Get The App

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે

Updated: Jan 1st, 2023

GS TEAM


Google News
Google News
બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે 1 - image


- કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે, દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- વીતેલા વર્ષમાં હમણા જ જેમની શતાબ્દી ગઈ એવા સુખ્યાત ગુજરાતી શાયર શૂન્ય પાલનપુરીના રંગીન પ્રેમ અને સંગીન શૌર્યના મિજાજથી શરુ કરીએ આ 2023ની વધામણી ! 

અમ પ્રેમીઓના જીવનમાં વસી છે, 

આ સૌંદર્યસૃષ્ટિની જાહોજલાલી;

ઘટે જો ધરા તો બને દિલનો પાલવ, 

ઘટે જો ગગન તો બને નૈન-પ્યાલી.

અમે તો કવિ કાળને નાથનારા, 

અમારે તો આઠે પ્રહર છે ખુશાલી;

આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો, 

ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી.

મરણને જીવનનો ઈજારો સમર્પી, 

ફનાને અમરતાની આપી બહાલી;

સુરક્ષિત રહે એનાં સર્જન-રહસ્યો, 

એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી.

હજારો પથિક આ તિમિર-ઘેર્યા પથ પર, 

વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે;

જલાવી દે જીવન! નયન-દીપ તારાં,

બનાવી દે બળતા હૃદયને મશાલી.

કોઈના સ્મરણમાં નયનને નિચોવી, 

મેં ટપકાવી જે બૂંદ રૂપે રસેલી;

બની એ પ્રણયની અમરતાનું સ્મારક, 

લઈ તાજની સર્વ જાહોજલાલી.

તિરસ્કૃત જીવન! આ તો છે મૃત્યુ-આંગણ, 

નથી કોઈના ઘરનો ઉંબર કે ડરીએ;

ગજું શું કે બેઠા પછી કાંઈ અહીંથી 

ઉઠાડે તને કે મને હાથ ઝાલી?

મને ગર્વ છે કે આ મારી ગરીબી, 

અમીરાતની અલ્પતાઓથી  પર છે;

સિકંદરની મર્હૂમ કિસ્મતના સોગંદ, 

રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી.

તને  એકમાંથી  બહુની તમન્ના, 

બહુથી  મને એક  જોવાની ઇચ્છા;

કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, 

કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.

બધાં નામનો નાશ નક્કી છે, કિંતુ, 

અમર નામ છે 'શૂન્ય' મારું જગતમાં;

ફના થઈને પણ શૂન્ય રહેવાનો હું તો, 

નહીં થાય  મુજ નામની પાયમાલી.

ગુજરાતી ભાષાના ઇતિહાસની સુખ્યાત ગઝલોમાં એકનો સમાવેશ થાય એવી આ રચના છે શૂન્ય પાલનપુરીની. શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી વાલા સૈફ પાલનપુરી પણ અદ્ભુત શાયર પણ એ જુદા. આ શૂન્યનું મૂળ નામ અલીખાન બલોચ. ૧૯ ડિસેમ્બર ૧૯૨૨માં જન્મીને આમ અકાળ કહેવાય એમ ૬૫મા વર્ષે વિદાય લઇ ગયેલા ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ. પણ લાજવાબ કહી શકાય એવો ખજાનો મૂકી ગયા છે પાછળ. એક અલગારી મસ્તીનો મોજીલો મિજાજ હતો શૂન્યનો. સો-સો મોટીવેશન સ્પીચ કરતા વધુ હામ ભરી દે શ્વાસમાં એવો. હજાર હજાર ધાર્મિક ઉપદેશો કરતા રક્તમાં વધુ અધ્યાત્મ સીંચી દે એવો. એટલે નક્કી કર્યું કે ૨૦૨૨ના અંતિમ મહિનામાં જેમની શતાબ્દી આવી, મિર્ઝા ગાલિબના ૨૨૫ વર્ષ સાથે શૂન્ય ટટ્ટાર ઉભા છે સદી ફટકારી. બેઉ શાયર હાજરાહજૂર છે એમના શબ્દોમાં.

