Get The App

પરી સ્કુટરના શો-રૂમે જવા નીકળી

Updated: Dec 11th, 2022

GS TEAM

Google News
Google News
પરી સ્કુટરના શો-રૂમે જવા નીકળી 1 - image

- હું, શાણી અને શકરાભાઈ -  પ્રિયદર્શી

- પોલીસને અને એની પાસે એમના કિશોરવય કરતાં ય સહેજ નાના છોકરાને જોતાં એ ગભરાઈ ગયા શું કરવું. શું કહેવું એ ય એમને સૂઝ્યું નહિ, પણ અચાનક અકસ્માત એના દીકરાએ કર્યો હતો એ જાણી ગભરાટના માર્યા એ પોલીસને જેમ તેમ બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા

- પ્રોફેસર પ્યારેલાલ, પરી અને પરીના પપ્પા સ્કૂટર ખરીદવા માટેની જાણકારી મેળવવા શો-રૂમ તરફ જતા હતા ત્યારે એક ઘટના જોઈને બધા રસ્તામાં રોકાયા

પ્રોફેસર પ્યારેલાલ વર્ષો જૂના અનુભવી શિક્ષક હતા, કેટલાંય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમનું શિક્ષણ પામ્યા હતા. એ દરમ્યાન એમનો બાળમાનસનો અભ્યાસ, બાળકનું માનસ વગેરે વિશે પણ અનુભવ જ્ઞાાન હતું.

પરીને તો એમણે એના સાવ બચપણમાં દિવ્યાંશી તરીકે નિહાળી હતી.

પરીને એમણે સ્કુટર મળી રહેશે એવું એના પપ્પા વતી આશ્વાસન આપ્યું ત્યારે ય એમના ચિત્તમાં બાળમાનસની સમસ્યાઓ અને શક્ય તે રીતે તેના ઉકેલની જાણકારી હતી એમણે પરીને સ્કુટર મળશે એવો સધિયારો આપતા પહેલાં અને એ પછી પણ ચિંતન કરી જોયું હતું.

એમણે કોઈ વિચાર પકડી લીધો હતો. પરીને ભલે સ્કુટર જોઇતું હોય, પણ એની ઉંમર જોતાં એને સ્કુટર માટે પરવાનો ના મળી શકે એવી એમની ગણતરી હતી. પરવાનો મેળવવાની ઓફિસના અધિકારીઓ સ્કુટર કે ગાડીના પરવાના માગે ત્યારે તેમની ચકાસણી કરી લેતા. એ એનું વાહન કેવું ચલાવી શકે છે એ વાહન પર કેટલો કાબુ રાખી શકે છે એની પૂરી ચકાસણી કરતા.

પરીને એમણે કસોટી માટે પ્રશ્ન પૂછી લીધો. 'બેટા, તારે સ્કુટર જોઇએ છે. તારા પપ્પા તને અપાવશે, પણ તને સ્કુટર ચલાવવાની ફાવટ તો છે ને ! તું બરાબર ગમે તેવા રસ્તા પર કે ગીર્દીમાં સ્કુટર ચલાવી શકે છે.' પરી જરા મૂંઝાઈ, પણ હિંમતપૂર્વક કહ્યું ઃ 'દાદા, મેં મારી ફ્રેન્ડનું સ્કુટર એની થોડીક હેલ્પ લઇને ચલાવી જોયું હતું. એણે સ્કુટર અંગે મને બધી રીત શીખવી છે. અને એની દેખરેખ નીચે મેં સ્કુટરને ચલાવી પણ જોયું છે.'

પરીના નાજુક પગ સ્કુટરને કેવી કીક મારી શકે તેનો તેમને પાકો અંદાજ હતો. ગમે તેમ પણ એમણે પરીને જ નિર્ણય કરવો પડે એવી 'બાજી' ગોઠવી દીધી.

પરીના ઉત્સાહનો પાર નહોતો. એણે એની ખાસ પ્રિય ફ્રેન્ડ શશિ પાસે થોડીક તાલીમ લઇ જોઈ હતી.

પ્રોફેસર પ્યારેલાલ યોજના કેવી રીતે ગોઠવવી. તેનું ગણિત વિચારી રહ્યા હતા. મનમાં અવઢવ હતી. પરીને સ્કુટર કેવી રીતે અપાવી શકાશે? એની પીછેહટ કેવી રીતે થઇ શકશે?

એમના મનમાં અજંપો પણ હતો. છતાં એમનો શકરાભાઈ પરિવાર સાથે ગાઢ નાતો શાણીબહેન પ્રત્યે મમતા, પરીની મમ્મી પ્રત્યે સ્નેહભાવ હતો.

સમય થતાં એમણે પરીના પપ્પાને સાથે રાખીને પરીની માગણીનો શો અંજામ આવશે તેનો વિચાર કરતા સ્કુટરોના વેચાણના સ્થળ પ્રતિ સ્કુટર હંકાર્યું.

