- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- વરસાદનો જેટલો આભાર પ્રજા માને છે તેટલો આભાર ખેતરનો નથી માનતી. હવા, પાણી, પ્રકાશમાં આપણે ઋણી હોવા છતાં એ મફત મળતી વસ્તુઓનો આભાર માનવા આપણે ટેવાયા નથી
'મા રા કામની કોઈ કદર જ નથી' - આપણે ત્યાં આવી અનેક ફરિયાદો થયા જ કરે છે - એક આચાર્ય સાહેબે પોતાની આખી જિંદગી શિક્ષણસંસ્થાને ઊંચે લઇ જવામાં ખરચી નાખી, અનેક પ્રલોભનોને જતાં કરી, નિષ્ઠાપૂર્વક શિક્ષણ સંસ્થામાં સેવાઓ આપી પરંતુ સંસ્થાના સંવાહકો દ્વારા તેમની યોગ્ય કદર ના થઈ. કેટલીય સ્ત્રીઓની ફરિયાદ હોય છે - 'અમારા કામની કોઈ કદર જ કરતું નથી.' ઘણાં પ્રેમીઓ પરસ્પર કહેતાં હોય છે - 'મારા પ્રેમની કોઈ કદર જ નહિ ?' મા-બાપને બાળક ઘરડાઘરમાં મુકવા જાય ત્યારે સમાજ કહેતો હોય છે મા-બાપના પ્રેમની આ કદર ? આ અને આવા અનેક પ્રશ્નો છે - એનો અર્થ સમાજમાં ક્યાંક ને ક્યાંક કદરદાનીની ખામી છે. સમાજ કદર કરવામાં ક્યાંકને ક્યાંક ઊણો ઊતર્યો છે. જ્યાં જ્યાં કદરની અપેક્ષા છે ત્યાં ત્યાં તેની ઉપેક્ષા છે - એટલે જ ફરિયાદ છે. આપણે જેટલો ડૉક્ટરનો આભાર માનીએ છીએ તેનાથી થોડો ઓછોય આભાર નર્સોનો કે અન્ય સેવાકર્મીઓનો માનતા નથી.
વરસાદનો જેટલો આભાર પ્રજા માને છે તેટલો આભાર ખેતરનો ધરતીમાનો નથી માનતી. હવા, પાણી, પ્રકાશમાં હરહંમેશ આપણે ઋણી હોવા છતાં એ મફત મળતી વસ્તુઓનો આભાર માનવા આપણે ટેવાયા નથી. આપણામાં ટિકા કરવાની જે સહજતા છે તેટલી સહજતા કોઇની કદર કરવામાં નથી. કોઈ કવિએ ગાયું છે 'પહેલાં પરણામ મારા માતાજીને કહેજો...' આખી યાદી જોઈ જવા જેવી છે ધરતીમાતા, પવનદેવ, જળદેવ, જન્મદાતા, મિત્રો, ગુરુ, સ્વજનો કેટકેટલા માણસોનું આપણે માથે ઋણ છે. એ ઋણ ક્યારેક પ્રગટ કરીને આપણે એમને મહત્ત્વ આપવામાં કેમ કાચા પડતા જઇએ છીએ ?
આપણા કાન પ્રશંસા સાંભળવામાં જેટલા સજ્જ છે તેટલી જીભ કોઇની પ્રશંસા કરવા માટે સજ્જ હોતી નથી. ઘરમાં જ્યારે રસોઇ બરાબર ના થઇ હોય ત્યારે જે ઉહાપોહ મચે છે ત્યારે રોજ સારી રસોઈ થાય છે ત્યારે કદર કરવાની નવરાશ કોને છે ?
કેટલાંક કામોની અને કેટલીક વ્યક્તિઓની પ્રશંસા થતી જ નથી. છાપું નાખનાર બાળકની નિયમિતતાની દૂધ આપવા આવનાર દૂધવાળાની પ્રમાણિકતાની અને સમયસૂચકતા વાપરીને આપણને ક્ષેમકુશળ નિર્ધારિત સ્થળે પહોંચાડનાર ડ્રાઈવરની આપણે કેટલી કદર કરીએ છીએ ?
