કટ્ટર હરીફ પણ એકબીજા માટે રડી શકે છે .
- આપણે ત્યાં જુદાં જુદાં ક્ષેત્રોના સર્જકો વચ્ચે ઇર્ષા અને તેજોદ્વેષ પ્રવર્ર્તે છે. સહકર્મચારીઓ અને પરિવારજનોમાં પણ અદેખાઈ જોઈ શકાય છે. નડાલના વિદાય સમારંભમાં સુખદ દ્રશ્ય જોવા મળ્યું
- હોરાઈઝન-ભવેન કચ્છી
- 'પુરુષ જાહેરમાં રડી શકે?' તે આપણે ત્યાં મનોવિજ્ઞાનીઓના વક્તવ્યનો વિષય છે. જ્યારે નડાલ અને ફેડરર જેવા ગ્રાન્ડ સ્લેમ હારે તો સ્વસ્થ રહે છે, પણ એકબીજાથી અળગા પડતા બાળકની જેમ જાહેરમાં રડી શકે છે
- ફેડરરની ફેરવેલ વખતે
બે ખાસ વ્યક્તિ મોજ મસ્તી અને પ્રેમની અંગત પળો માણવા માટે મળતી હોય કે અંગત પ્રશ્નોની હળવાશ સાથે ચર્ચા કરવા ત્યારે તેઓ ઇચ્છે કે તેમનાં સિવાય અન્ય કોઈ વ્યક્તિ ગમે તેટલી નજીક હોય તો પણ તેઓ જોડે સામેલ ન થાય.આથી જ અંગ્રેજીમાં કહેવત છે કે ‘Three is a crowd' એટલે કે બે ખાસ વ્યક્તિ મળે તો કંપની કહેવાય અને ત્રીજી વ્યક્તિ તેમાં આવી પડે તો તે જાણે ભીડ હોય તેવી અકળામણ આપતી હોય છે. ટેનિસ લેજેન્ડ રાફેલ નડાલે આમ તો ગત નવેમ્બરમાં નિવૃત્તિ લઈ લીધી હતી પણ ફ્રેન્ચ ઓપનના આયોજકોને ઉમદા વિચાર સ્ફૂર્યો કે ૧૪ જેટલા ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાની અસાધારણ સિદ્ધિ મેળવનાર કલે કોર્ટના કિંગ નડાલને ૨૦૨૫ની ફ્રેન્ચ ઓપનના પ્રથમ દિવસની રમત બાદ સેન્ટર કોર્ટમાં ચાહકો અને ટેનીસ જગતની હસ્તીઓ વચ્ચે ભાવભરી વિદાય આપવી.
નડાલને માટે કેટલીક સરપ્રાઈઝ રાખવામાં આવી હતી.
નડાલ હજુ સમારંભના પ્રારંભમાં સેન્ટર કોર્ટની ખીચોખીચ પ્રેક્ષક દીર્ઘા જોઈને તાળીઓના ગડગડાટ વચ્ચે ગળગળો થતો હતો ત્યાં જ તાળીઓ ગગનભેદી બની અને ટેનિસ ઇતિહાસના બે સમકાલીન લેજેન્ડ યોકોવિચ અને ફેડરરે એન્ટ્રી કરી. નડાલ 'ઓહ માય ગોડ'ની લાગણી અને અપાર ખુશી સાથે સ્તબ્ધ થઈ ગયો.
ટેનિસના ઇતિહાસમાં કદાચ આવી અઢી સદી ક્યારેય નહીં આવે જ્યારે ત્રણ લેજેન્ડ એક જ અરસામાં એક એક ગ્રાન્ડ સ્લેમ તો શું પણ એક એક પોઇન્ટ જીતવા માટે ક્લાસિક કહી શકાય તેવી હેરતઅંગેજ રમતનુ પ્રદર્શન કરતા હોય. જાણે સિતારાઓનું ધરતી પર અવતરણ થયું તેવું દ્રશ્ય હતું. અહીં three is one જેવી મિત્રતા જોઈ શકાઈ.