એટલે જ નક્કી કર્યું કે ટિપિકલ ફિલોસોફીને બદલે નવા ૨૦૨૩ને મોજ માણવા વધુ રંગીન અને પડકારો ઝીલવા વધુ સંગીન બનાવે એવી શૂન્ય સાહેબની કેટલીક જાણીતી અજાણી રચનાઓથી આવનારા સમયના વહેણમાં તરવા દમ ભરી લઈએ. જેમ કે, આરંભે મુકેલી આ જાહોજલાલી જે કવિ મોતને સંબોધી લખે છે. ભાષા સરળ છે જો તિમિર એટલે અંધારું એવા કેટલાક અર્થ ના ખબર હોય ને શોધવાની તકલીફ ઓનલાઈન ગુજરાતી લેક્સિકોન પર લઇ લો તો. અહીં સુખ ને દુ:ખ બેઉ દિવાળી હોળીનો સ્વીકાર છે અને સાથે કહેવાય છે કે કોઈ ગમતા પ્રિય સ્વજનની વિદાય બાદ જે એક આંસુ ટપક્યું હતું દિલથી, એ આખા તાજમહલથી વધુ કિમતી છે. માણસની અમીરાઈ છે એના અંતરની સંવેદના. અને એક શેર તો જગતસાહિત્યમાં અમર બની જાત અંગ્રેજીમાં હોત તો એ લેવલ સાથેનો છે.

સ એકાકી ન રમતે- એવું કહી આપણા ઋષિઓએ પરમાત્મા માટે કહ્યું કે એણે રમણ કરવા પોતાની મોજથી એકમાંથી અનેક બનાવી પોતાના અંશ રૂપે આ સંસાર બનાવ્યો. માણસ તો એમાં મોતની કઠપૂતળી બનીને જીવે છે. પણ છતાં એ બધા મોત પછી એ એક જ પરમ બ્રહ્મ કહેવાતા તેજતત્વમાં ભળી જવાના છે. કેવું રૂપક છે આ કાળની આવનજાવન માટે. કરે છે તું સુરાહી (શરાબ ભરવાનું કૂંજા જેવી ધાતુનું નકશીદાર પાત્ર) પ્યાલામાં ખાલી અને અને અમે મારીને, ફના થઈને અમારી પ્યાલી પછી ઠલવી દઈશું જ્યાંથી આવ્યા એ જ મૂળ ઈશ્વર કહેવાતા ચૈતન્યના અસ્તિત્વમાં ! અને શૂન્ય કેવી સરસ રીતે એ સમજાવી ગયા વધુ એક કૃતિમાં !

એક મયખાનું ચાલે છે આલમ મહીં  

ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે

દ્રષ્ટિવાળા ફકત પી શકે છે અહીં  

ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે.

પાપ ને પુણ્ય જેવું કશુંય નથી   

માત્ર નીતિના મૂલ્યાંકનો છે જુદા

ખૂબ સમજી લે મન તારા કર્મો થકી 

તું જ ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે.

જળની ધારા ગમે  તેવા પાષાણને  

એકધારી પડે તો જ  ભેદી  શકે

ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે   

યત્ન કર ખંતથી એ જ પયગામ છે.                      

થઈ ગયા સાચ ને જૂઠના પારખા   

મિત્ર પડખે નથી શત્રુ સામે નથી

ઓ મુસીબત અમારી સલામો તને  

આજ તારા પ્રતાપે જ આરામ છે.  

'શૂન્ય' તો એક જોગી સમો જીવ છે 

એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે

પ્રેમ નિષ્પક્ષ છે રૂપ નિર્લેપ છે  

કર્મ નિસ્વાર્થ છે ભક્તિ નિષ્કામ છે.