તમારે મોટો કાર્યક્રમ કરવાનો છે. સૌએ પોતપોતાની ભૂમિકા ભજવી છે. કોઇએ સંચાલન કર્યું છે. કોઇએ સફાઈ કરી છે. કોઇએ રસોઈ બનાવી છે. કોઈએ પ્રાર્થના કરી છે. કોઇએ ભાષણ આપ્યાં છે, તો એ સિવાયના લોકોએ શાંતિથી કાર્યક્રમને માણ્યો છે. આભારવિધિમાં સૌના આભારની ઔપચારિકતા હોય છે પણ ક્યારેય સવારે વ્હેલાં આવી, છોકરાંને રડતાં મુકીને વહેલાં આવી તમારા સભામંડપની સફાઈ કરી છે. સ્વચ્છતા કરી છે તેને ક્યાં કોઈ યાદ કરે છે ? કાર્યક્રમમાં પરાણે હાજર રાખેલા પ્રેક્ષકોનો, વેઠવાળીને ભાષણ આપી ગયેલા મુખ્ય મહેમાનનો આભાર માનીએ છીએ પણ સભા જેને કારણે શાંત છે એવા સૈનિકની કદર કરવામાં આપણે ઊણા રહીએ છીએ. દેશની સરહદોને સુરક્ષા પુરી પાડતા સૈનિકો આપણને નિરાંતે સુવાડે છે. આપણને ખબર નથી એવા ખેડૂતો ધાન પકવી ને આપણને જીવાડે છે - આપણે એટલું દૂરનું વિચારી જ શક્તા નથી.
દીકરો મધ્યમ વર્ગનો હોય, પેટે પાટા બાંધીને બાપાની દિલથી કાળજી લેતો હોય તો તેમાં શું નવાઈ કરે છે ? પરંતુ દીકરો બાપને ના છૂટકે વૃદ્ધાશ્રમમાં મુકવા જાય તો તેની ટિકા કરીએ છીએ ! - આ કેવું?
માતા-દીકરાને કેટકેટલાં કષ્ટ સહન કરીને મોટો કરે છે. એ કષ્ટની તુલનામાં આનાપાઈ ક્યાંથી આવી શકે ? છતાં કેટલાક પરિવારોમાં મા-બાપની જે ઉપેક્ષા થાય છે તે સંતાનોને શું કહીશું ?
સારું પુસ્તક તૈયાર થાય. ઉત્તમ છાપકામ - બાઈન્ડિંગ વગેરે ત્યારે પ્રકાશક ને જેટલા યાદ કરીએ છીએ તેટલો પ્રૂફ રીડરને કોઈ યાદ કરતું નથી. મકાનના દેખાવનાં, સ્ત્રીના સૌંદર્યનાં જે વખાણ થાય છે તેની તુલનામાં મકાનનો પાયો અને સ્ત્રીના સંસ્કાર કોઇને સાંભરતા નથી.
પેટ માટે મજૂરી કરતા મજૂરની પ્રામાણિકાતનો નિષ્ઠાનો આપણને હિસાબ જ હોતો નથી. બાગમાં કામ કરતા માળીના સૂઝબૂઝની આપણે ક્યાં કદર કરી છે ? સમાજમાં નાના નાના માણસોની જો કદર થશે તો એ નાના માણસો બેવડી ગતિથી ઉત્સાહપૂર્વક પોતાનું કામ કરશે... ખેતરમાંથી આવેલી પાકી કેરીનાં વખાણ કરીએ, પણ એ આંબાને પાણી પાનાર ખેડૂતને પણ યાદ કરીએ, તો શું ખોટું છે ? આપણે સરકારની, રાજ્યની, દેશની, નેતાઓની સરકારી અધિકારીઓની કૂથલી જ કરીએ છીએ. જરા સારું જુઓ ત્યાં કદર કરો. આપણે આજે જે સ્થિતિમાં છીએ. એ સ્થિતિમાં કયા કારણો, કોના ઉપકારોની સહાય છે ! જરા યાદ તો કરો... દૂધ આપનાર ભેંશનો કે ખેડ કરનાર બળદનો તો વિચાર ભલે ના કરીએ પણ ગાય-ભેંશને દોહનાર અને બળદને પાળનાર (ખેડૂ)નો તો ખ્યાલ કરીએ... પ્રત્યેક પ્રતિષ્ઠા પાછળ, પ્રત્યેક સિદ્ધિના મૂળમાં આવાં કદર કર્યા વગરનાં કેટલાંક પાત્રો અવશ્ય હોવાનાં જ... આપણે તે સૌને આપણી કદરદાનીનો પરિચય પૂર્ણ પણે ક્યારે કરાવીશું ?


