ઈજિપ્તની 'વોરિયર પ્રિન્સેસ' સર્બિની સિદ્ધિની નવી ઊંચાઈએ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- સ્ક્વોશ લેજન્ડ અલ સર્બિની સતત 10 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી છે અને તેણે આઠમી વખત વર્લ્ડ ટાઈટલ જીતીને નિકોલ ડેવિડની બરોબરી કરી
ર મતના મેદાનમાં સફળતાના સિલસિલાથી સર્જાતા સીમાચિહ્નો નવી પેઢીને માટેના પડકારો છે. આ પડકારો જ મેદાનમાં કસોટીના એરણે ચઢીને બહાર આવતી પ્રતિભાની મહાનતાનું માપ કાઢતા હોય છે. ઘણી વખત આ જ માપદંડો ખેલાડીની ઓળખ બની જાય છે. સમયાંતરે ખેલાડી બદલાય છે અને રમતની ઓળખ પણ બદલાઈ જાય છે. આ નવી ઓળખ જ નવી પેઢીને માટે જે તે રમતનો પ્રેરણાસ્રોત બની રહે છે અને તેના થકી જ વિકાસનો સિલસિલો આગળ વધતો હોય છે.
સ્ક્વોશની રમતની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. ઈન્ડોર ગેમ્સમાં સામેલ આ રમતમાં ખેલાડીની ઝડપ અને ફિટનેસની આકરી કસોટી થાય છે અને આ જ કારણે ઓછા સમયમાં શરીરને વધુ મહેનત કરાવતી આ રમત તરફ ફિટનેસ અંગે જાગૃતિ ધરાવતા લોકો વધુ ને વધુ ખેંચાઈ રહ્યા છે. આ રમતમાં ઈજિપ્તની ૨૯ વર્ષની મહિલા ખેલાડી નોરા એલ સર્બિનીએ છેલ્લા કેટલાક વર્ર્ષોમાં સાતત્યસભર દેખાવને સહારે આગવી ઓળખ ઉભી કરી છે. છેલ્લા ૧૩ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્ક્વોશમાં એલ સર્બિનીએ આઠ વખત વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કરીને ઈતિહાસમાં પોતાનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધુ છે.
છેલ્લા એક દશકમાં આગવી સનસનાટી મચાવનારી એલ સર્બિનીની સિદ્ધિઓ સ્ક્વોશની મહાન ખેલાડી એવી મલેશિયાની નિકોલ ડેવિડની બરોબરી સુધી પહોંચી ચૂકી છે, જે તેની સખત મહેનત અને વિશિષ્ટ પ્રતિભાને નિયમિતતા થકી નિખારવાના પ્રયાસોનું ફળ છે. નિકોલે કારકિર્દીનું આઠમું અને આખરી વર્લ્ડ ટાઇટલ ૨૦૧૪માં જીત્યું હતું અને તે પછીના જ વર્ર્ષે એલ સર્બિનીએ આંતરરાષ્ટ્રીય સ્ક્વોશ જગતમાં પોતાની પ્રતિભાનો ચમકારો દેખાડયો હતો. તે પછી આજે ૧૧ વર્ષ બાદ તેણે નિકોલની બરોબરી કરી લીધી. આમ તો નિકોલની કારકિર્દી અસ્તાચળે પહોંચી ત્યારે જ એલ સર્બિનીએ આંતરરાષ્ટ્રીય સ્ક્વોશમાં પ્રવેશ કર્યો, પણ ત્યારે કોઈને કલ્પના નહતી કે આ છોકરી આગળ જતા નિકોલની બરોબરીએ પહોંચી જશે.
