Get The App

વેકેશન મૂવીઝ: 2025ની 25 લાલપરીઓ!

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
વેકેશન મૂવીઝ: 2025ની 25 લાલપરીઓ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- 'લેટ હિમ ગો'માં ધાર્યા કરતાં સાવ અલગ નીકળેલી પૂત્રવધૂ અને તેનો ટિપિકલ માથાભારે પરિવાર ! આપણા માટે પણ ઇન્ટરેસ્ટિંગ પ્લોટ છે આ !

- બહુ ખૂબસૂરત રીતે શૂટ થયેલી 'ઇટ એન્ડ્સ વિથ અસ'માં ફ્રેશ રોમાન્સ છે, સરસ સંવાદો છે અને એક સસ્પેન્સની જેમ ખુલતો આજના જમાના માટે જરૂરી એવો ઇશ્યુ પણ છે

જે ના વિશે અલાયદા લેખો લખ્યા હોય કે લખાવાના હોય, જેમકે, ગિફટેડ કે પુઅર થિંગ્સ...  એ સિવાયની આ રજાઓમાં જોવા જેવી ફિલ્મોનો ખજાનો...

(૧) વિકેડ : મૂળ કથા 'વન્ડરફૂલ વિઝાર્ડ ઓફ ઓઝ'. અદ્ભુત વાર્તા - જેનો ઓઝસ્તાનના ઉલ્લૂ નામે રમણલાલ સોનીએ ગુજરાતી અનુવાદ કરેલો. એમાં એક લીલા રંગની ડાકણ (વિચ)નું પાત્ર આવે છે. મૂળ વાર્તા એવી તો જકડી રાખે તેવી ને એની ફિલ્મ પણ એવી બની કે એના વર્ઝન્સ આવ્યાં કરે છે. સ્પાઈડરમેનવાળા સામ રાઈમીએ આ બનાવીને વિકેડ વિચ (વિકેડ એટલે કુટિલ)ને પ્રેમભંગની આગનું કારણ આપેલું. પણ ન્યુયોર્ક બ્રોડવેમાં વર્ષોથી નાટક ચાલે છે એમાં એ વિકેડ વિચને ખરાબ નહિ, પણ 'મિસફિટ' બનાવવામાં આવી છે, જેનાથી સમાજ ગેરસમજ અનુભવીને ડરે છે, ગુસ્સે થાય છે. 'સારી પરી'ની સાપેક્ષે ખરાબ ગણાયેલી એ પ્રતિભાવાન જાદૂગરણી ખરાબ નથી. એક આખો માહોલ અને મિકેનિઝમ ચાલે છે નાઝીતંત્રની જેમ એને ખરાબ ચીતરી દેવાનો. હેરી પૉટરની યાદ અપાવે એવી માવજત 'ક્રેન્ડી રિચ એશિયન્સ'ના જોન એમ. ચુએ કરી છે. મોટા પડદા પર ભવ્ય લાગે, કલરફૂલ તો ખરું જ ને એરિઆનાનો અભિનય પણ લાજવાબ સપોર્ટિંગમાં. હજુ તો પહેલો ભાગ છે. ન જોયો હોય તો જોઈ કાઢવો !

(૨) ડ્રોપ : હેપી ડેથ ડેના બે ભાગથી પ્રસિધ્ધ ડાયરેકટર ક્રિસ્ટોફર લેન્ડન ધમધોકાર સ્ટોરીટેલિંગમાં ભાગ્યે જ નિરાશ કરે. આ પણ લિઆમ નિસનના 'કમ્યુટર'ની યાદ અપાવતી ટાઇટ થ્રિલર છે. એક સિંગલ મોમ ડેટની મીટિંગ માટે એક હોટલમાં જાય છે એના આઇફોનમાં ડ્રોપથી મેસેજ ટપક્યા કરે છે, જેમાં છે કાતિલાના વાતોની રહસ્યરંગી રેખાઓ. મસ્ટ સી.

