ચર્ચ, બેસિલિકા, કેથેડ્રલ, ચેપલ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- માનવધર્મમાં દરેક ધર્મનું મૂળ
ક્રિ શ્ચિયન પરંપરાનાં સ્થાપત્યો અને તેના વિકાસ અંગે જ્યારે વિચારીએ ત્યારે એક સનાતન સત્ય જરૂર નજર સમક્ષ આવે કે દરેક ધર્મ અને તેનાં સ્થાપત્યોનાં આગવાં લક્ષણો હોય છે. બન્ને વચ્ચેનાં અતૂટ બંધનો ''ધર્મ'' શબ્દનો વિશાળ અર્થ સ્થાપિત કરી તેને ''ફરજ'' રૂપે પણ ફરતો કરે છે. પ્રારંભિક શતાબ્દીઓ દરમ્યાન હાઉસ ચર્ચમાંથી જાહેર સ્થાન સમાન ચર્ચ તરફનો ઝોક વધ્યો. કોઈપણ સામાન્ય દેવળને ચર્ચ કહેવાય. આમ તો પ્રાર્થના સ્થળ ''મંદિર''નાં અનેક સમાનાર્થી શબ્દો મળે છે. હા, એ દરેકના બાંધકામની વિશિષ્ટતા મુજબ અને એના ધાર્મિક અનુસંધાન અન્વયે એ શ્રીસ્થળનું મહત્વ બદલાય, ઉપયોગમાં વિવિધતા આવે અને નવેસરથી એનું નામકરણ થાય. અલબત્ત, મુખ્ય હેતુ તો બરકરાર જ રહે. તે છે પ્રભુને પ્રાર્થના, તેની કરૂણાના પાત્ર બનવાની લાયકાત અને માનવધર્મ, ભગવાન ઈશુએ વેઠેલી વેદનાને જો કોઈ આત્મસાત્ કરી શકે, એમના મનોભાવને જો કોઈ સમજી શકે તો એ વ્યક્તિ પણ માનવતાવાદી બની શકે. જો બધા જ માર્ગ, સઘળા પંથ આ એક જ સિદ્ધાંત પર સિધાવે ત્યારે ઈશ્વર પરની શ્રદ્ધા બમણી થઈ જાય અને ઈશ્વરના આવાસોની સુવાસ ચોપાસ પ્રસરે. પ્રભુને સ્વચ્છતા અને સૌંદર્ય પ્રત્યે પક્ષપાત છે માટે એમનાં આલયો આપણે સુઘડ અને કલાત્મક બનાવીએ તો આપણે માનવીઓ પણ કૃતકૃત્ય થઈ જઈએ. સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વ સમસ્તમાં વૈવિધ્યનો પાર નથી ત્યારે ચર્ચ અને એને આનુષંગિક ખાસ પ્રકારનાં ખ્રિસ્તી આર્કિટેકચરને મળીએ ?