આખો ગીતાસાર આવી ગયો જાણે ! કોઈ દિવ્યચક્ષુથી નરસિંહ મહેતા ગાતા હોય કે સૃષ્ટિમંડાણ છે સર્વ એણી પેરે.... જોગી જોગંદરા કોક જાણે ! એમ કવિ સમજાવી દે છે કે આમ આ ભેદ બહુ સ્પેશ્યલ છે, પણ એ તો બધાને સમજાતો નથી એટલે બાકી તો આપણે બધા આ જ રહસ્ય જીવી રહ્યા છીએ ! એકધારા કર્મની હિમાયત કરતા કરતા સમજાવી દે છે કે વર્ગ ને નર્ક આપણા કર્મો અને આપણા સ્વભાવમાં છે. ક્યાંય આકાશ કે પાતાળમાં નથી. સાવ સામાન્ય માણસને મિત્રો ય ના હોય ને એની જોડે દુશ્મની કરવા જેટલી કોઈને જલન પણ ના થાય. એટલે સાધારણ હોવું એને ય આરામના આશીર્વાદ માનવા ! એક અન્ય રચનાની એક પંક્તિમાં શૂન્ય ઝીણા દેખાતા સિતારા હોવાની વાત કરી એવું લખી ગયા કે વધુ મોટા ને તેજસ્વી લાગતા સૂર્ય ચન્દ્રને ગ્રહણ હોય. પણ તારાઓને ગ્રહણ ના હોય. ક્યારેક ભવ્ય ભપકા કરતાં નાના ટમટમિયાં થવામાં ય લહેર લેવી !

એટલે શૂન્યની રચનાઓમાં ધર્મના ધંધાની ધક્કામુક્કી પર વારંવાર આકરા પ્રહારો જોવા મળે. નવા વર્ષમાં એ જ જૂની રૂઢિઓની અંધશ્રધ્ધા કોપી પેસ્ટ ના કરવી હોય, ડરપોક થવાને બદલે ખમીરવંતા થવા માટેની અસલ આસ્થા કેળવવી હોય તો આ શૂન્યની ચૂંટેલી પંક્તિઓમાંથી પસાર થાવ જરા.

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે

અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં

વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે.

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં

ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?

અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે.

નથી જોઈતી અલ્પતા  દેવગણની,  

મળી  જાયે શંકરનું ગૌરવ અમોને

એ ખાતર જીવનના બધા ઝેર સાટે 

આ બાકીનાં સઘળાં રતન વેચવા છે.

તારલા શોધી રહ્યા છે મારી આંખોનું શરણ

એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ.

પાપ  કીધાં  છે  પરંતુ  હું નહીં  શોધું  શરણ 

ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ!

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,

સર્વાંગ એ જ 'શૂન્ય' અઢારે પુરાણ છે.

હું નથી પૂછતો, ઓ સમય! કે

હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?

એટલું પ્રેમથી માત્ર કહી દે મને, 

જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, 

પ્રેમ તારો ખરેખર કસોટી જ છે

સાફ કહી દે કે રાજી તને રાખવા, 

પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, 

માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,

સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, 

વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી,

શબ્દથી વાત કેરું વતેસર થશે,

હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, 

મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, 

આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,

એક ઇશ્વરને માટે મમત કેટલો, 

એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને

લો અમે તો આ ચાલ્યા! 

જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને

લો અમે તો આ ચાલ્યા! 

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને

લો અમે તો આ ચાલ્યા! 

દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને

લો અમે તો આ ચાલ્યા! 

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને

લો અમે તો આ ચાલ્યા! 

જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને

લો અમે તો આ ચાલ્યા! 

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની

કોરડા સમય કેરા

એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને

લો અમે તો આ ચાલ્યા! 

ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી

વેલ છે કરુણાની

પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને

લો અમે તો આ ચાલ્યા! 

થાય તે કરે ઈશ્વર! ભાન થઈ ગયું અમને

આપ-મુખ્ત્યારીનું! 