(૩) સુપરબોયઝ ઓફ માલેગાંવ : એક રીતે નાના ગામમાં રહીને મસાલા ફિલ્મોથી સિને-માની ચાહતમાં ગરકાવ થયા હોય એવા તમામ લોકોની મોબાઈલ પહેલાંની જિંદગીને અંજલિ આપતી આ ફિલ્મની પાછળ આખી એક સત્યઘટના છે. આમ તો જાણીતી છે, નહિ તોવાંચજો. પણ એ સિવાય પણ ફિલ્મ જોવી ગમે એવી છે, રિયાલિસ્ટિક કેરેકટર્સને લીધે. જેટલી હદે અમુક ઓવારી ગયા એટલી મહાન નથી. પણ જોવા જેવી ખરી.

(૪) એસ્કેપ ક્લોઝ : જૂનું વીડિયો મૂવી છે. પણ પ્લોટ જડબેસલાક. પતિને જાણ થાય છે કે એની પ્રેમાળ પત્નીએ એને મરાવવાની સુપારી આપી છે. પણ એ કિલરનું જ મર્ડર થઈ જાય છે !  પછી તો હત્યા ને નાસભાગનો દિલધડક સિલસિલો ચાલે છે. મસ્ત પ્લોટ. જૂનવાણી ટેકનિકમાં પણ જકડી રાખે.

(૫) ધ વાયર્સ: અંગ્રેજીના ઉચ્ચારો ભારે અરાજક. સ્પેલિંગ પરથી વોયર કે વોયુર બોલવાનું મન થાય એવી સિડની સ્વિની (બસ, એ ખબર પડે એટલું ઘણું !)ની આ ફિલ્મના ટાઈટલનો શુદ્ધ ઉચ્ચાર આવો વિચિત્ર થાય. જવા દો, ફિલ્મમાં મઝા છે. એક પોશ ફલેટમાં રહેવા આવેલું યુગલ મસ્તી ખાતર સામેના ફલેટમાં રહેતા કપલની 'ફિલમ' ઉતારવાનું શરૂ કરે છે, પણ જાણતું નથી કે વેલ, એ જાણવા ફિલ્મ તમારે જોવી પડશે. સિડનીની કાયાના માયાવી કામણમાં જ વસૂલ છે એમ તો!

(૬) ઓડિટી  : સાયકોલોજીકલ ટાઈપ ડિફરન્ટ હોરર. બહુ ઓછાં પાત્રો. એક જૂનું મકાન. અને ભેદી માહોલ. વધુ વાંચવા કરતા જોઈ નાખો તો ફીનાલેની તાકાત ખબર પડે ટિપિકલ લાગતા ટોપિકમાં પણ. ને અબ્યુઝ સામેનો પ્રતિકાર પણ.

(૭) કલર્સ  ઓફ ધ ઇવિલ રેડ: આ ભેદી નામ ધરાવતી ફિલ્મ મૂળે પોલિશ છે, પણ એનો મુદ્દો જરૂરી છે. વિપ્લવી મિજાજની યુવતીઓ ઘર છોડી પ્રેમી સાથે રહે ને એમાં ડ્રગ્સનું ચક્કર ભળે પછી ખબર પણ ન પડે એવી રીતે ભયંકર લોકોની ભીંસમાં ફસાતી જાય ! એક નીતિવાન ને સિદ્ધાંતવાદી વકીલ ધારે તો કેવી રીતે લડી શકે, તેની પણ સ્ટોરી છે આ.

(૮) ઈટ એન્ડ્સ વિથ અસ : કોલીન હૂપરની નોવેલ પરથી બનેલી આ સુપરહિટ ફિલ્મ રિલીઝ પછી હીરોઈન બ્લેક લાઈવલી ને ડાયરેકટર-એક્ટર જસ્ટીન બાલ્કોની વચ્ચેના એવા વિવાદમાં ફસાઈ ગઈ કે એની સિકવલ અભેરાઈએ ચડી ગઈ (નોવેલની છે!) જોની ડેપ-અંબર હર્ડ જેવી જાહેરમાં ગંદા લૂગડા ધોવાની મેલી ને ગંદી રમતમાં એક સુંદર ફિલ્મ પર પડદા પાછળથી ડાઘ પડ્યો, પણ આવા વિવાદો ભૂલાઈ જશે. સર્જકતા નહીં. બહુ ખૂબસૂરત રીતે શૂટ થયેલી ફિલ્મમાં ફ્રેશ રોમાન્સ છે. સરસ સંવાદો છે અને એક સસ્પેન્સની જેમ ખુલતો આજના જમાના માટે જરૂરી એવો ઇશ્યુ પણ છે.