'પીસાનો ઢળતો મિનારો' કેથેડ્રલ જેમાં ગેલિલિયોનો સંદર્ભ
રેનેસાંના જન્મસ્થળ ફ્લોરેન્સમાં સાન્તામેરિયા કેથેડ્રલને ગોળ કમાનો છે. બે રંગના આરસપહાણ તારકંદ માર્બલ કહેવાય છે. ગૉથિક અને રેનેસાં શૈલીના સેતુ જેવા આ ચર્ચને ''ગેટસ ઑફ ધી પેરેડાઈઝ'' કહે છે. અન્ય બાપ્ટિસ્ટ કેથેડ્રલમાં બહાર ટેરાકોટા અને અંદર માર્બલનો ઉપયોગ થયો છે. મિલાનમાં ડુઓના કેથેડ્રલ અને મોનાકોમાં દરિયા કિનારે આ સ્થાપત્ય શોભે છે. લંડનના સેન્ટપૉલ કેથેડ્રલમાં શિલ્પ, કોતરણી, ચિત્રો, મોઝેક અને મોટા ગુંબજનો મોભો મળે. જૂનવાણી પારંપરિક ધર્મસ્થાનોમાં ગુંબજને બ્રહ્માંડના સંચાલક તરીકેનું માન મળે છે. કેથેડ્રલમાં સોનેરી રંગ ચડાવેલી કોતરણી, કમાનો અને રોમન પિલર્સ-ગોળ સ્તંભોનું મહત્વ છે. ઝુમ્મરોની શોભા ઈમારતનું ઘરેણું બની રહે છે. પૂર્વમાં પેગોડા આકારના ચર્ચ દેખાય, તો લાલ પથ્થરવાળા કિલ્લા જેવા બાંધકામમાં નકશીમાં વૃક્ષો, પાન અને ભૌમિતિક આકારો પણ દેખા દે. મુંબઈના અફઘાન ચર્ચના અણિયારા મિનારા દૂરથી દેખાય. ''રોમન પિલર શૈલી'' દુનિયાભરમાં પ્રચલિત થઈ. બરોક, રોકોકો, નિયોકલાસિકલ, રોમનસ્ક અને બાયઝેન્ટાઈન, ગૉથિક શૈલી ખૂબ કલાત્મક રહી. જે જર્મનીમાં પણ અસર ઝીલીને વખણાઈ. આમ તો, વિશ્વના સૌથી નાના દેશ વેટિકન સિટીનું દેવળ સેન્ટ પીટર વિશ્વનું સૌથી મોટું કેથેડ્રલ છે જ્યાં નામદાર પોપની વરણી થાય છે. આ ચર્ચને વેટિકન ''બેસિલિકા'' પણ કહે છે જ્યાં પ્રાચીન રોમન પબ્લિક હૉલ, કોર્ટ, એસેમ્બ્લી અને વિશાળ ચોગાન છે. ફરતું રોમન થાંભલિયાળું સ્ટ્રકચર છે. થાંભલાની હાર ઉપર સેવકો અને બિશપ્સનાં શિલ્પો છે. અહીં મુખ્ય ડૉમની ઉપર ભગવાન ઈશુ એમના ક્રોસ સાથે છે. ૪૪ મીટરની ઊંચાઈ અને શૈલી ગૉથિક.
ચર્ચ એટલે જાહેર સભા અને પ્રાર્થના માટેનું પવિત્ર સ્થળ
ચર્ચ સ્થાપત્યની અગણિત ખાસિયતો અંતર્ગત 'સ્ટીપલ' એટલે કે ઊભી રેખાઓવાળી રચના. સ્વર્ગ ભણી નજર જાય, આનંદ આપે અને ઊંચાઈને કારણે ગમે ત્યાંથી શોધી શકાય તેમજ નિતનવીન સ્થાપત્યગત સુધારાઓને કારણે તે સ્થળ 'લેન્ડમાર્ક' બની જાય એવું બાંધકામ. સ્ટીપલમાં જ ચર્ચબેલ હોય જે જાગૃતિનું પ્રતીક છે. 'નેવ' એટલે ચર્ચનો મધ્યભાગ. 'ચેન્સેલ' ઊંચા મંચવાળો મોખરાનો મુખ્ય ભાગ - જે સાદો હોય. 'બેપ્ટીસ્ટ્રી'નો અર્થ છે એ ધર્મના સ્વીકાર માટેની દીક્ષા - જેમાં મસ્તક પર જળાભિષેક થાય. 'આલ્ટર' એટલે ચર્ચા વિચારણા માટેનું મુખ્ય ટેબલ. 