Get The App

રાજભા પટેલ : અખંડ ભારતને ઘડનાર સરદાર વલ્લભભાઈ પટેલના ઘડવૈયા

Updated: Nov 9th, 2024

GS TEAM

Google News
Google News
રાજભા પટેલ : અખંડ ભારતને ઘડનાર સરદાર વલ્લભભાઈ પટેલના ઘડવૈયા 1 - image


- સરદાર @150 - હસિત મહેતા

- ઝવેરભાઈ પટેલ ચરોતરી લેઉઆ પાટીદાર. ગામ અને સમાજમાં તેઓ રાજભા તરીકે માનમરતબો ધરાવતા. ઘરમાં એ મોટાકાકા, પરંતુ સમાજમાં રાજભાના નામે ઓળખાય. તેમને રાજભા કેમ કહેતાં, એ તો ક્યાંય નોંધાયું નથી

- પિતાજીની છત્રછાયામાં રહેતા વલ્લભભાઈ ઘણીવાર વડતાલ ચાલતા ગયેલા, નિરાહાર કરેલો, નિર્જળા એકાદશી રાખેલી. નડિયાદ કે પેટલાદની સ્કૂલમાં ચાલતા જ જતા. મોટી ઉંમરે જાહેર જીવનના કાર્યોમાં કદી આળસ નહીં કરવાની પ્રકૃતિનાં બીજ પિતાજીની આ ધર્મકર્મઠ દિનચર્યામાંથી મળે છે.

- રપ વર્ષની ઉંમરે રાજભાએ કોઈને કહ્યા વગર ઘર છોડી દીધેલું અને ત્રણ વર્ષ સુધી ઉત્તરપ્રદેશ તરફ ગયેલા, ઝાંસીની રાણીના લશ્કરમાં જોડાયેલા

અ ખંડ ભારતના ઘડવૈયાને ઘડનાર રાજભા પટેલને હજુ આપણે પૂરેપૂરા જાણવા બાકી છે. પુત્રના લક્ષણ પારણામાંથી એ જો સો ટકા સાચુ હોય તો પુત્રના લક્ષણ પિતામાંથી, એ એકસો એક ટકા સાચુ છે. મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવા સપૂતોમાં લોહીસિંચન કરનાર માતા-પિતાના ગુણગાન પણ હોવા ઘટે.

સરદાર પટેલના પિતા ઝવેરભાઈ પટેલ કરમસદના લેઉઆ પટેલ. પંજાબથી અયોઘ્યા, વાયા માળવા થઈને ગુજરાત આવેલાં પટેલો ત્યાંના લેઉ પ્રદેશથી આવ્યાં તે લેઉઆ, અને કરડ પ્રદેશથી આવ્યાં તે કડવા. વળી સૂર્યવંશી ક્ષત્રિય કુળના રાજા રામના પુત્ર લવના વંશજો એટલે લેઉઆ અને કુશના વંશજો તે કડવા. 

ઝવેરભાઈ પટેલ ચરોતરી લેઉઆ પાટીદાર. ગામ અને સમાજમાં તેઓ રાજભા તરીકે માનમરતબો ધરાવતા. ઘરમાં એ મોટાકાકા પરંતુ સમાજમાં રાજભાના નામે ઓળખાય. તેમને રાજભા કેમ કહેતાં, એ તો ક્યાંય નોંધાયું નથી, પરંતુ રાજા જેવી સેનાપતિ-સરદારી પ્રતિભા ધરાવતાં, તેથી એમને રાજભાનું સન્માનનીય સંબોધન મળ્યું હશે. 

તેઓ માલમિલકતે તો ૧૦ વીઘાં (અઢી હેક્ટર) જમીનના ધણી. ચરોતરી પાટીદારોમાં એ સામાન્ય સ્થિતિનું ઘર કહેવાય. પરંતુ પ્રકૃતિએ ન્યાયી, આખાબોલા, ધર્મપરાયણ અને સંયમિત જીવનવાળા હોવાથી ઝવેરભાઈ બુદ્ધિપ્રભાવે અને કર્મપ્રભાવે કરીને રાજભા કહેવાતાં.