(૯) ડીસી લીગ ઓફ સુપરપેટ્સ : જેમ્સ ગનના નવાનક્કોર  સુપરમેને જબરી આતુરતા જગાવી છે. એની ટીઝર ક્લિપમાં ક્રિપ્ટો નામનો કૂતરો છે. આ મસ્ત એનિમેશન ફિલ્મનો તો હીરો જ એક ક્રિપ્ટો છે. સુંદર સંવાદો ને શાનદાર પ્લોટ. મોજ પડી જશે વેકેશનફનમાં !

(૧૦) ટયુલિપ ફીવર : નેધરલેન્ડ્સ દર ઉનાળાની શરૂઆતમાં એના ટયુલિપ ગાર્ડનને લીધે બધે ચમક્યા કરે. (દેખા એક ખ્વાબ ગીતનાં અમિતાભ-રેખાવાળા!) આ એક અમીર ને ભોળા વેપારીની પત્ની અને એક કલાકાર વચ્ચેના પેશનેટ પ્રેમની (એલિસિયાને અનાવૃત બતાવતી !) લવસ્ટોરી તો છે, પણ સાથે એક કાળખંડ ને પ્રેમમાં અધીર થયા વિના મધુર થવાની સારપની વાર્તા પણ છે.

(૧૧) ખેલ ખેલ મેં : ઇટાલીયન ફિલ્મ 'પરફેક્ટ સ્ટ્રેન્જર્સ'ની અઢળક આવૃત્તિઓ થઈ. મુદ્દસ્સર જેવા સ્માર્ટ રાઇટર-ડાયરેકટરે અક્ષયકુમારને કેન્દ્રમાં રાખી ફરતે ઢગલો કલાકારોનો મેળો ભરી, લગ્નના માહોલમાં એને ઢાળીને બતાવેલું આ વર્ઝન નાટક જેવું હોવા છતા પ્લેઝન્ટ સરપ્રાઈઝ જેવું છે. સમાજના દકિયાનૂસી ખયાલોનો પર્દાફાશ, રિલેશનશિપ બાબતની બારીક સમજણ... મોડર્ન ફેમિલીએ ભેગા થઈને જોવા જેવું. ઉપદેશ વિનાનો સાચોસારો સંદેશ છે હળવાશ સાથે !

(૧૨) પ્રોફેશનલ્સ : ૧૯૬૬ની આ વેસ્ટર્ન ફિલ્મ જોઈને સહેજે યાદ આવી જાય આપણી શોલે જેવી ફિલ્મો. પણ ચુસ્ત પાત્રાલેખન ને હજુ પણ ધીંગુ લાગે એવી  એક્શન છે. મેક્સિકોમાં એક અપહરણ થયેલી સ્ત્રીને છોડાવવાના ભાડૂતી મિશનની કહાની દિલચશ્પ વળાંકોવાળી છે, પણ એની હીરોઇન ઇટાલીની ક્લોડિયા કાર્ડિનેટ એથી પણ વધુ મોહક વળાંકોવાળી છે ! સર્જરીથી કોસ્મેટિક બ્યુટી બનવાના યુગ પહેલાં કેવી નેચરલ કામણગારી કાયા રહેતી એ માટે પણ ખાસ જોવા જેવું ! (ક્લોડિયા હજુ પણ જીવે છે હોં!)

(૧૩) વેનિલા આઇસ્ક્રીમ : ફિલ્મ થોડી આવી જ હતી - મીઠી પણ ઠંડી. ભાવે એવી વધારાની ફ્લેવર વિનાની. સારું છે કે લો બજેટ વીડિયો સ્કેલથી ગુજરાતી ફિલ્મો થોડીક બહાર નીકળી તો એવી 'ઝમકૂડી!' 'ફાટી ને!', 'હાહાકાર','ઉંબરો' વગેરે જોવા પણ લોકો આવ્યા. પણ હમણા જેની 'લેટ્સ રોક : જય માતાજી' જેવી ફિલ્મ આવી, એ મલ્હાર ઠાકરનું અહીં અમોલ પાલેકર જેવું સિમ્પલિફાઇડ ને રિસ્ટ્રેઇન્ડ વર્ઝન છે, જે એની કલાકાર તરીકેની રેન્જનો સબૂત છે. 'સૈયર મોરી રે'થી જ યુક્તિ રાંદેરિયા ઉત્તમ અભિનેત્રી રહી છે. સાસરે એડજસ્ટ થવાનો પ્રયાસ કરતી નવોઢાનું પાત્ર એણે ઉપસાવ્યું છે વાસ્તવિક રીતે. વિલનની છાંટ વિનાના અર્ચન ત્રિવેદી ને વંદના પાઠક પણ જોવાં ગમે છે, સાંભળવા પણ. દરેક પરિવારને ક્યાંક કનેક્ટ કરે એવી ફિલ્મ ! ભ્રમ કે શુભચિંતક જેવી નવી ફિલ્મોથી થ્રિલરની હવા સર્જાય છે ગુજરાતીમાં, ત્યારે ફેમિલી ફિલ્મ બનાવવી હોય તો કંઈક આવી સંવેદના જોઈએ !