'સ્ટેઈન ગ્લાસ વિન્ડોઝ' - રંગીન કાચની બારી - જેમાંથી સૂર્યપ્રકાશ આવે. એને સ્વર્ગીય પ્રકાશ કહેવાય. આ શૈલી યુરોપ અને અમેરિકામાં આવતી-જતી રહી. 'પલ્પિટ' નામે ઊંચું પ્લેટફોર્મ હોય અને 'ક્રૉસ' - જિસરીની ક્રૂસિફાઈડ ઈમેજ ઊભી કરે. વળી, અનેક દેવળોમાં મધર મેરી નવજાત જિસસ સાથે દર્શન દે. અત્યંત વિશાળ અને પ્રથમ ચર્ચ સાંતામારિયા નામે રોમમાં બન્યું. ત્યાં જ સાંતા કોસ્ટાન્ઝાએ પણ ચોથી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યનો પરચમ લહેરાવ્યો. પાશ્ચાત્ય દેશો ઉપરાંત મધ્ય પૂર્વ અને એશિયન દેશોમાં પણ ચર્ચનો વ્યાપ વધ્યો અને તેને સ્થાનિક સ્થાપત્ય શૈલીનો સ્પર્શ પણ મળ્યો. ચર્ચાના બાહ્ય અને આંતરિક સ્વરૂપ તેમજ તેની ફરજોને કારણે તેને અન્ય નામ-ઉપનામ મળ્યા તેમજ તેની સ્થાપત્ય કળામાં પણ ફેરફારો અને સુધારા-વધારા અમલમાં આવ્યા. ગામના મુખ્ય ચર્ચને ''કેથેડ્રલ''ની ઉપાધિ અને જવાબદારી મળી જ્યાં બિશપની ગાદી પણ હોય. અમદાવાદના મિર્ઝાપુરમાં કેથેડ્રલ છે. ગોવા, યેરુશલેમને તો તીર્થસ્થળ કહેવાય છે.
પિયાત્તા = પિયાઝા = પ્લાઝા = સ્કેવર = ચોકઠું કે ચોકડી
ચર્ચ, કેથેડ્રલ અને બેસિલિકા - બધાં જ લક્ષણો ધરાવતી આ ઈમારત પંદરમી સદીમાં બંધાવાની શરૂ થઈ જેની ડિઝાઈન માઈકલ એન્જેલોએ કરી. અનેક સ્થપતિઓ અને કલાકારોએ આ પ્રકલ્પને અપનાવ્યો. લોકોની પસંદગી પ્રમાણેની સ્થાપત્ય કળાનો પ્રભાવ તેમની પ્રાર્થના અને તેના અર્થઘટન પર પણ પડે છે. સેન્ટપિટર્સ બેસિલિકામાં ત્રણ માળ સુધીના સ્તંભો ઉપરની પાળીઓ ઉપર નકશી, બન્ને ખૂણે ઘડિયાળ અને માથે કોતરણી શ્વેત-વાદળી ઝાંય સાથે રોમન શૈલીમાં ઝળહળ થાય. એને ''લાર્જ ક્રિશ્ચિયન ચર્ચ મૉડેલ'' તરીકે સન્માન મળે છે. દરેક ચર્ચનું સ્થાપત્ય રોમન મંદિરો ઉપર આધારિત હોય છે. રોમન બેસિલિકાને ઊંચાં છાપરાં અને તેની બન્ને બાજુએ ઝૂલ હોય. આ ધર્મસ્થાનોનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે એના પરિસરમાં ''ચેપલ'' હોય. જે સ્થળને મંદિરમાં ''ગર્ભગૃહ''નાં માન પાન મળે છે તે સ્થળને ચેપલ કહેવાય છે જ્યાં પ્રાર્થના, પૂજા, મીણબત્તીના પ્રકાશને કારણે ખાસ વાતાવરણ ઊભું થાય છે. એ વિશિષ્ટ વિભાગમાં શ્રદ્ધાળુઓ પોતાનું મન ઠલવીને હળવા થાય છે. ચેપલની સજાવટ ચર્ચ અનુસાર હોય અને વળી મોટાં ચર્ચ, બેસિલિકા કે કેથેડ્રલમાં એકથી વધુ ચેપલ પણ હોઈ શકે. વળી કોક ચોકઠામાં એકલ દોકલ ચેપલ પણ દેખાઈ જાય તો નવાઈ નહીં.
લસરકો
જેમ આપણે મકાનોને આકાર આપીએ છીએ તેમ મકાનો આપણને ઘડે છે.