સખત થકવી નાંખવાની સાથે ખેલાડીના મનોબળની પણ આકરી કસોટી કરનારી સ્ક્વોશની રમતમાં ઈજિપ્તના ખેલાડીઓની બોલબાલા રહી છે. તે જ પરંપરાને એલ સર્બિની આગળ ધપાવી રહી છે. તે આઠ વખત મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની છે. ઉપરાંત તેણે પાંચ વખત ઈજિપ્તની ટીમની સાથે વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપનો સુવર્ણચંદ્રક પણ હાંસલ કર્યો છે. આ સિવાય તેના નામે ૧૬ મેજર ટાઇટલ છે અને તે વર્લ્ડ સ્ક્વોશમાં ૨૯ ફાઈનલ રમી ચૂકી છે, જે તેની સાતત્યતાનું પ્રમાણ છે. માત્ર ૧૩ વર્ષની વયથી જ સ્ક્વોશના બરોબરીના સંઘર્ષમાં ટકી રહેવાની સાથે હરિફ ખેલાડી પર દબાણ સર્જવાની કુશળતાને લીધે જ એલ સર્બિનીને 'વૉરિયર પ્રિન્સેસ' તરીકેની ઓળખ મળી છે. સ્ક્વોશના સ્ક્વેરમાં ચપળતાથી હરિફને હંફાવવામાં એલ સર્બિની લાજવાબ છે. લાંબા મુકાબલા ખેલવામાં તેની મહારત જ તેની સફળતાના પાયામાં છે. આ જ કારણે તે કહે છે કે, મને મારું હુલામણું નામ પસંદ છે, કારણ કે તે મારા સ્વભાવ અને મિજાજના અદ્દલ પ્રતિબિંબ જ છે.
સ્ક્વોશના કોર્ટમાં આક્રમકતા સાથે હરિફ ખેલાડી પર છવાઈ જતી એલ સર્બિનીનું કોર્ટની બહાર તદ્દન ભિન્ન છે. શાંત અને ઓછાબોલો સ્વભાવ ધરાવતી ગ્લેમર ગર્લનો જન્મ ઈજિપ્તના ઐતિહાસિક શહેર એલેક્ઝાન્ડ્રિયા ૧લી નવેમ્બર, ૧૯૯૫ના રોજ થયો હતો. તેને રમતના સંસ્કાર લોહીમાં જ મળ્યા હતા. તેની માતા સારી એથ્લીટ હતી. જ્યારે તેના પિતા ફૂટબોલર હોવાની સાથે સાથે સ્વિમર પણ હતા.એલેક્ઝાન્ડ્રિયામાં સ્ક્વોશનું ચલણ જબરજસ્ત હતુ અને એલ સર્બિનીનો મોટો ભાઈ ઓમર પણ આ જ રમતમાં મહેનત કરતો.
વળી, આંતરરાષ્ટ્રીય સ્ક્વોશની રમતમાં વિશ્વવિજેતા બનવાનું ગૌરવ મેળવી ચુકેલા ઈજિપ્તના રાનીમ અલ વેલૈલી, મોહમ્મદ એલ શેરબાગી તેમજ કરીમ એબ્ડેલ ગાવાડ જેવા ખેલાડીઓની કારકિર્દીને ચમકાવવાનું કામ પણ એલેકઝાન્ડ્રિયાના સ્ક્વોશના માળખાએ કર્યું છે. એલ સર્બિનીને એલેેક્ઝાન્ડ્રિયાના આ જ વૈશ્વિક સ્તરના કોચિંગ અને માર્ગદર્શનનો લાભ છ વર્ષની ઉંમરથી મળ્યો અને બે વર્ષની સઘન તાલીમ બાદ તેણે જુનિયર સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કરી દીધું. સંપન્ન પરિવારમાં જન્મેલી એલ સર્બિની માટે આર્થિક સમસ્યાનો પ્રશ્ન નહતો. જોકે તમામ સુખ-સુવિધાના સાધનો છતાં તેણે ક્યારેય સ્ક્વોશ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ઉણપ આવવા દીધી નથી.
માત્ર ૧૨ વર્ષની ઉંમરે જ બ્રિટીશ સ્ક્વોશ ઓપનમાં ચેમ્પિયન બનનારી એલ સર્બિનીની પ્રતિભાનો વિસ્તાર દિવસ-રાત સતત વિરાટ થવા માટે થનગની રહ્યો હતો. માંડ ૧૩ વર્ષની ઉંમરના માઈલસ્ટોનને પાર કર્યા બાદ તેણે પ્રોફેશનલ સ્ક્વોશ ખેલાડી બનવાનું નક્કી કર્યું. તે વર્ષ ૨૦૦૯માં ૧૩ વર્ષની ઉંમરે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતવામાં સફળ રહી. આ સાથે ઈતિહાસ રચાયો કારણ કે આ ૧૩ વર્ષની છોકરી અંડર-૧૯ કેટેગરીમાં સ્ક્વોશની વિશ્વવિજેતા બની હતી. એલ સર્બિનીની કારકિર્દીનું આ સૌપ્રથમ અને સીમાચિહ્ન સમાન ટાઈટલ તેણે ચેન્નાઈમાં હાંસલ કર્યું હતુ.