ટેનિસની ઓછી જાણકારી હોય તેઓને જણાવી દઈએ કે વર્ષમાં ચાર ગ્રાન્ડ સ્લેમ જુદી જુદી સરફેસ પર યોજાય છે.
યોકોવિચ કે જે હજુ નિવૃત્ત નથી થયો તેણે ૨૪ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ , નડાલે ૨૨ અને ફેડરરે ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે અને તેઓ એક જ યુગના ખેલાડીઓ રહ્યા. આમ ત્રણ લેજેન્ડના જ કુલ ૬૬ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ થયા.
નડાલના ૨૨માંથી ૧૪ ગ્રાન્ડ સ્લેમ તો ફ્રેન્ચ ઓપનના છે. ગ્રાસ અને હાર્ડ કોર્ટના નિષ્ણાત ખેલાડીઓ પણ કલે કોર્ટ પરની ફ્રેન્ચ ઓપનમાં જીતી નથી શકતા. તેના પરથી અંદાજ આવે કે નડાલના ૧૪ ફ્રેન્ચ ઓપન ટાઇટલ પછી ટેનિસના ઇતિહાસમાં બીજા નંબરે બોર્ગના છ ફ્રેન્ચ ઓપન ટાઇટલ છે તે પછી તો છેક ત્રણ ટાઇટલ જીતનારાઓની યાદી શરૂ થઈ જાય છે.નડાલના ૧૪ અને બીજા નંબર વચ્ચે આઠ અને ત્રીજા નંબર વચ્ચે ૧૧ ટાઇટલનું અંતર છે તેના કારણે નડાલને કલે કોર્ટના કિંગનુ બિરુદ મળ્યું છે.
સામાન્ય રીતે એક જ રમતના ટોચના ખેલાડીઓ વચ્ચે કે જુદા જુદા ક્ષેત્રોના સર્જકો, સાહિત્યકારો, પત્રકારો, ઓફિસના સહ કર્મચારીઓ અને પરિવારજનોમાં પણ અદેખાઈ, ઈર્ષા ભાવ, તેજોદ્વેષનું પ્રમાણ વધતું જાય છે.
રોહિત શર્મા અને કોહલી જેવા ક્રિકેટરોને તો મેદાન પર નિવૃત્તિ લેવાની તક જ આપવામાં ન આવી. એમ તો નડાલે પણ આ મેચ પછી હું નિવૃત થઈશ તેવી જાહેરાત નહોતી કરી અને એમ જ તેણે મીડિયાને જણાવી ક્ષેત્ર સંન્યાસ જાહેર કર્યો હતો આમ છતાં ટેનિસ પ્રોફેશનલ એસોસિએશન અને ફ્રેન્ચ ઓપનના આયોજકોને ઉમદા વિચાર આવ્યો કે ફ્રેન્ચ ઓપનનું ગૌરવ અને લોકપ્રિયતા વધારવામાં નડાલનું ઐતિહાસિક પ્રદાન છે તો આપણે તેને ફ્રેન્ચ ઓપનમાં જ આમંત્રણ આપીએ અને પ્રથમ રાઉન્ડના અંતે સમારંભ ગોઠવીએ.
