Get The App

જીવતરની મૂલ્યવાન ૫ળોનું સરવૈયું કરવું જોઈએ

Updated: Dec 31st, 2022

GS TEAM

Google News
Google News
જીવતરની મૂલ્યવાન ૫ળોનું સરવૈયું કરવું જોઈએ 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- આપણે જીવન વેડફીએ છીએ. રૂપિયો કે ડોલર કેમ વાપરવો તેનું પ્લાનિંગ છે પણ શ્વાસ અને પળ કેમ વાપરવી તેની ખબર નથી પડતી

અ ને જીવનનું એક વધારે વર્ષ સંપન્ન થયું.  આ વરસનું આપણે શું કર્યું ? હા, ચાર્ટડ એકાઉન્ટટ  જ્યારે આપણી વરસની આવક-જાવકનો હિસાબ કરે ત્યારે તે સ્પષ્ટ હોય છે પણ આપણે નહીં. આપણી પાસે રૂપિયાની સ્પષ્ટતા છે તેટલી આ જીવતરની પળોનું સરવૈયું નથી, જીવનની પળોની આવન-જાવન સાથે આપણી પ્રાયોરીટી અને પ્રેફરન્સ પણ બદલાતા જાય છે. આપણું ઘર બળતું હોય અને સ્વયંને બચવાની કે સામાનને  બચાવવાનો  થોડો સમય મળે ત્યારે સંતાન બચાવીએ કે સોનું ?  છેલ્લી પળોમાં વસ્તુ બચાવીશું કે વ્યક્તિ ? દરેક વરસના છેલ્લા દિવસોમાં આપણે સ્વયંને  આવા પ્રશ્નો પૂછવા જોઈએ. છેલ્લા શ્વાસો વખતે વ્યક્તિ શેને મૂલ્યવાન ગણે છે, તેમાં જીવનનો સાર પણ છે, આવી એક્સરસાઈઝ આપણાં જીવનને અર્થ અને દિશા, ઊર્જા અને ગતિ આપે છે. આપણી પાસે હજારો વર્ષ છે તેમ માનીને આપણે જીવન વેડફીએ છીએ. રૂપિયો કે ડોલર કેમ વાપરવો તેનું પ્લાનિંગ છે પણ શ્વાસ અને પળ કેમ વાપરવી તેની ખબર નથી પડતી. આવો, વિશ્વ-ચેતનાનું કેન્દ્ર બની ગયેલી એવી વેદનાપૂર્ણ ઘટનાનું એક દ્રશ્ય જોઈએ...

તારીખ હતી : ૧૧. સપ્ટે. ૨૦૦૧. આ માનવી અને માનવ્ય પરના હુમલા સમી દુર્ઘટનામાં આશરે ૨૯૭૭ નિર્દોષ માનવી મૃત્યુ પામ્યા. આમાં વર્લ્ડ  ટ્રેડ સેન્ટર પર  અમેરિકન એરલાઇન્સ અને યુનાઈટેડ એરલાઇન્સ ફલાઈટસને લગભગ ૧૯ આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરીને હુમલા કરાયેલા. આ પીડાદાયક વિગતો દેવાનો આશય અહીં નથી. ખેર... આ વિમાન યાત્રીઓને જ્યારે ખ્યાલ આવ્યો કે તેમના મૃત્યુની પળો ગણાય છે ત્યારે તેમણે તેમની નજીકના લોકો સાથે મોબાઈલથી સંપર્ક કે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો. તે સંદેશ કેવા હતાં- કોને હતાં  તેની વિગતો આપણી આંખો ઊઘાડી  દે તેવી છે. આ સંદેશામાં;  મારું ઘર અને કાર, મારી સંપતિ અને લોકર્સ, મારા શેઅર્સ અને રોકાણો, મારી જમીનના દસ્તાવેજો અને લોકર્સની ચાવી ક્યાં છે તેની વિગતો નથી કહેવાણી  ... ના ! આ બધું લખવા જેટલી પળ કે શ્વાસ જ ન હતા. આ બધાએ તેમની છેલ્લી પળો અને શ્વાસોમાં બે શબ્દો કે બે લીટી લખી શક્યા, 'હું તને પ્રેમ કરું છું'. આ ત્રણ હજાર માનવીઓથી શક્ય હતું ત્યાં સુધી તેમણે અન્ય તરફ પ્રેમ વ્યક્ત કર્યો. કોઇએ 'આઈ હેટ યુ' કે 'આઈ વીલ કિલ યુ' નથી લખ્યું. આમાંથી કોઈએ જીવનની ક્ષણભંગુરતા વિશે લેખ કે પ્રવચન ન કર્યું. તે પળે મન-બુદ્ધિએ નહી માત્ર હૃદયે કામ કર્યું. જો જીવનનો પ્રથમ અને અંતિમ અર્થ કે સંદેશ પ્રેમ જ હોય તો આપણે તેને કહેવા અને જીવવા માટે છેલ્લી પળ કે શ્વાસની રાહ કેમ જોઈએ છીએ. ચાલો, આપણે સૌને કહી દઈએ : હું તને-તમને પ્રેમ કરું છું. ચીલી કવિ પાબ્લો નેરુદા કહે છે, તમારા દરેકની પીડા  મને આપી દો, હું તેને આશામાં પલ્ટી દઊં !'

Tags :