત્રીસ હજાર જેટલા કેસ સામે માત્ર ૨૩ મેજિસ્ટ્રેટ કોર્ટ છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં આ પ્રકારના છ લાખ ચાળીસ હજાર કેસનો ચુકાદો આવવાનો બાકી હોવાથી સરકારે  વીસ સંધ્યા અદાલતો સ્થાપવા માટેનો કાયદો બનાવ્યો છે. આમાંની દસ કોર્ટ એકલા મુંબઈમાં જ  છે.  બોમ્બે હાઈ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર  કહે છે કે મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાથી અહીં નાણાંની લેવડદેવડનું પ્રમાણ સૌથી ઊંચુ છે, પરિણામે ચેક બાઉન્સિંગના કેસ પણ અહીં સૌથી વધુ સંખ્યામાં નોેંધાય છે. આવી સ્થિતિમાં માત્ર આવા કેસના ચુકાદા માટે જ મહાનગરમાં વધુ અદાલતોની તાતી જરૂર છે. પરંતુ જે ન્યાયાધીશોને આ અદાલતોની કાર્યવાહી સંભાળવા અન્ય ન્યાયાધીશોની નિમણૂંક કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તેમના મત મુજબ આ યોજના વહેવારુ નથી. તેઓ કહે છે કે વધારાની અદાલતો ચલાવવા વધારાના હજારો ન્યાયાધીશોની જરૂર પડશે. આપણા ન્યાયાલયો અગાઉથી જ ન્યાયાધીશોની ભારે ખેંચ અનુભવી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધારાના ન્યાયાધીશોની નિમણૂંક કરવી એ જ સૌથી કપરું કામ બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચેક ત્યારે જ પરત ફરે, જ્યારે ચેક જારી કરનાર શખ્સ કે કંપનીના ખાતામાં પૂરતા નાણાંનો અભાવ હોય. સ્વાભાવિક રીતે જ બેંકમાં આ ચેક પાસ ન થાય. આવી સ્થિતિમાં ખોટો ચેક આપનાર વ્યક્તિ અથવા કંપની 'નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ'ની કલમ ૧૩૮નો ભંગ  કરે છે.  વળી આ પ્રકારના વધતા જતાં કેસ આપણી અર્થ વ્યવસ્થાને પણ ભારે હાનિ પહોંચાડે છે. એક વકિલ  આનું કારણ સમજાવતાં કહે છે કે આવા કેસમાં સંબંધિત રકમ અદાલતમાં લોેક કરી દેવામાં આવતી હોવાથી વધુને વધુ નાણાં સ્થગિત થતાં જાય છે, જે આખરે આપણી અર્થ વ્યવસ્થાને અસર કરે છે.

ચેક બાઉન્સિંગનો ભોગ બનેલી વ્યક્તિ પાસે પોતાના નાણાં પરત મેળવવાનો એકમાત્ર માર્ગ રહે છે અદાલતના દ્વાર ખટખટાવવાનો. પરંતુ એક કેસનો નિકાલ આવતા સહેજે પાંચ વર્ષ જેટલો સમય વિતી જાય છે.

બેંગલોર સ્થિત કિર્લોસ્કર ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપનીને ચૂનો લગાડનાર એક ફાઈનાન્સ કંપનીનો દાખલો લઈએ. આ કંપનીએ કિર્લોસ્કર ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સને ૫૪ લાખ રૂપિયાનો ખોટો ચેક જારી કરી દીધો. સ્વાભાવિક રીતે જ કિર્લોસ્કર કંપનીએ તેની સાથે છેતરપિંડી કરનાર કંપની પર અદાલતમાં કેસ ઠોકી દીધો. સતત તેર વર્ષ સુધી ચાલેલા આ કેસનો થોડાં સમય પહેલાં ફેંસલો આવ્યો. વળી છેતરપિંડી કરનાર કંપનીમાં લોકપ્રિય બોલીવુડ કલાકાર દિલીપકુમાર માનદ ડાયરેક્ટર હોવાથી તેમનું  નામ પણ તેમાં સંડોવાયું  હતું. અલબત્ત, તેમણે ચેક પર સહી નહોતી કરી, પરંતુ કંપનીના માનદ ડાયરેક્ટરની રૂએ તેમની ઉપર પણ તેના છાંટા ઉડયા હતા.  