નડાલ ,યોકોવિચ અને ફેડરર સામસામે મેચ રમતા હોય ત્યારે કેવી લડાયક રસાકસી હોય આમ છતાં બે ખેલાડીમાંથી કોઈ એક પોઇન્ટ જીતે તો સામસામે ઘુરકિયા નથી કર્યા. ટેનિસના ચાહકો જાણે છે કે ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર, સેમી કે ફાઇનલ આ ત્રણમાંથી કોઈપણ બે ખેલાડીઓ વચ્ચે હોય તો બંને ખેલાડીની પ્રતિષ્ઠા કઈ હદે હોડમાં મુકાઈ હોય. મેચ જ નહીં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ કોણ વધુ જીતે તેની સ્પર્ધા હોય ત્યારે કટ્ટરતા હોઈ શકે પણ ત્રણેય ખેલાડીઓ નવી પેઢીને કઈ રીતે 'ઓન કોર્ટ અને ઓફ ધ કોર્ટ' રીતભાત, બોડી લેન્ગવેજ અને હરીફનો આદર કરવો તે શીખવતું વર્તન કરે છે. કોઈ એક ખેલાડી પોઇન્ટ ગુમાવે તો તેનો આક્રોશ તેના પોતા સામે હોય છે. નહીં કે હરીફ ખેલાડીને માનસિક રીતે ખતમ કરવા તેની સામે ઝઘડવું અને તેને અપશબ્દો (સ્લેજિંગ) કહેવા.એટલે સુધી કે ફેડરર,નડાલ અને યોકોવિચ ત્રણમાંથી કોઈ બે વચ્ચે મેચ હોય અને એક પોઇન્ટની રસાકસી હોય અને અમ્પાયર કોઈ વખત બોલ લાઇનની બહાર કે 'ફાઉલ' કહે તો પણ ખેલાડી અમ્પાયર સામે કદાચ તનાવ બહાર કાઢતા બે શબ્દો બોલે પણ હરીફ ખેલાડી માટે તો આદર જ જાળવે.
ફેડરરે નિવૃતિ જાહેર કરી ત્યારે તે 'ફેરવેલ' વખતે અને નડાલ બાળકની જેમ રડી પડયા હતાં અને તેને આશ્વાસન આપતા ફેડરરની આંખોમાંથી પણ અશ્રુ દડી રહ્યા હતા. જાણે બાળગોઠિયા છૂટા પડતા હોય તેવું ભાવભીનું દ્રશ્ય હતું.
આપણે ત્યાં હજુ પુરુષ જાહેરમાં રડી શકે કે કેમ તે મનોવિજ્ઞાનીઓનો વક્તવ્યનો વિષય છે. પુરુષ ગમે તેવી શોકની ઘટના હોય તો પણ જાહેરમાં રડી હળવો નથી થઈ શકતો. જ્યારે રમત વિશ્વના મર્દાના રોલ એવા ફેડરર, નડાલ હવે આપણે એકબીજા સામે સાથે મેચ અને ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેનો મુકાબલો નહીં ખેલી શકીએ તેનો આઘાત અનુભવતા હજારો પ્રેક્ષકો અને વિશ્વવ્યાપી જીવંત પ્રસારણ બતાવતા કેમેરાની હાજરીની ખબર હોવા છતાં તેની લાગણીને વહેવા દે છે.
નડાલ, ફેડરર અને યોકોવિચ વચ્ચે હરીફાઈ એવી કટ્ટી હતી કે તેઓની આખી કારકિર્દી એકબીજાની સામે જીતવાના ધ્યેય સાથે જ વીતાવી. સતત એક પછી એક ટુર્નામેટ સામસામે રમવાને કારણે હરીફની જગ્યાએ એકબીજાની હાજરીથી ભલે મિત્ર ન હોય પણ હૂંફ મેળવતા.
ત્રણેય મહાન ખેલાડીઓ કહે છે કે 'અમારી જે પણ પ્રતિભા બહાર આવી તે એકબીજા પર જીતવા માટે જ શક્ય બની.
નડાલે ગયા રવિવારે ફ્રેન્ચ ઓપનના પ્રથમ દિવસની રમત બાદ વિદાય અપાઈ ત્યારે સરસ વાત કરી કે 'નવી પેઢીને આજના આ મારા વિદાય સમારંભ પરથી એક સુખદ અને પ્રેરણાદાયી મેસેજ જશે કે અમે ટેનિસ કોર્ટ પર (ફેડરર અને યોકોવિચ અને એન્ડી મરે) એક બીજાને કાંટા સમાન માનીને રમતા રહ્યા પણ હંમેશા પરસ્પર આદર જાળવ્યો છે. વિદાય સમારંભમાં પણ તમે જોયું કે અમે લાગણી સાથે ભગ્ન હૃદય રાખીને મળ્યા અને રડયા.'