દમ વિનાના શાસનની આજ્ઞાા ઉથાપીને

લો અમે તો આ ચાલ્યા! 

શૂન્યમાંથી આવ્યા'તા, શૂન્યમાં ભળી જાશું

કોણ રોકનારું છે? 

નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને 

લો અમે તો આ ચાલ્યા!

જેબ્બાત. આ છે જીવનને ઘોળી ગયેલા દિલાવરનું દિમાગ. શૂન્ય પાલનપુરી આઝાદી પહેલા પાલનપુરના નવાબની આપણા ગામનું નામ રોશન કરે એવું કોઈ નથી એ ટકોર ઝીલીને મુંબઈ ગયા. એ અગાઉ પાજોદ દરબાર રુસ્વા મઝલૂમીને ત્યાં કામ કરવા ગયા એમાં ગઝલનો છંદ (પન ઇન્ટેન્ડેડ) વળગ્યો. અમૃત ઘાયલે શૂન્ય ઉપનામ આપ્યું. ભણી તો ના શક્યા ગ્રેજ્યુએટ સુધી પણ અંગ્રેજી અને ફારસી એટલું સારું કે ઉંમર ખય્યામની અગિયારમી સદીની રૂબાઈઓ ગુજરાતીમાં લઇ આવ્યા ! આ રૂબાઈ હરિવંશરાય બચ્ચનની મધુશાલાની પ્રેરણા બની હતી. જગવિખ્યાત અને અદ્ભુત આધ્યાત્મિક દર્શન હતું એમાં જિંદગી જીવી લેવાની મસ્તી સાથે. અંગ્રેજીમાં એનો અનુવાદ ફિટઝરાલ્ડ જેવા ધુરંધરે કરેલો, પણ એના કરતા સારો ગુજરાતી અનુવાદ શૂન્યે કરેલો છે ! આજે અપ્રાપ્ય એ અનુવાદ અલાયદા લેખનો વિષય પણ છે. 

પણ એ ગુજરાતનું ઘરેણું ગણાય એવું કામ છે. 

શૂન્ય મરણપથારીએ વતન પાલનપુરમાં દીકરાને ઉધારના ૩૭ રૂપિયા પાછા મુંબઈ જઈને આપી દેવાની વાત કરે. અને આવી ઉધારી ચૂકવી ના શકતા લાજવાબ શાયર મરીઝની ગઝલો ડોક્ટર ચંદ્રશેખર ઠક્કુરે કબજે કરી, તબીબ ઉપનામ સાથે છપાવી હતી ત્યારે એ પ્રજ્ઞાાચોરીનો જાહેર વિરોધ પણ કરે ! રૂપિયા કરતા ફરવાનું વહાલું એવા શિક્ષક તરીકે પણ કામ કરી ચુકેલા શૂન્ય જીવનને માણતા હતા. એ કવિ જ એમ કહી શકે ને કે : જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો....કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો / ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો...કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો... પપ્પાની જોડે બચપણમાં એમને મળેલો ત્યારે બહુ વહાલથી માથે હાથ ફરેવી એમણે ઓટોગ્રાફ કરી આપેલા. ઈન્ટરનેટ યુગ આવ્યો એ પહેલા આપણે આ ઊંડા વહેણના મરજીવાને ગુમાવ્યો ! જે એમ પણ લખી શકે કે....

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,

મળી છે અમોને જગા મોતીઓમાં,

તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

નૌકાઓનાં નસીબ કે હમણાં છું ગેલમાં,

છંછેડશે કોઈ તો પછી ઝંઝાવાત છું.

બેરંગ થાઉં એવું નથી પોત ઓ સમય,

નીરખી લે ગર્વથી કે પટોળાંની ભાત છું.