આ રાજભાના કેટલાંય ગુણો, સ્વભાવ અને ટેવો સરદારમાં સીધે સીધી દેખાઈ છે. સુવાનો ખંડ હોય, લાંબી ઓસરી હોય કે મીટીંગનો રુમ, વિચારવાના કે નિર્ણયો કરવાના સમયે પાછળ બે હાથ બાંધીને આમ તેમ આંટા મારતાં બોલવું, વિચારવું, મનન કરવું, એવી ટેવની ભેટ તો વલ્લભભાઈને ઝવેરભાઈ પાસેથી જ મળેલી. કારણ કે ઝવેરભાઈ પણ સ્વામીનારાયણ મંદિરમાં માળા ફેરવતા હોય તો એક જગ્યાએ બેસે જ નહીં.

૧૯૧૪ના માર્ચ મહિનામાં, લગભગ ૮૫ વર્ષે અવસાન પામેલાં ઝવેરભાઈ ભગવાન સ્વામીનારાયણના મહાભક્ત. તેમનું ધ્યાન ખેતીમાં જોઈએ તેટલું નહોતું. ઘર કરતાં વધારે સમય મંદિરમાં હોય. આંટા મારતા જાય અને માળા ફેરવતા જાય. પાછલી અવસ્થાએ તો ઘરે રાત્રે સૂવા અને બપોરી વેળા જમવા આવે. સરદારનો જાણીતો મિતાહાર અને ભોજન સ્વાદ પ્રત્યે બેધ્યાનપણાના મૂળ પણ ઝવેરભાઈમાં જ 

રોપાયેલાં છે.

ઝવેરભાઈ વડતાલ મંદિરે ચાલતા જ જાય. પુનમ હોય કે અગિયારસ, એમણે કદી ઉપવાસ છોડયા નથી. કરમસદ પિતાજીની છત્રછાયામાં રહેતાં વલ્લભભાઈ ઘણીવાર વડતાલ ચાલતા ગયેલા, નિરાહાર કરેલો, નિર્જળા એકાદશી રાખેલી. તેઓ નડિયાદ કે પેટલાદની સ્કૂલમાં ચાલતા જ જતા. મોટી ઉંમરે જાહેર જીવનના કાર્યોમાં કદી આળસ નહીં કરવાની પ્રકૃતિના બીજ પિતાજીની આ ધર્મકર્મઠ દિનચર્યામાંથી મળે છે.

કિશોરવય સુધી સરદાર પિતાજી સાથે સ્વામીનારાયણ ધર્મસંસ્કારમાં ઓતપ્રોત હોવા છતાં, સમજણી ઉંમરે એ સંપ્રદાયની પ્રવૃત્તિઓ અને સાચા સંતોની જીવનચર્યાના તેમણે મોંફાટ વખાણ કર્યાં હોવા છતાં તેઓ કદી આ સંપ્રદાયના અંધશ્રદ્ધાળુ કે ચુસ્ત અનુયાયી થયા નથી.

ઝવેરભાઈ કડક સ્વભાવના, સ્વતંત્ર મિજાજના, કોઈની શેહશરમમાં સમાય નહીં તેવા, વાંક હોય તેને સીધા જ કડવાવેણ સંભળાવી દેનારા. સરદારના પણ આવા ગુણો જગજાહેર છે. પરંતુ ઝવેરભાઈના સંવેદનશીલ અને ન્યાયી સ્વભાવના વારસ પણ વલ્લભભાઈ થયા છે.