 આ સમસ્યાના ઉકેલ માટે કાયદા પંચે પ્રત્યેક રાજ્યમાં  હાઈ-ટેક સુવિધા ધરાવતી ફાસ્ટ ટ્રેક કોર્ટો  શરૂ કરવાનું સૂચન કર્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે  વર્ષ ૨૦૦૦માં લાગુ કરવામાં આવેલી એક યોેજના હેઠળ, ૧,૭૩૫ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ દરમિયાન ચાલેલી આ કોર્ટોમાં લાંબા સમયથી અટકી પડેલા ૧૮.૪૬ લાખ કેસ મોકલવામાં આવ્યા હતા. માત્ર પાંચ વર્ષના ગાળામાં આ ફાસ્ટ ટ્રેક કોર્ટોએ આમાંના ૧૦.૬૬ લાખ કેસનો ચુકાદો આપીને સંબંધિત અદાલતોનો બોજો હળવો કર્યો હતો. આ યોજનાને આધાર બનાવીને જ કાયદા પંચે હાઈ-ટેક ફાસ્ટ ટ્રેક કોર્ટોે શરૂ  કરવાનું સૂચન કર્યું છે. અન્ય એક ધારાશાસ્ત્રી કહે છે કે ચેક બાઉન્સિંગના કેસની ઝડપી અને અસરકારક કાર્યવાહી  માટે પૂરતી અદાલતો હોવા છતાં આ સમસ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ થતી રહી છે.

બીજી તરફ ચેક બાઉન્સના કેસમાં ઝડપી ઉકેલ આવે એ માટે સુપ્રીમ કોર્ટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સમન્સ માત્ર રેગ્યુલર રીતે જ નહીં ઇલેટ્રોનિક માધ્યમથી પણ મોકલવાના રહેશે. એટલુ જ નહીં ફરિયાદી પોતે પણ આરોપીને સમન્સ મોકલી શકે છે. આરોપીને પ્રાથમિક તબક્કામાં નાણા ચુકવવામાં સરળતા રહે તે માટે જિલ્લા કોર્ટોએ ઓનલાઇન અથવા ક્યુઆર કોડ યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની રહેશે.   

નવી ગાઇડલાઇન મુજબ તમામ ફરિયાદમાં ટોચના સ્થાને મુખ્ય મુદ્દાઓને ટાંકવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો મામલાની સુનાવણી દરમિયાન આરોપી ચેકની પુરી રકમ ભરપાઇ કરવા માટે તૈયાર હોય તો તેને સમજૂતી દ્વારા રાહત મળી શકે છે. જો બચાવપક્ષનું નિવેદન નોંધવામાં આવે તે પહેલા ભરપાઇ થઇ જાય તો કોઇ પણ પ્રકારના દંડ વગર પણ મામલાનો અંત લાવી શકાય. જો આરોપી પોતાનું નિવેદન નોંધાવ્યા બાદ પરંતુ કોર્ટના ચુકાદા પૂર્વે નાણાકીય ભરપાઇ કરવા તૈયાર હોય તો તેણે ચેકની કુલ રકમના પાંચ ટકા વધારાનો દંડ આપવો પડશે. 

જો મામલો સેશન અથવા હાઇકોર્ટ ગયો હોય અને ત્યાં ભરપાઇ કરવામાં આવે તો આરોપીએ ૭.૫ ટકા વધારાની રકમ ચુકવવી પડશે અને જો મામલાનું નિરાકરણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તો મૂળ રકમની ભરપાઇની સાથે સાથે ચેકના ૧૦ ટકા નાણા ચુકવવા પડશે. આવા મામલા પૂર્ણ નહીં પણ અર્ધ-ગુનાહિત હોય છે, અને સ્વેચ્છીક સમજૂતીની છૂટ હોય છે. ચેકબાઉન્સના કેસમાં એક આરોપીને બોમ્બે હાઇકોર્ટ દ્વારા છોડી મુકવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન આ નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આરોપીને છોડી મુકવાના હાઇકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો, સાથે જ આરોપીને સાડા સાત લાખ ચુકવવા આદેશ કર્યો હતો.