પ્રોફેસર દાદા સાથે પરી આશાભેર ચાલતી હતી. એના બાળમાનસને સ્કુટર એટલે કેટકેટલી મથામણ, કેટલી સંભાળ, આવડત વગેરેના અંદાજ ક્યાંથી હોય? એણે તો બસ એની માનીતી  ફ્રેન્ડના સ્કુટર પરથી જ પોતાને પણ સ્કુટર જોઇએ તેવો મનોરથ સેવી લીધો હતો.

પરી એના પપ્પા સાથે ખુશ મિજાજમાં આનંદભેર પગ માંડતી હતી. પપ્પા અને દાદા ચિંતામગ્ન હતા.

સ્કુટર વેચાણનું સ્થાન હવે થોડું દુર હતું. ત્રણે જણાએ એ તરફ પગ માંડે ત્યાં એક મોટું ટોળું રસ્તાના વળાંક આગળ જોયું.

પ્રોફેસરને ન જાણે કેમ આ ઘટનાએ મંથનાગ્રસ્ત બનાવી દીધા. ટોળા પાસે એક પોલીસ અધિકારી કોઈ દસેક વર્ષના છોકરાને ઉભો રાખીને ઘાંટાઘાંટ કરતો હતો. છોકરો ગભરાટથી ધૂ્રસકે ધૂ્રસકે રડતો હતો. પોલીસ એનું સ્કુટર એની પાસેથી ખેંચી લઇને બાજુપર ખૂણામાં મૂકીને એની પૂછપરછ કરવા માંડી. બાજુમાં કાચનાં વાસણની રેંકડીવાળો એના માલસામાનવાળી રેંકડી સાથે સ્કુટર ભટકાયું તેનો મોટે મોટેથી વલોપાત કરતો હતો.

ટોળાને તો તમાશો હતો. છોકરો ખૂબ જ ગભરાયેલો હતો. નવાઈની વાત હતી કે એની પાસે મોબાઈલ હતો.

પોલીસે એની પાસેથી મોબાઈલ ખેંચી લીધો અને એના પપ્પાનો નંબર પૂછ્યો. છોકરો ના, ના, ના... કરતો રડારોળ કરતો થયો. કાચના વાસણની રેંકડીવાળો બહુ જ ગુસ્સામાં રોદણાં રડતો હતો.

પોલીસે એને જરા ધરપત આપી બાજુમાં ઊભો રાખ્યો, રેંકડી ખૂણામાં ધકેલી. છોકરાના પપ્પાને ફોન જોડતાં જ એ તાબડતોબ એમના સ્કુટર પર આવી પહોંચ્યા.

છોકરો પપ્પાને જોતાં જ રડારોળ કરવા માંડયો. એની હજી ક્યાં એવી ઉંમર હતી કે એ કશોક બચાવ પણ કરી શકે.

પોલીસને અને એની પાસે એમના કિશોરવય કરતાં ય સહેજ નાના છોકરાને જોતાં એ ગભરાઈ ગયા શું કરવું. શું કહેવું એ ય એમને સૂઝ્યું નહિ, પણ અચાનક અકસ્માત એના દીકરાએ કર્યો હતો એ જાણી ગભરાટના માર્યા એ પોલીસને જેમ તેમ બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા. પ્રોફેસર પ્યારેલાલ, પરીના પિતા પરીનો હાથ સજ્જડ પકડી રાખીને એ ગભરાઈ ના જાય તેની કાળજી રાખી હતી. પરી ખરેખર ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એના પપ્પાનો હાથ સજ્જડ રીતે પકડી રહી હતી.

અકસ્માત કરનારા છોકરાના પપ્પા પોલીસને અને એની પાસે ગભરાટભર્યા રડતા દીકરાને જોઇને સાવ નાસીપાસ થઇ ગયા. શુંથયું એની એમને એકદમ સૂઝ પડી નહિ. એમનું માથું ભમવા માંડયું. દીકરો એમના હાથ સજ્જડ પકડી રાખી રડતો હતો.

પોલીસે આ 'ગુનેગારો'ને બાજુ પર લીધા. છોકરાના પપ્પાને તરડાકીભર્યા સવાલ કરવા માંડયા. 'આ તમારો દીકરો છે ?'

'હા...જી' માંડ માંડ ગભરાયેલો અવાજ એમના મોઢામાંથી નીકળ્યો. તમારા દીકરાએ સ્કુટર ગમે તેમ હંકારીને મોટો અકસ્માત સર્જ્યો છે. છોકરાનું સ્કુટરનું લાયસન્સ ક્યાં છે ?

છોકરાના પપ્પા ગેં ગેં ફેં ફેં કરવા માંડયા. પોલીસે જરા કડકાઈથી પૂછ્યું ઃ 'છોકરાના સ્કુટરનું લાયસન્સ ક્યાં છે ?' ગભરાયેલા પપ્પા રોતલ અવાજે બોલ્યા ઃ 'સાહેબ ! એનું લાયસન્સ નથી' 'એ વગર લાયસન્સે સ્કુટર ચલાવતો હતો ?'

તમારું લાયસન્સ લાવો. પોલીસે એમનું લાયસન્સ જપ્ત કરી લીધું.

Tags :