Get The App

વલ્લભભાઈનો બોરસદ નાતો ચાર દાયકા સુધી દિલધડક રહ્યો હતો

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈનો બોરસદ નાતો ચાર દાયકા સુધી દિલધડક રહ્યો હતો 1 - image

- સરદાર @150 - હસિત મહેતા

- ૧૯૦૧થી ૧૯૧૦નો વકીલાતકાળ, એ પછી ૧૯૧૦ થી ૧૯૨૦ સુધીની અમદાવાદની બેરિસ્ટરીનો કાળ, એ પછી ૧૯૨૦થી ૧૯૩૦ના ગાળે બોરસદ સત્યાગ્રહ કે મીઠાના સત્યાગ્રહે પણ વલ્લભભાઈના જીવનમાં બોરસદનું નાનકડું ક્ષેત્ર મોટેરાં પડકારોની રણભૂમિ બન્યું હતું

આ મ તો વલ્લભભાઈનો ૧૯૦૧ થી ૧૯૧૦ વચ્ચેનો સમયગાળો ચરોતરના મધ્યમકક્ષાના શહેરમાં પસાર કરેલાં વકીલાતના વર્ષોનો હતો, પણ જોગાનુજોગે એ નાતો ભવિષ્યની અનેક ચળવળો, પારિવારીક ઉથલપાથલો અને હેરતભરી ઘટનાઓ થકી બોરસદ નગર સાથે ઘણો રહ્યો છે.

આ એ જ બોરસદ હતું, જ્યાંથી ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થવાના સપના સેવતાં વલ્લભભાઈને પોતાના ગુરુબંધુની આજ્ઞાા અને ઈચ્છાને તાબે થવું પડયું હતુ, અને પોતાના પાસપોર્ટ ઉપર સરખા નામેરી વિઠ્ઠલભાઈ (વી.ઝેડ.પટેલ)ને ઈ.સ.૧૯૦૬માં ઈંગ્લેન્ડ જવા દેવાની ફનાગીરી વ્હોરવી પડી હતી.

આ એ જ બોરસદ હતું, જ્યાં પોતાના બે સંતાનો સાથેના ઘરસંસાર છતાં, વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ ગયા તેથી તેમના પત્ની દિવાળીબાને પોતાની સાથે રાખવા પડયા, અને પછી તેમાં ઉભા થયેલા ગૃહકલેશને કારણે ઈ.સ.૧૯૦૬થી ૧૯૦૮ના દોઢ વર્ષ માટે પત્ની અને બાળકોને પિયરના ગાના ગામે મોકલી દેવા પડયા. આ રીતે વલ્લભભાઈને પોતાના નવા, નાના સંતાનો અને પત્નીનો વિરહ નછૂટકે બોરસદમાં જ, મોટાભાઈના પત્નીને સાચવવા માટે, વ્હોરવો પડયો હતો.

આ એ જ બોરસદ હતું, જ્યાં ઈ.સ.૧૯૦૮માં કેળવણીના નામે સાવ ધબડકો હતો, અને તે માટે ગુજરાતના વરિ પ્રજાસેવક અંબાલાલ સાકરલાલ દેસાઈએ બોરસદ આવીને સ્થાનિકોનો ઉઘડો લીધો હતો, ત્યારે વલ્લભભાઈએ આગળ આવીને આગેવાની લીધી. પરિણામે બોરસદમાં સૌપ્રથમ વખત ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલની શરૂઆત થઈ, જેના પ્રથમ ચેરમેન વલ્લભભાઈ જ બન્યાં.

આ એ જ બોરસદ હતું, જે કોર્ટમાં વલ્લભભાઈએ ઈ.સ.૧૯૦૯માં એક ગુનેગારને બચાવવાની ઉગ્ર ઉલટતપાસ કરતાં હતા તે દરમ્યાન આવેલા પત્નીના મૃત્યુના સમાચારનો તાર ગજવે ઘાલી, એ તેજાબી ઘુંટડો-ગળી જઈ, 'શો મસ્ટ ગો ઓન' રાખી, અસહ્ય શોક ઉપર અસીલની જીતનો કર્મયોગ સવાર કર્યો હતો.

આ એ જ બોરસદ હતું, જ્યાં ઈ.સ.૧૯૨૨-૨૩ની હૈડીયાવેરા વિરુદ્ધની લડત(બોરસદ સત્યાગ્રહ)નું સુકાન સંભાળીને ગોરી સરકારને વલ્લભભાઈએ ઊંધે માથે પછાડી હતી.