મંથર ગતિએ ચાલતી અદાલતી કાર્યવાહીએ ઘણી કંપનીઓના પાયા હચમચાવી નાખ્યાં છે.  એક લાખ રૂપિયા સુધીની લોન આપતી એક કંપનીએ, તેમના ૩૦,૦૦૦ ગ્રાહકો  સામે ફોજદારી કેસ દાખલ કર્યાં છે. સંબંધિત કંપનીએ જેટલા કેસ  દાખલ કર્યાં છે તેની કુલ રકમ ૫૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ત્રીસ હજાર જેટલા ગ્રાહકોએ તેમને ખોટાં ચેક પધરાવ્યા પછી લાંબા વર્ષો સુધી 

ચાલેલી કાનૂની પ્રક્રિયામાં માત્ર થોડાં ગ્રાહકોને સજા થઈ છે. આ કંપનીના નાયબ પ્રમુખ કહે છે કે બાઉન્સ  થયેલા ચેકના નાણાં અદાલતના માધ્યમથી મેળવવાની પ્રક્રિયા એટલી ધીમી છે કે અમારી કંપનીના પાયા હચમચી ગયાં છે.

 ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરની ફાઈનાન્સ એન્ડ બેકીંગ કમિટિના ચેરમેન જણાવે છે કે  ચેક બાઉન્સિંગ કાયદાને વધુ કડક બનાવવા, સજાની  જોગવાઈને એક વર્ષથી વધારીને બે વર્ષની કરવામાં આવી. આ ઉપરાંત તેમાં ચેકની વ્યાખ્યાનો વિસ્તાર કરીને ઈલેક્ટ્રોનિક ચેકને પણ આવરી લેવામાં આવ્યા. આમ છતાં સંબંધિત કેસોમાં સજા આપવામાં આવે એટલા તબક્કા સુધી આ કેસ પહોંચતા જ ન હોવાથી તેની ધાર બુઠ્ઠી પુરવાર થઈ છે. આ પ્રકારના કેસનો નિકાલ લાંબા સમય સુધી ન આવતાં ન્યાયાધીશો તેને ફોજદારી કેસને બદલે સિવિલ કેસની નજરે જુએ છે. પરિણામે જરૂરી દંડ આપવામાં નિષ્ફળ જાય છે.  કાનૂની પ્રક્રિયા અત્યંત નબળી અને ધીમી હોવાથી ખોટો ચેક જારી કરનાર વ્યક્તિ કે કંપનીના મનમાં  કાયદાનો કોઈ ભય નથી રહેતો. 

ચેક બાઉન્સના કેસોના ભરાવાને લઇ તેના ઝડપી નિકાલ અને ત્વરિત ન્યાયની અનોખી પહેલના ભાગરૂપે ચેક રિટર્નની તમામ ૨૫ કોર્ટોમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટનીકલમ-૧૩૮ હેઠળના કેસોમાં ઓનલાઇન ચૂકવણીની નવતર સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ અમદાવાદની ચેક રિટર્નની કોર્ટોમાં આ નવી પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેને લઇને હવે જે તે પક્ષકારો તેમના પેમેન્ટના વિવાદ કે તકરારમાં તાત્કાલિક કયુઆર કોડ સ્કેન કરી તરત જ પેમેન્ટ કરી શકશે, જેના કારણે કેસોનો સ્થળ પર જ ઝડપી નિકાલ શકય બનશે.

અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અપનાબજાર બહુમાળી બિલ્ડિંગ ખાતે ચેક રિટર્નની કુલ ૨૧ કોર્ટો આવેલી છે, જેમાં ચાર  ઓનલાઇન કોર્ટો છે. હાલ અમદાવાદ શહેરની ચેક રિટર્નની તમામ ૨૫ કોર્ટોમાં મળી આશરે ચાર લાખથી પણ વધુ કેસો પેન્ડિંગ છે. જેમાં દર મહિને આશરે દસથી પંદર હજાર નવા કેસો દાખલ થતા હોય છે.

આ સમસ્યાના ઉકેલ માટે કાનૂન અને વેપાર જગતે કમર કસી છે. આઈસીઆઈસીઆઈ બેંકે તેની પહેલ કરતાં 'દિલ્હી લિગલ સર્વિસ ઓથોરિટિ'નો સંપર્ક  કરીને થોડાં વર્ષ પહેલાં  સર્વ પ્રથમ સાઈબર લોક અદાલતનું ગઠન કર્યું હતું. દિલ્હીની પાંચ જિલ્લા અદાલતોમાં આ એક જ દિવસમાં બેંકના એક લાખ દસ હજાર  કેસનો ચુકાદો આપી  દેવામાં આવ્યો. દાવેદારોને તેમણે જે કોર્ટમાં કેસ કર્યો હોય, તેને બદલે કોેઈપણ અદાલતમાં  જઈને પોતાનો મુકદ્દમો લડવાની છૂટ આપવામાં આવી હતી. આ વર્ષમાં દેશના એંસી શહેરોમાં ચાલી રહેલા આઈસીઆઈસીઆઈ બેંકના ૯,૩૫૯ કેસનો ચુકાદો નિયમીત લોક અદાલતોમાંથી આપવામાં આવ્યો હતો. સંબંધિત બેંકના પ્રવક્તા કહે છે કે લોક અદાલતો ચેક બાઉન્સિંગ તેમ જ સેવા સંબંધિત કેસોેના ઝડપી ઉકેલ માટે અસરકારક પુરવાર થઈ રહી છે.

જ્યારે 'ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર રાઈટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ' પાસે આ સમસ્યાનું આગવું સમાધાન છે. તે 'ક્રેડિટ રેટીંગ બોડી'ની રચના કરવાનું સૂચન આપતાં કહે છે કે વારંવાર આ ગુનામાં સંડોવાતી વ્યક્તિ કે કંપનીને કાળી યાદીમાં મુકી દેવામાં આવે. ઘણી ફાયનાન્શિયલ કંપની, બેંકો હવે ગ્રાહકની ક્રેડિટ રેટિંગ જાણ્યા પછી જ લોન આપે છે. આ સાથે તેમણે પોસ્ટ-ડેટેડ ચેકને બેંક દ્વારા  પ્રમાણપત્ર આપવાનું સૂચન પણ કર્યું હતું, જેથી  ચેક બાઉન્સ થાય ત્યારે બેંક સંબંધિત  ચેક જારી કરનારના ખાતામાં નાણાં જમા કરી દે, અથવા લેણદારને નાણાં ચૂકવવા તેની પ્રોપર્ટી જપ્ત કરી લે. આજે  પણ  કેટલીય બેન્કો  તેના ગ્રાહકોને  એ વાતની  ફરજ પાડે છે કે એક લાખ અથવા તેથી વધુ રકમનો  ચેક ઈસ્યુ કરતા પહેલા બેન્કની મંજુરી લેવી. આ ઉપરાંત અદાલતની બહાર સમાધાન કરી લેવા માટે પણ ઘણાં સૂચનો કરવામાં આવ્યા હતા. આમ છતાં આ એકેય સંઘ કાશીએ પહોંચે તેમ લાગતું નથી. આનું મુખ્ય કારણ છે અત્યંત મંદ ગતિએ ચાલતી કાનૂની પ્રક્રિયા. આની અસર માત્ર ભોગ બનેલા લોકો પર જ નથી પડતી, પણ દેશની સમગ્ર આર્થિક વ્યવસ્થા પર પડે છે.