(૧૪) લેટ હિમ ગો : કેવિન કોસ્નર ને ડિઆન લેનને ચમકાવતી ફિલ્મ ઇમોશન ને એક્શનનું આબાદ કોમ્બિનેશન છે. દાદા- દાદી ને પૌત્રને સામે ધાર્યા કરતાં સાવ અલગ નીકળેલી પૂત્રવધૂ અને તેનો ટિપિકલ માથાભારે પરિવાર ! આપણા માટે પણ ઇન્ટરેસ્ટિંગ પ્લોટ છે આ !

(૧૫) ડેમસેલ : પરીકથાઓમાં જુદો જ ટ્વિસ્ટ એટલે આ એન્ટરટેઇનર વિઝ્યુઅલી સ્ટ્રોંગ ને રાજકુમાર- રાજકુમારીની ખાઇ-પીને રાજ કરવાની વાતમાં અલાયદો ટ્વિસ્ટ.

(૧૬) રેનફિલ્ડ : ડ્રેક્યુલા તો આપણો ફેવરિટ. બબ્બેવાર લેખ લખ્યા છે, ને 'નોસ્ફારેટુ' જેવા જોરદાર પિક્ચરને ભારતમા સેન્સરે વાઢી નાખ્યું, છતાં પણ એના ભયાનક વાતાવરણને લીધે (ને જોની ડેપની દીકરી પણ સારી અભિનેત્રી છે એના પુરાવા માટે) જોવા જેવું છે. પણ જોડે જોડે ડ્રેક્યુલાની ઉપર જ એક્શન સાથે કોમેડીનો આ વઘાર માણવા જેવો છે. નિકોલસ કેજે વટ પાડી દીધો છે ડ્રેક્યુલા તરીકે. ફિલ્મ સુપર ફન છે.

(૧૭) ધ ગોર્જ: એપલ માટે ખાસ બનાવેલી આ ફિલ્મ પ્યોર ફિક્શન છે, છતાં રિયલ હોય એવી રીતે આકાર લે છે. સરહદના એક વિસ્તારમાં અમેરિકા ને રશિયાએ ઊંચાં ટાવર બનાવ્યાં છે, જ્યાં એકલા ડયુટી બજાવવાની છે શું કામ એવું છે ? બે પ્રતિપક્ષી સૈનિકોને પ્રેમ થઈ જાય તો ને ત્યારે ઘટનાક્રમ કેવો બદલાય છે ? સાયન્સ ફિક્શન, હોરર, વોર, એક્શન, સસ્પેન્સ, સ્પાય, રોમાન્સ, સર્વાઇવલ, એડવેન્ચર, ફેન્ટેસી, પિરિયડ કેટકેટલી જોનર આમાં સમાયેલી છે.

(૧૮) ૨૧ બ્રિજિઝ : ચાડવિક બોઝમેન વિનાની તો બ્લેક પેન્થર પણ સૂની સૂની લાગે છે. પણ કેન્સર હોવા છતાં શૂટ કરેલી આ થ્રિલરમાં પોલિસથી ભાગતા એક ગુનેગાર પર ભરોસો મૂકી જંગે ચડતા કોપનું ટાઇટ થ્રિલિંગ સ્ટોરી ટેલિંગ છે.