આ એ જ બોરસદ હતું, જ્યાંની કોર્ટમાં વલ્લભભાઈએ કેટકેટલાં સરકારી વકીલો, અમલદારો અને મેજિસ્ટ્રેટ્સના ઘમંડ ઉતાર્યા હતા. છતાં ઈ.સ.૧૯૩૦માં એ જ કોર્ટના કઠેડામાં વલ્લભભાઈને આરોપી તરીકે ઉભા રાખીને દોષિત જાહેર કર્યા હતા અને તેમને જેલની લાંબી સજા ફટકારવામાં આવી હતી.

આ એ જ બોરસદ હતું, જ્યાં વલ્લભભાઈએ જાનની પરવા કર્યા વગર,૧૯૩૨માં, આસપાસના ૨૭ ગામડાઓમાં, ૪૫૦થી વધુ રોગીઓને ભરડામાં લીધેલા પ્લેગના સંકટમાં દિલ્લીથી દોડીને પહોંચી ગયા હતા. અહીં ખુદ પરિવારજનો પ્લેગના રોગથી ડરીને સ્વજનોને છોડી દેતાં હતા, ત્યારે વલ્લભભાઈ બોરસદવાસીઓના મસીહા બન્યા. ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે તંબુ તાણીને રહ્યાં. ગામેગામ ફર્યા. સેવા, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટેની જાગૃતિ આણી. એટલે સુધી કે તેમની આ જનસેવામાં જોડાવા ખુદ ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈ પણ બોરસદના એ કાચા તંબુમાં આવીને વલ્લભભાઈને પડખે ઉભા રહ્યાં.

આ રીતે ૧૯૦૧થી ૧૯૧૦નો વકીલાતકાળ, એ પછી ૧૯૧૦ થી ૧૯૨૦ સુધીની અમદાવાદની બેરિસ્ટરીનો કાળ, એ પછી ૧૯૨૦થી ૧૯૩૦ના ગાળે બોરસદ સત્યાગ્રહ કે મીઠાના સત્યાગ્રહે પણ વલ્લભભાઈના જીવનમાં બોરસદનું નાનકડું ક્ષેત્ર મોટેરાં પડકારોની રણભૂમિ બન્યું હતું.

વકીલ વલ્લભભાઈનો જ્યારે બોરસદ પ્રવેશ થયો ત્યારે ત્યાંની રાંક અને રખડું પ્રજામાં ચોરી, લૂંટફાટ અને બહારવટાપણાનું ખૂબ જોર હતું. આ તાલુકાની કુલ દોઢેક લાખની પ્રજામાંથી આશરે અડધી વસ્તી બારૈયા અને પાટણવાડિયા સમાજની હતી. બોરસદની પૂર્વ અને દક્ષિણ સીમ તરફના મહી નદીના બંને કાંઠાગાળે બિહામણાં અને દુર્ગમ લાગતા કોતરોમાં આ વસ્તી ભરચક હતી. જેમાં કુખ્યાત ચોર અને બહારવટિયા મહેફૂસ હતા.

પોતાને ક્ષત્રિય કે ઠાકોર તરીકે ઓળખાવવા મથતી આ કોમમાં કાળક્રમે રાજા-રજવાડાંઓની સિપાઈગીરી કે મુલકગીરીનું કામ ઓછું થઈ ગયું. પોતાના નિર્વાહનું મોટું સાધન છેક જ છીનવાઈ જતાં એ ભોળી, અભણ અને આક્રમક પ્રજા આળસું અને અફિણી બનવા લાગી. જેમની પાસે થોડીઘણી જમીનો હતી તે પણ જમીનદારો અને શાહૂકારો લૂંટવા લાગ્યા. આ રીતે ખેતી ગઈ, સિપાઈગીરી ગઈ અને પેટનો ખાડો પૂરવા માટેની મજૂરી પણ વ્યસની પ્રકૃતિને કારણે મળવી ઓછી થઈ. અહીં જે બ્રિટીશ અમલદાર આવે તે આ પ્રજાના મન અને દુઃખને સહાનુભૂતિપૂર્વક સમજવાને બદલે તેમને કચડવાની, સજા ફટકારવાની, તડીપાર કરવાની જ તરકીબો કરતાં હતાં. 

આવા વાતાવરણે વલ્લભભાઈનો બોરસદની કોર્ટમાં રીતસરનો પ્રવેશ થયો, અને પહેલે જ દિવસથી એમને માથે નિર્દોષ રીતે ગુનામાં સંડોવાયેલી પ્રજાને માટે કોર્ટખંડની રણભૂમિ ઉપર લડી લેવાની વણકહી જવાબદારી આવી પડી.