યોકોવિચે પણ ભીની આંખો સાથે કહ્યું કે 'જ્યારે મેં નડાલની નિવૃત્તિના સમાચાર સાંભળ્યા ત્યારે અમુક ક્ષણો તો હું જાણે થંભી ગયો હોઉં તેમ લાગ્યું. તે પછી મને એવા વિચારો આવ્યા કે નડાલ પણ હવે નથી રમવાનો તો હું કોની સાથે રમીશ? મારી રમતમાં સતત પ્રેક્ટિસ કરવાનો કોઈની સામે જીતવાની જે પ્રેરણા મને જાણે જીવાડતી હતી તે હવે નથી રહી.'
ફ્રેન્ચ ફેડરેશન ટેનિસ કે જેઓએ નડાલ માટે આ વિદાય સમારંભ રાખેલો તેઓએ નડાલ ને અમર બનાવી દેતા નડાલની ફૂટ પ્રિન્ટ કાયમ માટે સેન્ટર કોર્ટ પર રહે તે માટે કોર્ટમાં જમીન પર એક બાજુએ ટાઇલ્સ જડી દીધી છે. ટાઇલ પર નડાલની ફૂટ પ્રિન્ટની સાથે તેને ૧૪ ફ્રેેન્ચ ઓપન જીત્યા છે એટલે અંગ્રેજીમાં ૧૪ લખેલું છે અને બાજુમાં ફ્રેેન્ચ ઓપનની ટ્રોફી દોરેલી છે.
નડાલને સરપ્રાઈઝ આપવા આ ટાઇલ માટીથી ઢાંકી દીધેલી. હવે જુઓ ફ્રેેન્ચ ટેનિસ ફેડરેશનના પ્રેસિડેન્ટ જાઈલ્સ મોરેટ્ટનની મહાનતા. તે અને ટુર્નામેન્ટ ડિરેક્ટર મોરેસ્મો નડાલને ટાઇલ નજીક લઈ ગયા.નડાલને તો ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. મોરેટ્ટને જાતે સાવરણી લીધી અને ટાઇલ પરની માટી કાઢી અને તે સાથે જ નડાલ તેની ફુટ પ્રિન્ટને કાયમી આ રીતે સ્થાન મળતા રીતસરનો રડી પડયો હતો. પણ જોવાનું એ છે કે મોરેટ્ટન કોઈ કર્મચારીને સાવરણી આપીને તે માટી ખસેડીને ફૂટ પ્રિન્ટનું અનાવરણ કરાવી શક્યા હોત પણ તેમણે તે જાતે કર્યું. તેઓએ સંસ્કાર અને સૌજન્યની પ્રતીતિ કરાવી.
..અને છેલ્લે.. નડાલ જ્યારે ટેનિસ કોર્ટમાં તેના પુત્રને તેડીને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલતો હતો તે પછી ઇન્ટરવ્યુ લેનારે પૂછયું કે 'તમે તમારા પુત્રને ટેનિસ ખેલાડી બનાવવા માંગો છો? તેના ઉત્તરમાં નડાલે કહ્યું કે 'તે અમારા જેવો નમ્ર અને સામી વ્યક્તિ પછી કટ્ટી હરીફ હોય તો પણ તેને આદર આપે તેવા સંસ્કાર ધરાવવા સાથે જો તે ટેનિસ ખેલાડી બનવા માંગતો હોય તો મને વાંધો નથી.'
નડાલ અને ફેડરર અને યોકોવિચના યુગમાં આપણે જન્મ્યા અને તેઓની રમત તેમજ અલ્ટિમેટ કક્ષાની હરીફાઈ જોવા મળી તે બદલ તેઓનો પણ આભાર. યોકોવિચ હવે આખરી શેહનશાહની જેમ રમે છે. તે ૨૫ અને વધુ ગ્રાન્ડ સ્લેમ ટુર્નોન્ટ જીતે તેવી શુભેચ્છા.