(૧૯) ફોટોકોપિયર : આ ઇન્ડોનેશિયન ટીન થ્રિલર શરૂઆતમાં સાવ વેરવિખેર ને કંટાળાજનક લાગશે. ધીરે ધીરે એમાં વાત ખુલશે લુચ્ચાઈપૂર્વક થતા બ્લેકમેઇલિંગની, અને સાચા હોવા છતાં ખોટા ઠેરવાઈ જાવ તો પણ ઉઠાવવી પડતી મક્કમ લડતની !

(૨૦) હાર્ડ કેન્ડી : બે જ પાત્રો. એક ૧૪ વર્ષની છોકરી ને એક આવી કચ્ચી કલિયાંને ભોળવીને લલચાવતો ત્રીસીનો યુવક. શરૂઆતમાં સેક્સી લાગતી ફિલ્મ પછી ડ્રામેટિક થ્રિલરમાં પલટાઈ જાય છે ને ઇન્ટરેસ્ટિંગ એ છે કે એક હદ પછી કોણ હીરો છે ને કોણ વિલન એ તમે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી વિચારતા રહો છો.

(૨૧) અન્ટેમ્ડ હાર્ટ : ૧૯૯૩ની ફિલ્મ છે પણ રોમાન્સ હજુ ફ્રેશ લાગે એવો છે. આવી તો હવે બહુ બનતી નથી ફિલ્મો. એક ચુલબુલી હોટલ વેઇટ્રેસ ને ત્યાં શેફના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો એકલવાયો ખામોશ છોકરો. પાંગરતા પ્રણયની તાજગી એવી ને એવી મહેકે છે એમાં. મારિસા ટોનેઈ ને ક્રિસ્ટીયન સ્લેટરની કેમિસ્ટ્રી પણ જામે છે. મોમેન્ટ ચગળ્યા કરો એવો પ્રેમ !

(૨૨) થેન્ક્સ ગિવિંગ : સ્લેશર ફિલ્મોમાં સસ્પેન્સ નવી નવાઈની નથી છતાં પણ આમાં કંઈક નવું નિકળે છે, થ્રિલ રાઇડમાં ! છેલ્લે કાતિલ કોન એ !

(૨૩) ઇન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ : આ એક બોન્ડ ફિલ્મ એવી છે, જે ઓછી જોવાઈ. એમાં આવેલા શોન કોનેરી પછીના બોન્ડ જ્યોર્જ લેઝેન્બીને લીધે પણ ના જોઈ હોય તો જોઈ કાઢવી. આ ફિલ્મમાં જ બોન્ડનો અલ્પજીવી પણ કાયમી સંસાર છે. બહુ જકડી રાખે એવો પ્લોટ સુંદરીઓનો પાલતુ બનાવતા ખલનાયકનો છે અને થ્રિલીંગ સિચ્યુએશનમાં લેઝેન્બી પણ જામે છે!

(૨૪) ફ્લેશ + બ્લડ : ડચ ફિલ્મમેકર પૉલ વર્હુવનની આ ફિલ્મ ઇરોટિક વૉર ફિલ્મ છે. લવ ટ્રાયેંગલ પણ અલગ છે. બે પુરુષમાં ગૂંચવાતી નહિ. પણ વારાફરતી બેઉની થઈ જતી સ્ત્રી અને મધ્યયુગનું કાયદા રાજ વિના છાકટું થયેલું યુરોપ. અનસેન્સર્ડ વર્ઝન હજુ પણ વિખ્યાત છે એનું !

(૨૫) બિગ બગ : એઆઇની બહુ બધી ચર્ચા છે તો આ ફિલ્મમાં ફ્રાન્સ ખાતે એક મસ્ત મજાનું ઘર બતાવ્યું છે. ઇન્ટેલીજન્ટ સ્માર્ટ હોમ, પણ એમાં વાઇરસ આવી જાય છે ને પછી શું થાય છે ? તે જોવા સાથે ટેકનોલોજી બાબતે સમજવા જેવી ફિલ્મ.

હજુ તો ઘણી ફિલ્મોની વાતો બાકી છે, પણ આટલી તો જુઓ !

ફાસ્ટ ફોરવર્ડ

'કોણે શું પહેરવું, ને શું પસંદ કરવું ને કેમ જીવવું એની ઠેકેદારીમાંથી આઝાદી એ જ ખરી સ્વાધીનતા છે, જેના માટે કલાએ લડવાનું છે.'

(ઇરાનિયન ફિલ્મ મેકર 

જાફર પનાહી)

Tags :