સરદારે હૈદરાબાદના નિઝામને શામ-દામ-દંડ-ભેદ થકી ભારતમાં ભેળવ્યાં હતાં. છતાં જ્યારે સરદારની જન્મભૂમિ નડિયાદમાં તેમના નામે સ્ત્રી-કેળવણીની સંસ્થા બની રહી હતી ત્યારે એ નિઝામે જ છેક હૈદરાબાદથી, સરદાર પ્રત્યેના પ્રેમ અને આદરને કારણે મોટી સખાવત સૌ પહેલી મોકલી હતી. કઠોર કે  આગ્રહી છતાં ન્યાયી સ્વભાવ હોય તો જ આ રીતે વિરોધી પણ શરણે આવી શકે. ગાંધી સહવાસની આ જ તો વિશેષતા છે, જે સરદારે ગાંધીગુરુપણામાંથી અપનાવી હતી, પરંતુ મેળવી તો હતી પિતા ઝવેરભાઈના સંસ્કારવારસામાંથી.

રાજભાને ઘર, પરસાળ, આંગણું એકદમ સ્વચ્છ અને સુઘડ જોઈએ, સરદાર પટેલનું પણ એવુ જ. રાજભાને જરૂર પૂરતું જોખીને બોલવા જોઈએ, સરદાર પટેલનું પણ એવુ જ. રાજભાને પોતાના શરીરને માટે ઓછું અને સમાજને માટે ઝાઝું વાપરવા જોઈએ, સરદાર પટેલનું ય એવુ જ. રાજભા ધર્મકર્મઠ, તો સરદાર દેશકર્મઠ. રાજભા ધર્મપરાયણ તો સરદાર કર્મપરાયણ. રાજભા બોલે એ પત્થરની લકીર, તો સરદારના વાણી-વર્તનમાં અડગતા. રાજભા ભરયુવાનીએ દેશની સ્વતંત્રતામાં ઝંપલાવેલું, તો સરદારે ધીક્તી વકીલાતના સમયે સ્વતંત્રતાની લડતમાં ગાંધીશરણું સ્વીકારેલું. 

એવું લખાયેલું છે કે રપ વર્ષની ઉંમરે રાજભાએ કોઈને કહ્યાં વગર ઘર છોડી દીધેલું અને ત્રણ વર્ષ સુધી ઉત્તરપ્રદેશ તરફ ગયેલાં, ઝાંસીની રાણીના લશ્કરમાં જોડાયેલાં, ૧૮૫૭ના વિપ્લવ(પ્રથમ સંગ્રામ)માં કૂદી પડેલાં, એ વચાળે ઈન્દોરના રાજા મલ્હારરાવ હોલ્કરએ કેદ કરેલાં (મલ્હારરાવ વિપ્લવમાં નહોતા જોડાયા અને અંગ્રેજોની મદદે હતા તેથી ઝવેરભાઈને ઝડપ્યાં હશે?) અને એ રાજાને શતરંજની રમતમાં કિંમતી ચાલ સૂઝાડીને જીતાડયા હોવાથી કેદમુક્ત થયેલાં. આ બધી સાંભળેલી વાતોમાંથી પુરવાર તો એટલું જ થયેલું છે કે ઝવેરભાઈ ૩ વર્ષ કરમસદ છોડીને ઉત્તરભારત તરફ રહ્યાં હતા. 

આખરની અવસ્થા સુધી રોજ સવારે એક મુઠ્ઠી કાચા ચોખા અને બાજરી ચાવી જતા આ વયોવૃદ્ધ પાટીદાર જેટલાં તંદુરસ્ત હતા, એટલા જ મક્કમ મનોબળવાળા પણ ખરાં. પંચ્યાશી વર્ષ સુધી ઊંચા અને ટટ્ટાર.  સ્વચ્છ કપડાં અને સુઘડ દેખાવ. ચરોતરી બંધ પાટલીનું ધોતિયું, પહેરણ, ખેસ અને પાઘડીનો કાયમી તથા એકસરખો પોશાક પહેરનાર રાજભા એટલે કે ઝવેરભાઈ પટેલ એટલે કે સરદાર પટેલના પિતાજી એટલે કે અખંડ ભારતના ભાગ્યવિધાતાના જનક.

Tags :