પ્રોફેશનલ સ્ક્વોશમાં સાતત્યભર્યા દેખાવને કારણે તેેણે ૧૬ વર્ષની ઉંમરે ૨૦૧૨માં તેણે રેન્કિંગમાં ૨૦૮ પોઈન્ટનો જમ્પ લગાવ્યો અને ટોપ-૧૦માં સ્થાન હાંસલ કરતાં સાતમો ક્રમ મેળવી લીધો. આ જ વર્ષે તે બ્રિટીશ ઓપનની ફાઈનલમાં તે સમયની સુપરસ્ટાર નિકોલ ડેવિડ સામે હારી, પણ તેના જેવડી યુવા વયની ખેલાડીની રમતના ભારોભાર વખાણ નિકોલે કર્યા હતા. ૧૭ વર્ષની ઉંમરે તે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૧૩ની ફાઈનલમાં પ્રવેશી, જ્યાં સેમિ ફાઈનલમાં તેણે નિકોલ ડેવિડને હરાવી પણ ફાઈનલમાં ટોપ સીડ લૌરા માસારો સામે હારતાં તેને રનરઅપ ખિતાબથી સંતોષ માનવો પડયો.
૨૦૧૫માં તેણે ૧૯ વર્ષની ઉંમરે કારકિર્દીની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાની સાથે નવો ઈતિહાસ રચવાનું શરુ કર્યું. આ વિશ્વવિજય દરમિયાન જ તેણે ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાની લેજન્ડ ખેલાડી નિકોલ ડેવિડને હરાવી અને ફાઈનલમાં ટોપ સીડેડ ઈંગ્લિશ ખેલાડી લૌરા માસારોને મહાત આપી અને ભૂતકાળનો બદલો પણ વાળી દીધો. તેણે ૨૦૧૫ થી લઈને ૨૦૨૫ સુધી રમાયેલી તમામ ૧૦ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ
મેળવ્યો અને આઠ ટાઈટલ જીત્યા અને બે વખત તેને રનરઅપથી સંતોષ માનવો પડયો.
સ્ક્વોશ પ્રત્યે કટિબદ્ધ રહેલી એલ સબનીને ટેનિસ પણ ખુબ જ પસંદ છે, તેમાં ય સ્વિસ લેજન્ડ સુપરસ્ટાર રોજર ફેડરર તેનો આદર્શ છે. તેે કહે છે કે, ફેડરર સતત મને પ્રેરણા પુરી પાડતો રહ્યો છે. સ્વિસ ટેનિસનો દિગ્ગજ ખેલાડી પણ તેની કારકિર્દીની શરુઆતમાં સ્ક્વોશ રમતો અને તેના કેટલાક ટેનિસ સ્ટ્રોક્સમાં સ્ક્વોશની ઝલક જોવા મળી જ જાય છે. ખાસ કરીને ફેડરરના બેકહેન્ડમાં તો સ્ક્વોશની ઝલક જોયા વિના ન મળે. ટેનિસ કોર્ટમાં ફેડરરનું વર્તન અને તેનો અભિગમ હંમેશા એલ સર્બિની માટે પ્રેરણા અને અનુકરણનું કારણ બની રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્ક્વોશમાં એલ સર્બિનીની સાથે સાથે નૌરાન ગોહર અને હાનિયા એલ હમામી વચ્ચેની પ્રતિસ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની છે. એક જ દેશની ત્રણેય ખેલાડીઓ મોટાભાગની મેજર ચેમ્પિયનશિપની ફાઈનલ-સેમિ ફાઈનલમાં એકબીજાની સામે જોવા મળે છે. એલ સર્બિનીએ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ગોહરને હરાવીને ટાઈટલ જીત્યું તો ગોહરે ૨૦૨૪ની ફાઈનલમાં તેને આંચકો આપ્યો. હવે ૨૦૨૫માં તેણે એલ હમામીને મહાત આપીને ફરી વિશ્વવિજેતાનો ખિતાબ મેળવી લીધો છે. સ્ક્વોશને આગામી ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું છે, ત્યારે એલ સર્બિની સ્ક્વોશમાં મહિલા સિંગલ્સનો સુવર્ણ જીતવા માટે કમર કસી રહી છે.