અણુથી અલ્પ માનીને  ભલે આજે વગોવી લો

નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ  મારું

કહી  દો  સાફ  ઈશ્વરને   છંછેડે નહીં  મુજને

નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું

સાત સમંદર તરવા ચાલી, 

જ્યારે કોઇ નાવ અકેલી,

ઝંઝા બોલી 'ખમ્મા ખમ્મા'! 

હિંમત બોલી 'અલ્લા બેલી'!

કોનો સાથ જીવનમાં સારો 

'શૂન્ય' તમે પોતે જ વિચારો,

મહેનત પાછળ બે બે બાહુ,

કિસ્મત પાછળ માત્ર હથેલી!

મિત્રો હતા એ શત્રુ થયાની વધાઈ છે!

ઓ મન! ઉમંગે નાચ કે બેડી કપાઈ છે!    

મારીને ઠેકડા અમે પહોંચીશું મંઝિલે,

શક્તિ અગાધ છે, ભલે પાંખો કપાઈ છે.

ફૂલના રસથી પ્યાલા ભરિયે 

આવો જરા મન હળવું કરીયે

જ્યાં ડૂબે છે ભયથી દુનિયા  

ત્યાં તરવાની ગમ્મત કરીયે

વહાલા પણ  વેરી  થઈ બેઠાં  

દિલને  થોડું  કાઠું કરીયે

કોઈની રૂખસદ ટાણે મનવા 

આંસુ લઈ આડે ન ઊતરિયે

ગઝલ રૂપે જીવનની 

દર્દબાની લઈને આવ્યો છું,

બધા સમજી શકે એવી 

કહાની લઈને આવ્યો છું.

નજરમાં ખારની ખટકી 

રહ્યો છું ખારની પેઠે,

ગુનો બસ એ જ, 

ફૂલોની જવાની લઈને આવ્યો છું.

ઉષા-સંધ્યા ગગન પર 

એની ઈર્ષાથી જ સળગે છે,

નયનમાં એવી હું લાલી 

મઝાની લઈને આવ્યો છું

જે વિકસે માત્ર ગંગાજળ 

અને ઝમઝમના સિંચનથી,

ગઝલ રૂપે એ વેલી 

એકતાની લઈને આવ્યો છું.

અહાહા. ગુજરાત ઉપર પણ શૂન્યે આવું લખ્યું છે અને સ્ત્રીના સર્જન ઉપર પણ. આ એવા કવિ છે જેને જિંદગીની જેમ બિટવીન ધ લાઈન્સ વાંચતા શીખવું પડે. એ સરળ શબ્દોમાં ગહન ચોટ કરી દે. એક શેરમાં એમણે લખેલું કે સુખને જ બધા મૃગજળ કહીને દિલાસો આપો છો તો ક્યારેક દુખના ય મૃગજળ કેમ નથી હોતા એ ખુલાસો તો આપો ? સુખના સપના ભ્રમ ને દુ:ખ વાસ્તવિકતા એવું જીવન કેમ ? એક વાર લખ્યું કે ઓક્સિજન અલ્પ હોય તો મારે અને અતિશય હોય તો ય મારે ! કેવી સચોટ અને ઊંડી નજર ! શૂન્યના અવશેષ જોવા હોય તો કબર નહિ પણ પ્રેમીના અંતર મહીં શોધજો એવું લખતા મુલાયમ શાયર જ કહે છે કે હું આંસુ પચાવીને મોઘમ વ્યક્ત થાઉં છું ! પ્રેમમાં તો બેઉ હારવાના હોય એ જ જીત કહેવાય એ સંદેશ આપતા શાયરે લખેલું કે કોઈ પથ્થર ઉગામે તો ફૂલ ના ફેંકુ તો શું કરું ?

બસ, આ જરૂર છે આપણી કોરોના છતાં ના સુધરેલી માનવજાત ને ! હેપી ૨૦૨૩.

ફાસ્ટ ફોરવર્ડ 

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર

કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.

તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે

રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

(શીર્ષક અને આ પંક્તિથ શૂન્ય પાલનપુરી) 

Tags :